ઋષિઓનો માર્ગ:

ઈશ્વર તથા આત્મા નામના પરમ સત્યનું અપરોક્ષ અનુભૂતિ કરનાર ઋષિ કહેવાય છે. અંગ્રેજીમાં ‘મિસ્ટિક’ કહે છે. સંસારના પ્રત્યેક ધર્મમાં અનેક ઋષિઓ થયા છે. આમ છતાં પણ બધા ધર્મોએ એમની મહાનતાને ઓળખી જાણી નથી. એનું કારણ એ છે કે ખ્ર્રિસ્તી ધર્મ, ઈસ્લામ અને યહૂદી જેવા કેટલાંક ધર્મોમાં શ્રદ્ધા અને નૈતિકતાને મુક્તિના મુખ્ય ઉપાયરૂપે વધારે મહત્ત્વની ગણવામાં આવી. એ ધર્મના અનુયાયીઓ માટે એવી અપેક્ષા સેવવામાં આવે છે કે તેઓ એ ધર્મોના સંસ્થાપકો કે પયગમ્બરો પર પૂર્ણ શ્રદ્ધા રાખે. પ્રત્યેક ધર્મ પોતાના સંસ્થાપક, પયગમ્બરને શ્રેષ્ઠતમ માને છે અને એમાં ન માનનારા લોકોને મુક્તિ નહિ મળે અર્થાત્ તેઓ નરકમાં જશે એવી માન્યતાઓ હોવા છતાં પણ આ ધર્મોએ ઉત્કૃષ્ટ, અતિઉત્કૃષ્ટ સંતો પેદા કર્યાં છે. એમને ઈશ્વરની પ્રત્યક્ષ અનુભૂતિ થઈ હતી. ‘મિસ્ટિસીઝમ’ અર્થાત્ ‘અપરોક્ષ અનુભૂતિ’ અને તેમના સાધનાપથને ખ્ર્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ધર્મમાં ધર્મનું આવશ્યક અને મહત્ત્વનું અંગ કયારેય માનવામાં નથી આવ્યું. અનેક ખ્ર્રિસ્તી ઋષિઓને ખ્ર્રિસ્તી ધર્મ દ્વારા અપાયેલ દંડને સહન કરવો પડયો છે. ૧૭મી સદીમાં ‘ક્વાયટિસ્ટ’ નામના શાંતિવાદી આંદોલનને કઠોરતાપૂર્વક દબાવી દીધું હતું. ૧૮મી અને ૧૯મી સદીમાં ઈસાઈ ધર્મ સંઘની બહાર અને અંદર અપરોક્ષ અનુભૂતિ વાદ વિરોધી આંદોલન એટલાં પ્રબળ બન્યા કે વર્તમાન સદીના પ્રારંભ સુધી ખ્ર્રિસ્તી ધર્મે પોતાના મહાન અપરોક્ષ અનુભૂતિની પરંપરાને લગભગ ભૂલી ગયો. ઈસ્લામમાં અપરોક્ષ અનુભૂતિવાદને ‘સુફીધર્મ’ કહેવાય. ઈસ્લામિક કટ્ટરવાદીઓના વિરોધ તથા ધર્માંધોની ક્રૂરતાને કારણે ઈશ્વરાભિલાષી અનેક સાધકોના મૃત્યુ પણ થયા કે એમને દંડ સહન કરવા પડયા. આમ છતાં પણ ઘણી મોટી સંખ્યામાં અનુભૂતિ સંપન્ન ઋષિઓ ઈસ્લામે પેદા કર્યાં છે. આ એક આશ્ચર્યનો વિષય છે. એમાંથી કેટલાંકે ઉચ્ચતમ આધ્યાત્મિક અનુભૂતિઓ પ્રાપ્ત કરી હતી.

