દર્શન – પ્રત્યક્ષ અને પરોક્ષ
‘રીલિજિયન’ માટે સંસ્કૃતમાં યોગ્ય શબ્દ છે – દર્શન. આ દર્શન શબ્દના બે અર્થ છે – ‘જોવું’ કે ‘સાક્ષાત્કાર’. સાક્ષાત્કારને પ્રાપ્ત કરાવનાર પથ અથવા સાધના પદ્ધતિને પણ દર્શન કહે છે. રીલિજિયનના એટલે કે ધર્મના એ બંને અર્થ થાય છે. દર્શન શબ્દનો અર્થ ‘ફિલોસોફી’ પણ થાય છે. હિંદુધર્મમાં ષડ્દર્શન છે અને એ બધાંને ‘દર્શન’ કહે છે.
હિંદુધર્મમાં ધર્મ અને દર્શન એક બીજાના અવિભાજ્ય અને પર્યાયવાચી શબ્દો રહ્યા છે. સત્યનું પ્રજ્ઞાજન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, એનું એક સામાન્ય લક્ષ્ય હોવાને કારણે એ એકબીજાના પરિપૂરક શબ્દો છે. પ્રોફેસર મેક્સમૂલરે સાચું કહ્યું છે કે એક માત્ર ભારતમાં જ આ બંનેનું સામંજસ્ય રહ્યું છે, જ્યાં ધર્મદર્શનથી દૃષ્ટિકોણની ઉદારતા અને દર્શનધર્મથી પોતાની આધ્યાત્મિકતા માનવ પ્રાપ્ત કરે છે. ધર્મ દર્શનનું વ્યાવહારિક રૂપ છે અને દર્શન ધર્મનો બૌદ્ધિક પક્ષ છે. ભારતીય દાર્શનિક મૂલત: આધ્યાત્મિક અનુભૂતિ સંપન્ન વ્યક્તિ હતા. એટલે અતીન્દ્રિય અનુભૂતિ પર આધારિત હોવાને લીધે એમની દર્શન પદ્ધતિઓનું નિષ્ઠા અને ભક્તિ સાથે અનુસરણ કરવાથી એ એક લક્ષ્યની પ્રાપ્તિ થાય છે.
વ્યક્તિત્વ અને વાતાવરણનું સતત આદાન પ્રદાન અને એમનો સંઘર્ષ જ જીવન છે. વ્યક્તિત્વનાં અનેક સ્તર છે. એવી જ રીતે વાતાવરણનું પણ છે. સ્થૂળ શરીર સ્થૂળ જગતના સંસ્પર્શમાં રહે છે. આધ્યાત્મિક શરીર અથવા આત્મા વિરાટ આત્મા કે ભગવાનના સંસ્પર્શમાં રહે છે. વ્યક્તિ આ બધાં વિભિન્ન સ્તરોએ અનુભવ પ્રાપ્ત કરી શકે છે. આપણે જે સ્તર પર રહીએ છીએ એ જ સ્તર-વિશેષના અનુભવોને સત્ય સમજી લઈએ છીએ. જાગ્રત અવસ્થામાં આપણે અનેક વાતો-બાબતો જોઈએ છીએ અને એ આપણા ધ્યાનને પૂરી રીતે આકર્ષી પણ લે છે. સ્વપ્નાવસ્થામાં પણ આપણને ઘણી ચીજવસ્તુઓ દેખાય છે. એ બધી વસ્તુઓ સ્વપ્ન રહે ત્યાં સુધી સત્ય લાગે છે. આ બધું જોવું એ ‘દર્શન’ છે. પણ એ જરૂરી નથી કે એ સત્ય પણ હોય, એટલે જ સત્ય દર્શનને મિથ્યા દર્શનથી અલગ તારવવું એ આપણું પ્રસ્તુત કાર્ય છે.
ભારતીય દર્શનશાસ્ત્રમાં યથાર્થ જ્ઞાનના માપદંડો વિશે ઘણો વિચાર કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિક ભૌતિક પદાર્થોના સ્વરૂપ વિશે જાણવા ઇચ્છે છે, તે પણ પોતાના દ્વારા પ્રત્યક્ષ કરાયેલ તથ્યોને સત્યતાના પ્રયોગ દ્વારા સિદ્ધ કરે છે. મનોવૈજ્ઞાનિક પાસે પણ પોતાનું એક દર્શન છે. તે પોતાની અંતર્દૃષ્ટિથી વૈચારિક જગતના નિયમોની શોધ કરે છે. સાધક ઈશ્વર અથવા પરમ કે ચરમ સત્તાનો પ્રત્યક્ષ અનુભવ કરે છે. આને જ અપરોક્ષાનુભૂતિ કહેવાય છે.
