સ્ત્રીઓની સ્થિતિ સુધાર્યા સિવાય જગતનું કલ્યાણ શક્ય નથી. પક્ષી માટે એક પાંખે ઊડવું અશક્ય છે. તેથી જ શ્રીરામકૃષ્ણ-અવતા૨માં સ્ત્રીનો ગુરુ તરીકે સ્વીકાર છે, તેથી જ તેમણે સ્ત્રીના સ્વાંગમાં અને સ્ત્રીભાવે સાધના કરેલી અને તેથી જ સ્ત્રીઓ જગદંબાનાં પ્રતીક છે એમ કહીને તેઓ સ્ત્રીને માતૃત્વની ભાવનાથી જોવાનો ઉપદેશ આપતા.

મારા મત મુજબ, કોઈ પણ પ્રજા સંપૂર્ણ પવિત્રતાના આદર્શને પહોંચી શકે તે પહેલાં તેણે લગ્નની અવિચ્છેદ્યતા ને પવિત્રતા દ્વારા માતૃત્વ માટેના મહાન સન્માનની ભાવના કેળવવી જોઈએ. રોમન કૅથલિકો અને હિંદુઓએ લગ્નને પવિત્ર ને અવિચ્છેદ્ય ગણીને પ્રચંડ શક્તિશાળી અતિ પવિત્ર નરનારીઓને ઉત્પન્ન કર્યાં છે. અરબોને મન લગ્ન ઈચ્છા મુજબ તોડી નાખી શકાય તેવો એક કરાર અથવા તો બળજબરીપૂર્વકનો કબજો છે. પરિણામે ત્યાં આપણને કૌમાર્ય અથવા બ્રહ્મચર્યની ભાવનાનો વિકાસ જોવા જ મળતો નથી. આધુનિક બૌદ્ધ ધર્મે, લગ્નની ઉત્ક્રાંત અવસ્થાને હજી પહોંચી નથી એવી જાતિઓમાં પડવાને લીધે સંન્યાસની હાંસી જ કરી છે. તેથી જ્યાં સુધી જીવનમાં (પરસ્પરનાં આકર્ષણ અને પ્રેમથી અલગ) લગ્નનો એક મહાન ને પવિત્ર આદર્શ વિકસે નહિ, ત્યાં સુધી મને તો લાગતું નથી કે ત્યાં મહાન સાધુઓ અને સાધ્વીઓ કેવી રીતે પાકી શકે. જેમ તમે જોયું કે જીવનનો મહિમા છે પવિત્રતા; તેમ, થોડીક આજીવન ચારિત્ર્યવાન વિભૂતિઓ ઉત્પન્ન થઈ શકે એટલા માટે વિશાળ જનસમુદાય માટે આ મહાન પવિત્ર આદર્શની આવશ્યકતા તરફ મારી આંખો પણ ખૂલી ગઈ છે.

તમે-તમારામાંનો કોઈ પણ-હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પછાત શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં તે અદ્ભુત શક્તિને પુનર્જીવિત ક૨વા માતાજીએ જન્મ ધારણ કર્યો છે; અને તેમને કેન્દ્ર બનાવવાથી જગતમાં ગાર્ગીઓ ને મૈત્રેયીઓ ફરી એક વખત જન્મશે. વહાલા બંધુ, અત્યારે તમે થોડું સમજો છો. પણ ધીમે ધીમે તમે તે બધું જાણી શકશો. માટે તેમનો મઠ મારે પહેલો જોઈએ છે. શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા ને યુરોપમાં હું શું જોઉં છું? શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જો કે તેને અજ્ઞાનથી ને ભૌતિક સુખપ્રાપ્તિ માટે જ પૂજે છે. ત્યારે પછી, જે લોકો તેને માતા તરીકે લેખીને શુદ્ધ ભાવે સાત્ત્વિક બુદ્ધિથી પૂજે, તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો! હું દિવસે દિવસે દરેક વસ્તુને વધારે ને વધારે સ્પષ્ટ સમજતો જાઉં છું, મારી અંતરદૃષ્ટિ વધારે ને વધારે ઊઘડતી જાય છે. તેથી આપણે માતાજી માટે પ્રથમ મઠ બાંધવો જોઈએ. પ્રથમ માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો. તમે આ સમજી શકો છો? મારે મન તો માતાજીની કૃપા પિતાની કૃપા કરતાં લાખો ગણી કીમતી છે. માતાની કૃપા, માતાના આશીર્વાદ મારે મન સાર્વભૌમ બાબત છે.

તમારી (અમેરિકન સ્ત્રીઓની) બુદ્ધિમત્તા અમારી સ્ત્રીઓમાં આવે એ મને બહુ જ ગમે. પણ, જો તે પવિત્રતાને ભોગે આવવાની હોય તો નહીં. તમારા જ્ઞાનને માટે મને માન છે, પરંતુ જે ખરાબ છે તેને ગુલાબનાં ફૂલોના ઢગલાની નીચે ઢાંકીને ઉ૫૨થી તેને સારું કહો છો તે રીત મને પસંદ નથી. બુદ્ધિમત્તા એ કોઈ સર્વોચ્ચ માંગલ્ય નથી. જે વસ્તુઓને માટે અમે પ્રયાસ કરીએ છીએ તે તો છે નીતિમત્તા અને આધ્યાત્મિકતા. અમારી ભારતીય સ્ત્રીઓ એટલી બધી ભણેલી ભલે નથી, પણ તેઓ પવિત્ર વધારે છે. સ્ત્રીમાત્રે પોતાના પતિ સિવાય દરેક પુરુષને પુત્ર સમાન ગણવો જોઈએ.