ભારતમાં, તેમાંય વિશેષ કરીને હિન્દુ ધર્મમાં, આપણને આધ્યાત્મિક સ્વતંત્રતા તેમજ અનુભૂતિઓનું બાહુલ્ય જોવા મળે છે. હિન્દુ ધર્મ પ્રમાણે પરમાત્માની અપરોક્ષ અનુભૂતિ મુક્તિ માટે અનિવાર્ય છે. હિન્દુ ધર્મમાં મુક્તિનો અર્થ છે, દુ:ખ અને અજ્ઞાનથી સંપૂર્ણ મુક્તિ. જ્યાં સુધી માનવ મુક્તિ નામની આ ઉચ્ચતમ સ્વતંત્રતાને પ્રાપ્ત કરી નથી લેતો ત્યાં સુધી તેને વારંવાર જન્મ લેવો પડે છે અને જીવનમાં મીઠાં – કડવાં ફળ ચાખવા પડે છે. હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક પૂર્ણતાના વિભિન્ન માર્ગોનું ગહન અધ્યયન કરવામાં આવ્યું હતું. સાથે ને સાથે એનું એક વિજ્ઞાન પણ વિકસ્યું હતું. અપરોક્ષ અનુભૂતિના મુખ્ય ચાર માર્ગ હિન્દુ ધર્મમાં બતાવવામાં આવ્યા છે. એ ચાર માર્ગને યોગ કહેવાય છે. હવે પછી આપણે એક પછી એક યોગનું સંક્ષેપમાં વર્ણન કરીશું.

કર્મ યોગ

સર્વ પ્રથમ કર્મયોગ છે. એમાં ઇચ્છાને કર્મફળથી અલગ કરવાની વાત પર વધારે મહત્ત્વ અપાયું છે. એને નિષ્કામ કર્મ કહેવાય છે. જેટલું કેટલાક લોકો સમજે છે એટલું એ સરળ નથી. એને માટે મહાન ઇચ્છાશક્તિની આવશ્યકતા પડે છે. પરંતુ પોતાનાં કર્મોનાં ફળથી પોતાની જાતને અલગ કરવાનો એક બીજો સરળ ઉપાય પણ છે અને એ છે, ફળોને ભગવાનનાં ચરણોમાં સમર્પિત કરી દેવાં. ઈશાવાસ્ય ઉપનિષદની સર્વપ્રથમ અત્યંત સુંદર પંક્તિ તમને યાદ હશે.

‘ईशावास्यम्‌ इदम्‌ सर्वम्‌ यत्किंचत्‌ जगत्याम्‌ जगत् ’

એટલે કે આ પરિવર્તનશીલ સમગ્ર જગતને ઈશ્વર દ્વારા ઢાંકી દેવું. આખો સંસાર ભગવાનનો છે; એ જાણીને બધી વાસનાઓનો ત્યાગ કરી દેવો જોઈએ. કઠિન વિપત્તિઓ અને કસોટીઓને સહન કરતાં કરતાં બાઈબલનાં ‘પુરાતન વ્યવસ્થાપન’નાં જોબ નામનાં સંતે કહ્યું હતું. ‘પ્રભુએ દીધું અને પ્રભુએ જ પાછું લઈ લીધું છે’ -‘પ્રભુનાં નામનો જય હો!’ સ્વામી વિવેકાનંદ પણ કહે છે. ‘અનાસક્તિ અને શરણાગતિ દ્વારા જ્યારે મન શુદ્ધ થાય છે ત્યારે અંતરાત્મા ધીમે ધીમે પ્રકાશિત થવા લાગે છે.’

