ક્યારેક એવો પ્રશ્ન થાય કે: પોતાને હિંદુ કહેવડાવતા લોકોમાંથી કેટલા ભણેલાગણેલા લોકોએ ઉપનિષદ પરનો એકાદ ગ્રંથ પણ જોયો હશે ખરો? હું જોવાની વાત કરું છું, વાંચવાની નથી કરતો. વેદો આપણા મૂલ્યવાન સંદર્ભગ્રંથો છે, ઉપનિષદો આપણાં પાઠ્યપુસ્તકો છે અને ગીતા આપણી ગાઈડ છે. મારી એવી નમ્ર સમજ છે કે જેઓ પોતાના ધર્મ વિષે કશું ય વાંચવાની તસ્દી લેતા નથી, તેઓને ધર્મઝનૂની બનવાની સારી ફાવટ આવી હોય છે. જેને પોતાના ધર્મને બરાબર સમજ્યો છે તે બીજાઓના ધર્મને પણ જલદી સમજે એવી શક્યતા રહે છે, પણ જે કશું સમજ્યો નથી એણે તો ઝનૂનને શરણે જ જવું પડે ને!

ઉપનિષદો પ્રત્યેનું મારું આકર્ષણ છેક બાળપણથી વધતું રહ્યું છે. કેટલાંક ખાસ ઉપનિષદો તો મને રહસ્યમય નવલકથા કરતાં ય વધારે રસપૂર્ણ જણાયાં છે. ઉપનિષદોમાં ચર્ચાયેલી કેટલીક રહસ્યપૂર્ણ બાબતો જો યોગ્ય ઢબે આજના યુવાનોના ધ્યાન પર લાવવામાં આવે તો તેઓને એ જરૂર ગમી જાય. આવી એક જ બાબત અહીં રજૂ કરવી છે.

તૈત્તરિય ઉપનિષદની બ્રહ્માનંદવલ્લીના પહેલા અને બીજા અનુવાકની જ વાત લઈએ. એમાં શરીરની ઉત્પત્તિની વાત ખૂબ જ મૌલિક ઢબે રજૂ થઈ છે. કહે છે કે પરમાત્મામાંથી સૌ પ્રથમ આકાશ તત્ત્વ ઉત્પન્ન થયું. આકાશમાંથી વાયુતત્ત્વ, વાયુમાંથી અગ્નિ, અગ્નિમાંથી જળ, જળમાંથી પૃથ્વી,પૃથ્વીમાંથી ઔષધિ (વનસ્પતિ), ઔષધિમાંથી અન્ન અને અન્નમાંથી શરીર ઉત્પન્ન થયું. અહીં ઉપનિષદકાર મનુષ્યના શરીરને પક્ષીની કલ્પના સાથે જોડે છે. પક્ષીની ડોક એ જાણે મનુષ્યની ડોક છે પક્ષીની બે પાંખો માણસના બે હાથ છે. પક્ષીના પગ એ મનુષ્યના પગ છે.

આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે એ વાત હિંદુ જીવનદર્શનની મૌલિક દેણગી છે. શાસ્ત્રોમાં પંચમહાભૂતોનો વિચાર પંચતન્માત્રાઓના સુમેળ (પંચીકરણ) દ્વારા શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયોની ઉત્પત્તિ સાથે જોડવામાં આવ્યો છે. પ્રત્યેક તન્માત્રાના ચઢતી ભાંજણી આ પ્રમાણે રજૂ થઈ છે:

તન્માત્રા   ગુણ

આકાશ:                  શબ્દ

વાયુ:       શબ્દ અને સ્પર્શ

તેજ:                        શબ્દ, સ્પર્શ અને રૂપ

જળ:                       શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ

પૃથ્વી:                      શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ

વળી આકાશનો સંબંધ શ્રોત્ર (કાન) સાથે, વાયુનો ત્વક્ (ચામડી) સાથે, તેજનો ચક્ષુ સાથે, જળનો જીભ સાથે અને પૃથ્વીનો ઘાણ એટલે કે નાક સાથે જોડવામાં આવ્યો છે.

