૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં બેઠાં બેઠાં સ્વામીજીએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની વંદનાનો આ મંત્ર ત્યારે રચી કાઢયો –

स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे ।
अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः ॥

“ધર્મના સ્થાપક સર્વધર્મ સ્વરૂપ, અવતારોમાંના શ્રેષ્ઠ એવા શ્રીરામકૃષ્ણને હું પ્રણામ કરું છું.”

આજે સંસારનાં ઘણાં સ્થાનોમાં, રામકૃષ્ણ સંઘનાં બધાં જ કેન્દ્રોમાં, શ્રીરામકૃષ્ણદેવની સંધ્યા આરતી વખતે અસંખ્ય વ્યક્તિઓ દ્વારા આ મંત્રોચ્ચાર થાય છે.

સ્વામીજીના શ્રીરામકૃષ્ણદેવ વિષેના ‘અવતારવરિષ્ઠ’ સંબોધનથી ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે –

સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવને “અવતારવરિષ્ઠ” કેમ કહ્યા? શું આ સંબોધન સ્વામીજીના મુખમાંથી આકસ્મિક રીતે નીકળી ગયું હતું, અને શું તેનું કોઈ મહત્ત્વ છે. શું આ સંબોધન સ્વામીજીએ ભાવાવેશમાં પોતાના ગુરુ પ્રત્યેની ભક્તિના અતિરેકના પરિણામે તો નહોતું કર્યુંને? જો ખરેખર શ્રીરામકૃષ્ણને સ્વામી વિવેકાનંદ ‘અવતારવરિષ્ઠ’ માનતા હોય તો શું એનો અર્થ એવો છે કે, બીજા બધા અવતારો શ્રીરામકૃષ્ણદેવ કરતાં ઓછા મહાન છે? તો વળી, શ્રીરામકૃષ્ણે પોતે કહ્યું હતું – ‘જે રામ હતા, જે કૃષ્ણ હતા તે જ શ્રીરામકૃષ્ણરૂપે આ દેહમાં વિરાજે છે.’ એ ઉક્તિનો શો અર્થ? જો એક જ ઈશ્વર ભિન્ન ભિન્ન સમયે શ્રીરામરૂપે, શ્રીકૃષ્ણરૂપે કે શ્રીરામકૃષ્ણરૂપે અવતરિત થતા હોય તો તેમનામાં પાર્થક્ય કઈ રીતે સંભવે? શ્રીરામકૃષ્ણદેવને અવતારોમાં શ્રેષ્ઠ કઈ રીતે કહી શકાય? આ બધા પ્રશ્નોનું નિરાકરણ સરળ નથી.

આ ‘અવતારતત્ત્વ’ અત્યંત ગૂઢ છે, તેને સમજવું સાધના-સાપેક્ષ છે, આપણી સાધારણ બુદ્ધિને માટે અગોચર છે. છતાં આ વિષયની શક્ય એટલી મીમાંસા કરવાનો પ્રયત્ન કરીશું.

જો આપણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનું અધ્યયન કરીએ તો તેમાં કેટલાય પ્રસંગો એવા આવે છે જ્યારે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણને ‘અવતારવરિષ્ઠ રૂપે’ સ્પષ્ટ રીતે સ્વીકાર્યા છે. એ પણ ભાવાવેશમાં નહિં, અંધશ્રદ્ધાના આધાર પર નહિ, પણ પોતાની અનુભૂતિ અને વિચારબુદ્ધિના આધારે. સ્વામીજીએ પોતાના શિષ્ય શરત્ ચક્રવર્તી સાથેના વાર્તાલાપોમાં આ વિષે જે કહ્યું હતું તે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

સ્વામીજી – આપણામાંના કોઈ પણ એમને (શ્રીરામકૃષ્ણદેવને) પૂરેપૂરા સમજ્યા નથી. એટલા માટે હું તેમના વિષે જ્યાં-ત્યાં બોલવાની હિંમત કરતો નથી. એ કોણ હતા તે પોતે જ જાણે છે. માત્ર તેમનો દેહ માનવનો હતો; બાકીનું બીજું બધું બીજાઓથી સાવ જુદું હતું.

