માનવ આ દુનિયામાં ભલે એકલો જ આવ્યો છે અને પાછો એકલો જ પોતાના પિતા પરમેશ્વર પાસે સ્વર્ગમાં જાય છે, પણ અહીં આવીને એ એકલો રહી તો શકતો જ નથી. એના સ્વભાવમાં જ સમૂહજીવનની સહજવૃત્તિ છે. સંસારમાં આવીને એ પરિવાર સરજે છે, જૂથ બનાવે છે, સમાજ બનાવે છે. છતાં પણ એ સમાજ જ્યારે અતિ બહોળો થઈ જાય છે, ત્યારે એના નાનાં નાનાં જૂથોમાં ભાગલા પડવા અનિવાર્ય બની જાય છે. આવા નાના ભાગલાઓ પડવાનાં અનેક પરિબળો હોય છે. એ પરિબળોમાં વ્યાવસાયિક, વંશીય, માન્યતાસંબંધી, રિવાજસંબંધી, સાંપ્રદાયિક, ધાર્મિક – આદિ પરિબળો મુખ્ય છે. ઠેઠ પ્રાચીનકાળથી આ વાત ચાલી આવી છે એમાં પછી આર્થિક અને બૌદ્ધિક ક્ષમતાઓ પ્રમાણે મોભાદારીની ઉચ્ચતા અને નિમ્નતા ભળી. એટલે ત્યારથી વિષમતાનો પ્રવેશ થયો અને સમસ્ત વિશ્વના સમગ્ર માનવો આ જ ઘટનાચક્રમાં આજ સુધી ઘૂમી રહ્યા છે. કોઈ સમાજનું કોઈપણ ઘટક આ સમયના અને જીવનના દુશ્ચક્રમાંથી બચી શક્યું નથી. એ ઠીક છે પણ આવા કોઈ સમાજની એવી એકધારી સ્થિતિ – સ્થગિતતા ક્યારેય રહી નથી. કોઈ સમાનઘટક સ્થગિત નથી. એ સતત ગતિશીલ છે. એના વૈવિધ્યભર્યા અનુભવોથી, અન્ય સમાજ ઘટકોની અલગ જીવનપદ્ધતિ અને જીવનમૂલ્યોની અસરથી, પોતાની સંસ્કૃતિના થતા રહેલા આરોહઅવરોહથી. એનામાં કાળે કાળે ખૂબ જબરાં પરિવર્તનો આવ્યા જ કર્યાં છે. જે સમાજ કે સમાજનું ઘટક આ પરિવર્તનનો સપાટો ન ઝીલી શકે, એણે કાં તો ક્ષીણ થઈ નવું પડે છે અથવા તો બલિષ્ઠ પ્રવાહનો કોળિયો જ થઈ જવું પડે છે.
આવું એક સમાજઘટક, જેણે ભીતર-બહારની અનેક થપાટો ખાધી છતાં હજારો વરસોથી ટકી રહ્યું હોય તો એ હિન્દુઓની જ્ઞાતિકથા છે! જે આવી જ જ્ઞાતિપ્રથાઓ ગ્રીસ, રોમ, પર્શિયા અને જાપાનમાં હતી તે વિસ્મરણના ગર્તમાં ફેંકાઈ ગઈ અને ભારતમાં હિન્દુઓમાં એ ટકી રહી, એટલે એની એવી સ્થિતિ સ્થાપકતા અને બળૂકાપણા વિશે ઘણું ઘણું કહેવું જરૂરી લાગે છે. એટલું જ નહિ, પણ એણે હિંદુ લોકોની અનેક આવશ્યકતાઓ અને હેતુઓની પૂર્તિ પણ કરી છે. આ મુદ્દો યથાસમયે ચર્ચીશું.