જેમ પુરુષો માટે કેન્દ્રો શરૂ કરવાં પડશે, તેમ સ્ત્રીઓને ભણાવવા માટે પણ કેન્દ્રો શરૂ કરવાં પડશે. શિક્ષિત અને ચારિત્ર્યવાન બ્રહ્મચારિણીઓએ જુદાં જુદાં કેન્દ્રોમાં શિક્ષણ આપવાનું કાર્ય ઉપાડી લેવું જોઈએ. અદ્યતન વિજ્ઞાનની સહાય લઈને ઈતિહાસ અને પુરાણો, ગૃહવ્યવસ્થા અને લલિત કળાઓ, ગૃહજીવનની ફરજો તથા આદર્શ ચારિત્ર્યઘડતર માટેના સિદ્ધાંતો, વગેરે બધું શીખવવું; એ જ રીતે નીતિમાન અને આધ્યાત્મિક જીવન માટે કન્યાઓને તૈયા૨ ક૨વી. સમય આવ્યે તેઓ આદર્શ ગૃહિણી બની જાય એવું આપણે શીખવવાનું છે. જે ગુણો માતામાં વિશિષ્ટ રૂપે દેખાશે તે દ્વારા તેનાં બાળકો વધુ પ્રગતિ કરશે. શિક્ષિત અને પવિત્ર માતાઓના ઘરમાં જ મહાન પુરુષો જન્મે છે. જ્યારે આપણે તો આપણી સ્ત્રીઓને કેવળ પ્રજોત્પત્તિનું સાધન બનાવી દીધી છે. અરે ભગવાન! આપણી કેળવણીનું શું આ પરિણામ? સ્ત્રીઓની ઉન્નતિ અને જનતાની જાગૃતિ પહેલાં થવી જોઈએ, ત્યાર પછી જ આ દેશનું – ભારતનું કંઈકે સાચું કલ્યાણ થઈ શકશે.

પત્ની એ સહધર્મિણી છે. હિંદુઓએ સેંકડો ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે. પત્ની ન હોય તો એમની એક પણ વિધિ થઈ ન શકે. બ્રાહ્મણ તેમની છેડાછેડી બાંધે છે અને આમ સાથે બંધાયેલાં જ તેઓ મંદિરોની પ્રદક્ષિણા ફરે છે અને મોટી મોટી યાત્રાઓ કરે છે.

રામે દેહત્યાગ કરીને બીજી દુનિયામાં સીતાને ફરીથી મેળવ્યાં.

સીતા એટલે પવિત્ર, અતિ પવિત્ર, અને સર્વ સહન કરનારી સ્ત્રી! જે જે બધું સારું, પવિત્ર અને સુંદર છે, સ્ત્રીમાં સ્ત્રી કહેવા જેવું જે બધું છે, તેને ભારતમાં ‘સીતા’નું વિશેષણ અપાય છે. સીતા એટલે ધૈર્યશીલ, અતિ સહનશીલ, સદા પતિપરાયણ અને સર્વદા પવિત્ર નારી! પોતાને સહન કરવાં પડેલાં તમામ સંકટોમાં, રામ વિરુદ્ધ એક પણ કઠોર શબ્દ તેણે કાઢ્યો નથી.

સીતાએ કદી દુષ્કર્મનો સામો બદલો વાળ્યો નથી.

સીતા બનો!

સ્ત્રીઓને એવી કક્ષાએ લાવી મૂકવી જોઈએ કે તેઓ પોતાના પ્રશ્નો પોતે જાતે ઉકેલી શકે. તેમને માટેનો આ ઉકેલ બીજો કોઈ લાવી શકે નહિ કે લાવવો જોઈએ નહિ. આપણી ભારતીય સ્ત્રીઓ પણ એ ઉકેલ લાવવાની શક્તિ દુનિયાની બીજી કોઈ પણ સ્ત્રીઓ જેટલી જ ધરાવે છે.

એવી કેળવણી પછી સ્ત્રીઓ જ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવશે. અત્યાર સુધી તેમને નિરાધારતાનું, બીજા ઉપર ગુલામની પેઠે અવલંબન રાખવાનું જ શીખવવામાં આવ્યું છે અને તેથી જરાક સ૨ખી આફત કે ભય આવતાં જ તેઓ રોદણાં રડવામાં જ હોશિયાર હોય છે. બીજી બાબતોની સાથે, તેમણે શૌર્ય અને બહાદુરીની ભાવના કેળવવી જોઈએ. આજના જમાનામાં તેમણે આત્મરક્ષણ કરતાં શીખવાની પણ જરૂર ઊભી થઈ છે. જુઓ, ઝાંસીની રાણી કેવી બહાદુર હતી!

(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદની અભયવાણીમાંથી સંકલિત)

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.