રાજયોગ

ત્યાર પછી આવે છે ધ્યાનનો માર્ગ. એને રાજયોગ કહે છે. તેમાં ઈંદ્રિય વિષય સંબંધી વિચારોને મનમાં ઉઠવાં ન દઈને, મનને ઉચ્ચતર દિશામાં પ્રવાહિત કરવા પર મુખ્ય રૂપે પ્રયત્ન કરાય છે. અધિકાંશ લોકો માટે આ સાવ અસંભવ કાર્ય છે. પૂર્વતૈયારી વિના એનો પ્રયાસ કરવાથી તીવ્ર પ્રતિક્રિયાઓ થઈ શકે છે. એટલે એના મુખ્ય પ્રણેતા પતંજલિએ એને એક ક્રમબદ્ધ સાધનાનું રૂપ આપ્યું છે. સર્વ પ્રથમ છે યમ અને નિયમ. અર્થાત્ સામાન્ય અને વિશેષ તેવું નૈતિક આચરણ. વ્યક્તિએ સર્વદા અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અને અસ્તેય – બીજા પર આધારિત ન રહેવું – નું આચરણ કરવું જોઈએ. પોતાના પગ પર ઊભા રહેતા શીખો. સ્વચ્છતા અને સંતોષનો અભ્યાસ કરો. અધ્યયન કરો અને ગહન ચિંતન કરીને આદર્શોને આત્મસાત્ કરો. ગુરુના પણ ગુરુ પરમાત્માને બધું સમર્પિત કરી દો. આ બધામાં સફળતા પ્રાપ્ત કર્યા પછી આસન વિશેષમાં બેસવાનો તથા શ્વાસ-ઉચ્છ્વાસને નિયંત્રણમાં રાખવાનો અભ્યાસ કરી શકાય છે. એનો અર્થ દેહ અને મનની પ્રાણશક્તિનાં પ્રવાહને નિયંત્રિત કરવાનો છે. એને પ્રાણાયામ કહેવાય છે. કેટલાક લોકો એને વધારે મહત્ત્વ આપે છે. પરંતુ તેઓ લગભગ પોતાની ભીતર ક્રીડા કરતી શક્તિઓને નિયંત્રિત કરવામાં અસમર્થ રહે છે. એને પરિણામે મસ્તિષ્કમાં સ્થાયી અથવા અસ્થાયીરૂપે વિક્ષિપ્તતા અને અસ્થિરતા ઊભી થઈ શકે છે. પતંજલિએ પોતાની સાધના પદ્ધતિમાં પ્રાણાયામને બહુ ઓછું મહત્ત્વ આપ્યું છે. રાજયોગની પછીની બે સીડીઓ છે પ્રત્યાહાર અને ધારણા. અર્થાત્ ઈંદ્રિયોને બાહ્ય વિષયોમાંથી દૂર હટાવીને તેમજ મનને કોઈ આધ્યાત્મિક વિષયમાં લગાડી દેવું. આ આંતરિક એકાગ્રતા ગહન બને ત્યારે વ્યક્તિ પોતાનો પુરુષ અથવા આત્માના રૂપે સાક્ષાત્કાર કરે છે.

ભક્તિયોગ

ત્રીજો માર્ગ છે ભક્તિયોગ. એમાં પણ અનુશાસનની આવશ્યકતા છે, પરંતુ પોતાના આવેગોને ભગવાન તરફ વાળવાના કાર્ય પ્રત્યે સૌથી વધુ ભાર દેવામાં આવ્યો છે. સંસાર પ્રત્યેની આસક્તિને ભગવત્ પ્રેમમાં ફેરવી નાખવી જોઈએ. ઘૃણાને બદલે વૈરાગ્ય હોવો જોઈએ. ભયને સ્થાને ભગવાનની શરણાગતિ હોવી જોઈએ. એની સાથે જ ભગવાનનું સ્મરણ નિરંતર કરતા રહેવું જોઈએ. તે માટે ભક્ત શબ્દનાં પ્રતીકો કે મંત્રોની મદદ લે છે. મંત્ર એક રહસ્યમય નાનો શબ્દ સમૂહ છે. વળી એમાં લાંબી સ્તુતિઓ અને ભજન પણ છે. એમની મદદથી ભક્તે સદા ભગવાનનું સ્મરણ જાળવી રાખવું જોઈએ. ત્યારે જ ભગવાનની કૃપાથી તે આધ્યાત્મિક જીવનની બધી બાધાઓને પાર કરીને ભગવાનનું દર્શન કરે છે.

જ્ઞાનયોગ:

જ્યારે આપણે જ્ઞાનયોગ પર આવીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે એમાં સાધક માટે આત્મ-સાક્ષાત્કાર કે આત્માનુભૂતિ નામના આધ્યાત્મિક પથ પર આગળ વધવા માટે ઉચ્ચતર યોગ્યતા અને નૈતિક સ્તરની આવશ્યકતા પડે છે. સાધકે સંયમી, અતિ ધીરજવાળા, શ્રદ્ધાવાળા તેમજ ધ્યાનપરાયણ બનવું જોઈએ. તેનામાં નિત્ય અનિત્યનો સમર્થ વિવેક હોવો જોઈએ. તેમજ આ જન્મ તથા પરજન્મમાં ભોગની બધી ઇચ્છાઓનો ત્યાગ કરી દેવો જોઈએ અને તેનામાં મુમુક્ષુત્વ અર્થાત્ બધા બંધનોમાંથી મુક્ત થવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. આ બધાં સદ્ગુણો હોવા એ સરળ નથી.

