(ગતાંકથી આગળ)

પ્રેમ અને અનાસક્તિ

વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’ તેમાં વિનોદ કરતાં સત્ય વધારે છે. આપણા મિત્રો અને સગાં પ્રત્યેની આસક્તિમાંથી ઘણાં બધાં દુ:ખો અને મુશ્કેલીઓ ઉદ્‌ભવતાં હોય છે. તેમને માટે આપણે અનંત મુશ્કેલીઓ ભોગવીએ છીએ, ત્યાગ કરીએ છીએ અને કષ્ટો વેઠીએ છીએ. તેઓ આપણી સાથે વધુ પડતી છૂટ લે તો પણ આપણે તેમનો વિરોધ કરતા નથી. જ્યારે તેઓ આપણને અવગણે છે ત્યારે આપણને ઊંડું દુ:ખ અને વ્યથા થાય છે. જેમ અર્જુનને યુદ્ધ સમયે થયું હતું તેમ આપણો તેમના પ્રત્યેનો પ્રેમ આપણાં કર્તવ્ય પાલનમાં આડો આવે છે અને ત્યારે આપણી મુશ્કેલીઓ વધી જાય છે.

તો પછી આપણા માટે માર્ગ કયો છે? પ્રેમ અને આસક્તિ વચ્ચેના સંઘર્ષનો ઉકેલ કેમ લાવવો? આ માટે ભગવદ્‌ગીતા બે માર્ગ બતાવે છે : સંન્યાસ અને ત્યાગ. સંન્યાસ એટલે તમામ બાહ્ય સંબંધો અને કર્તવ્યોનો ત્યાગ. એનો અર્થ સર્વ માનવીય સંબંધો કાપી નાખી, તમામ સામાજિક ફરજોમાંથી નીકળી જઈ સાધુ થઈ જવું. પણ આ તો આત્યંતિક પગલું છે. તેનો બહુ અલ્પ સંખ્યામાં લોકો સ્વીકાર કરી શકે. બીજાઓ માટે ગીતા એક બીજી પદ્ધતિ બતાવે છે: ત્યાગ. એટલે કે કર્મનાં ફળનો ત્યાગ કરવો. આ આચરવી સરળ તો લાગે, પરંતુ સાચા પ્રેમનો અર્થ સમજનાર પરિપક્વ વ્યક્તિઓ જ તેને સફળતાપૂર્વક આચરણમાં મૂકી શકે.

પ્રેમ એ તો એક અત્યંત ઉમદા ગુણ છે. ઈસુ ખ્રિસ્ત તો તેને ઈશ્વરરૂપ જ માને છે. ખરેખર તે વિશ્વને એક કરતો સિદ્ધાંત છે જે જીવનના લય પર શાસન કરે છે. માનવના સ્તરે પ્રેમ તમામ સંબંધોને પવિત્ર કરે છે અને સામાજિક જીવનની સંવાદિતા અને બંધુત્વને પોષે છે. તે વ્યક્તિના જીવનને સમૃદ્ધ અને ઉમદા બનાવે છે; તેની પ્રવૃત્તિઓને એક સાચો હેતુ અને અર્થ આપે છે. જીવનના પ્રશ્નોના ઉકેલના કોઈ પણ તબક્કે આ મહત્ત્વના સિદ્ધાંતને કદિ પણ અવગણી શકાય નહિ,અવગણવો જોઈએ નહિ. સ્વામી વિવેકાનંદ લખે છે, ‘કેટલાક એવા લોકો હોય છે જેમને કશું જ આકર્ષક લાગતું નથી. તેઓ કદિ પ્રેમ આપી શકતા નથી, તેઓ પથ્થરહૃદયી, સહાનુભૂતિવિહીન હોય છે. તેઓ જીવનનાં ઘણાં બધાં દુ:ખોમાંથી તો બચી જાય છે.પરંતુ એમ તો આ દિવાલને પણ દુ:ખ લાગતું નથી, તેને કોઈ વેદના થતી નથી. પરંતુ છેવટે તે જડ દિવાલ છે. દિવાલ બનવા કરતાં તો કોઈ પ્રત્યે આસક્તિ અનુભવવી અને તેમાં સપડાઈ જવું વધારે સારું છે… આપણે એ નથી જોઈતું. એ તો નબળાઈ છે, એ મૃત્યુ છે.

