(સપ્ટેમ્બરથી આગળ…)

   ભાગ – ૨ 

સાહસયાત્રાઓ

  રમતનું મેદાન

મારા પોતાના ભૂતકાળથી પ્રેરિત અને ભવિષ્યથી ખેંચાઈને હું અંધકારની શોધમાં નીકળી પડ્યો. ઉત્તેજના, જિજ્ઞાસા અને આશાની સંગાથે હું ચાલી નીકળ્યો. કઈ ચીજથી હું દૂર ભાગતો હતો કે કઈ ચીજની તરફ જતો હતો, એની મને ખબર ન હતી. હું ક્યાં જઈ રહ્યો હતો એની ખબર ન હતી. માત્ર મારું શરીર મારા મસ્તકનું અનુસરણ કરતું હતું. મારી પાંખો સ્વમેળે વીંઝાતી હતી. એ વખતે મારા મનમાં આ જ વાત હતી કે મારે હંસ મહારાજનું કહેવું માનવું છે; એ સમજવા માટે કે હું જે છું – દેખાઉં છું એના કરતાં કંઈક વધુ છું.

આમ છતાં પણ ક્યારેક ક્યારેક મનમાં સંદેહ ઊઠતો અને મારી જાતને શાંત કરવા પ્રયત્ન કરતો.

ક્યાં હાલ્યા ભાઈ ? તમારો વડ તો મજાની જગ્યા હતી. સુરક્ષિતતામાંથી અસુરક્ષિતતા તરફ શા માટે જાઓ છો ?

છાનામાના ઊડતા રહો. હંસ મહારાજે કહ્યું તે કરો. જિંદગીભર તમે પોતાની મરજી મુજબ જ કરતા રહ્યા છો, હવે એકવાર મોટેરાંનું પણ સાંભળો. હવે કંઈ તમે નાના કીકલા નથી કે તેની ચતુર માતાએ આંબલીની બરણી પહેલેથી લઈ લીધી હોય એ જ સ્થળે અંધારામાં જ તમે એને શોધતા હો. હોલાની જેમ શ્રીમાન હંસ પણ ગાંડા હશે કે કેમ એ તમે કેવી રીતે જાણો ?

કદાચ હોય પણ ખરા. પણ મને એ જાણવા થોડી મહેનત કરવા દો. એવું પણ બની શકે કે તમે મૃગજળ પાછળ દોડી રહ્યા છો.

પક્ષીઓનો પીછો કરવો એના કરતાં તો આ સારું. તમને એમાંથી કંઈ નહિ મળે, આમેય મને શું મળતું હતું? રસ્તામાં અડચણો ઊભી કરનાર એવી આ બધી વાતો હતી છતાં મેં મારું ઊડવાનું ચાલુ રાખ્યું. ઝડપથી હું મારી જાણીતી દુનિયાથી દૂર જવા લાગ્યો. અહીં પણ મારું પોતાનું કોઈ ન હતું, એમ પણ કહી શકો કે આખી દુનિયા મારી પોતાની હતી. મારા માટે મિત્ર બનાવવા, અનુભવવું, શોધવું સરળ હતું. શીખવા-જાણવાનો કદાચ આ આદર્શ ઉપાય કે પથ હતો.

ઊડતાં ઊડતાં મેં એક મેદાનમાં ઘણાં બાળકોને ફૂટબોલ રમતાં જોયાં. ઘણાં મોટેરાં વચ્ચે દખલ કર્યા વિના એમને દૂરથી જોતાં હતાં. હું પણ એ વૃક્ષ પર બેસીને એમને જોવા લાગ્યો. મને સમજાયું કે આ રમત દરમ્યાન દડો હાથને ન અડવો જોઈએ. ચારે તરફ ઉત્તેજના હતી. અચાનક દેકારો થયો – ‘ફાઉલ ફાઉલ’ ‘ફાઉલ શા માટે ?’

‘કારણ કે હવે પછી પગથી દડાને અડવું એ ફાઉલ ગણાતું. કેવળ હાથથી જ દડાને સ્પર્શી શકાય. હવે અમને દડો આપો.’

‘એટલે તમે શું કહેવા માગો છો ? તમને રમતાના નિયમો બદલવાની અનુમતિ કોને આપી ?’

‘જો ભાઈ, જો તમને અમારા નિયમ પસંદ ન હોય તો તમે આ રમત છોડીને જઈ શકો છો. હંમેશાં એના એ જૂના નિયમોથી રમવામાં શી મજા ? જો તમારે અમારી સાથે રમવું હોય તો તમારે અમારી વાત માનવી પડશે.’