જ્ઞાનનો અર્થ પુસ્તકિયું જ્ઞાન એવો નથી. ઉપનિષદમાં બે પ્રકારની વિદ્યાઓનો ઉલ્લેખ છે. પ્રથમ છે અપરા, એ નિમ્નકક્ષાની છે અને બીજી છે પરા એ ઉચ્ચકક્ષાની છે. ઈંદ્રિયો દ્વારા પ્રાપ્ત પ્રત્યક્ષ તથા અનુમાન દ્વારા પ્રાપ્ત વિદ્યા અપરા વિદ્યા છે. અધ્યયનનો પણ એમાં સમાવેશ થાય છે. પરમ સત્યની અપરોક્ષ અનુભૂતિ પરા વિદ્યા છે. જ્ઞાનયોગનો સમગ્ર હેતુ આ અતિચેતન અવસ્થાનો સાક્ષાત્કાર કરવાનો છે. એમાં દાર્શનિક વિષયો પર સૂક્ષ્મ તર્કવિતર્કમાં મંડયા રહેવાનું નથી. પ્રાય: આવું વધારે જોવા મળે છે.

જ્ઞાનયોગનો પ્રારંભ શ્રવણથી થાય છે. એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન અને ગુરુવાણીનું શ્રવણ. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાન વાકયો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત કરવામાં આવ્યાં છે. પણ કેવળ સાંભળીને કંઈ અટકી જવાનું નથી. જે સાંભળ્યું છે તેના તરફ જ્યાં સુધી સત્યના સ્વરૂપ તથા તેની પ્રાપ્તિની સંભાવના વિશે દૃઢ નિશ્ચય ન થઈ જાય ત્યાં સુધી ગહનતાથી ચિંતન કરવું જોઈએ, એને મનન કહે છે. પ્રાય: લોકો સામાન્ય વિષયો પર પણ આવું મનન કરતા નથી. મને એક વાર્તા યાદ આવે છે. એક કિશોરીને ભોજનનું આમંત્રણ મળ્યું. તે એક પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી પાસે બેઠી હતી. એ ખગોળશાસ્ત્રીના રૂઆબદાર ચહેરાથી આ કિશોરી થોડી આકર્ષાઈ અને એણે એમને પૂછયું ‘તમે શું કરો છો?’ પેલા ખગોળશાસ્ત્રીએ વિનમ્રતાપૂર્વક જવાબ દીધો. ‘હું ખગોળશાસ્ત્રનું અધ્યયન કરું છું.’ આ સાંભળીને પેલી કિશોરીએ ઘણી નિરાશા અનુભવી. એનાં મનમાં એવું હતું કે આ સન્માનીય દેખાતા સજ્જન તેમને સારો ઉત્તર આપશે. કિશોરીએ કહ્યું: ‘શું? આ ઉંમરે પણ આપ અત્યારે ખગોળશાસ્ત્રનું અધ્યયન કરી રહ્યાં છો?’ મેં તો ગયે વર્ષે જ ખગોળશાસ્ત્રનું અધ્યયન પૂરું કરી લીધું છે.’ ખગોળશાસ્ત્રનાં તે કિશોરીનાં જ્ઞાનનો અંત થોડાંક પુસ્તકો વાંચવાની સાથે આવી ગયો.

મનન પછી આવે છે નિદિધ્યાસન. નિદિધ્યાસન એ ઉચ્ચ શ્રેણીનું ધ્યાન છે. એમાં આત્માના સ્વરૂપનું સીધું અનુસંધાન કરવામાં આવે છે. વસ્તુત: આ સત્યના ‘છર્; છર્; – આ નહિ, આ નહિ’, માર્ગ દ્વારા એ ગહન અનુસંધાન છે.

યોગનું લક્ષ્ય:

પ્રત્યેક માનવ આત્મા પરમાત્માનો અને શાશ્વત અંશ છે. ગીતા (૧૫.૭-૮)માં શ્રીકૃષ્ણ કહે છે:

ममैवांशो जीवलोके जीवभूत: सनातन:।
मन:स्थानिन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति॥

शरीरं यद्वाप्नोति यच्चप्युत्क्रमतीश्वर:।
गृहीत्वैतानि संयाति वायुर्गन्धनिवासयत्॥

મારો જ સનાતન અંશ આ લોકમાં જીવ રૂપે છે. દેહ છોડતી વખતે પ્રકૃતિમાં રહેલ મનને, પાંચ ઇન્દ્રિયોને એ આકર્ષે છે. શરીરાદિનો સ્વામી આ જીવાત્મા એક શરીર છોડી બીજું શરીર પામે છે, ત્યારે મન સહિત ઇન્દ્રિયોને લઈને જ જાય છે – જાણે વાયુ આસપાસના પદાર્થોની ગંધ લઈને જતો હોય! (૭-૮)

