(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા)
(ગયા અંકમાં ટિયાની હંસજી મહારાજ સાથેની યાત્રા અને સ્ફટિક પિંજર વિશે વાંચ્યું, હવે આગળ…)
ગધ્ધા પચ્ચીશી
‘એક ગધેડાની જિંદગીમાં છે શું? એક ગધેડાની જિંદગીમાં વળી હોય શું?’ જે ફાર્મ પર અમે પહોંચ્યા ત્યાં એક ગધેડો ડોલતી ચાલ ચાલતાં ચાલતાં સ્વગત આ શબ્દો બડબડતો હતો. ગધેડા એ ખાસ જાતિના છે. એને નાકમાં નાથ નાખીને ચલાવી શકાતા નથી અને ગળામાં દોરડું બાંધીને ખેંચીને લઈ જઈ શકાતા નથી. એને તો કેવળ ડફણાંથી જ હાંકી શકાય. નહીં તો પછી તેઓ પોતાના ખ્યાલ પ્રમાણે જ હલતા અને હાલતા રહે છે. એમનું અડિયલપણું કેવળ એમની બેવકૂફી સામે જ ટક્કર લઈ શકે.
જે ગધેડાને અમે નીચે જોયો તે જરા જુસ્સામાં હતો. વાસ્તવિક રીતે એ સ્થળનાં બધાં ગધેડાં એવા જ જુસ્સામાં દેખાતાં હતાં. કોઈ ખાસ કારણ વિના તેઓ ચારે તરફ ભાગતાં હતાં. લાત ઉલાળતાં ખદડૂક ચાલે ચાલતાં હતાં અને દોડતાં પણ હતાં.
એમને જોઈને મને બહુ મજા આવતી હતી. દોડતાં દોડતાં જ્યારે કોઈ ગધેડું ઘાસ ખાવા જતું, ત્યારે એમની પાસે એટલો જ વખત હતો કે બીજીવાર દોડતાં પહેલાં તે મોં ભરીને ખાઈ શકતું. વળી બીજો ગધેડો પાણી પીવા જતો તો તે એક ઘૂંટ પીઈ શકતો. બસ, કામ, કામ અને કામ જ. કામમાં તો એવા મંડ્યા રહેતાંર કે જાણે એમની પૂંછડીએ ભમરાનું ઝૂંડ ન લાગ્યું હોય!
‘ગધેડાના જીવનમાં છે શું? આપણે ગધેડાથી ચડિયાતા છીએ,’ એ સાબિત કરીશું. અને તે જ વૈશાખનંદન-ગધેડો ફરીથી ભૂંક્યો. એણે મને ત્યાં જોઈ લીધો હતો અને મને સંબોધીને જ એ કહી રહ્યો હતો. મજાની વાત તો એ છે કે પોતાની વાત કહેતી વખતે પણ તે એ ઝાડની ચારેતરફ દોડતો હતો. ત્યાં હું આળસમાં બેઠો હતો.
‘અરે ભાઈ ઘોઘા! તમે તો કેવા છો? આમ નિરાંતે બેઠા છો અને કંઈ કરતાય નથી! જવાબેય દેતા નથી!’
એને મારી જિંદગી વિશે કઈ જાણકારી હતી? મારા પોતાના દિવસોમાં હું કેટલો કામમાં રહેતો, મારા વાતોડિયાપણાની તો વાત જ ના કરો અને વિચારવામાંય કેટલો મગ્ન રહેતો? એની એને કેવી રીતે ખબર પડી? શું મેં વડલા પર કોઈ વિષય પર કલાકો સુધી બોલવાનું ઈનામ મેળવ્યું ન હતું? અને એ પણ એ દિવસો કે જ્યારે હું સાવ નાનો હતો. ત્યાર પછી કોયલે મને વાગ્યુદ્ધમાં દગો કરીને હરાવ્યો હતો. શું હું મારા વડલા પરનાં પક્ષીઓનાં કેટલાંય આંદોલનો, સંસ્થાઓ, ગોષ્ઠિઓનો સભ્ય અને પ્રમુખ ન હતો? ગધેડો પોતાની આખી જિંદગીમાં જેટલું મેળવી શકે એના કરતાં મેં કેટલાય પ્રમાણમાં વધારે સિદ્ધિઓ મેળવીને પછી એને ત્યજી પણ દીધી છે. હું આ મૂર્ખ ગધેડાને એ બધું બતાવી શકું તેમ હતો, પણ હવે શાંત રહેવાનો વખત આવી ગયો હતો. બેટા ગધ્ધા, આવજે! તું મારી પાસે કોઈ કામ નહીં કરાવી શકે. અરે, મારા મોંમાંથી જવાબેય નહીં કઢાવી શકે, આમ હું મનમાં ને મનમાં બબડ્યો.