શિષ્ય – વારુ, હું એમ પૂછી શકું કે શું આપ એમને ઈશ્વરના અવતાર માનો છો?

સ્વામીજી – પ્રથમ મને કહો કે અવતાર એટલે તમે શું કહેવા માગો છો?

શિષ્ય – કેમ? અવતારથી હું એમ પૂછવા માગું છું કે, શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણ, શ્રીગૌરાંગ, ભગવાન બુદ્ધ, ઈસુ ખ્રિસ્ત અને એવા બીજા જેવા તેઓ હતા ખરા?

સ્વામીજી – તમે હમણાં જે બધાનાં નામ લીધાં તે બધાંના કરતાં પણ ભગવાન શ્રીરામકૃષ્ણને હું વધુ મહાન જાણું છું. ‘માનવા’ની તો વાત જ શા માટે કરવી? એ તો નાની બાબત છે. હું તો ‘જાણું’ છું!

અન્ય એક પ્રસંગમાં આ જ શિષ્ય સાથે વાર્તાલાપ કરતી વખતે સ્વામીજીએ કહ્યું હતું –

“તેઓ (શ્રીરામકૃષ્ણદેવ) કોણ હતા-અગાઉના કેટલા અવતારોની સારભૂત મૂર્તિ હતા, તે આપણે જિંદગી આખી કઠોર તપશ્ચર્યામાં ગાળ્યા પછી પણ લેશમાત્ર સમજી શક્યા નથી, માટે જ તેમના વિષે સંયમ અને વિવેકપૂર્ણ રીતે બોલવું જોઈએ… તેમના આધ્યાત્મિકતાના સાગરમાંથી માણસ એક ટીપું પણ મેળવી શકે તો તે દેવ બની જાય. આવા વિશ્વવ્યાપી વિચારોનો સમન્વય તમે જગતના ઇતિહાસમાં ફરી કદી નહિ જુઓ.”

અન્ય એક પ્રસંગમાં સ્વામીજીએ કહ્યું હતું – “બ્રહ્મજ્ઞાનની, નિર્વિશેષ તત્ત્વજ્ઞાનની મર્યાદાનો પણ કદાચ તમે ખ્યાલ કરી શકો, પણ તેમના (શ્રીરામકૃષ્ણદેવના) મનના અગાધ ઊંડાણની કલ્પના કરી શકાય નહિ! તેમની કરુણાપૂર્ણ આંખોની એક દૃષ્ટિથી હજારો વિવેકાનંદ ઉત્પન્ન થાય!”

‘હિન્દુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના પોતાના નિબંધમાં સ્વામીજી લખે છે – “આપણો દેશ વારંવાર જાણે કે મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને-ભાગ્યવિધાતાઓએ પ્રગટ થઈને તેને પુનર્જાગૃત કરેલ છે. હવે લગભગ વીતી જવા આવેલી આ વર્તમાન ઘેરી-ઉદાસ રાત્રિ કરતાં વધારે મોટો અંધકારપટ આપણી આ પવિત્ર ભૂમિ પર પહેલાં કદી છવાયો ન હતો. અત્યારના પતનના ઊંડાણની સરખામણીમાં પહેલાંનાં બધાં પતન ગાયનાં પગલાં જેવાં નાનાં અને છીછરાં લાગે છે. તેથી ભારતની આ વખતની નવજાગૃતિના તેજના અંબાર સામે તેના ઇતિહાસમાંની ભૂતકાળની બધી જાગૃતિઓનો મહિમા ઊગતા સૂર્યની સામે તારાઓ ઝાંખા પડી જાય તેમ ફિક્કો પડી જશે. અને આ પુનર્જાગૃત થયેલી શક્તિની બળવાન અભિવ્યક્તિની સરખામણીમાં આવી જાગૃતિના ભૂતકાળનાં સર્વ સીમાચિહ્નો બચ્ચાંના ખેલ જેવાં લાગશે… અને આ વેળાનો અવતાર પ્રાગટ્યની પૂર્ણતાની દૃષ્ટિએ તમામ આદર્શોના સંયોજનપૂર્ણ સમન્વયમાં તેમ જ આધ્યાત્મિક સંસ્કૃતિના દરેક ક્ષેત્રનો વિકાસ સાધવામાં ભૂતકાળના તમામ અવતારોને વટાવી જાય છે.”