‘આ તો ખોટું કહેવાય.’

‘એમાં વળી ખોટું શું ? અમને જ્યારે ઠીક લાગે અને સાચું લાગે ત્યારે મને નિયમ બદલીએ છીએ.’

‘પરંતુ વિજેતાની પસંદગી કરવા માટે કોઈ સરળ એવો નિયમ શા માટે નથી રાખતા ? હવે આપણે પહેલાં પણ નિયમ બદલતા આવ્યા છીએ, તો એકવાર ફરીથી એને બદલી શકાય છે.’

‘બદલીને કયો નિયમ રાખશો ?’

‘ચાલો, જોઈએ. જે પીટશે એ જીતશે.’

‘હું સ્થિતિને સમજું તે પહેલાં જ મારપીટ શરૂ થઈ ગઈ. હવે બધાના હાથ ચાલતા હતા. દડાને બદલે હવે એકબીજાનાં શરીર લક્ષ્ય બની ગયાં.’

‘આ ફાઉલ છે !’

‘આ ફાઉલ વળી શું છે ?’

‘તમે પગનો ઉપયોગ કર્યો છે અને થૂક્યા પણ છો ખરા, એમ કેમ ?’

‘આ તો મુક્ત લડત-રમત છે, મૂર્ખા. એ આ લે બીજો.’ તડાક દઈને બીજી લાત મારે છે.

અરે, હું અહીં ક્યાં આવી પહોંચ્યો. વડલા પર અમે કાયદા કાનૂન પાળતાં. શિસ્તબદ્ધ હતાં. અમારે ત્યાં મનની મરજી પ્રમાણે નિયમ બદલી શકાતા નહીં. અરે, કાગડાઓ પણ મિત્રતા અને ઝઘડાના નિયમો પાળતા. અરે ! હું અહીં ક્યાં આવી પહોંચ્યો ? મોટેરાઓ અને વૃદ્ધો વચ્ચે આવીને બચાવ કેમ નથી કરતા ? વડલા પર જ્યારે ક્યારેય ઝઘડો શરૂ થતો ત્યારે સમજદાર વ્યક્તિઓ વચ્ચે પડીને સમાધાન કરાવતા. એવું લાગે છે કે અહીંના વૃદ્ધોમાં આવી સમજ જ નથી. કદાચ એવું હોઈ શકે કે તેઓ આવા જ વાતાવરણમાં જન્મ્યા હોય અને એમને આ બધું સામાન્ય અને સ્વભાવિક લાગતું હશે. કદાચ તેવો એમ માનતા હશે કે સફળ થવા માટે પોતાની જાતને આવા જ વાતાવરણમાં ઢાળવી જોઈએ.

ઘણા સમય પછી મારી બીજી રોમાંચક યાત્રાઓ દરમિયાન મેં જાણ્યું કે રમતમાં નિયમો સદા બદલાતા રહે છે. ક્ષમતાની સામે સૌએ બદલાવું પડે છે. બધી જગ્યાએ મારે જ બદલાવું પડ્યું. એનાથી વધારે ખરાબ દશા તો એ છે કે મારે પોતાને પોતાનો જીવ બચાવવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવું પડ્યું હતું. વખત ઓછો છે. બાકીની વાતો પછી કરીશું. હું ત્યાંથી નીકળવાનો હતો ત્યાં તો કોઈકે મને જોઈ લીધો.

‘જુઓ, આ પૂંછડિયાને ! રમત રોકો, આવો આપણે આ લાંબી ચાંચવાળાને પકડીએ અને એનું એક એક પીંછું ઈનામરૂપે મેળવીએ.’

ટોળું એકઠું થઈ ગયું. ઘરડાં, મોટેરાં પણ ભેગાં. એમની આ એકતા જોઈને મને એવું લાગતું જ ન હતું કે તેઓ થોડીવાર પહેલાં ઝઘડતાં હતાં. બીજાંને દુ :ખ દેતી વખતે એમના કાયદા બદલતા ન હતા. દરેક દિશાએથી મારા પર આક્રમણ થયું. ઊંચે ન ઊડી શકવાથી મારી પોતાની જાતને બચાવવાનો ઉપાય શોધવાનો હતો. પેલા અવાજ મારો પીછો કરી રહ્યા હતા.

‘એય લીલિયા ! અમને તારી પાંખ દઈ દે. આપી દેને ભાઈ !’ આ માથા ફરેલ બાળકોનો અવાજ સમડી કે ગીધડાંના અવાજ કરતાં વધારે ભયંકર હતો.

‘ચાલો, એને જાળમાં પકડીએ. ઘણો ચાલાક છે. આપણી રમત દરમિયાન એ આપણી વાહ વાહ કરશે.’