આપણે પોતાના ઈંદ્રિયજન્ય જ્ઞાનને વધુ પડતું મહત્ત્વ આપીએ છીએ. આપણે એવું વિચારીએ છીએ કે આપણે બાહ્યપદાર્થોનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા છીએ, પણ ક્યારેય નહિ! બાહ્ય પદાર્થો દ્વારા સંવેદન નેત્રો સુધી પહોંચે છે. ત્યાંથી સંદેશ મન સુધી પહોંચાડવામાં આવે છે અને ત્યાર પછી જ્ઞાતા આત્મા સુધી. આ કેટલી વિચિત્ર અને વાંકીચૂંકી પ્રક્રિયા છે અને એને જ આપણે પ્રત્યક્ષ કહેવા ટેવાયેલા છીએ. વાસ્તવિક પ્રત્યક્ષ કે અપરોક્ષ અનુભૂતિમાં સત્ય આત્મજ્યોતિ દ્વારા પ્રકાશિત થાય છે. એ અંતર્જ્યોતિ મન અને ઈંદ્રિયોના માધ્યમથી પ્રકાશિત થાય છે. તે પોતાની મેળે પણ પ્રકાશિત થઈ શકે છે અને આ જ અતિચેતન અવસ્થા છે; એને તુરીય અવસ્થા પણ કહે છે.
સામાન્યત: આપણા અનુભવ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ – ચેતનાની આ ત્રણ અવસ્થાઓમાં થાય છે. તુરીય અવસ્થા આ ત્રણેય અવસ્થાઓથી ભિન્ન અને ચોથી અવસ્થા છે. વસ્તુત: આ ત્રણ અવસ્થાઓ જેવી જ એ એક અવસ્થા નથી. એ એક પ્રકારની સર્વાતીત ચેતના છે, જેની અન્ય ત્રણેય અવસ્થાઓ આંશિક અભિવ્યક્તિ છે. આ અવસ્થામાં આત્માને તે પરમાત્માનો અંશ છે એવી અનુભૂતિ થાય છે.
પુસ્તકીયા જ્ઞાનની અપૂર્ણતા
પુસ્તકો વાંચીને કોઈ પણ પ્રકારની સાધનાનો પ્રારંભ કરવો ન જોઈએ. આપણે માહિતી કે જાણકારી મેળવવા પુસ્તકો ભલે વાંચીએ પણ આપણામાં એટલું જ્ઞાન તો હોવું જોઈએ કે કયા વિચારો ગ્રહણ કરીએ અને કોનો ત્યાગ કરીએ. આપણે ભલે ને વિભિન્ન સાધનાઓ વિશે વાંચતા રહીએ પણ સાથે ને સાથે કઈ સાધના આપણા માટે ઉપયોગી છે અને કોને અપનાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ, એ પણ જાણી લેવું જોઈએ.
ભિન્ન ભિન્ન માર્ગોની જાણકારી આપણા દૃષ્ટિકોણને ઉદાર બનાવી શકે છે. એટલે ઉપયોગી માર્ગની જાણકારી આપણને હોવી જોઈએ. આધ્યાત્મિક જીવનની પ્રારંભિક અવસ્થામાં જે મોટે ભાગે પ્રાયોગિક કાળ હોય છે, ત્યારે આપણામાં થતા રહેતાં માનસિક અને શારીરિક પરિવર્તનોનું અવલોકન કરતાં કરતાં તેમજ એમને અનુરૂપ સામંજસ્ય સ્થાપિત કરીને આપણે ધીમે ધીમે એ પથ પર આગળ વધવું જોઈએ.
ખોટી વ્યક્તિ દ્વારા સારા ઉપાયનું અનુસરણ થાય તો એનું પરિણામ સારું નથી આવતું. એટલે એવી અપેક્ષા રખાય છે કે સાધકમાં આવશ્યક યોગ્યતાઓ હોવી જોઈએ. આજકાલ કોઈ પણ વ્યક્તિ ગમે તે પુસ્તક મેળવી શકે છે, કેટલીક સાધનાઓ વિશે વાંચીને એ સાધનાઓ કરી પણ શકે છે અને કષ્ટ પણ સહન કરી શકે છે. સાધના માટેના નિર્દેશ પ્રત્યેક વ્યક્તિએ ભિન્ન હોય છે.