આમ, એટલું તો સ્પષ્ટ છે કે, સ્વામીજીનું શ્રીરામકૃષ્ણ વિષે ‘અવતારવરિષ્ઠ’ સંબોધન આકસ્મિક તો નહોતું જ. અને ન તો એ તેમની અંધ ગુરુભક્તિને પરિણામે હતું. કારણ કે સ્વામીજી શ્રીરામકૃષ્ણ વિષે ખૂબ સંયત ભાવે બોલતા. કોઈ પણ વિષયને ચકાસ્યા વગર સ્વીકાર કરવો એ તેમના સ્વભાવમાં જ નહોતું. અન્યને પણ તેઓ ચકાસીને જ બીજાના વિચારો ગ્રહણ કરવાની સલાહ આપતા. ધર્મના નામે સંકીર્ણતાને તેઓ પસંદ નહોતા કરતા. એટલે જ શ્રીરામકૃષ્ણના અનુયાયીઓ માટે તેમણે એવી શરત નહોતી રાખી કે તેમને અવતારરૂપે સ્વીકારવા જ પડશે.

એક વાર એમના એક શિષ્ય જ્યારે તેમને કહ્યું કે, ઘણા લોકોને હજી એવો વિશ્વાસ નથી થયો કે શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરનો અવતાર હતા, ત્યારે સ્વામીજીએ કહ્યું, “તમે એમ માનો છો કે આમ માનવું સહેલું છે?… અમારા પ્રભુના પોતાના પવિત્ર મુખેથી જ આ વાત વારંવાર સાંભળવા છતાં અમને હજુ પૂર્ણ શ્રદ્ધા બેઠી નથી અને અવારનવાર શંકા તથા નિરાશાથી અમારાં મન ખળભળી ઊઠે છે, તો બીજાઓની આમાં શ્રદ્ધા મંદ હોય તો તેમને શું કહીએ? આપણા જેવા જ શરીરવાળો એક માણસ સાક્ષાત્ ઈશ્વર છે, એ વાત કહેવી અને માનવી ખરેખર કઠિન છે. આપણે તેમને ‘પૂર્ણ માનવ’ કે ‘બ્રહ્મજ્ઞાની’ કહેવાની હદ સુધી જઈ શકીએ. વારુ, તમે તેમને સંત કહો, બ્રહ્મજ્ઞાની કહો કે બીજું ગમે તે કહો, તેનો કશો વાંધો નથી. મારી પાસેથી એટલું જાણી લેજો કે, શ્રીરામકૃષ્ણ જેવો પરમ પૂર્ણ માનવી આ પૃથ્વી પર કદી અવતર્યો નથી! જગતના ગાઢ અંધકારમાં આજના યુગ માટે તે મહાપુરુષ પ્રકાશનો ઉજ્જવળ સ્તંભ છે! હવે તેના પ્રકાશ વડે જ માનવ સંસારસાગર તરી શકશે!”

સ્વામીજી અંધ ગુરુભક્તિમાં અને સંકીર્ણતામાં માનતા નહોતા. શ્રીરામકૃષ્ણદેવને જાહેરમાં અવતાર રૂપે પ્રતિષ્ઠિત કરવાનો પ્રયાસ તેમણે કર્યો નહોતો. તેમણે આપણને છૂટ આપી છે – આપણે શ્રીરામકૃષ્ણદેવને અવતાર માનીએ કે નહિ, તેમના ઉપદેશોનું પાલન જ મુખ્ય છે, એમ તેઓ કહેતા.