કોઈ નર્યો દ્રવ્યવાદી (Materialist) પણ ન કરી શકે એટલો મહિમા જેમાંથી આપણું શરીર ઉત્પન્ન થયું છે એવા અન્નનો કરવામાં આવ્યો છે. ‘અન્ન’ શબ્દની વ્યુત્પત્તિ જ અનોખી છે: “અદ્યતે, અત્તિ ચઈતિ અન્નમ્”. ઉપનિષદકાર કહે છે કે આપણે અન્ન દ્વારા ઉત્પન્ન થયા છીએ, અન્ન દ્વારા જ પોષણ પામીએ છીએ અને અન્નમાં જ (એટલે કે અન્ન પેદા કરવાવાળી પૃથ્વીમાં) વિલીન થઈએ છીએ. આપણા બધા સંતાપોનું મૂળ સુધા છે. સુધાશાંતિ વગર વિશ્વશાંતિ પણ શક્ય ન બને. ઉપનિષદકાર તો તેથી કહે છે કે અન્ન સૌ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે (અન્નં હિં ભૂતાનાં જ્યેષ્ઠમ્). અન્ન માટે ઉપનિષદે ‘સર્વૌષધમ્’એવો મજાનો શબ્દ વાપર્યો છે. ટૂંકમાં અન્નને ઉપનિષદોએ બ્રહ્મનો દરજજો આપ્યો છે.

શરીર અને અન્ન વચ્ચેના આવા સંબંધ વિષે આટલી સુંદર, મૌલિક, તર્કયુક્ત અને લાઘવયુક્ત રજૂઆત બીજે ક્યાંય જોવા મળતી નથી. અન્નને ઔષધ ગણવાની વાત જ કેટલી વિચારયુક્ત છે !

આત્માનાં આવરણો પાંચ ગણાવાયાં છે, જેને પંચકોષ કહે છે. અન્નમયકોષ, પ્રાણમયકોષ, મનોમયકોષ, વિજ્ઞાનમયકોષ અને આનંદમયકોષ – એ થયા પંચકોષ. આમ અન્નથી શરૂ કરી આનંદ સુધીની યાત્રા કરવાની વાત છે.

આપણા સ્થૂળ અને સૂક્ષ્મ અસ્તિત્વને સમજવામાં આપણને રસ ન પડે એવું બને ખરું? ઉત્પત્તિ, સ્થિતિ અને લયની મહાન વાર્તામાં આપણને રસ ન પડે એવું બને ખરું? આપણા શરીર અને એના પોષણના શાસ્ત્રમાં આપણને રસ ન પડે એવું બને ખરું? આપણા જ અસ્તિત્વનાં મૂળિયાં (Roots) પામવામાં અને એ અસ્તિત્વનાં સ્વ-ભાવ શું છે તે સમજવામાં આપણને રસ ન પડે એવું બને ખરું? કૉલેજમાં ભણતા યુવાનના હાથમાં ગીતા કે ઉપનિષદની ચોપડી જોવા મળતી થશે ત્યારે ભારત જુદું જ હશે. જરૂર છે એક વૅકેશનમાં રોજ થોડોક સમય કાઢીને ઉપનિષદના મંત્રો અને સાથે આપેલઅનુવાદને વાંચવાની. બીજું બધું કરતાં-કરતાં ય આમ થઈ શકે. રોજ માત્ર બે કલાક આપી શકાય તો ય ઘણું. પછી તો એવો ચસકો લાગશે કે તક મળે ત્યારે ગમે તે પાનું ખોલીને વાંચવાનું બને ત્યારે ગહનતામાં ખોવાઈ જવાય. ‘અન્ન’ એટલે શું એની ઉપનિષદે આપેલી સમજ ગળે ઊતરે તો સંભવ છે કે ડાયનિંગ ટેબલ પર ભોજન લેવાની સ્થૂળ ક્રિયા પણ યજ્ઞકાર્ય બની જાય!

આજે તો સ્થિતિ એવી છે કે જેના ઘરમાં ગીતા કે ઉપનિષદ પર સમ ખાવાની એકે ચોપડી નથી અને જેણે આ પુસ્તકોને જીવનમાં કદી જોયાં પણ નથી એ પણ પોતાને ‘હિંદુ’કહેવડાવે છે!

આવા હિંદુઓથી ચેતીને રહેવું જરૂરી છે.

Total Views: 101

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.