‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે. સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ નવો સ્તંભ પ્રારંભ કરી રહ્યા છીએ, આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.
લંડનમાં એક યહૂદીને લંડનની કાઉન્સિલ (સુધરાઈ) દ્વારા મફતમાં અપાતો ફ્લેટ જોઈતો હતો. પણ સુધરાઈનો એવો ઠરાવ હતો કે માત્ર ખ્રિસ્તી ધર્મ પાળનારને જ ફ્લેટ ફાળવવો. આથી જ્યારે તે યહૂદી ફ્લેટ માટે ઈન્ટરવ્યુ આપવા ગયો ત્યારે તેને કાઉન્સિલના અધિકારીએ ‘તું યહૂદી છે તેથી તને ફ્લેટ ન મળે’ એમ કહીને પાછો મોકલી દીધો.
યહૂદી સજ્જને બીજે દિવસે પોતાની ઑફિસમાં પોતાના એક ખ્રિસ્તી ધર્મી મિત્રને આ વાત કરી. પેલા મિત્ર યહૂદીને સલાહ આપી કે ‘ખોટું બોલવામાં તારું શું જાય છે? તને તો ફ્લેટ મળે છે ને. કહી દેને કે હું ખ્રિસ્તી છું.’
પેલા યહૂદીને ઈસુ ખ્રિસ્તી ધર્મ વિશે કશું જ્ઞાન નહોતું તેથી ખ્રિસ્તી મિત્રે તેને અમુક પ્રારંભિક માહિતી આપી અને કહ્યું કે હવે તને ઈન્ટરવ્યુ વખતે ખ્રિસ્તી ધર્મ વિશે પૂછે તો મેં તને કહ્યું તેવા જવાબ આપજે.
વળતે દિવસે યહૂદી સુધરાઈની ઑફિસમાં પહોંચ્યો ત્યાં એક બીજા અધિકારીને મળ્યો અને કહ્યું, ‘મને ફ્લેટ ફાળવો.’
અધિકારીએ પૂછ્યું કે ‘ક્યો ધર્મ પાળો છો?’ યહૂદીએ જવાબ આપ્યો, ‘સાહેબ, હું ખ્રિસ્તી છું.’
અધિકારીએ કહ્યું, ‘હા, તો બોલો ઈસુ ખ્રિસ્ત ક્યાં જન્મ્યા હતાં?’
યહૂદીએ જવાબ આપ્યો, ‘સાહેબ, બેથલેહેમમાં.’ ‘બેથલેહેમમાં ચોક્કસ કઈ જગ્યાએ જન્મ્યા હતા?’ ‘તબેલામાં સાહેબ.’ યહૂદીએ જવાબ આપ્યો. ‘તબેલામાં શા માટે?’ યહૂદીએ જવાબ આપ્યો, ‘મને લાગે છે કે બેથલેહેમમાં પણ લંડનની સુધરાઈ જેવી સુધરાઈ હશે અને ઈસુ ખ્રિસ્તનાં મા-બાપ યહૂદી હતાં તેથી બેથલેહેમની સુધરાઈએ તેમને ફ્લેટ નહીં આપ્યો હોય.’
Your Content Goes Here