ગધેડાએ થોડીવાર માટે દોડવાનું બંધ કર્યું. શું એ મનની વાત જાણી લેતો હતો? કે પછી હવે આગળ શું કહેવું, એમ વિચારતો હતો? ગમે તે કારણ હોય, પણ એ વધારે સમય ખુશ ન રહી શક્યો. કારણ કે, દૂરથી ભૂંકવાનો અવાજ આવ્યો.
હમસફર! હમસાથી! હમદિલ! તમે કેમ સ્થિર ઊભા છો? શું દુનિયાને પોતાની કાબેલિયત દેખાડવી એ આપણો હેતુ નથી? શું આપણે એ સાબિત નથી કરવું કે ગઘેડાં પણ બીજાની જેમ કામ કરીને મહાન બની શકે છે? ઢગલાબંધ કામ પડ્યાં છે અને તમે આરામ કરો છો? શું તમે મેદાનનાં સો ચક્કર લગાડવાનું કામ કરી લીધું છે? શું તમે પાછલે પગે છલાંગ લગાડવાનું ચક્કર પૂરું કરી લીધું છે? શું તમે હજાર ગડથોલિયાં ખાધાં છ? શું તમે…?
હજુ તો પેલા શબ્દો પૂરા થાય એ પહેલાં જ આ ગધેડાએ એક વાર ફરીથી દોડવાનું શરૂ કર્યું. શરમ સાથે તેણે કહ્યું, ‘મને માફ કરો, અરે મારા સાથીઓ ઝાડ ઉપર બેઠેલા એક બેકાર પક્ષીને કારણે હું બેધ્યાન બની ગયો. હું મૂર્ખની જેમ એને મદદ કરવા ઇચ્છતો હતો, જેથી એ પણ આપણી જેમ સફળતા મેળવી શકે. મને આપણાં શહેર, જાતિ અને દેશ પ્રત્યે પોતાનાં કર્તવ્યો અને જવાબદારીનો ખ્યાલ છે. મારા ભાગે આવતી દોડ અને કૂદકા મારવાનું અને ઊભે પગે ભાગવાનું કામ હું ઘણા જ ઉત્સાહથી કરું છું. દુનિયાને અમે એ બતાવી દઈશું કે અમે ગધેડાં માત્ર ગધેડાં જ નથી હોતાં, પણ ગધેડાંથી પણ ચડિયાતા છીએ.’
હંસજીએ મને કાનમાં કહ્યું, ‘જો તું પોતાની વાતને પ્રમાણિત કરવા માટે લગાતાર કૂદવા અને ઊભે પગે દોડવા ન ઇચ્છતો હો તો મારી સાથે આવ.’ મને વધારે સમજાવવાની જરૂર ન હતી.
છાયા-પકડ
‘શું તું તારા પોતાના પડછાયાને પકડી શકી ‘અ’ બહેન ? ’
‘નહીં ‘બ’ બહેન, એ માટે હજી હું પ્રયત્ન કરી રહી છું. ક્યાં સુધી એ મારાથી બચીને રહેશે? ક્યારેક ને ક્યારેક તો હું એને પકડી પાડીશ અને તમારી વળી શી દશા છે, તમે તમારા પડછાયાને પકડ્યો?’
‘બહેન, બાકી જગ્યાએ છે તેમ મારી પણ એ જ દશા છે. પ્રયાસ કરું છું પણ તેં કહ્યું તેમ હું પણ ક્યારેક ને ક્યારેક એને પકડી લઈશ ખરી.’
‘જે લોકો આવી રીતે વાત કરતા હતા, એમનો રંગ ગૌર અને ગાલ ગુલાબી હતો. તેઓ પ્રામાણિક અને ખૂબસૂરત દેખાતા હતા. સાથે ને સાથે થોડા ઉદાસ પણ ખરા. પેલા દુ :ખીરામના જેટલા નહિ પણ લગભગ એવા તો ખરા. મેં વિચાર્યું કે કદાચ એમને કોઈક વાત કોરી ખાય છે. મારી શંકાને દૂર કરવા મેં હંસજીને એ વિશે પૂછ્યું.
‘આપણે છાયાપકડુના દેશમાં છીએ. અહીં સૂર્ય ઘણા ઓછા સમય સુધી જ નીકળે છે. એ દરમિયાન આ લોકો પોતાના પડછાયાને જુએ છે અને ચાલીને કે છલાંગ મારીને પણ પોતાના પડછાયાને પકડવા ઇચ્છે છે. એ વાત તો જાહેર છે કે તેઓ પોતાના પ્રયાસમાં સફળ થતા નથી અને વળી પોતાના ભાગ્યને દોષ દેતાં અને મળતી અસફળતાઓ પર રોદણાં રોતાં અંધારામાં કલાકો વિતાવી દે છે.’