જો પ્રેમ સૌથી વધુ ઉમદા ગુણ હોય, તો સાથે જ તે દુ:ખ કેમ પેદા કરે? એનો જવાબ એ છે કે આપણે જેને પ્રેમ કહીએ છીએ એ ખરેખર સાચો પ્રેમ નથી હોતો. સામાન્યત: તે પ્રેમ, સ્વાર્થ અને ઇન્દ્રિયસુખનું મિશ્રણ હોય છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આપણે તેમાં સપડાઈ જઈએ છીએ. તે કેવી રીતે?’ તેઓ જવાબમાં કહે છે, ‘આપણે જે આપીએ છીએ તેના વડે નહિ, પરંતુ જેની અપેક્ષા રાખીએ છીએ તેના વડે. તેથી પ્રેમના બદલામાં આપણને દુ:ખ પ્રાપ્ત થાય છે. આપણે પ્રેમ આપીએ છીએ તેથી આમ બનતું નથી પરંતુ બદલામાં આપણે પ્રેમ ઇચ્છીએ છીએ તેથી. જ્યાં અપેક્ષા નથી, ત્યાં દુ:ખ નથી. ઇચ્છા, અપેક્ષા એ જ તમામ દુ:ખોનું મૂળ છે.’ સાચો પ્રેમ બદલામાં કશી અપેક્ષા રાખતો નથી અને તે તો માનવને સ્વાર્થીપણાથી મુક્ત કરે છે.

શ્રીરામકૃષ્ણ અશુદ્ધ પ્રેમને ‘માયા’ કહેતા, અને શુદ્ધ પ્રેમને ‘દયા’ કહેતા. તેમના મતે, ‘‘દયા’ એટલે કે કરુણા અને ‘માયા’ એટલે આસક્તિ- એ બે વચ્ચે બહુ તફાવત છે. દયા સારો ગુણ છે નહિ કે માયા. ‘માયા’ એટલે પોતાનાં સગાં પ્રત્યેનો પ્રેમ – પોતાનાં પત્ની, બાળકો, ભાઈબહેન, પિતરાઈઓ, પિતા અને માતા. પરંતુ ‘દયા’ એટલે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ સર્જનનાં તમામ માનવો અને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ.’ વળી માયા માણસને આંટીમાં લે છે અને તેને ઈશ્વરથી વિમુખ કરે છે. પરંતુ દયા દ્વારા તો માણસ ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે.’

આમ આપણે અનાસક્તિનો સાચો અર્થ સમજવો જરૂરી છે. સાચી અનાસક્તિ એટલે આપણા નિમ્ન ગુણોમાંથી અનાસક્તિ. અનાસક્તિના નામે બીજાઓની લાગણીઓ પ્રત્યે તદ્દન બેપરવા અને લાગણીવિહીન થઈ જવાનો ભય છે. આવા લોકો, બીજાઓ પ્રત્યે અનાસક્ત હોય તો પણ, તેઓ પોતાના નિમ્ન સ્તર સાથે ખૂબ તીવ્રભાવે આસક્ત હોય છે. વળી અનાસક્તિના નામે બીજાઓ પ્રત્યે અણગમો અને ધિક્કાર કેળવવાથી પણ બચવાનું છે. ધિક્કાર એ તો આસક્તિની નકારાત્મક અભિવ્યક્તિ છે. જ્યાં ધિક્કાર હોય ત્યાં અનાસક્તિ હોતી નથી. સાચો અનાસક્ત માનવ નથી તિરસ્કારની લાગણી અનુભવત કે નથી મોહાન્ધ બનતો.