એક વ્યક્તિ માટે પુષ્ટિદાયક આહાર બીજી વ્યક્તિ માટે ઝેર જેવો પણ બની શકે. પ્રત્યેક વ્યક્તિએ પોતાના સ્વભાવને અનુરૂપ નિયમનું પાલન કરવું જોઈએ. પોતાના શારીરિક અને માનસિક વાતાવરણની સાથે સારી રીતે સામંજસ્ય સ્થાપિત કરવું જોઈએ. મકાન જો સુદૃઢ પાયા પર ઊભું હોય તો એમ ને એમ રહે છે, નહિ તો એ પડી પણ જાય છે.
સામાન્યત: આપણે સત્યને ચાહતા નથી. પણ કોઈ વસ્તુ-વિશેષમાં પોતાની જાતને જ ચાહીએ છીએ. આપણે કોઈ વિચારને ચાહીએ છીએ કારણ કે એ આપણો વિચાર છે; પણ એટલા માટે નહિ કે એ સત્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને અલ્પજ્ઞાન સદા હાનિકારક બને છે. કેનોપનિષદ(૨.૩)માં કહ્યું છે :
યસ્યામતં તસ્ય મતં મતં યસ્ય ન વેદ સ: ।
અવિજ્ઞાતં વિજાનતાં વિજ્ઞાતમવિજાનતામ્ ॥
એટલે કે જે ભગવાનને અજ્ઞાત સમજે છે એના દ્વારા જ એને જાણી શકાય છે; અને જે વિચારે છે કે પોતે ભગવાનને જાણી લીધા છે એને માટે તે અજ્ઞાત બની જાય છે.
શ્રદ્ધાવાન અને નિષ્ઠાવાન ભક્ત સમક્ષ ભગવાન પોતાનું ઐશ્વર્ય પ્રગટ કરે છે અને ભક્તનું પ્રસ્તુત કાર્ય પરમાત્મા સાથે ઐક્ય સ્થાપિત કરવાનું છે અને ત્યારે પરમાત્મા પોતાનો મહિમા એમની સમક્ષ પ્રગટ કરે છે. જેવી રીતે માનવ ભગવાનની નજીક જવાનો પ્રયત્ન કરે છે તેવી રીતે પરમાત્મા પણ સદૈવ મનુષ્યની નજીક આવવા તત્પર રહે છે.
વૈજ્ઞાનિકો અને દાર્શનિકો દ્વારા થયેલ પ્રકૃતિનાં રહસ્યોનાં બૌદ્ધિક અનુસંધાનોથી સત્યને જાણી શકાતું નથી. જો તમે પોતાની બુદ્ધિથી વસ્તુઓના મૂળ કારણને જાણવાનો પ્રયત્ન કરો તો તમને એ અસંભવ છે એવું લાગવાનું. દૃશ્યજગતને ભેદીને સત્યનો સાક્ષાત્કાર કરવા એક સૂક્ષ્મતર અને તીક્ષ્ણતર યંત્રની આવશ્યકતા છે. આપણાં દેહમન વગેરે સહિત આ સમગ્ર દૃશ્યજગત ખરેખર મોટું આશ્ચર્યજનક છે; એમાં કંઈ તર્ક નથી, ઓછામાં ઓછું આપણને એવું જ દેખાય છે. નિરાકારનું સાકાર રૂપ ધારણ કરવાનું કયું કારણ છે? એ બધી વાતો યુક્તિ અને વિચારરહિત જણાય છે. કારણ કે એ યુક્તિથી પર છે. માયાની આ અત્યંત વિચિત્રતાભરી બહુવિધ લીલાની કોઈ વ્યાખ્યા સંભવ નથી. સાથે ને સાથે સાપેક્ષ ભાષામાં કોઈ પણ વ્યક્તિ હજી સુધી એને સમજી શક્યો નથી. તમે ખ્રિસ્તીની ભાષામાં ઈશ્વરની ઇચ્છા કહો કે એને હિંદુની ભાષામાં ભગવાનની લીલા કે ક્રીડા કહો, પણ સાપેક્ષ સ્તર પર કોઈ પણ વ્યાખ્યા કે કારણ બતાવી શકાતું નથી. એને સમજાવી પણ ન શકાય; પણ એનું અતિક્રમણ કરી શકાય છે.
