સુંદર શ્વેત હિમાચ્છાદિત શિખરોથી ઘેરાયેલો ગિરિરાજ હિમાલય! વિશ્વનાં સર્વોચ્ચ ગગનચુંબી શિખરોથી શોભિત સર્વોત્કૃષ્ટ પર્વતરાજ હિમાલય, જેની પવિત્ર ગોદમાં વસ્યાં છે ઉત્તરાખંડનાં પ્રસિદ્ધ ચાર તીર્થધામો – ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથ. માતા ગંગા અને માતા યમુનાનું ઉદ્ભવ સ્થાન હિમાલય! વૈદિક સંસ્કૃતિ અને ભારતીય ચેતનાનું મહાન દેવાલય હિમાલય! ઋષિમુનિઓ અને આધ્યાત્મિક જિજ્ઞાસુઓનું તપસ્યા સ્થળ હિમાલય! જે હિમાલયના મહાન આકર્ષણે અસંખ્ય લોકોને પોતાના પ્રત્યે આકર્ષ્યા છે, જેની નીરવતાએ તપસ્વીઓને, જેની અલૌકિકતાએ આધ્યાત્મિકવાદીઓને, જેના સૌંદર્યે પ્રવાસીઓને, જેના અપાર રત્નભંડારે સંશોધકોને અને જેનાં આકાશગામી દુર્ગમ શિખરોએ પર્વતારોહકોને પોતાના પ્રત્યે આકર્ષ્યા છે, એ હિમાલયનાં દર્શન થોડાક જ દિવસોમાં થશે એ વિચારે જ મન નાચી ઊઠ્યું. અમે ચાર સંન્યાસીઓ ઉત્તરાખંડનાં ચાર તીર્થોની યાત્રા શરૂ કરવા માટે ઉત્સુક બની ગયા.
૧૪ મેના સવારના પાંચ વાગ્યે અમે દિલ્હીથી હરિદ્વાર જવા રવાના થયા. બપોરે ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે ચાર તીર્થધામોની યાત્રા માટે ત્રણ વિકલ્પ છે, પહેલો વિકલ્પ – ગઢવાલ મંડળ વિકાસ નિગમની આરામદાયી વિશેષ બસ દ્વારા ચારેય ધામોની એક સાથે યાત્રા કરવી. એમાં સૌથી મોટો લાભ એ કે દરેક સ્થળ પર રહેવા માટે વિકાસ નિગમે સુંદર નિવાસસ્થાન બનાવેલાં છે; આથી નિવાસ શોધવા માટેની જરૂર ક્યાંય રહેતી નથી. પણ તેનું ભાડું વધારે છે; એને માટે ઘણા દિવસ અગાઉ આરક્ષણ પણ કરાવવું પડે છે. અમે આ તીર્થયાત્રાનું આયોજન પહેલાંથી કર્યું નહોતું એટલે આ આરામદાયી બસોમાં જવાનું અમારે માટે શક્ય નહોતું. બીજો વિકલ્પ હતો – ગઢવાલ મોટર ઓનર્સ યુનિયન પ્રા. લિ.ની વિશિષ્ટ યાત્રી બસો દ્વારા યાત્રા કરવી. આ બસો તીર્થસ્થળ સુધી તો લઈ જાય છે પણ દરેક તીર્થસ્થળ માટે જુદી જુદી ટિકિટ લેવી પડે છે. એટલું જ નહીં પણ ટિકિટનું આરક્ષણ પણ દરેક તીર્થસ્થાનો પર અલગ અલગ કરાવવું પડે છે. આ રીતે જવાથી ભાડું ઓછું પડે છે પણ આમાંય બે-ત્રણ દિવસ અગાઉ ટિકિટનું આરક્ષણ કરાવવું પડે છે. ત્રીજો વિકલ્પ હતો – લોકલ બસ દ્વારા દરેક સ્થળે અટકતાં અટકતાં જવું. અમારું લક્ષ્ય વિલક્ષણ હતું. ઓછામાં ઓછા સમયમાં, ઓછામાં ઓછા ખર્ચે વધારેમાં વધારે સ્થળોનાં દર્શન કરવાં! એનાથી પણ મજાની વાત એ કે દરેક સ્થળ પર અમે વધુમાં વધુ સમય વિતાવવા ઇચ્છતા હતા. પરંતુ અમારે પાછા ફરવાનું હતું અતિ શીઘ્ર્ર! પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે ત્રીજો વિકલ્પ જ પસંદ કર્યો. આરક્ષણ માટે સમય ન ગુમાવતાં અમે બીજે દિવસે જ સવારે સાત વાગ્યાની લોકલ બસમાં ઉત્તર કાશી જવા નીકળ્યા. ત્યારે અમને એ સલાહ આપવામાં આવી હતી કે ઉત્તર પ્રદેશની લોકલ બસોમાં બેસવાની જગ્યા મેળવવા માટે બે કલાક અગાઉ જવું પડે છે. આ સાંભળીને અમને શંકા જાગી કે નિર્ણય લેવામાં કદાચ ભૂલ થઈ છે. બીજે દિવસે સવારે પાંચ વાગ્યે જ અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા. પરંતુ આશ્ચર્ય! બસમાં જઈને જોયું – બધી જ સીટો ઉપર ધાબળા કે ચાદર રાખીને લોકોએ સીટો રોકી લીધી છે. પછી ગમે તેમ કરીને બેસવાની જગ્યા મેળવી. સાંજે લગભગ ત્રણ વાગ્યે એકસો સિત્તેર કિલોમીટરની