સાચી અનાસક્તિમાંથી શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણાની બાદબાકી થતી નથી. વાસ્તવમાં તો, અનાસક્ત વ્યક્તિઓ, આધ્યાત્મિક વ્યક્તિઓ જ, બીજાઓને સાચો પ્રેમ આપી શકે છે. બાકીના બધા તો પોતાને જ ચાહતા હોય છે. અનાસક્ત વ્યક્તિનું મનોવલણ બીજાઓના તેમના પ્રત્યેના મનોવલણ પર આધારિત હોતું નથી. તેનું એકમાત્ર ધ્યેય બીજાઓનું કલ્યાણ અને સુખ હોય છે. તે ઉપરાંત તે એ પણ જોશે કે બીજી કોઈ વ્યક્તિ તેના પ્રત્યે આસક્ત ન થાય, તે તો બધાનાં મનને પ્રભુ પ્રત્યે કે તેમના જીવનના વધુ ઉચ્ચ ધ્યેય તરફ વાળે છે.

અનાસક્તિનું મનોવિજ્ઞાન

અનાસક્તિ કેળવવામાં જે માનસિક પ્રક્રિયાઓ થતી હોય છે તે આપણે સમજી લઈએ, તો તેનું આચરણ સરળ બને છે. આપણે જ્યારે આસક્તિ કે અનાસક્તિની વાત કરીએ છીએ, ત્યારે આપણા વ્યક્તિત્વની કઈ બાજુને તે લાગુ પડે છે? તે આ સ્થૂળદેહને તો લાગુ ન જ પડે, કેમ કે શરીર તો એક સ્વતંત્ર એકમ છે. તેને કશાની આસક્તિ હોતી નથી. તો શું મન? પરંતુ ‘મન’ એ બહુ જ ગોટાળાવાળો શબ્દ છે. માનસિક જીવનની અનેક બાજુઓને તે આવરી લે છે. આપણે આપણાં વિચારો અને કર્મોનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરીએ, તો સમજાશે કે ઇચ્છાશક્તિને આસક્તિ અને અનાસક્તિ હોય છે. ઇચ્છાશક્તિ જ બંદી હોય છે અને તેને જ અનાસક્ત કરવાની છે. ઇચ્છાશક્તિનો સામાન્ય અર્થ પણ ધૂંધળો અને જુદી જુદી જાતનો છે. મહાન જર્મન મનોવૈજ્ઞાનિક વૂન્ટ, અનેક પ્રયોગો પછી, એવાં તારણ પર આવ્યો કે જેને આપણે ઇચ્છાશક્તિ કહીએ છીએ તે બીજું કંઈ નહિ પણ આપણી સહજવૃત્તિ છે. એક માણસ સવારમાં વહેલા ઊઠવાનો નિર્ણય કરે છે અને પોતાનું એલાર્મ ક્લોક એ સમયે મૂકે છે. પરંતુ એલાર્મ વાગવા છતાં તેને ઊઠવાનું મન થતું નથી. આવું જો રોજે રોજ બને તો તે એવા અનુમાન પર આવે છે કે તેનામાં જાગી જવાની ઇચ્છાશક્તિનો અભાવ છે. પરંતુ માનો કે તેને વહેલી સવારની ટ્રેન પકડવી છે કે કોઈ પરીક્ષા આપવી છે, તો તે એલાર્મની મદદ વગર પણ ઊઠી જશે, અને જરૂર હોય તેથી પણ વધુ વહેલો જાગી જશે. આમાં એવું બન્યું છે કે એક સહજવૃત્તિએ (ભયે) તેની બીજી સહજવૃત્તિ (આળસ) પર વિજય મેળવ્યો છે. આપણાં ઘણાં ખરાં કાર્યો આવી સહજવૃત્તિથી શાસિત હોય છે. આ સહજવૃત્તિને હિન્દુ ફિલસૂફીમાં ‘સંસ્કાર’ કહે છે. સાચી ઇચ્છાશક્તિ તો ભાગ્યે જ કામ કરતી હોય છે.