પ્રત્યેક તથ્યનું એક માત્ર અંતિમ પ્રમાણ અપરોક્ષ અનુભૂતિ છે. ખરેખર જો ભગવાન હોય તો એને નજરે જોવો જોઈએ, એની અનુભૂતિ થવી જોઈએ. કેવળ સિદ્ધાંત પ્રસ્તુત કરવાથી કામ ચાલે નહિ. જેમણે એમને જોયા છે, એ લોકોના શબ્દોમાં શ્રદ્ધાવિશ્વાસ રાખવાં જોઈએ; આપણે એના પગલે પગલે ચાલવું જોઈએ અને આપણા પોતાના જીવનમાં એ અનુભવોને પ્રમાણિત કરવા જોઈએ. સાધનાના પ્રારંભમાં વિશ્વાસ ભલે આવશ્યક હોય પણ કેવળ વિશ્વાસથી કામ થાય નહિ. સ્વામી વિવેકાનંદે રાજયોગની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ ‘જો આ જગતમાં કોઈ પણ પ્રકારના વિજ્ઞાનના કોઈ વિષયની કોઈએ પ્રત્યક્ષ ઉપલબ્ધિ કરી હોય તો એના દ્વારા આ સાર્વભૌમિક સિદ્ધાંત પર પહોંચી શકાય છે કે પહેલાં પણ કોટિ કોટિવાર એની ઉપલબ્ધિની સંભાવના હતી અને ભવિષ્યમાં પણ અનંતકાળ સુધી તેની ઉપલબ્ધિની સંભાવના રહેવાની જ. એટલા માટે યોગવિદ્યાના આચાર્યો કહે છે કે ધર્મ પૂર્વકાલીન અનુભવો પર કેવળ સ્થાપિત જ નથી પરંતુ એ અનુભવોથી સ્વયં સંપન્ન થયા વિના કોઈ પણ વ્યક્તિ ધાર્મિક બની શકતી નથી. ભગવદ્ સાક્ષાત્કારના આ આદર્શને આપણે હંમેશાં જાળવી રાખવો જોઈએ.’
અતિચેતન અનુભૂતિનાં સ્તર
ભગવદ્ ગીતા (૧૮.૮)માં છે કે ઈંદ્રિય વિષયભોગથી પ્રાપ્ત થતું સુખ અનંત દુ:ખનું જનક છે. પ્રારંભમાં એ અમૃતતુલ્ય લાગે છે પરંતુ પછીથી તે નિરાશાજનક અને દુ:ખદાયક બને છે. બૌદ્ધિક આનંદ એનાથી ઉચ્ચકોટિનો છે ખરો પણ તે આપણને પરમ સંતોષ કે પૂર્ણતા આપી શકતો નથી. ધ્યાન કરતી વખતે અથવા ભગવાનનાં ગુણગાન કરતી વખતે એક આંતરિક સુખ મળે છે. આ ઘણો સારો આનંદ છે પણ એ દીર્ઘ કાળ સુધી સ્થાયી રહેતો નથી. અતિચેતનાવસ્થામાં પ્રાપ્ત કરેલ આનંદ સાધકની સાથે સદૈવ બની રહે છે. એ જ સાચો આનંદ છે. બીજા આનંદ તો એનો પડછાયો માત્ર છે. આવી ઉચ્ચતર અનુભૂતિ ભલે પૂર્ણપણે પ્રાપ્ત ન થઈ હોય પરંતુ જો કોઈ સાધક અતિચેતનાવસ્થાની નજીક પહોંચી જાય તો એકવાર અનુભવેલા આનંદની સ્મૃતિ હંમેશાં બની રહે છે. સાથે ને સાથે સાધકને ઉચ્ચતમ અવસ્થા પ્રાપ્ત કરવા તથા અનંત આનંદનો ઉપભોગ કરવા માટે એ પ્રેરતી રહે છે.