બધા યોગોનું લક્ષ્ય આ મિલનનો સચેતન અનુભવ એકત્વના સાક્ષાત્કાર દ્વારા કરવાનો છે, અને તે પણ બૌદ્ધિક રૂપે નહીં, આવું થાય તો પરમ સત્યની ઉચ્ચત્તમ આધ્યાત્મિક અનુભૂતિ આપણા માટે યથાર્થ બની શકે. માનવ જીવનમાં સદા રહેલા અજ્ઞાનને કારણે આત્મા અહંકાર, મન અને ઈંદ્રિયો સાથે તાદાત્મ્ય સ્થાપિત કરી લે છે. જો પોતાનું વાસ્તવિક સ્વરૂપ મન અને ઈંદ્રિયોથી ભિન્ન છે, એવું વ્યક્તિ જાણી અનુભવી લે તો પણ એને માટે અહંકારમાંથી છૂટવું મુશ્કેલ છે. શ્રીરામકૃષ્ણ એની તુલના અશ્વત્થ – વૃક્ષ (પીપળા) સાથે કરતા. એ વૃક્ષને કાપી નાખીએ તો પણ એમાં અંકુર ફરીથી ફૂટે છે.

‘मिथ्या अहं’ ને શુદ્ધ કરવાનો છે અને એનું આધ્યાત્મિકરણ કરવાનું છે. બધા યોગોનો આ મુખ્ય ઉદ્દેશ્ય છે. કર્મનાં ફળને પરમાત્માને સમર્પિત કરવાનાં અને સેવા દ્વારા વ્યક્તિગત ઇચ્છાને ભગવદિચ્છામાં વિલીન કરવાનું શીખવે છે.

એવી રીતે રાજયોગમાં બધી સાધનાઓનું સમર્પણ અને અતિ ચેતનાના ભાવથી પૂરિત કરવાનો પ્રયાસ ચાલુ રહે છે અને જપધ્યાન દ્વારા આંતરિક ભગવદ્ – સાંનિધ્યના ભાવને જાળવી રાખવા પર ભાર દેવાય છે. ભક્તિયોગ ભગવાનના યંત્રના રૂપે સેવા અને પ્રેમપૂર્ણ ભક્તિનો ભાવ સંચારિત કરે છે. આ રીતે કોઈ ને કોઈ પ્રકારે ‘અહમ્’નું આધ્યાત્મિકરણ કરવામાં આવે છે. પ્રારંભમાં ભગવાનને પિતા કે માતા માનવામાં કોઈ હાનિ નથી. પરંતુ પોતાના પૃથક્ વ્યક્તિત્વ બોધનું અનંત જ્ઞાનમાં વિલીન થવાથી જ અખંડ પરમાત્માના આનંદનો અનુભવ થઈ શકે છે. જ્ઞાનયોગનું લક્ષ્ય આત્મ- અનાત્મ વિવેક તથા તત્ત્વમ્ અસિ આદિ ઉપનિષદનાં મહાન વાકયોના અર્થ-ચિંતનથી આત્મા અને પરમાત્માના એકત્વની અનુભૂતિ કરવાની છે.

આ બધા યોગોના મૂળમાં તપ, સમાનરૂપે રહેલું છે. ભગવદ્ગીતા (૧૭.૧૪-૧૬)માં શ્રીકૃષ્ણ શરીર અને વાણીના તપનો ઉલ્લેખ કરતા કહે છે: 

દેવ, બ્રાહ્મણ, ગુરુ અને વિદ્વાનોનું પૂજન, પવિત્રતા, સરળતા બ્રહ્મચર્ય અને અહિંસા એ શારીરિક તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્યભાવ, મૌન, આત્મસંયમ, અને મનોભાવની  નિર્મળતા એ મનનું તપ કહેવાય છે.