એ પહેલાં અહીં એક આ વાત કહેવી જરૂરી લાગે છે કે સેમેટીક ધર્મો એકેશ્વરવાદી હોવાને કારણે હિંદુ જ્ઞાતિપ્રથા સાથે ત્યાંના સમાજની સરખામણી ન થાય એવું આપણે માનીએ છીએ. પણ તેમના ધર્મોનો એક જ સ્થાપક અને તેમનું એક જ ધર્મપુસ્તક હોવા છતાં ખ્રિસ્તીધર્મના અસંખ્ય સંપ્રદાયો અને પેટાસંપ્રદાયોના વિભાગો જોઈને આપણે આભા જ બની જઈએ છીએ. ભારતમાં વસતા મુસ્લિમોની અનેક જ્ઞાતિઓ જોઈને પણ આપણને ભારે નવાઈ લાગ્યા વિના નહિ રહે! (જુઓ, એમ.એન. શ્રીનિવાસ, કાસ્ટ ઈન મોડર્ન ઈંડિયા, પૃ.૮૮ અને ૧૦૮)
આજની જ્ઞાતિપ્રથાના મૂળમાં ભારતની પ્રાચીન વર્ણવ્યવસ્થા રહેલી છે. ભારતીય સમાજમાં પ્રાચીનકાળમાં ચાર વર્ણો હતા. ‘વર્ણ’નો સામાન્ય અર્થ ‘ચામડીનો રંગ’ થાય છે. ઋગ્વેદમાં ગૌરવર્ણા આર્યો અને શ્યામવર્ણા દસ્યુઓના બે શાશ્વત પ્રતિસ્પર્ધીઓનાં જૂથ પાડ્યાં હતાં. પણ તે ખ્યાલ તો પછી તરત જ અસ્ત પામી ગયો અને એને સ્થાને ચાર વર્ણોવાળી સંકલ્પના ઠેઠ ઋગ્વેદના કાળથી જ શરૂ થઈ ચૂકી હતી. (જુઓ, ઋગ્વેદ સંહિતા, ૮.૩૫.૧૬.૩ અને ૧.૧૦.૮.૭) સુસંસ્કૃત સમાજમાં સામાન્ય રીતે જણાતા માનવનાં રસ-રુચિ-વલણ અને સુષુપ્ત શક્તિ અનુસાર આજીવિકાના ચયન માટેની આ એક વૈજ્ઞાનિક વ્યવસ્થા હતી. ‘સમાજની પ્રત્યેક વ્યક્તિને એના સ્વભાવાનુકૂલ વ્યવસાયની તક પૂરી પાડવાની સમાજની ફરજ છે’, એવું તત્ત્વજ્ઞાન આ વ્યવસ્થા પાછળ હતું. વેદોએ એને પ્રમાણી છે, પણ રચી નથી.
સમાજ અને સંસ્કૃતિનો જેમ વ્યાપ વધે તેમ તેમ શ્રમવિભાજન તો કરવું જ પડે છે. કેમ કે બધાં માણસો બધું કરી શકતાં નથી. પ્રાચીન વૈદિક કાળમાં આ શ્રમવિભાજન સ્વૈચ્છિક હશે કારણ કે એક જ પરિવારના સભ્યો ગમે તે મહત્ત્વના પ્રસંગે સમગ્ર પરિવારને અસરકારક એવું સ્વૈચ્છિક કાર્ય કરી શકતા હશે. કેટલાકે જ્ઞાનપ્રાપ્તિનો, બૌદ્ધિક, યુવાન પેઢીને તાલીમ આપવાનો વ્યવસાય સ્વીકાર્યો તો તેઓ બ્રાહ્મણ કહેવાયા. જેમણે શારીરિક શક્તિ અને બાવડાંના બળ કેળવ્યાં અને બાહ્ય આક્રમણોથી સમાજનું રક્ષણ કરવાનું અને અંદરની શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું પસંદ કર્યું, તેઓ ક્ષત્રિયો થયા. બાકી રહેલા સમાજના બહુમતી સભ્યોએ પોતાને સંપત્તિના ઉત્પાદન અને વિતરણમાં તેમજ કૃષિ, પશુપાલન, દૂધ આદિના વેપારમાં રોક્યા, તેઓ વૈશ્યો કહેવાયા અને કોઈ વ્યવસાયની ક્ષમતા વગરના, અન્ય વર્ણોને મદદ-સેવા કરનારા શૂદ્ર કહેવાયા. સમય જતાં આ દરેક વર્ણમાં – બ્રાહ્મણથી માંડીને શૂદ્ર સુધીમાં – કાનૂની વ્યાવસાયિક વારસદારીની ઉચ્ચતા પ્રવેશી ગઈ! અને પેઢી દર પેઢી મજબૂત થતી ગઈ!