બધા ધર્મોની ઉત્પત્તિ અતિ ચેતનાવસ્થામાંથી થઈ છે. અતિચેતન અનુભૂતિએ સુથારના પુત્ર જિસસને લાખો લોકોના આરાધ્ય ઈસુ ખ્રિસ્ત બનાવી દીધા. એ જ અવસ્થાએ ઊંટને પાળનારા ગરીબ મહંમદને ઈસ્લામ ધર્મનો પયગંબર બનાવી દીધો. એણે જ બૌદ્ધિક, તાર્કિક અને દ્વન્દ્વ-પ્રિય નિમાઈ પંડિતને ભગવદ્ભક્તિના અવતાર શ્રીકૃષ્ણચૈતન્ય બનાવી દીધા. વર્તમાનકાળમાં આપણે ગદાધર ચટ્ટોપાધ્યાય નામના કોલકાતાના એક મંદિરના ગરીબ પુજારીને અતિચેતન અનુભૂતિ દ્વારા બધા ધર્મોના સમન્વયાવતાર શ્રીરામકૃષ્ણના રૂપે રૂપાંતરિત થતા જોઈએ છીએ. હા, એટલી વાત સાચી કે એ લોકો સામાન્ય માનવ ન હતા.
આપણામાંથી મોટા ભાગના લોકોએ ભગવાનનું નામ સાંભળ્યું છે. પણ એ શબ્દનો વાસ્તવિક અર્થ શું છે, એ વસ્તુત: આપણે જાણતા નથી. સાધના દ્વારા કેટલાક લોકોને ભગવાનની એક ઝાંખી થઈ શકે છે. કેટલાક લોકો એવા હોય છે કે જેમને આ ક્ષણિક ઝાંખીથી સંતોષ થતો નથી. તેઓ પોતાની ભીતર ગહનતમમાં પ્રવેશે છે અને પરમાત્માનો અને પોતાના આત્માનો પણ પરમાત્મા રૂપે આવિષ્કાર કરે છે. જે રીતે આત્મા દેહમાં રહે છે, એ જ રીતે ભગવાન બધા જીવોમાં એમને નિયંત્રિત કરીને એમ છતાં પણ એમનાથી નિર્લિપ્ત થઈને રહે છે. ભગવાન સર્વના અંતર્યામી છે અને સર્વથી અતીત પણ છે. ભગવાનની સાથે ભિન્ન ભિન્ન સંબંધ સ્થાપિત કરીને એમના સંસ્પર્શના આનંદનો ઉપભોગ ભક્ત કરે છે. ભક્ત ભગવાનને સ્વામી, સખા, માતા કે પ્રિયતમ માને છે ત્યારે એ સ્થૂળ અર્થમાં સમજવું જોઈએ નહિ. સ્વામી વિવેકાનંદે ધર્મને શાશ્વત આત્માનો શાશ્વત બ્રહ્મ સાથેનો શાશ્વત સંબંધ કહ્યો છે. આ જ ભાવ માનવ સંબંધોના માધ્યમથી પ્રગટ કરવામાં આવ્યો છે.
પરંતુ કેટલાક લોકો આ અવસ્થાનું પણ અતિક્રમણ કરી નાખે છે. તેઓ બ્રહ્મમાં સમસ્ત જીવજગતના એકત્વની અનુભૂતિ કરે છે. આત્મા, પરમાત્મામાં વિલીન થઈ જાય છે અને એકમેવાદ્વિતીયમ્ જ બાકી રહે છે. શ્રીરામકૃષ્ણ એક વાર્તાના માધ્યમથી આ વાતને ઘણી સુંદર રીતે સમજાવી દે છે:
એકવાર મીઠાની એક પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ. ઊંડાઈ માપતી વખતે તે પોતે જ ઓગળી ગઈ, જેમાંથી તે ઉત્પન્ન થઈ હતી એની સાથે એકાકાર થઈ ગઈ.
અતિચેતન અવસ્થાની પ્રત્યક્ષ અનુભૂતિ કરનારને ઋષિ કે દૃષ્ટા કહીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ એક રીતે દૃષ્ટા છે. ઈંદ્રિય વિષયોને જોનાર પણ દૃષ્ટા છે. દૂરસુદૂરના ગ્રહ અને નક્ષત્રોને જોનાર પણ દૃષ્ટા છે. બીજાના વિચારોને જાણનાર પણ દૃષ્ટા ખરો. પરંતુ આ બધાથી ભિન્ન ઋષિ શબ્દનો ઉપયોગ એવી વ્યક્તિ માટે કરાય છે કે જેણે સર્વાતીત અતિચેતન સત્યનો પ્રજ્ઞા દ્વારા અનુભવ કર્યો છે. આ પ્રજ્ઞાશક્તિને ભગવદ્ ગીતામાં ‘દિવ્ય ચક્ષુ’ કહ્યાં છે. એ બધામાં સુષુપ્ત રૂપે રહેલ છે.