‘આ પક્ષી સ્વાર્થી છે. એણે પોતે જ આપણા સમૂહમાં જોડાઈ જવું જોઈએ.’

‘કડવો હોય કે મીઠો, ચાલો, આપણે આ પોપટનો સ્વાદ ચાખીએ.’

એમને કોઈ કાયદા-નિયમ ન હતા. તે મન ફાવે તેમ કરી શકે તેવા હતા. હવે મારે વિચારવા જેવું કંઈ રહ્યું ન હતું. મારે ઝડપથી કંઈક કરવું પડે તેમ હતું. ઉપરથી જાળ આવી અને મારા ભાગી છૂટવાના રસ્તા બંધ થયા. મેં એક યુક્તિ અજમાવી. હું જમીન પર આવી ગયો, ત્યાં પડ્યો રહ્યો કે જેથી એ બધાને એમ લાગે કે આ થાકી ગયો છે અને મારી પાસે નાસી છૂટવાનો કોઈ આરો ઓવારો નથી.

‘પકડી પાડ્યો !’ ચારે તરફથી આવા અવાજ આવતા હતા.

મેં મારી આખો બંધ કરી અને મને જ્યારે લાગ્યું કે ટોળાનું પૂરે પૂરું ધ્યાન મારી નજીક પહોંચવાની તૈયારીમાં છે ત્યારે મેં આસમાન તરફ એક ઉડ્ડયન માર્યું. જાળને હટાવી દીધી હતી, નિયમ અને કાનૂનનો અભાવ મને ફળ્યો.

‘પકડો, પકડો, આ ચાલબાજને પકડો !’ એમ બરાડા પાડતા, પથ્થર મારતા તેઓ મારી પાછળ થોડીવાર સુધી ભાગતા રહ્યા. પથરા તો લાગતાં લાગતાં હું મારી જાતને બચાવી શક્યો. અને હું આમ ત્યાંથી મારી જાતને બચાવીને નીકળી ગયો.’ પોતાની જિંદગી બચાવતાં બચાવતાં હું ભાગ્યો પણ, દિશાહીન.

કામિલ-મીઠી છરી

નવી જિંદગીનો પ્રારંભ કેવો ભયંકર હતો! મને નિરાશાએ ઘેરી લીધો કારણ કે મેં ક્યાં ભૂલ કરી તેનો મને ખ્યાલ ન આવ્યો. જો આવનાર સમયની આવી જ તસ્વીર હોય તો જિંદગીમાં ઘણી મોટી મુશ્કેલીઓ આવવાની જ હતી. મારે ઊડવા સિવાય કોઈ ઉપાય કે વિકલ્પ કયો હતો! નિયમોનું પાલન કરતાં, ધમપછાડા કરતાં બાળકો મારો પીછો કરી રહ્યાં હતાં. મારી આગળ હતી અનિશ્ચિતતા. બસ, હું ઊડતો જ રહ્યો.

દૂર ક્ષિતિજે એક ઊંચો પહાડ નજરે ચડ્યો. મેં આટલી વિશાળ અને મોટી ચીજ આ પહેલાં કયારેય જોઈ ન હતી. હું તેની પાસેથી પસાર થવામાં કે તેને ઊડીને પાર કરવામાં શક્તિમાન ન હતો. આવા કપરા કાર્ય માટે મારી પાંખો ઘણી કોમળ હતી. બીજાં શક્તિશાળી પક્ષીઓની જેમ પોપટ ઊંચું અને થકવી દેતું ઉડ્ડયન કરી શકતા નથી. પહાડની નજીક જતાં મેં એક નાનું એવું બાકોરું જોયું. બાકોરું એટલું નાનું હતું કે એમાંથી નીકળવા માટે થોડું સંકોચાવું પડ્યું. એને લીધે મારું શરીર છોલાણું. મારો ડર કેવી રીતે દૂર થયો અને હું એ અંધકારવાળા સાંકડા બાકોરામાં કેવી રીતે ઘૂસી ગયો, તેની મને નવાઈ લાગે છે. આવું જોખમ તો કોઈ પાગલ કે મૂરખ જ વહોરી લે. કદાચ હું પાગલ અને મૂરખ બન્ને હતો.

