(21 જૂન, યોગદિન નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. કુ.સીમાબેન માંડવિયા, નિવૃત્ત પ્રાધ્યાપક, અંગ્રેજી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ સંઘની (રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ – મિશન) સાહિત્યિક પ્રવૃત્તિઓમાં પણ કાર્યરત છે.  – સં.)

‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ કે ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ’ કે ‘વિશ્વ આરોગ્ય દિવસ’, કે પછી ‘આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ’ની જેમ ૨૧ જૂનને આપણે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવીએ છીએ. વર્ષ ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત્‌ જાહેરાત થયા બાદ વર્ષ ૨૦૧૫થી સમગ્ર વિશ્વ ૨૧મી જૂનના દિવસને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવતું આવ્યું છે. દર વર્ષની થીમ પણ અલગ અલગ હોય છે; જેમ કે ‘સદ્‌ભાવ અને શાંતિ માટે યોગ’, ‘આરોગ્ય માટે યોગ’, ‘પર્યાવરણ સાથે યોગ’, કોવિડ-૧૯ સમયે ‘ઘરમાં યોગ’, ‘પરિવાર સાથે યોગ’ વગેરે… ૨૧મી જૂનથી સૂર્ય દક્ષિણ દિશા તરફ જવાનું શરૂ કરે છે, જે ઉત્તર ગોળાર્ધના દેશોમાં સૌથી લાંબો દિવસ હોય છે, તેથી આ દિવસની પસંદગી કરવામાં આવી.

યોગ શબ્દ સંસ્કૃત ધાતુ ‘युञ्‌’ પરથી ઊતરી આવ્યો છે. જેનો અર્થ થાય છે જોડવું. આમ યોગ એ શરીર અને ચેતનાના જોડાણનું પ્રતીક છે. તદુપરાંત આ જોડાણ મન અને શરીરનું, વિચાર અને ક્રિયાનું, સંયમ અને પરિપૂર્ણતાનું, મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેનું જોડાણ છે. ટૂંકમાં, વ્યષ્ટિનું સમષ્ટિ, પિંડનું બ્રહ્માંડ સાથેનું જોડાણ કરી, મનને કાબૂમાં રાખી, વૃત્તિઓથી મુક્ત થવું તે છે યોગનો ઉદ્દેશ; નહિ કે ફક્ત શારીરિક કસરતો કે કેટલાંક આસનો કરવાં. હા, શારીરિક મુદ્રાઓ અને સાચી રીતે શ્વાસ લેવાની કસરતો ચોક્કસપણે અગત્યતા તો ધરાવે જ છે.

તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન

સદીઓ પહેલાં મહર્ષિ પતંજલિએ મુક્તિના આઠ દરવાજા વર્ણવ્યા છે, જેને આપણે ‘અષ્ટાંગ યોગ’ કહીએ છીએ. હાલમાં તેમાંથી આસન, પ્રાણાયામ અને ધ્યાન—આ ત્રણથી જ આપણે અવગત છીએ. પરંતુ માનવના સર્વાંગી વિકાસ માટે શારીરિક, માનસિક, નૈતિક તેમજ આધ્યાત્મિક વિકાસની જરૂરત છે. આમ, ભારતમાં પ્રાચીનકાળથી પ્રચલિત યોગની આ પદ્ધતિ અત્યારે સમગ્ર વિશ્વમાં પ્રચલન પામી રહી છે. કોવિડ મહામારી દરમિયાન અને ત્યાર બાદ પણ સ્વસ્થ રહેવા, એકલવાયા જીવનથી બચવા અને મુશ્કેલીઓ સામે લડવા વધુ ને વધુ લોકો યોગ અપનાવતા થયા છે. કેમ કે, યોગના કારણે ભય અને ચિંતામાં ઘડાડો થયો છે. વિદેશોમાં યોગ ફેલાવવાનું શ્રેય યોગગુરુઓને જાય છે. ભારતીય યોગગુરુઓએ વિદેશમાં યોગની ઉપયોગિતા અને મહત્ત્વ વિશે લોકોમાં જાગૃતિ આણી છે. આજે વિશ્વભરમાં લોકો તેમના જીવનમાં યોગનો સમાવેશ કરી, યોગાસનો અને પ્રાણાયામની પદ્ધતિ અપનાવી તેમના સ્વાસ્થ્યને જાળવવા કે પુન: પ્રાપ્ત કરવા પ્રયત્નો કરી રહ્યા છે. આમ તો તેનું શ્રેય ૧૮૯૩માં ‘વિશ્વ ધર્મપરિષદ’થી ખ્યાતિ પામેલ સ્વામી વિવેકાનંદને આપવું જોઈએ. તેમણે જ તેનાં બીજ રોપ્યાં અને તે સમયે સ્વામીજીનું ‘રાજયોગ’ પુસ્તક ખૂબ જ લોકપ્રિય બનેલ. ત્યાર બાદ પરમહંસ યોગાનંદ, વર્તમાનમાં દીપક ચોપરા વગેરે; વિદેશમાં ભારતીય યોગગુરુઓ, બી. કે. એસ. આયંગર, મહર્ષિ મહેશ યોગી, તિરુમલાઈ કૃષ્ણમાચાર્ય, સ્વામી શિવાનંદ સરસ્વતી વગેરે જેવા ઘણા લોકોએ જાગૃતિ આણી.