અજ્ઞાન અને તેના પર વિજય
આ દિવ્ય શક્તિ મેળવવામાં આપણી અડચણ કઈ છે? વેદાંતના આચાર્યોના મત પ્રમાણે તે છે, અજ્ઞાન. પતંજલિ પણ કહે છે કે અજ્ઞાન પુરુષની દૃષ્ટિને ઢાંકી દે છે. યોગસૂત્રોમાં આપણને જોવા મળે છે – અનિત્યા શુચિદુ:ખાનાત્મસુ નિત્યશુચિસુખાત્મખ્યાતિરવિદ્યા – અર્થાત્ આત્માને અનિત્ય, અશુચિ, દુ:ખદાયક અને અનાત્માને નિત્ય, શુચિ, સુખદાયક સમજવાં એ અવિદ્યા છે. (યોગસૂત્ર, સાધનાપાદ-૨, સૂત્ર-૫) અજ્ઞાન કે વિદ્યાના મદમાં સત્ય કલ્પનાથી પણ વધારે અસત્ય લાગે છે.
એક શરાબી બરાડા પાડતો પાડતો એક વીજળીના થાંભલા પર ઝડપથી ચડતો હતો. સ્વાભાવિક રીતે પોલીસે એને પકડ્યો અને ન્યાયધીશની સામે લઈ ગયા. જજે પૂછ્યું: ‘ભાઈ, આ શું કરતો હતો?’ પેલાએ જવાબ આપ્યો: ‘સાહેબ, હું કરુંય શું! ત્રણ મગર મચ્છ મારી પાછળ પડ્યા હતા. એટલે મારો જીવ બચાવવા મારે વીજળીના થાંભલા પર ચડવું પડ્યું.’ નગરની સડક અને એના પર મગર! શરાબના નશામાં એણે આ બધું જોયું. અવિદ્યાને કારણે જ આપણે પણ એવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ જેની કોઈ વાસ્તવિક સત્તા જ નથી.
અવિદ્યા પર વિજય મેળવીને અતિચેતનાવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરવી, એ હવે પછીનો પ્રશ્ન છે. અવિદ્યા કંઈ એમ ને એમ જાણી શકાતી નથી. એ તો અનેક રીતે વ્યક્ત થાય છે. એમાં સર્વ પ્રથમ છે અહંકાર કે અસ્મિતા. એ વાસ્તવિક આત્માને ઢાંકી દે છે. ત્યાર પછી રાગ કે આસક્તિ ઉત્પન્ન થાય છે. જ્યારે એને દબાવવામાં આવે કે એની પૂર્તિ ન થાય તો ક્રોધ અને ભય ઉત્પન્ન થાય છે. માનવ અવિદ્યા, અહંકાર અને સાહજિક પ્રવૃત્તિઓ દ્વારા સંસારમાં બંધાયેલો રહે છે. આધુનિક મનોવૈજ્ઞાનિકો ગ્રંથિઓની વાત કરે છે.
એક વર્ગીકરણ પ્રમાણે ત્રણ પ્રકારની મનોગ્રંથિઓ હોય છે : યૌન મનોગ્રંથિ, અહંકાર મનોગ્રંથિ અને સમૂહ મનોગ્રંથિ. આ ગ્રંથિઓની પકડમાંથી નીકળવાનો ઉપાય જાણ્યા વિના આધ્યાત્મિક જીવનનો પ્રારંભ જ ન થઈ શકે. આધ્યાત્મિક સંઘર્ષનો આ અર્થ છે. સાહજિક વૃત્તિઓનાં બંધનમાંથી મુક્તિ મેળવવી કંઈ એક દિવસમાં સંભવ નથી. આપણે પોતે જ આપણી અડચણો છીએ. પોતાના દ્વારા ઉત્પન્ન કરેલી આંતરિક બાધાઓની સરખામણીમાં બાહ્ય બાધાઓ તો નહીં જેવી છે. આપણે પોતાના સમગ્ર વ્યક્તિત્વનું પરિવર્તન કરવું પડશે. આ કેવી રીતે થાય? વિશ્વના ભિન્ન ભિન્ન ધર્મોના સાધકોએ એને માટે ઘણા માર્ગ શોધી કાઢ્યા છે.
(ક્રમશ:)
Your Content Goes Here