જો કે મૂળે તો આ વ્યવસ્થા ગુણો પર આધારિત અને તેથી સ્વાભાવિક જ હતી અને ક્ષમતાનુસાર વ્યવસાયચયન જ એમાં હતું. પણ એ એક આદર્શ હતો, કારણ કે દરેકેદરેક સમાજવ્યક્તિના ગુણો અને ક્ષમતાનું મૂલ્યાંકન કરવું તો અશક્ય જ છે. તાજા જન્મેલ બાળકના ગુણો તો મપાય જ કેમ? એટલે છેવટે જન્મને જ મહત્ત્વ આપવું રહ્યું! જે વર્ણમાં જે જન્મે તે તે વર્ણનો ગણવામાં વ્યવહારુપણું લાગ્યું. અને આ રીતે જ્ઞાતિપ્રથાનો સમાજમાં જન્મ થયો. આ વૈજ્ઞાનિક નહિ પણ એક વ્યવહારુ રસ્તો છે. આમ વર્ણ જાતિમાં જ જડાઈ ગયો. (જન્ – જન્મવું – પરથી જાતિ આધારિત વર્ણ.)
ભલે એ રીતે વર્ણ, જન્મ-આધારિત બની ગયો હોય, છતાંયે એવા અસંખ્ય દાખલાઓ ઇતિહાસમાં મળે છે કે ગમે તે જાતિનો મનુષ્ય પોતાને મનગમતો વ્યવસાય ચૂંટવા મુક્ત હતો. વિશ્વામિત્ર અને વીતહવ્ય ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યા હતા. પરશુરામ અને દ્રોણાચાર્ય બ્રાહ્મણમાંથી ક્ષત્રિય થયા હતા. આ બધાનું ખાલી નામમાત્રનું જ બ્રાહ્મણપણું કે ક્ષત્રિયપણું રહ્યાં હતાં! છતાંયે આ બધા અપવાદો જ હતા એમ કહ્યા વગર તો ચાલે તેમ નથી.
માનવસ્વભાવનો ઝોક ઈંદ્રિયાકર્ષણ અને જાતીય વૃત્તિ તરફ સહજ હોવાથી એ અંતર્વિવાહપ્રથાના સામાન્ય નિયમને પાળી ન શક્યો અને અવારનવાર વર્ણાન્તર વિવાહો થવા લાગ્યા. એટલે પછી અનુલોમ વિવાહને માન્યતા આપવી પડી. (ઉચ્ચવર્ણના પુરુષના તેનાથી નીચલા વર્ણની સ્ત્રી સાથેનાં લગ્ન) પણ એનાથીયે અનુલોમથી અવળાં નિન્દ્ય ગણાતાં પ્રતિલોમ લગ્નો થતાં સમાજમાંથી અટક્યાં નહિ. એટલે જેને ‘વર્ણસંકર’ એવું નામ અપાય છે, તેવી પ્રજા જન્મી અને મહાભારતના કાળ સુધીમાં (ઈ.પૂ. ૩૦૦૦ – ઓછામાં ઓછા વર્ષ) આવી વર્ણસંકર પ્રજાની સંખ્યા ભારતમાં પ્રચંડ રીતે વધી ગઈ હતી. એની સાથોસાથ ગ્રીકો, હૂણો, શકો, સિથિયનો, પર્શિયનો અને અન્ય બહારના લોકોના સતત આક્રમણોમાં ભારતમાં આવી વસેલા વિદેશીઓ ભારતના હિંદુસમાજમાં ભળી ગયા અને એને કઈ જાતિમાં મૂકવા એ મોટો સવાલ ઊભો થઈ ગયો.