આ નિયમનું પાલન કરવા માટે આપણે પોતાના બોલવાના  સ્વભાવનું નિરીક્ષણ કરવું પડે તથા વ્યર્થ તેમજ હાનિકારક શબ્દોનો ત્યાગ કરવો પડે. સૌમ્યતા, પ્રશાંતતા, મૌન, ઈંદ્રિય-સંયમ, ચિત્તની શુદ્ધિ – એ મનનાં તપ છે. આ બધી સાધનાઓનો દૃઢ નિષ્ઠા અને ઉત્કટતા સાથે અભ્યાસ કરવો જોઇએ. તેની સાથે દૃષ્ટિકોણની ઉદારતા પણ હોવી જોઇએ. આધ્યાત્મિક  જીવનમાં આપણને શ્રીકૃષ્ણે ઉપદેશેલ કર્મફળ ત્યાગની શંકરાચાર્યે નિર્દેશેલ આત્મ વિશ્લેષણના માર્ગની, ચૈતન્ય દ્વારા પ્રબોધેલ ઉન્મત્ત ભગવત પ્રેમની પ્રણાલિની આવશ્યક્તા છે. આપણે બુદ્ધના અષ્ટાંગ માર્ગથી ઈશુ ખ્ર્રિસ્તના પર્વતીય ઉપદેશથી તેમજ મહંમદના વિશ્વજનીન ભાતૃત્વના સિદ્ધાંતથી પણ લાભ ઊઠાવી શકીએ તેમ છીએ. આ બધા આત્માને તેના વાસ્તવિક દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા માટે પ્રસ્તુત કરે છે. સાથે ને સાથે એમણે બધા ધર્મોના સાધકો, ઋષિઓને મહત્ત્વ આપ્યું છે.

વ્યષ્ટિ જીવ સમષ્ટિથી ભિન્ન નથી, ચિત્તશુદ્ધિ દ્વારા મળેલ ઉચ્ચતર પ્રજ્ઞા દ્વારા આ સત્ય પ્રગટ થાય છે. બધા યોગોમાં સાધનાનો જન્મ પ્રેમ દ્વારા થાય છે અને પરમાત્મા સાથે એકત્વનો બોધ સ્વાભાવિક રીતે સમસ્ત માનવતા સાથે પણ એકત્વની અનુભૂતિ કરાવે છે. ભગવત્ નામના જપથી તથા સર્વના અંતર્યામી પરમાત્માના નિરંતર સ્મરણથી ભક્ત પોતાના જીવનને મધુમય બનાવે છે, પોતાના અહંકારને પરમાત્મ ચૈતન્યમાં લીન કરવાનું શીખવે છે. તેની વ્યષ્ટિ ચેતના વિરાટ ચૈતન્યમાં એવી રીતે વિલીન થઈ જાય છે કે જેમ સાગરમાં એ ઊઠેલી લહેર સાગરમાં લીન થઈ જાય છે. તે આવો અનુભવ કરે છે: ‘હું સ્વરૂપત: બ્રહ્મ છું, હું પરમાત્માથી ભિન્ન નથી.’ આ અનુભૂતિ જ પ્રત્યેક યથાર્થ જ્ઞાનીમાં જોવા મળતા આનંદનું કારણ છે. અનંત સત્તાની સાથે પોતાના એકત્વની અનુભૂતિ થતાં, જીવનું આનંદમય પરમાત્મા સાથે મિલન થતાં, માનવ સમસ્ત માનવતા સાથે આ એકત્વની અનુભૂતિ કરે છે. સમગ્ર પ્રાણીઓના હૃદયમાં પ્રતિબિંબિત થતા ભગવત્ પ્રેમ અને ભગવત્ કૃપા પણ ઓછામાં ઓછી એક ઝલક પામી શકે છે. એ વખતે જીવન પ્રત્યેના અસંતોષનું સ્થાન એક શાંત ભાવ લે છે. એ ભાવ જીવનને પૃથ્વી પરનું સ્વર્ગ બનાવી દે છે. આધ્યાત્મિક જીવનનો પ્રારંભ દુ:ખથી થઈ શકે છે, પરંતુ આત્માના એકત્વની વાસ્તવિક સત્યતાનો અનુભવ થતા આપણે અંધકારમાં પડેલા લોકોને પ્રકાશ આપી શકીશું. અત: આધ્યાત્મિક અનુભૂતિ પોતાના વ્યક્તિગત સુખ અને શાંતિ માટે જ નથી, એ તો છે બીજાના સુખ અને શાંતિ માટે પણ આવશ્યક છે.

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.