તો સાચી ઇચ્છાશક્તિ શું છે? જેને અંગ્રેજીમાં Will કહે છે તેને માટેનો સંસ્કૃત શબ્દ છે ‘ઇચ્છા’; ગીતા આને માટે એક બીજો શબ્દ પ્રયોજે છે, તે છે ધૃતિ. હિન્દુ મનોવિજ્ઞાન મુજબ ઇચ્છા એ કાંઈ જુદી શક્તિ નથી. તે ‘હું’ની ચેતનાથી અભિન્ન છે. શ્રીમદ્‌ શંકરાચાર્ય કહે છે: ‘ઇચ્છા એ બુદ્ધિનું એક બીજું કાર્ય માત્ર છે.’ એ આપણી પ્રેરણાત્મક ક્ષમતા છે. ‘હું’-ચેતના એ ગતિહીન-સ્થિર બાજુ છે, અને ઇચ્છા એ બુદ્ધિની ક્રિયાશીલ બાજુ છે. આમ ઇચ્છા એ ‘હું’-ચેતનાની ગતિશીલતા કે કેન્દ્રીભૂત અવસ્થા છે. જેમ શુદ્ધ ચેતના એ વિચારો અને ઇન્દ્રિયોથી જુદી જ વસ્તુ છે, તેમ ઇચ્છા પણ અંદરથી વિચારો વગેરેથી જુદી છે. પરંતુ આપણાં દૈનિક ઇચ્છાઓ અને કર્મોમાં, ઇચ્છા તેમની સાથે એટલી બધી એકરૂપ થઈ ગઈ હોય છે કે ઇચ્છા અને સહજવૃત્તિ એ બેને જુદા તારવવાં એ ખૂબ મુશ્કેલ છે.

આ બંને એકરૂપ કેવી રીતે થઈ ગયાં હોય છે? પ્રાણ અથવા વૈશ્વિક શક્તિ આપણા મનમાં ‘સંસ્કારો (ભૂતકાળના અનુભવોની ગુપ્ત છાપ)ને સતત ક્રિયાશીલ બનાવે છે. જેને આપણે ઇચ્છા કહીએ છીએ એ આ સંસ્કારોમાંથી ઊગી નીકળે છે. તેથી જ ગીતા કહે છે, ‘આ કામ, ક્રોધ, એ ‘રજસ્‌’માંથી જન્મે છે. અહીં ‘રજસ્‌’નો અર્થ વૈશ્વિક શક્તિ છે. આમ સેંકડો ઇચ્છાઓ આપણામાં જન્મે છે, પરંતુ એકી વખતે તો આપણે માત્ર કેટલીક બાબત પ્રત્યે સભાન હોઈએ છીએ. કોઈ ઇચ્છાનું ઊભું થવું એ કંઈ દુ:ખદ નથી. એ તો ઇચ્છા જ્યારે જઈને તેને વળગે ત્યારે દુ:ખ બને છે. ત્યાર પછી જ ઇચ્છા ‘હું’ની સાથે જોડાય છે. પણ ઇચ્છા એ ‘સંકલ્પ’ બને છે. પ્રત્યેક શારીરિક કે માનસિક કાર્ય પાછળ એક ‘સંકલ્પ’ કામ કરતો હોય છે. પરંતુ ઇચ્છા તેમાં ન જોડાય તો, તે આપણને અસર કરતો નથી. તે ચેતનાના ક્ષેત્રમાં થોડોક સમય ફરી પાછી અદૃશ્ય થઈ જાય છે. મહાભારતની એક પ્રસિદ્ધ ઉક્તિ છે; ‘હે ઇચ્છા, મેં તારું અસલ મૂળ શોધી કાઢ્યું છે. તું સંકલ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. જો હું કોઈ સંકલ્પ ન કરું તો, તું મૂળ સહિત નાશ પામશે.’ ગીતા પણ ‘સંકલ્પથી ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે’ – એમ કહે છે.