સ્વામીજી શ્રીરામકૃષ્ણદેવ વિષે સંયત ભાવે બોલતા. એક વાર એક શિષ્યે તેમને પૂછ્યું – “આપ શ્રીરામકૃષ્ણદેવનો અવતાર તરીકે શા માટે પ્રચાર નથી કરતા? એ કાર્ય માટે જોઈતી શક્તિ, વક્તૃત્વકળા અને બીજું બધું આપનામાં ખરેખર છે.”

સ્વામીજીએ જવાબ આપ્યો, “સાચું કહું તો હું તેમને બહુ થોડા સમજ્યો છું. એઓ મને એટલા બધા મહાન લાગે છે કે જ્યારે મારે તેમના વિષે કંઈ પણ બોલવાનું હોય છે, ત્યારે મને ડર લાગે છે કે હું કદાચ સત્યની ઉપેક્ષા કરીશ અથવા તો તેને ખોટી રીતે ઉડાવી દઈશ; કદાચ મારી અલ્પ શક્તિ અધૂરી પડશે, અગર તો રખેને તેમની પ્રશંસા કરવાનો પ્રયાસ કરવા જતાં હું તેમનું મારી સમજણ પ્રમાણેનું ચિત્ર ચીતરીને તેમને હલકા પાડીશ!”

શ્રીરામકૃષ્ણદેવના ગ્રહસ્થ શિષ્ય પ્રખ્યાત નાટકકાર-કવિ શ્રી ગિરીશ ઘોષે એક વાર સ્વામીજીને શ્રીરામકૃષ્ણનું જીવનચરિત્ર લખવાનો અનુરોધ કર્યો. સ્વામીજીએ આ પ્રસ્તાવનો એમ કહી અસ્વીકાર કર્યો કે, તેમના માટે આ અશક્ય કાર્ય છે.

ખરેખર, સ્વામીજીએ છેવટ સુધી શ્રીરામકૃષ્ણના જીવન પર ગ્રંથ ન લખ્યો. તેમનું આ વિષેનું એકમાત્ર વ્યાખ્યાન ‘મારા ગુરુદેવ’ નામની પુસ્તિકારૂપે પ્રકાશિત થયું છે. તેમના અંતરંગ વાર્તાલાપોમાંથી આપણને તેમની શ્રીરામકૃષ્ણદેવ વિષેની ધારણાનો ખ્યાલ આવે છે. આ પરથી આપણે તારવી શકીએ કે, સ્વામીજી અન્ય લોકોની માફક ગુરુભક્તિના અતિરેકમાં સંકીર્ણ દૃષ્ટિથી જાહેરમાં પોતાના ગુરુનો પ્રચાર કરવામાં માનતા નહોતા. આ પરિપ્રેક્ષ્યમાં તેમનું ‘અવતારવરિષ્ઠ’ સંબોધન વિશેષ મહત્ત્વનું બની જાય છે. કઈ દૃષ્ટિથી સ્વામીજી શ્રીરામકૃષ્ણદેવને અવતારોમાં શ્રેષ્ઠ ગણે છે, તે આપણે સમજવું પડશે.

(ક્રમશ:)

સંદર્ભ સૂચિ

૧. વિવેકાનંદજીના સાંનિધ્યમાં (૧૯૮૪) પૃ.સં. ૧૯૧

૨. એજન પૃ. સં. ૧૭૬-૧૭૭

૩. એજન પૃ. સં. ૨૬

૪. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ ભાગ-૩ (૧૯૮૯) પૃ.સં. ૨૩-૨૪

૫. વિવેકાનંદજીના સાંનિધ્યમાં (૧૯૮૪) પૃ.સ. ૨૭-૨૮

૬. એજન ૧૯૧

Total Views: 355

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.