તો, આટલી પ્રસ્તાવના બાદ આજના વિષયની ચર્ચા લઉં તો તે યોગની નિસ્બત સાથે અમેરિકાના ‘યોગ અલાયન્સ’ નામના એક સંગઠને ‘તાજેતરમાં યોગના આંકડા આપણી યોગની અભિરુચિ બાબતે શું પ્રગટ કરે છે?’ના મથાળા હેઠળ એક સર્વેક્ષણ કર્યું; જેનું નામ આપ્યું ‘વિશ્વમાં યોગ’. તેને ‘યોગ જર્નલ એડિટર્સ’ના ૨૯ નવેમ્બર, ૨૦૨૩ના અંકમાં પ્રસિદ્ધ કર્યું. વળી આ સર્વેક્ષણ સંખ્યા તેમજ સંખ્યા પાછળની આંતર્દૃષ્ટિ બતાવે છે કે જેથી કરીને આપણે સમજી શકીએ કે આપણામાંથી કેટલા આ અભ્યાસ તરફ અલગ જ વલણથી વળે છે, અને આ યોગાભ્યાસને વધુ અસરકારક બનાવવા આપણે સામૂહિક રીતે શું કરી શકીએ. જે રીતે કોઈ પણ વૈજ્ઞાનિક-સંશોધનમાં આ ચાર પરિણામો—કોણ, શું, શા માટે, ક્યાં—લઈને અભ્યાસ હાથ ધરાય છે, બરાબર તે જ રીતે આ સર્વેક્ષણે માહિતી એકઠી કરીને ઝાંખી કરાવી છે. તો ચાલો, તેના વિશે થોડું વિગતે જોઈએ.

આ સંગઠનના ‘સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન’ વિભાગના વડા ટોની ક્લેયરનું કહેવું છે કે, ‘આ એક પાયાની હકીકત તેમજ માપણીના સાધન જેવું છે કે જેના દ્વારા ભવિષ્યની સંખ્યાની સરખામણી કરી શકીએ, પણ સાથોસાથ હજુ કામ પણ કરવાનું છે, અને એ કંઈ એક રાતમાં કરવાની વાત નથી, પરંતુ તેનાથી જાગૃતિ લાવવાની શરૂઆત તો થઈ.’

મુદ્દો ૧ – અમારામાંથી ઘણ યોગાભ્યાસ કરે છે

વર્ષ ૨૦૧૬માં કરેલ સર્વેક્ષણમાં અમેરિકામાં વસતા ૩૬.૭ લાખ લોકોએ યોગનો અભ્યાસ કર્યો. જ્યારે ૨૦૨૨માં ૩૮.૪ લાખ એટલે કે વસતીના ૧૧ ટકા લોકોએ યોગનો અભ્યાસ કર્યો, જે નોંધપાત્ર વધારો બતાવે છે. પણ હવે વધુ અન્વેષણ જારી રાખવા આ પ્રશ્ન જરૂરી છે કે શું દરેક વ્યક્તિ કે જે યોગાભ્યાસ કરવા ઇચ્છે છે, તેને તે તક મળે છે કે કેમ?

મુદ્દો ૨ – યોગાભ્યાસ શા માટે?

