(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.)

अविनाशी तु तद्विद्धि येन सर्वमिदं ततम्।
विनाशमव्ययस्यास्य न कश्चित्कर्तुमर्हति॥

विद्धि (જાણી લે) येन (જેનાથી) इदं (આ) सर्वं (સમગ્ર) ततं (વ્યાપ્ત છે) तत् (તે) तु (તો) अविनाशि (અવિનાશી છે) अस्य अव्ययस्य (આ અવ્યયનો) विनाशं कर्तु (વિનાશ કરવામાં) कश्चित् (કોઈ પણ) न अर्हति (સમર્થ નથી).

“તું એ જાણી લે કે જેના દ્વારા આ સમગ્ર જગત વ્યાપ્ત છે, તે તો અવિનાશી છે, કારણ કે આ અવ્યયનો નાશ કરવામાં કોઈ સમર્થ નથી.”

अन्तवन्त इमे देहा नित्यस्योक्ता: शरीरिण:।
अनाशिनोऽप्रमेयस्य तस्माद्युध्यस्व भारत॥

अनाशिनः (નાશરહિત) अप्रमेयस्य (અમાપ) नित्यस्य (નિત્ય) शरीरिण: શરીરીના) इमे (આ) देहाः (શરીર) अन्तवन्तः (નાશવંત) उक्ताः (કહેવામાં આવ્યાં છે) तस्मात् (એટલા માટે) भारत (હે ભરતવંશી અર્જુન) युध्धस्व (યુદ્ધ કર).

“નાશરહિત, અમાપ, નિત્ય, શરીરી આત્માના આ તમામ શરીર નાશવંત કહેવામાં આવ્યાં છે. તેથી હે ભરતવંશી અર્જુન! તું યુદ્ધ કર.”

(ગીતાધ્યાય ૨, શ્લોક ૧૭-૧૮)

અવિનાશી અને અવ્યયની વ્યાખ્યા

૧૭મા શ્લોકમાં કહે છે કે સત્‌ તે છે, જે અવિનાશી છે. અને અવિનાશી કોણ છે?—તે, જેના દ્વારા આ સમસ્ત જગત વ્યાપ્ત છે. તે અવિનાશી કેમ છે?—એટલા માટે કે તે અવ્યય છે અને આ અવ્યયનો નાશ કોઈ પણ કરી શકતું નથી. ‘ततम्’ શબ્દનો અર્થ છે—ફેલાવવું, વ્યાપ્ત થવું, સુરક્ષિત રાખવું. અવિનાશી તે છે, જે આ જગતને ફેલાવે છે અને તેમાં વ્યાપ્ત થઈ જાય છે. એ અવિનાશી સમસ્ત નામ-રૂપોમાં અનુસ્યૂત (ગ્રથિત/પરોવાયેલ) સત્તા છે. વિનાશ તો તેનો થાય છે, જે સીમિત છે. જે પણ પદાર્થ સીમિત છે, તેનો જન્મ થાય છે અને તેથી જ તેનો વિનાશ પણ થાય છે. પરંતુ જે બધાંમાં ઓત-પ્રોત અસીમ સત્તા છે, તેનો ક્યારેય પણ જન્મ નથી થતો, અને એટલે તેનો ક્યારેય નાશ પણ નથી થતો.

‘અવ્યય’ શબ્દથી એ સૂચિત કરવામાં આવ્યું છે કે જે સત્‌ છે, તેમાં કોઈ પણ પ્રકારનો વ્યય અથવા પરિણામ કે પરિવર્તન નથી થતું. ‘અવિનાશી’થી એમ સૂચિત કરવામાં આવ્યું કે સત્‌ હંમેશાં સદ્-રૂપ જ રહે છે, તેની સદ્-રૂપતાનો કદી વિનાશ થતો નથી. પરિણામ કે પરિવર્તન તો ત્યારે થાય છે, જ્યારે કોઈ પદાર્થના અંગો કે અવયવોમાં ફેરફાર થાય. જો કોઈ વસ્તુ અવયવવાન છે, તો અવયવના ઘટવા-વધવાથી તેના નાશ અને વૃદ્ધિનો પ્રસંગ ઉપસ્થિત થઈ શકે છે. જેમ, વસ્ત્ર તંતુઓના સંયોગથી બને છે. જો આપણે તંતુઓને અલગ અલગ કરી દઈએ અથવા બાળી નાખીએ, તો વસ્ત્ર નષ્ટ થઈ જશે. પણ જે સત્‌ છે, તે અવયવવિહીન છે. તે વાત ‘ततम्’ શબ્દથી સૂચિત કરી છે. જે સમગ્ર બ્રહ્માંડને વ્યાપી લે, તેનો ભલા કેવો અવયવ? જેના અવયવ નથી, તેમાં કોઈ પ્રકારે વ્યય પણ નથી. તેથી જે સત્‌ છે, તે અવ્યય છે.