આપણા સ્મૃતિકારો અને ધર્મશાસ્ત્રકારો આ અગણિત જનોનાં નવાં નવાં નામ શોધવા માટે ભારે સંઘર્ષ કરવા લાગ્યા. એને સંજ્ઞા – (જ્ઞા-ઓળખ-જ્ઞાતિ = ઓળખાણ) આપવા મથામણ કરવા લાગ્યા. આ જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓનાં જાળાંને ભેદવામાં માનવઇતિહાસ અને સહજ કાલપ્રવાહ તેમની મદદે આવ્યા અને તે એક જ રીતે કે આ વખતે માનવવસતિમાં વધારો થયો અને સંસ્કૃતિનો વિકાસ થયો. એણે માનવજાત માટે વધારે સુવિધા અને વધારે સરળતાવાળા જીવન માટે વધુ તરકીબો, વધુ ઉપકરણો અને વધુ પ્રયોગોની આવશ્યકતા ઊભી કરી, એણે નવા વ્યવસાયો ઊભા કર્યા અને બધા જ માનવો એમાં સહજ રીતે યોગ્ય જ્ઞાતિનામ ધારણ કરીને ગોઠવાઈ ગયા! કાળ ભગવાનનો જય હો! માનવઇતિહાસનો જય હો! આમ અસંખ્ય નવી જ્ઞાતિઓ જન્મી. એનાં નામો વ્યવસાયપરક છે. પેઢીઓથી કે સદીઓથી આ વ્યાવસાયિક કૌશલ અકબંધ જ રહ્યું છે, એ સુવિદિત જ છે. આ રીતે વર્ણમાંથી જાતિ અને પછી જાતિમાંથી જ્ઞાતિનો જન્મ થયો.
પોતાને આધુનિક માનનારા સૌ માટે જ્ઞાતિનો વિરોધ કરવાની એક ફેશન છે. ‘આ જ્ઞાતિપ્રથા તો લુચ્ચા પાકા માણસોએ સ્થાપિત હિતોના બદઈરાદાથી ઘડી કાઢી છે’ – એમ માનનારાઓ ઓછા નથી. પરંતુ સમાજની અતિ લઘુમતીવાળા, અત્યન્ત નિર્ધન અને રાજ્ય કે સૈન્યની કશી શક્તિ વગરના બ્રાહ્મણો કેવળ ચાલાકી દ્વારા પોતાના પગ તળે સમગ્ર પ્રજાને સદીઓ અને હજારો વરસોથી કચડી રહે એ એમના ઉદાત્ત અને ભવ્ય ચારિત્ર્યબળ વિના સંભવ જ નથી. એમાં ચાલકી અને બદઈરાદાની ગંધ ગોતવી એ નરી અજ્ઞાનતા સિવાય બીજું કશું નથી.