રોજે રોજ આપણે અનેક સંકલ્પો કરતા હોઈએ છીએ અને તેમને પૂરા કરવા પ્રયાસ કરીએ છીએ. અને આ જ આપણી આસક્તિ અને તેની સાથે સંકળાયેલા પ્રશ્નોનું મૂળ કારણ છે. નવા સંસ્કારો થતા અટકાવવા આપણે સંકલ્પોને ઇચ્છાઓથી મુક્ત રાખવા જોઈએ, કેમકે ઇચ્છાઓ સંચિત થયેલ સંસ્કારોમાંથી જન્મે છે. આ જ ખરી અનાસક્તિ છે. એ બની આવે ત્યારે આપણે આપણા વિચારો, ઇચ્છાઓ અને કર્મોના સાક્ષી માત્ર બની રહીએ છીએ, તેમની કોઈ અસર આપણા પર થતી નથી.

પ્રાણની ગતિથી જ સંસ્કારો ઇચ્છાઓ રૂપે પ્રગટ થાય છે, તેથી પ્રાણાયામ દ્વારા કેટલાક સમય માટે ઇચ્છાઓના ઉદ્‌ભવને રોકી શકાય છે. આવી જ અસર કેટલીક દવાઓથી પણ થાય છે. તેઓ મગજનાં કેટલાંક કેન્દ્રોને નિષ્ક્રિય કરી દે છે. આપણું મગજ એ મનનું સ્થૂળ માધ્યમ છે. આનાથી થોડું સુખ મળે છે. પરંતુ પ્રાણાયામ કે દવાઓ – બેમાંથી કોઈ આપણી ઇચ્છાશક્તિ પર સારી અસર કરી શકતાં નથી. અને જ્યાં સુધી ઇચ્છાશક્તિ વિકૃત, તાલીમ પામ્યા વિનાની અને આસક્ત રહે છે, ત્યાં સુધી માનવ એષણાઓથી મુક્ત રહી શકતો નથી; કેમ કે પ્રાણાયામ કે દવાઓની અસર નાબૂદ થતાં, સંસ્કારો બમણા જોરથી બહાર નીકળે છે. સંસ્કારોને તો માત્ર વધારે ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા જ પૂરેપૂરા નષ્ટ કરી શકાય છે. આવું બને ત્યાં સુધી વિવેક અને ઈશ્વર માટેની તીવ્ર અભિપ્સા કે પ્રભુ પ્રત્યેના પ્રેમ દ્વારા ઇચ્છાને સંસ્કારોથી અલગ કરી દેવી પડે છે. સંસ્કારોને ઇચ્છામાંથી કોઈ ટેકો ન મળે, પછી ધીરે ધીરે તેઓ નિષ્ક્રિય થતા જાય છે અને અંતે યોગીઓ જેને ‘તનુ’ અવસ્થા કહે છે તેવા બની જાય છે. અને ત્યારે જ ઇચ્છાઓ આપણો પીછો છોડે છે.

યોગ અને વિયોગ

શંકરાચાર્ય કહે છે, ‘યોગ એ ખરેખર તો વિયોગ જ છે, કેમ કે એ અવસ્થામાં યોગી બધી મુશ્કેલીઓથી વિમુક્ત થઈ જાય છે.’ બીજા શબ્દોમાં કહીએ તો, યોગ શરૂ થાય તે પહેલાં અનાસક્તિ સિદ્ધ થઈ ગઈ હોવી જોઈએ. ધ્યાન એ કોઈ વિચાર કરવાની સામાન્ય પદ્ધતિ નથી; તે છે ચોક્કસ આધ્યાત્મિક વિષયના કેન્દ્ર પર ઇચ્છાઓને સભાનપણે એકાગ્ર કરવી. તે માટે સૌ પ્રથમ તો ઇચ્છાને કામનાઓ અને ખ્યાલોમાંથી છૂટી પાડી દેવી જોઈએ. પછી ઇચ્છાનાં વેરવિખેર બળને એકત્રિત કરી લેવું જોઈએ અને ત્યાર પછી આવી એકત્રિત ઇચ્છાશક્તિને ધ્યાનનાં આધ્યાત્મિક કેન્દ્રમાં પરોવવી જોઈએ.