વેદાંત દર્શન ‘સચ્ચિદાનંદ’ને સત્‌નો પર્યાય માને છે, કારણ કે સત્‌, ચિત્ અને આનંદમાં ક્યારેય સ્વરૂપનું પરિવર્તન જોવામાં આવતું નથી, એટલે કે સત્‌ ક્યારેય અસત્‌ નથી હોતું, ચિતનો ક્યારેય વિનાશ થતો નથી, અને જ્યાં સત્‌ અને ચિત્ છે, ત્યાં આનંદ તો રહેશે જ. જો એમ કહેવામાં આવે કે સત્‌નો પણ અભાવ હોય છે, તો એ અભાવનું ગ્રહણ કોણ કરશે? સત્તાના અભાવનું ગ્રહણ કરવાવાળું પણ કોઈ સદ્-રૂપ જ હશે. અને જ્યારે અભાવનું ગ્રહણ કરવાવાળું સત્ વિદ્યમાન છે, તો પછી સત્તાનો અભાવ ક્યાંથી થયો? આ જ પ્રકારે ચિત્ એટલે કે જ્ઞાનનો ક્યારેય અભાવ નથી હોતો. જો એમ માની લઈએ કે જ્ઞાનનો અભાવ હોય છે, તો એ અભાવને જાણવાવાળો કોણ છે? જે જ્ઞાનના અભાવને જાણી શકે તે જ્ઞાનરૂપ જ હશે, અને આમ એ માનવું પડશે કે જ્ઞાનનો ક્યારેય નાશ નથી થતો. આનંદ જ્ઞાન અને સત્તા આ બન્નેથી અલગ નથી. તેથી સત્તા, જ્ઞાન અને આનંદ તે સત્‌નાં જ રૂપો છે.

આમ, ઉપરોક્ત શ્લોકમાં એ દર્શાવ્યું કે સત્‌ શું છે. સત્‌ એ છે, જે અવિનાશી અને અવ્યય છે. વિનાશ અને વ્યય આ બન્ને શબ્દોમાં સૂક્ષ્મ અંતર છે. જે દેહ છે, તે વધ-ઘટ થાય છે. આહાર અને પોષણથી તે વધે છે. જો તેને ભોજન ન મળે, તો તે ઘટે છે. આને કહે છે ‘વ્યય’. ‘વ્યય’નો અર્થ છે વધવું-ઘટવું. દેહમાંથી પ્રાણ નીકળી ગયા, તો તે મરી ગયો. આ દેહનો ‘વિનાશ’ થયો. સત્‌માં ન આ પ્રકારે કોઈ ‘વ્યય’ થાય છે, કે ન તો ‘વિનાશ’. એટલે તે અવ્યય છે, અવિનાશી છે.

વિવેકાનંદનું ઉદ્‌બોધન

સ્વામી વિવેકાનંદ આ જ આધ્યાત્મિક સાહસ પોતાના દેશવાસીઓમાં જોવા ચાહે છે. તેઓ કહે છે—

“હે નર-નારીઓ! ઊઠો, આત્માની બાબતમાં જાગ્રત થાઓ, સત્યમાં વિશ્વાસ કરવાનું સાહસ કરો, સત્યના અભ્યાસનું સાહસ કરો. સંસારને એક સો સાહસી નર-નારીઓની આવશ્યકતા છે. પોતાનામાં એ સાહસ લાવો, જે સત્યને જાણી શકે, જે જીવનમાં નિહિત એવા સત્યને દેખાડી શકે, જે મૃત્યુથી ન ડરે, પરંતુ એનું સ્વાગત કરે, જે મનુષ્યને એ જ્ઞાન આપે કે તે આત્મા છે અને સમગ્ર જગતમાં એવી કોઈ વસ્તુ નથી, જે તેનો વિનાશ કરી શકે. ત્યારે તમે મુક્ત થઈ જશો.” આ જ્ઞાન શોકને દૂર કરશે એટલે જ તો વિવેકાનંદ ગાય છે—

किन्नाम रोदिपिसखे त्वयि सर्वशक्तिः
आमन्त्रयस्व भगवन् भगदं स्वरूपम्।
त्रैलोक्यमेतदखिलं तव पादमूले
आत्मैव हि प्रभवते न जडः कदाचित्॥

‘હે સખા! તું શા માટે રડી રહ્યો છે? તમામ શક્તિ તો તારામાં જ છે. હે ભગવાન! આપનું ઐશ્વર્યમય સ્વરૂપ વિકસિત કરો. આ ત્રણેય લોક તમારા પગની નીચે છે. જડની કોઈ શક્તિ નથી, પ્રભાવ તો આત્માનો જ હોય છે.’