ચીલી, જર્મની, કેન્યા, નાઈજિરિયા, યુ.કે. અને યુ.એસ.ના મોટા ભાગના લોકોનું કહેવું છે કે યોગાભ્યાસથી તણાવમુક્ત થવાય છે. લોકો આ અભ્યાસને શ્વાસને ધીમો કરવામાં અસરકારક માને છે. આ દોડભાગભરી જિંદગીમાં લોકો ટૂંકા અને ઝડપી શ્વાસ લેતા હોય છે. તો આ અભ્યાસથી શ્વાસની ધીમી અને લયબદ્ધ ગતિથી લાગણીતંત્રને કાબૂમાં લઈ આપણી જાત તરફની જાગૃતિ કેળવી શકીએ છીએ, જેની સમજણ વિકસી છે. ‘બ્લેક યોગ ટીચર્સ અલાયન્સ’ના પ્રમુખ ડૉ. ગેઈલ પાર્કર, કે જે ખુદ એક મનોવૈજ્ઞાનિક, લેખક તેમજ અધિકૃત યોગ-થેરાપીસ્ટ છે, તેમનું કહેવું છે કે ‘એક મનોવૈજ્ઞાનિક તરીકે જ્યારે આ ‘રેસ્ટોરેટિયલ યોગ’ તરફ હું વળ્યો ત્યારે મને એટલું તો સ્પષ્ટ થયું કે આ અભ્યાસ એ વ્યક્તિની પોતાની જાત તરફની જાગૃતિનો રસ્તો છે; નહિ કે ફક્ત શારીરિક સ્તરે લાભ મેળવવો. પરંતુ આંતરિક, આત્મા તરફની જાગૃતિ કેળવવી.’

મુદ્દો ૩ – શા માટે આપણે યોગાભ્યાસ કરતા નથી?

આ પ્રશ્ન પૂછતાં લોકોનો જવાબ હતો, સમય નથી. આમાં કોઈ આશ્ચર્ય નથી. પરંતુ આપણામાંના ઘણા હજુ સુધી એ સમજતા નથી કે કંઈ ન કરવું અને એક કલાકનો યોગવર્ગ ભરવો એ બેમાંથી શું પસંદ કરવું? પાછલા કેટલાંક વર્ષોમાં ઓનલાઇન યોગ પ્લેટફોર્મ, કે જે ટૂંકી ક્રિયાઓના અસંખ્ય વિકલ્પો—૧૦ થી ૨૦ મિનિટના સમયગાળાના—રજૂ કરે છે. એક નાના આસનનો અભ્યાસ જાગૃતિ સાથે તથા કેન્દ્રિત થઈને કરીએ તો તે આપણા વલણને બદલી શકે છે. જે ક્રિયા તમે સ્ટોરમાં કતારમાં ઊભા હો, સિન્કમાં વાસણ સાફ કરતા હો કે મિટિંગમાં નકામી વાતોમાંથી જાતને ખેંચી લેવામાં મદદરૂપ થાય છે.

મુદ્દો ૪ – મિત્રો સાથે યોગાભ્યાસ કરીએ છીએ

જ્યારે ઘણા એવા પણ છે જેઓ કહે છે કે તેઓ મિત્રો સાથે જ યોગાભ્યાસ માટે જાય છે. કેટલાકને નવું કરવા એકલા જવામાં ખચકાટ થતો હોય છે, તેથી મિત્રો સાથે જવું પસંદ કરે છે. આમ, યોગ લાગણીતંત્ર તો નિયંત્રિત કરે જ છે પણ સાથો સાથ વર્ગ પહેલાં, વર્ગ દરમિયાન અને વર્ગ બાદનું સામાજિક જોડાણ પણ વધુ દૃઢ કરે છે.