મેં હંસજીને જરા ધીરેથી કહ્યું, ‘આપણે આ કેવી જગ્યાએ આવી પહોંચ્યા છીએ?’
ખૂબસૂરત ‘બ’એ કહ્યું, ‘સાંભળ સખી ‘અ’, મેં મારાં માતપિતા અને દાદાદાદી પાસેથી સાંભળ્યું છે કે જે પોતાનો પડછાયો પકડવામાં સફળ થઈ જાય છે તે અમર બની જાય છે. મારો પરિવાર પેઢીઓથી આ ખાસ કામમાં સફળતા પામવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. પણ હજી સુધી કોઈ સફળ થયું નથી. મેં કેટલાય સિદ્ધાંતોનું પરીક્ષણ કર્યું અને ‘પડછાયાને પકડવાની સંભવિત રીતો’ નામના પુસ્તક સહિત કેટલાંય પુસ્તકો વાંચ્યાં, પણ મને સફળતા મળી નહીં. શું તને કોઈ નવી રીત કે ચીજ વિશે ખ્યાલ છે ખરો?’
‘સખી, મેં ક્યાંક વાંચ્યું હતું કે બેસીને પોતાના પડછાયાને પકડી શકાય છે. પણ એમ કરવું એટલું સારું લાગતું નથી. વળી આવું કરવાનું વિચારું એ સ્વપ્નમાંય ન થવું જોઈએ.’
‘સાચી વાત. આપણે આપણાં માન-સન્માન જોવાં જોઈએને! મેં પણ ક્યાંક આવું વાંચ્યું હતું કે જો આપણે સૂર્ય તરફ મુખ રાખીને ચાલીએ તો પડછાયો આપણો પીછો કરશે. વિચાર તો ખરી, કેટલી ગંધારી વાત છે આ!’
‘વહાલી, તેં તો હળવા શબ્દોનો ઉપયોગ કર્યો. વાસ્તવમાં આ તો અત્યંત નીચ અને સાવ ઊતરતી વાત ગણાય. એવું કરવાથી આપણી સુંદરતા અને આપણા રંગનું શું થશે? જો આપણા પર સૂર્ય નો તડકો પડી ગયો તો આપણે હંમેશાંને માટે આપણો ગૌરવર્ણ ગુમાવી દઈશું. છી.. છી..’
‘સાચી વાત કરી, સખી. ચાલો હવે આપણે આપણી આ પડછાયા પકડની વાત છોડી દેવી જોઈએ. આજે નહિ તો કાલે પડછાયાનું ભાગ્ય બદલાશે અને એવું બની શકે છે કે એ ભાગતાં ભાગતાં થાકી જાય અને ત્યાં રોકાવાનો નિર્ણય લે. અને ત્યારે તો…!’
બોલનારની આંખોમાં આશાનું તીવ્ર કિરણ હતું. અરે બેવકૂફ, છાયા તમારાથી દૂર ભાગવાનું નહીં છોડે અને તમે એને પકડી પાડો એવો દિવસ પણ ક્યારેય નહિ આવે.
‘હંસ મહારાજ, આ લોકો કોણ છે? મૂરખના સરદાર!’ હું ગણગણ્યો.
હંસજી, ‘ના, આ તો મોહમાં આંધળા થઈ ગયા છે. આમનામાં પેલા શ્રીમાન ગધેડાની જેમ વિનમ્રતા પણ નથી અને પેલા શ્રીમાન મદમતમલની જેમ સંઘર્ષ કરવાની ઇચ્છાશક્તિ પણ નથી. આ તો માત્ર લક્ષ્ય જાણે છે અને મહેનત કર્યા વિના મેળવવા ઇચ્છે છે.’
‘ક્યાં સુધી એ આમ જ કરતી રહેશે ?’
‘બસ, તેઓ હંમેશાં એ જ કરતી રહેશે. વળી, એમનાં સંતાનો પણ એમની પાસે શીખીને આમ જ કરતાં રહેશે.’
‘ઘણું થયું. ચાલો, નીકળી જઈએ; નહીં તો હું પણ જીવનભર મારા પડછાયાની પાછળ પાછળ ભાગતો રહીશ.’ તરત જ ખ્યાલ આવવાનો હતો કે હું પણ છાયા, માયાજાળ અને મૃગતૃષ્ણાની પાછળ ભાગતો હતો.
(ક્રમશ 🙂
Your Content Goes Here




