વાહ રે ભક્ત!
એક ભક્ત દેવના દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે ફૂટેલા ડબલા જેવો તંબૂરો અને ખોખરા મંજીરા સાથે મોટેથી ભજન લલકાર્યું.
મંદિરના એક ખૂણામાં થાંભલાનો ટેકો લઈને એક ચૌબેજી બેઠા બેઠા ઝોલાં ખાતા હતા. એ ચૌબેજી હતા મંદિરના પૂજારી. પોતે કુસ્તીબાજ હતા, એમને સિતારનું સારું એવું જ્ઞાન હતું અને ખાસ તો બે મોટા લોટા ભાંગ પીવામાં એક નંબરના ઉસ્તાદ હતા!
અચાનક એક કર્ણકટુ કર્કશ અવાજે તેમના કાનમાં પ્રવેશ કરીને અંદરના પડદા પર હુમલો કર્યો. પરિણામે ચૌબેજીની બેતાળીસ ઇંચની વિશાળ છાતીની નીચે રહેલા નાનકડા હૈયામાં ભાંગના પ્રભાવે ખડું થયેલું સ્વપ્નની માયાનું અદ્ભુત જગત ઊડી ગયું!
સુખનો આ સંસાર ઉડાડી મૂકનાર પ્રાણી કોણ છે એ જોવા સારુ ચૌબેજીએ ધગેલ તાંબા જેવી લાલઘૂમ સુસ્ત આંખો ઉઘાડીને નજર ફેરવી, તો ઠાકોરજી સામે ભક્તિના આવેશમાં આવી જઈને એક ભગત કર્ણકર્કશ અવાજે ભજન લલકારી રહ્યો હતો અને નારદ, ભરત મુનિ વગેરેથી માંડીને તાનસેન સુધીના તમામ સંગીતાચાર્યોનું શ્રાદ્ધ કરી રહ્યો હતો!
એ જોતાં જ ચૌબેજીનો પિત્તો ગયો. ભાંગના ઘેનમાં મળેલી દુનિયા આખીની બાદશાહીનું સોનેરી સમણું ઉડાડી મૂકનાર એ માણસને ઘાટો પાડીને ચૌબેજી બરાડી ઊઠ્યા : ‘અરે, ઓ પાગલ કહું છું કે તું છો કોણ! અને અત્યારે ખરા બપોરે? આ તાલસૂર વગરનો દેકારો શું કામ માંડ્યો છે?’
પેલો કહે : ‘અરે બાપલા! મારે વળી તાલસૂરને શું કરવા છે? હું તો મારા ભગવાનનું મન પલાળું છું, મારા વહાલાને રાજી કરું છું.’
ચિડાઈને ચૌબેજીએ ત્રાડ પાડી : ‘એલા, પણ તું મારા જેવાનેય રાજી નથી કરી શકતો, તે શું ભગવાન મારાથીયે વધુ મૂરખ છે? શું મારા કરતાંય ઇશ્વરમાં અક્કલ ઓછી છે?’
(‘ચાલો સાંભળીએ, સ્વામીજી વાર્તા કહે છે’માંથી સંકલિત)
Your Content Goes Here