મુદ્દો ૫ – ઘરે જ યોગાભ્યાસ કરીએ છીએ

અમેરિકામાં લગભગ ૭૫% લોકોએ જવાબ આપ્યો, ‘પોતાના ઘરે’. બીજો સામાન્ય અભિપ્રાય હતો ‘સ્ટુડિયોમાં’. એ જાણવા મળ્યું કે ઘરે અભ્યાસના કેટલાક ફાયદાઓ છે, જેમ કે વાહન કાઢી બહાર નીકળવાની કે કપડાં બદલવાની ઝંઝટ નહિ. વળી, કેટલાક માટે બાળકોની સંભાળની કોઈ ચિંતા નથી રહેતી. ડેનવર, કોલેરેડોના યોગગુરુ નોયેમી ન્યૂએઝે પ્રાથમિક સેવાઓનો અભાવ ધરાવતી વસાહતોના લોકોમાં યોગમાં ભાગ ન લેવા બાબતે કારણો સમજવા અભ્યાસ કરી પરિસ્થિતિ જાણી. પરિણામે સ્થાનિક સંસ્થાઓ, જે જરૂરી નાણાંકીય સહાય કે ટેકો આપતા હોય, તેમને ગ્રાંટ માટે લખ્યું. આમ, ન્યુએઝ કોઈ પણ ફી લીધા વિના વર્ગો ચલાવે છે. એટલું જ નહિ પણ જાજમ, બીજાં સાધનો, પરિવહન ખર્ચ તેમજ બાળ-સંભાળની વ્યવસ્થા પણ કરી આપે છે.

મુદ્દો ૬ – કેટલાક યોગગુરુઓ યોગને પોતાના આવકના સાધન તરીકે ગણાવે છે

યુ.એસ.ના યોગગુરુઓએ જણાવ્યું કે ‘યોગ’એ એમની આવક માટેનું પ્રાથિમક સાધન છે. કેટલીક સંસ્થાઓ યોગગુરુઓ સાથે કલાકના અમુક દરે જેમ કે ૨૦ થી ૫૦ ડૉલર લેખે કરાર કરી યોગાભ્યાસ કરાવે છે. આખો દિવસ યોગ કરાવનાર યોગગુરુઓ અઠવાડિયામાં અંદાજે ૧૫ વર્ગોનું સમયપત્રક બનાવતા.

એકોસ્ટાએ પોતાના વર્ગો નાણાંકીય સહાય માટે ‘ગો ફંડ મી’ નામે એક ઝૂંબેશ શરૂ કરેલ. પછીથી તેણે લેટિન્ક્સ યોગગુરુઓ માટે ‘યોગીઝ યુનિકોઝ’ નામે એક વૈશ્વિક સંગઠન રચ્યું, જે યોગગુરુઓની તાલીમની શિષ્યવૃત્તિ માટે ભંડોળ ઉઘરાવવા એકબીજાને ટેકો આપતા. કેટલાક યોગગુરુઓ સ્ટુડિયોની આવકની પૂર્તિ માટે ‘વન-ઓન-વન’ યોગના સત્રો, ઊંચી ફી ચૂકવી શકતા કોર્પોરેટ બોડી સાથે રહીને કોઈ રિસોર્ટમાં, વર્કશોપ કે શિબિરોના સંચાલન દ્વારા ચલાવતા.

ઉપસંહાર

અહીંથી આગળ આપણે ક્યાં જઈશું? આ મુદ્દા સાથે આ અહેવાલની સમાપ્તિ થઈ. સમગ્ર જગતના અભ્યાસુઓની સમાનતા તેમજ વલણો જોવા રસભર્યું બની રહે છે. તેમજ યોગાભ્યાસ ખરેખર બધાને સુલભ અને સર્વસમાવેશક બને તે માટે શાંતિથી ઘણું કામ કરવું હજુ બાકી જ રહે છે, જેના વિશે ઘણા લોકો વાતો કર્યા કરે છે અને વર્ષોથી તે માટે કાર્ય પણ કર્યા કરે છે.

આંકડા તો બદલી શકે, પણ સારા ઇરાદાઓ બદલી ન શકે. પ્રગતિનાં ઘણાં ક્ષેત્રો હોવા છતાં આપણામાંના મોટા ભાગના માટે તે સમય પસાર કરવા બરાબર છે. પરંતુ જગતના આપણા નાના ખૂણામાંથી પણ બદલાવ લાવવાના પ્રયત્નો તો કરવા જ પડે. એ તો ઘણા આકાર લે છે, જેમાં એ લોકો કે જે યોગમાં કાર્ય કરે છે, તે આપણને જણાવે અને પ્રેરણા આપે, જેને આપણે આપણી જાણકારી માટે તેમજ યોગના પ્રચાર માટે તેમજ તેને વધુ અસરકારક બનાવવા ઉપયોગમાં લઈએ. વાતચીત અને વાર્તાલાપ તો ચાલતા જ રહેશે.

Total Views: 305

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.