ભારત પરનાં સદીઓ સુધી ચાલેલાં જંગલી આક્રમણોના જબરા આઘાતો સહન કરીને ય હજુ ટકી રહેલી આ વ્યવસાયમૂલક જ્ઞાતિપ્રથાની પૂર્વ-પશ્ચિમના પક્ષપાતરહિત મનીષીઓએ તો પ્રશંસા જ કરી છે. સિડની લો એના પુસ્તક (વીઝન ઓફ ઇન્ડિયા)માં પૃ.૨૬૨-૬૩માં લખે છે :
‘પ્રાકૃતિક પ્રતિકૂળતાઓ અને રાજકીય ઉથલપાથલો સામે સદીઓ સુધી ભારતીય સમાજે ઝીંક ઝીલી, એની પાયાની સ્થિરતાનું અને સંતોષનું મુખ્ય કારણ નિ:શંક રીતે એની જ્ઞાતિપ્રથા હતી. કારણ કે એણે દરેક વ્યક્તિને એનું સ્થાન, એનો વ્યવસાય અને એની જીવનપદ્ધતિ આપ્યાં હતાં, દરેકને પોતાનું સ્વજન મંડળ આપ્યું હતું. એણે દરેકનો સમૂહના એક અંગ તરીકે સ્વીકાર કર્યો હતો. સામાજિક હોંસાતોંસી અને વિદ્વેષમાંથી એણે વ્યક્તિને ઉગારી હતી. અપૂર્ણ ઝંખનાઓમાં એણે આશ્વાસન આપ્યું હતું; સામાજિક સહકારની ખાતરી આપી હતી. આ વ્યવસાયમૂલક જ્ઞાતિમંડળો જ હિંદુઓની કલબો કે ટ્રેડ યુનિયનો – જે કહો, તે બધું છે : એટલે ભારતમાં એની ક્યારેય કશી જરૂર પડી જ ન હતી.’
આબ્બે ડુબ્બીસ નામના ફ્રાંસના ખ્રિસ્તી મિશનરીએ પંદર વરસ સુધી જ્ઞાતિ પ્રધાન હિંદુ સમાજ સાથે ઘનિષ્ઠ સંબંધ પછી આવો જ સૂર કાઢ્યો હતો : ‘હિંદુઓની જ્ઞાતિપ્રથાના ખ્યાલને હું તેમના રિવાજોનો શ્રેષ્ઠ સુખદાયક પ્રયત્ન ગણું છું. અને મને ખાતરી છે કે એનાથી જ ભારત જંગલિયાતમાંથી બચી શક્યું છે. જ્યારે આખું યુરોપ અંધાધૂંધી અને અજ્ઞાનની ખાઈમાં ખદબદતું હતું ત્યારે ભારતની આ વ્યાવસાયિક નામધારી જ્ઞાતિઓએ જ પોતપોતાના ભાગમાં આવે એ રીતનો સંસ્કૃતિ, કળા અને વિજ્ઞાનનો વિકાસ કર્યો હતો! આવો વિકાસ આવા કાર્યવિભાજન વિના શું થાત? એનું ઋણ સ્વીકાર્યા વિના ચાલે તેમ નથી.’ (પી.વી. કાણે : હિસ્ટરી ઓફ ધર્મશાસ્ત્ર, ભા.૨માંથી ઉદ્ધૃત)
આર્ષદ્રષ્ટા સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જ્ઞાતિને આપણે એક મોટી સામાજિક સંસ્થા માનીએ છીએ. ઈશ્વરે આપેલી એ ભેટ છે. સાથોસાથ આપણે એ પણ જાણીએ જ છીએ કે ભારતની આ અતિભવ્ય સામાજિક સંસ્થાને ઘણી ઘણી રીતે તથાકથિત બ્રાહ્મણોએ એના મિથ્યા જાતિ-અભિમાનથી, સમાજે એના ઘોર અજ્ઞાનથી અને એની પોતાનીય કેટલીક અનિવાર્ય ખામીઓથી જોઈએ તેટલી સફળ થવા દીધી નથી. આમ છતાં આ જ્ઞાતિસંસ્થાએ કેટલાંક ગજબનાં આશ્ચર્યો સર્જ્યાં છે અને ભારતીય માનવતાને દોરવણી આપી છે.’