આ બધાં પગલામાં પહેલું સૌથી મુશ્કેલ છે. એકવાર ઇચ્છાને નોખી પાડી દેવાય તો, પછી તેને કોઈ પણ પદાર્થ પ્રતિ વાળી શકાય છે. ઇચ્છા જો એષણાઓ અને ઇન્દ્રિય સુખોની દાસી હોય તો તેનામાં કોઈ શક્તિ હોતી નથી. એ જ્યારે અનાસક્ત બને અને એકાગ્ર બને, ત્યારે એક લેસર કિરણ જેવી ભીષણશક્તિ જેવું બળ તેનામાં ઉત્પન્ન થાય છે. આવી વિમુક્ત અને શક્તિશાળી ઇચ્છાશક્તિ એ જ યોગીઓની મહામૂલી સંપત્તિ હોય છે. જ્યાં સુધી ઇચ્છા એષણાઓ પ્રત્યે આસક્ત હોય છે ત્યાં સુધી ઇચ્છાશક્તિ વધારવાનો કોઈ પણ પ્રયત્ન કામનાઓ અને સહજ-વૃત્તિઓને વધુ મજબૂત બનાવશે. સાચી ઇચ્છાશક્તિ માત્ર અનાસક્તિ દ્વારા જ પ્રાપ્ત થાય છે.

કોઈ પણ પ્રકારનો યોગ કરવા માટે અનાસક્તિ એ તો એક અનિવાર્ય અને છતાં તૈયારી રૂપનો ગુણ છે. કર્મયોગ એટલે અનાસક્તિ અને કર્મ; ભક્તિયોગ એટલે અનાસક્તિ અને ભગવદ્‌પ્રેમ; જ્ઞાનયોગ એટલે અનાસક્તિ તથા જ્ઞાન. પરંતુ અનાસક્તિ માત્ર કલ્પના કે વિચાર દ્વારા આચરી શકાતી નથી. તેને સક્રિયપણે તૈયારી કરી અને દૈનંદિન જીવનમાં ચકાસવી પડે છે. તેથી જ બીજા યોગ હાથમાં લેતાં પહેલાં સૌ પહેલો કર્મયોગ આચરવો જરૂરી છે. માનવો માટેના પ્રેમ અને ઈશ્વર પ્રત્યેના પ્રેમ વચ્ચે તફાવત એ છે કે માનવપ્રેમ આસક્તિ પર આધારિત છે, જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ અનાસક્તિ પર આધારિત હોય છે. ભક્તિ એટલે વિશુદ્ધ કરેલી ઇચ્છાશક્તિને આપણે જે ઈશ્વરને માનતા હોઈએ તેના તરફ વાળવી.

અનાસક્તિનાં સોપાન

અનાસક્તિ એટલે એકાએક કોઈ વિશાળ કૂદકો મારી દેવો એવું નથી. તે તબક્કાવાર વિકસે છે. એ ખરું કે કેટલાક લોકોના જીવનમાં, એક ઝાટકે મહાન પરિવર્તન થઈ જતાં તેનો આત્મા દુનિયાના બંધનોને તોડી-ફોડી નાખે છે. પરંતુ એવા લોકોની બાબતમાં પણ અનાસક્તિની સમગ્ર પ્રક્રિયા પૂરી થતાં સમય લાગે છે. આપણે આધ્યાત્મિક જીવન તરફ જેમ જેમ પ્રગતિ કરીએ, તેમ તેમ જણાય છે કે આપણો અનાસક્તિનો ખ્યાલ પણ બદલાય છે. અનાસક્તિની પ્રગતિમાં તબક્કાઓ હોય છે, અને આપણી ચેતના કેટલી ઉઘડી તેનો નિર્દેશ તેમાંથી મળે છે.