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને આ જ બળનો પાઠ ઉપદેશે છે. તેઓ કહે છે—અર્જુન! આત્માના સ્વરૂપને આ પ્રકારે જાણીને હવે તારી કાપુરુષતાનો ત્યાગ કર. શરીર નષ્ટ થાય છે, પણ શરીરી આત્માનો કોઈ કાળે વિનાશ થતો નથી. આ સત્યની ધારણા કર અને ‘યુદ્ધસ્વ’—યુદ્ધ માટે તૈયાર થઈ જા.

કઠોપનિષદ અને ગીતાના શ્લોકો વચ્ચે સામ્ય

આત્મજ્ઞાનનો બરાબર આ જ ઉપદેશ આપણને કઠોપનિષદ પણ પ્રદાન કરે છે. ગીતાના આ ૧૯ અને ૨૦મા શ્લોકો તેના પ્રથમ અધ્યાયની બીજી વલ્લીના ૧૮મા અને ૧૯મા મંત્રનો પ્રતિધ્વનિ માલૂમ પડે છે. ત્યાં આવે છે—

न जायते म्रियते वा विपश्चिन-
नायं कुतश्चिन्न बभूव कश्चित्।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे॥१८॥
हन्ता चेन्मन्यते हन्तुं हतश्चेन्मन्यते हतम्।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते॥१९॥

‘આ મેધાવી—જ્ઞાનસ્વરૂપ આત્મા ન ઉત્પન્ન થયો છે, ન મરે છે; એ ન તો સ્વયં કોઈ અન્ય કારણથી ઉત્પન્ન થયો છે, ન તો તેનાથી કશું ઉત્પન્ન થયું છે. આ આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે તથા શરીરના મૃત્યુ પામ્યા પછી પણ નથી મરતો. જે મારવાવાળા આત્માને મારવાનો વિચાર કરે છે અને મૃત્યુ પામનાર તેને મરેલો સમજે છે, તો એ બન્ને તેને નથી જાણતા; કારણ કે એ ન તો મારે છે કે ન તો મરે છે.’

પરંપરા અનુસાર શ્રુતિનો પાઠ અધિકારી વ્યક્તિઓ માટે જ વિધેય માનવામાં આવ્યો છે, જ્યારે સ્મૃતિનો પાઠ ઉપનયન-સંસ્કાર વગરના લોકો પણ કરી શકે છે. ઉપનિષદ શ્રુતિની અંતર્ગત આવે છે અને ગીતા સ્મૃતિની અંતર્ગત. ગીતામાં ઉપનિષદોના આ મંત્રોનું શબ્દોના બહુ ઓછા ફેરફારથી ઉદ્ધૃત થવું એ સૂચવે છે કે ગીતાકાર જ્ઞાનને આબાલ-વૃદ્ધ-સ્ત્રી, બ્રાહ્મણ-ચાંડાલ તમામ સુધી પહોંચાડવા માગે છે. પરંપરાગત માન્યતા એકદમ ખંડિત ન થાય, એટલા માટે તેઓ શ્લોકોના ક્રમ બદલાવી દે છે અને એક-બે શબ્દોમાં પરિવર્તન કરી દે છે. અહીંયાં પણ એ જ પ્રદર્શિત કરવામાં આવ્યું છે કે આત્મામાં ન તો કોઈ ક્રિયા છે, ન કોઈ વિકાર.

એટલે ૨૧મા શ્લોકમાં શ્રીભગવાન કહે છે—હે અર્જુન! જે પુરુષે આત્માના સ્વરૂપને આ રીતે જાણી લીધું છે; જેણે સમજી લીધું છે કે આત્મા અવિનાશી, નિત્ય, અજ અને અવ્યય છે, તે ભલા કેવી રીતે કોઈને મારી શકે, અથવા કેવી રીતે કોઈને મારવાનું કારણ બની શકે? તું પણ આ આત્માને જાણી લે, મન અને દેહની ગાંઠને ખોલીને મનને આત્મા સાથે જોડી દે, તો તારો આ પાપ-ભય જ્ઞાનની અગ્નિમાં બળીને ખાક થઈ જશે.

Total Views: 301

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.