જ્ઞાતિસંસ્થાના ટકાઉપણાનો બિનપક્ષપાતી રીતે અભ્યાસ કરતાં એનાં કેટલાંક હકારાત્મક અને રચનાત્મક કારણો ઊડીને આંખે વળગે તેવાં છે : (૧) એણે દરેક સ્વજ્ઞાતિજનને શૈશવથી જ અમુક સામાજિક સંસ્થાના સભ્ય હોવાની બાંહેધરી આપી; (૨) એણે સરળ-સાહજિક રીતે પોતાના વિશિષ્ટ વ્યવસાયની સુંદર તાલીમ – કૌટુંબિક પરંપરાથી ચાલી આવતી તાલીમ ભાવિ પેઢીને આપી; (૩) એણે વ્યાવસાયિક વાસો – વાડાઓ -કોલોનીઓ – ઊભી કરીને બેરોજગારીની સમસ્યા ટાળી. (૪) એણે સહકારથી ગળાકાપ હરીફાઈ દૂર કરી. (૫) જ્ઞાતિમાં જ વિવાહની પ્રથા પાડી એ સામાજિક બંધન મજબૂત બનાવ્યું. (૬) આમ કાર્યો અને ફરજોની સુસ્પષ્ટ વહેંચણી અને જ્ઞાતિઓનાં પરસ્પરાવલંબનોની સમજણથી સદીઓ સુધી ભારતીય સમાજનો રથ નિર્વિઘ્ને સૌના હકહિસ્સાને રક્ષતો રક્ષતો નિર્વિઘ્ને ચાલ્યો હતો – ચાલતો જ રહ્યો હતો.
પરંતુ છેલ્લાં લગભગ ૧૫૦ વર્ષોથી આ જ્ઞાતિસંસ્થાના સાચા મર્મમાં – વાસ્તવિક સ્વરૂપમાં – તિરાડ પડવા માંડી છે. એમ કહ્યા વગર ચાલે તેમ નથી. એમાંય આપણને રાજકીય સ્વાતંત્ર્ય મળ્યા પછીનાં છેલ્લાં પચાસ વર્ષોમાં તો એમાં ભારે ઉથલપાથલ થઈ ગઈ છે એનાં કારણો કંઈક આવાં છે : ધનસંગ્રહ થતાં માણસ હીન બન્યો, સત્તાનો કેફ એને ભ્રષ્ટાચાર તરફ દોરી ગયો, બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ સ્થાપિત હિતો ઊભાં કર્યાં, મોભા-સત્તા-હોદ્દાએ એમને યારી આપી, એટલે સમાજની સેવા કરવાને બદલે તેઓએ એને સ્વાર્થ માટે ગુલામ બનાવવા યત્ન કર્યો! એમાંથી સ્વાભાવિક રીતે જ પ્રતિક્રિયા થઈ અને વર્ગવિગ્રહો – જ્ઞાતિવિગ્રહો – ઊભા થયા. વાસ્તવમાં આ સંઘર્ષો નીચી જ્ઞાતિઓમાં વધુ ફેલાયા કારણ કે તેઓ એકબીજા પર ઊંચાપણાની સરસાઈ સ્થાપવા માગતી હતી. બધાંનાં સામાજિક કર્તવ્યો, ફરજો અને જવાબદારીઓ ભુલાઈ ગયાં. હકોની માગણી મોખરે આવી, એ માટે સંઘર્ષો થયા અને સમાજનું સ્વાસ્થ્ય ચૂંથાઈ ગયું. સમતા અને શાંતિ સમાજમાંથી જાણે કે અસ્ત જ થઈ ગયાં!
પશ્ચિમમાંથી આવેલ વૈજ્ઞાનિક અને ટેકનિકલ વિકાસે પણ ભારતીય સમાજ પર ભારે અસર કરી છે. ‘થોડું કામ અને વધુ આરામ’ અને ‘વધારે ભૌતિક સુખ સુવિધા’ – આ બે આગંતુક બાબતોએ ભારતીય જીવનની એક ‘આવશ્યકતા પ્રધાન તરાહ’ ઊભી કરી દીધી અને એમાંથી ‘લોભપ્રધાનતા’ ઊભી થઈ ગઈ – વધતી આવશ્યકતાઓએ થોભ વગરનો લોભ જન્માવ્યો. આમ જીવનનાં બધાં ક્ષેત્રોમાં અપરિતોષનો દાવાનળ જલતો રહ્યો. પરંપરિત જ્ઞાતિ-વ્યવસાયો પર અન્ય જ્ઞાતિઓનાં આક્રમણો પણ વધ્યાં. પરિણામે સમાજના બ્રાહ્મણો સહિતનાં બધા જ ઘટકો – જે બ્રાહ્મણો મૂળે ધર્મનેતા અને આધ્યાત્મિક મૂલ્યોના રક્ષકો હતા તે પણ તેમના ચિરસેવિત આદર્શો ભૂલીને પશ્ચિમની યાંત્રિક સુખવાદી સંસ્કૃતિના શિકાર થઈ ગયા!