યોગીઓના મત પ્રમાણે વૈરાગ્ય કે અનાસક્તિ ચાર તબક્કામાં પ્રાપ્ત થાય છે. પહેલા તબક્કાને ‘યતમાન’ (પ્રયત્ન આધારિત) કહે છે. શરૂઆતનો અભીપ્સા રાખનાર વિવેકના અભ્યાસથી, તપસ્યાથી અને ભગવાનને સમર્પિત થઈને, ઇચ્છાઓમાંથી મુક્ત થવા પ્રયત્ન કરે છે. બીજો તબક્કો જેને ‘વ્યતિરેકી’ (ભેદ પર આધારિત) કહે છે, તેમાં અભીપ્સા રાખનારને એવી સમજણ પ્રાપ્ત થાય છે કે, ‘મારા આટલા સંસ્કારો નષ્ટ થયા, અને હવે માત્ર થોડાક બાકી છે.’ ત્રીજો તબક્કો જેને ‘એકેન્દ્રિય (એક જ ઇન્દ્રિય પર આધારિત) કહે છે. તેમાં તમામ બાહ્ય ઇન્દ્રિયો અંકુશમાં આવી જાય છે, હવે માત્ર અંદરની એક ઇન્દ્રિય – મન – હજુ કાર્યરત હોય છે. હવે ભૂતકાળના અનુભવોની માત્ર સ્મૃતિ જ શેષ રહે છે. હવે ઇચ્છાશક્તિ એ કામનાઓની દાસી હોતી નથી. તેમ છતાં હજુ પણ તે વધુ ઉચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર તરફ પૂરેપૂરી ઉન્મુખ થયેલી હોતી નથી. આ અંકુશનો એવો તબક્કો છે કે જેમાં અભિપ્સુ સાધક, ઇન્દ્રિયોના આનંદમાંથી મુક્ત બની ‘સમાસુખમ્‌’ આત્માનુશાસનનો આનંદ માણે છે. હવે ધ્યાન પણ એકધારું સ્થિર અને આયાસરહિત બની જાય છે. ચોથો તબક્કો, જેને ‘વશીકાર’ (વિજય પર આધારિત) કહે છે તેમાં ઇચ્છાશક્તિ પૂરેપૂરી અનાસક્ત બની જાય છે અને તેની ગતિ મુક્ત હોય છે. હવે આ તબક્કે ધ્યાન સમાધિમાં પરિણમે છે.

આ બધા મનોવૈજ્ઞાનિક તબક્કા હોઈ, આ તબક્કાનો સર્વ પ્રકારના યોગને અને બધા આધ્યાત્મિક માર્ગોને માટે સમાન છે. આજના યુગમાં હવે ધ્યાન આધ્યાત્મિક તકનીક તરીકે નહિ, પણ એક ઉપચાર (થેરાપી) તરીકે પ્રચલિત બનતું જાય છે, ત્યારે તબક્કાઓ પ્રત્યે દુર્લક્ષ્ય સેવવામાં આવે છે. પરંતુ તેમાંથી પસાર થયા વિના, એક સુસ્થિર ધ્યાનમય જીવન સતત જાળવવું અને સાચી આધ્યાત્મિક અનુભૂતિ અને પરિતૃપ્તિ મેળવવાં મુશ્કેલ છે.

આધુનિક માનવ માટે દુનિયામાં સર્વત્ર અનેકાનેક સુખોપભોગો અને મોહક પદાર્થો પ્રાપ્ત છે ત્યારે, આજના માનવને માટે, એક સૈકા પહેલાં તેના વડીલોને માટે જરૂરી હતું તેથી પણ વધુ અનાસક્તિનું આચરણ જરૂરી બની ગયું છે. આધુનિક જીવન એટલું સંકુલ અને તનાવયુક્ત બની ગયું છે કે અમુક કક્ષાની અનાસક્તિ વિના, તદ્દન સામાન્ય, વૈશ્વિક, અને શાંતિભર્યું જીવન જીવવું મુશ્કેલ છે. જ્યારે આધ્યાત્મિકતાના અભીપ્સા રાખનારાઓ માટે તો અનાસક્તિ હવે જીવન જીવવાની શૈલી બની જવી જોઈએ. ગીતાએ નિર્દેશેલ સિદ્ધાંત તેનો પથદર્શક હોવો જોઈએ: ‘હે ભારત, જેમ અજ્ઞાની માણસ તેનાં કર્મોમાં આસક્ત છે, તેવી જ રીતે શાણા પુરુષે અનાસક્ત રહી કર્મ કરવાં જોઈએ અને તે પણ જગતનાં કલ્યાણ માટે.’

Total Views: 207

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.