આ બાકોરામાંથી બહાર નીકળતાં જ મારી સામે એક નવી દુનિયા આવીને ઊભી રહી. અને જો મને એવો ખ્યાલ હોય કે બીજી બાજુએ મારા માટે આ શું છે અને કેવી દુનિયા છે તો કદાચ હું એ બાકોરામાં ઘૂસત જ નહીં. અને પછી મારી પાસે વર્ણવવા જેવી કોઈ અસાધારણ વાર્તા પણ ન હોત. હું સૌંદર્યના દેશમાં પહોંચી ગયો હતો, વાસ્તવમાં ખરેખર ખૂબ સુંદર દેશમાં. એનાથી વધારે સુંદર દેશ હોવાથી મારા માટે કોઈ ફરક પડવાનો ન હતો. અને ઓછો સુંદર હોય તો એના સૌંદર્યમાં કોઈ ઊણપ આવે તેમ ન હતી. આ પ્રદેશ તો જાણે કે સુંદર મજાની કવિતા જેવો હતો. અચાનક મારું ધ્યાન મારી હાલત પર ગયું. અને મને મારી જાત પર, મારા એ વડલા પર કે જ્યાં મારો જન્મ થયો હતો. એ બધાં માટે મેં શરમ અનુભવી. મને એવું લાગ્યું કે હું આ સ્થળનો નથી.

હવામાં સંગીત ગુંજવા લાગ્યું. અરે, ફૂલો, પાંદડાંના શ્વાસમાંથી પણ એ સંગીત રેલાવા લાગ્યું. મને એવું લાગ્યું જાણે કે વાતાવરણમાં ધીમે ધીમે માદક ઘંટડીઓ વાગતી ન હોય ! જે લોકોએ જિંદગીમાં ક્યારેય દુ :ખ ન જોયું હોય એવા લોકોનું હાસ્ય આજુબાજુ ધ્વનિત થવા લાગ્યું. અમે પક્ષીઓ અમારા પોતાના અવાજ માટે ઓળખાઈએ છીએ. એમાં કાન ફાડે તેવા ક્રાંઉં ક્રાંઉ અને કૂઉ કૂઉ સુધીના અવાજ હોય છે. પણ મને જે અવાજ હમણા સંભળાતો હતો તેવો તો મેં ક્યારેય સાંભળ્યો – અનુભવ્યો નથી. હું મારી જાતને તરોતાજા તણાવમુક્ત અને શક્તિસંપન્ન અનુભવતો હતો.

મને એક ઝોકું આવી ગયું. એટલામાં મને કોઈનાં પગલાંનો અવાજ સંભળાયો. આ અવાજ પણ ગુલાબની પાંખડીઓ લીલાછમ કોમળ ઘાસ પર પડે એના કરતાંય હળવો હતો. જાણે ત્યાંનો કોઈ નિવાસી મારી પાસે આવ્યો હોય તેમ કોઈકની સુંદર મજાની ઉપસ્થિતિ થઈ.

સૌંદર્યની પ્રતિમૂર્તિને હું એકીટસે જોઈ રહ્યો. તે મરકલડું કરતાં કરતાં મારી પાસે આવ્યો. હું કોણ છું, એવું મને પૂછ્યું. મારા હૃદયના થડકારાને સમાવીને મેં ‘ટિયા’ પોપટના રૂપે મારો પરિચય આપ્યો. એમણે પોતાનો પરિચય ‘કામિલ’ના રૂપે આપ્યો.

મેં હિંમત કરીને પૂછ્યું, ‘શ્રીમાન, આ કયું સ્થાન છે? શું આપ અહીંના રાજા છો ?’

‘ના, મારા ભાઈ, હું રાજા નથી. અહીં બીજું કોઈ પણ રાજા નથી. અહીં બધાં સમાન છે.’ આ ભૂમિ કામિલભૂમિના નામે જાણીતી છે.’ એમનો મીઠો-મધુરો અવાજ એટલો નશીલો હતો કે હું જાણે કે મદહોશ-મદમત્ત બની ગયો.

અહીં સદાને માટે રહી શકું તેવું મજાનું આ સ્થળ હતું. આ ધરતીનો આનંદ માણવા એક જીવન ઘણું ઓછું પડે તેમ હતું. મેં તરત જ અહીં રહેવા માટે તેમને પૂછ્યંુ. એ માટે કામિલ રાજી રાજી થઈ ગયો. પછી એમણે કહ્યું કે કામિલ લોકોમાં સામેલ થવા માટે કોઈ બંધન નથી. વાસ્તવમાં મોટેભાગે લોકો અહીં રહેવા આવતાં નથી. આવું કેમ હશે ? એવું નવાઈ સાથે મેં વિચાર્યું. બાકીની દુનિયાના લોકો માટે મને અફસોસ થયો કારણ કે તેઓ શું ગુમાવે છે, એનો એમને ખ્યાલ ન હતો. (ક્રમશ 🙂

Total Views: 387

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.