આપણે આજે આ સ્થિતિમાં છીએ! ઊગરવાનો આરો શોધવા વગર છૂટકો નથી! ત્યારે કરીશું શું?.. કોઈ પણ સમાજની શક્તિ અને ક્ષમતા જેટલી એની વ્યક્તિઓના વ્યક્તિગત ચારિત્ર્ય ઉપર આધાર રાખે છે, તેટલી કંઈ એ સમાજની ગમે તેટલી સધ્ધર આર્થિક કે ભૌતિક તાકાત પર આધાર નથી જ રાખતી! વ્યક્તિઓની પ્રબળ ઇચ્છાશક્તિ, પરિશ્રમ, અણનમ શોધ જ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. આ વૈયક્તિક ઉત્ક્રાંતિ એક દિવસનું કામ નથી. અનેક પેઢીઓ અને સદીઓએ એ સિદ્ધ થાય છે એને માટે ઉચ્ચતમ આદર્શો અને નમૂનાઓ પણ જરૂરી છે. એ માટે માર્ગદર્શકોની જરૂર છે.. અને સદ્ભાગ્યે ભારતના ઇતિહાસમાં એનો ટોટો નથી! ભારતના પ્રાચીન દૃષ્ટા ઋષિમુનિઓએ આપણને બ્રાહ્મણના આદર્શ સાથે વર્ણવ્યવસ્થાની ભેટ ધરીને ધર્મ અને અધ્યાત્મનો કીર્તિકલશ ચડાવ્યો હતો! એ જ આદર્શ આજે પણ આપણી મદદે દોડી આવશે એમાં સંદેહ નથી. આજની વિચ્છિન્ન સમાજ વ્યવસ્થા – અંધાધૂંધીમાંથી આપણને એ જરૂર ઉગારશે. એ બ્રાહ્મણ-આદર્શ આત્માની ઓળખનો હતો, સૌને આત્મવત્ – પોતામાં જ નીરખતો અને પોતાને સૌમાં જોતો એ આદર્શ હતો, સર્વભૂતહિતમાં રત એ આદર્શ હતો. કોઈ પણ પરિષ્કાર કે પરિવર્તનને પોતાને ઘર આંગણેથી – વ્યક્તિથી જ – શરૂ કરવામાં એ માનતો; પોતાના શીલથી એ સમાજને શીલવંતો કરતો. એની દૂરંદેશિતા અને મૂલ્યનિષ્ઠા સમગ્ર સમાજ માટે પ્રભાવક હતી. બૌદ્ધિક, નૈતિક, આધ્યાત્મિક વૃદ્ધિ અને તપશ્ચર્યાને પ્રબોધતો એ આદર્શ છે. આ આદર્શ ભારતની સંજીવની છે. શહીદોનું જે સન્માન છે તેથીય વધુ સન્માન ભારતમાં આ આદર્શનું અને આ આદર્શને વરેલા સર્વકલ્યાણકારી ઋષિમુનિઓનું છે. આ આદર્શવ્રતી ઋષિઓએ છૂટે હાથે સમાજમાં જ્ઞાન, કલા વેર્યાં હતાં અને સમાજને તે વખતે સુસ્થ કર્યો હતો. કારણ કે એમાં પોતે પહેલાં પાળીને બધું પળાવવાનું હતું.
(ક્રમશ:)
Your Content Goes Here