યાત્રા કરીને અમે જ્યારે ઉત્તર કાશી પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે યમુનોત્રી જવા માટેની બસ તો બીજે દિવસે જ મળશે. આગલા દિવસના અનુભવ પરથી અમે બીજે દિવસે સવારે ચાર વાગ્યે જ ઉત્તર કાશીના બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા. પરંતુ છ વાગ્યા સુધી ટિકિટ જ ન મળી. કેમકે જે વિશેષ યાત્રી બસો હનુમાનચટ્ટી (આ સ્થળ યમુનોત્રીથી લગભગ ૧૩ કિલોમીટર દૂર છે. હવે હનુમાનચટ્ટીથી પણ ઉપર ૭ કિ.મી. આગળ સુધી બસ જાય છે. તેથી યાત્રીએ હવે પગપાળા ૫ કિ.મી. જ ચાલવાનું રહે છે.) સુધી સીધી જતી હતી તે ઋષિકેશ, હરિદ્વાર વગેરે સ્થળેથી ભરાઈને જ આવતી હતી. પછી અમને કહેવામાં આવ્યું કે અહીંની લોકલ બસ દ્વારા બરકોટ અને ત્યાંથી બીજી લોકલ બસ દ્વારા હનુમાનચટ્ટી સુધી જઈ શકાય છે. પરંતુ એમાં પણ મુશ્કેલી ઊભી થઈ! ટિકિટનું બુકિંગ કરનારા કહેવા લાગ્યા કે લોકલ બસમાં સ્થાનિક લોકોને જ પહેલી પસંદગી આપવામાં આવશે અને જો જગ્યા વધશે તો જ તીર્થયાત્રીઓને ટિકિટ આપવામાં આવશે. એક પછી એક કેટલીયે બસ ચાલી ગઈ અને અમે ઊભા ઊભા જોતા જ રહી ગયા. આખરે કોઈપણ રીતે અમે બરકોટ જવા માટેની લોકલ બસની ટિકિટ તો મેળવી. પરંતુ બસમાં જઈને જોયું તો સીટો પહેલેથી જ રોકાયેલી હતી. હવે બેસવા માટે પાછી માથાકૂટ. ઉત્તર પ્રદેશની લોકલ બસ દ્વારા યાત્રા કરવામાં કેવી મજા છે, તેની હવે ખબર પડી ગઈ. પછી વિચાર્યું, કે આનાથી તો વધારે સારું એ હતું કે જો અમે ‘ગઢવાલ મોટર્સ ઓનર્સ યુનિયન’ની વિશેષ યાત્રી બસ દ્વારા આવ્યા હોત. ખેર, જ્યારે આવી જ ગયા પછી પસ્તાવાથી ફાયદો શું? (હવે તો લોકો પોતાનું વાહન અથવા ભાડા પર નાનું વાહન કરી લે છે.)
માર્ગ ઘણો જ મુશ્કેલ હતો. અમારી બસ પર્વતો અને જંગલોમાં વર્તુળાકાર રસ્તાઓમાંથી પસાર થતી થતી આગળ વધી રહી હતી. એક સાંકડા રસ્તાનો મોટો વળાંક પૂરો થતાં શ્વેત હિમાચ્છાદિત શિખરોનું જ્યારે પહેલીવાર દર્શન થયું ત્યારે તો અમારા આનંદનો પાર ન રહ્યો. આસપાસના મનોહર પ્રાકૃતિક સૌંદર્યે તેમજ આ અપૂર્વ દૃશ્યે અમારો સઘળો થાક દૂર કરી દીધો! રસ્તામાં વચ્ચે વચ્ચે આવતા પડાવો અને નાના નાના કસબાઓની પાસે ચા પાણી માટે રોકાતી રોકાતી અમારી બસ આગળ વધી રહી હતી. કેટલાંક સ્થળે તો મજેદાર સાઈનબોર્ડ પણ જોવા મળ્યાં. એક નાનકડા કસબામાં રસ્તાની બાજુએ એક કાચું મકાન હતું. એની અગાસી પર ખુલ્લી જગ્યામાં એક દરજી કપડાં સીવી રહ્યો હતો. નીચે સાઈનબોર્ડ મૂકેલું હતું – ‘ન્યુયોર્ક ટેઈલર્સ’! બીજી એક જગ્યાએ એક નાનકડા ભાંગ્યા તૂટ્યા મકાન ઉપર બોર્ડ લટકતું હતું – ‘ગ્રાન્ડ હોટલ’! એક બીજા કાચા મકાન ઉપર મોટું સાઈન બોર્ડ હતું, જેમાં લખેલું હતું – ‘I Treat He cures Clinic’!
અમે ૮૫ કિલોમીટરની યાત્રા કરીને લગભગ ૧૧ વાગ્યે બરકોટ આવી પહોંચ્યા. હોટલમાં બપોરનું ભોજન પતાવીને જોયું તો હનુમાનચટ્ટી માટે બસ આવી રહી હતી. હવે અમે ઉત્તર પ્રદેશની લોકલ બસમાં ચઢવા માટે ઠીક ઠીક બુદ્ધિમાન બની ગયા હતા! અમારામાંથી બે વ્યક્તિઓ ટિકિટ લેવા ગઈ અને બીજા બે બસમાં જગ્યા મેળવવા માટે દોડી ગયા. કોઈપણ રીતે અમને પાછલી સીટો તો મળી.
ધક્કા ખાતાં ખાતાં અને ઉત્તર પ્રદેશની બસસેવાનાં ગુણગાન કરતાં કરતાં ૩૪ કિલોમીટરનો રસ્તો કાપીને સાંજે ત્રણ વાગ્યે અમે હનુમાનચટ્ટી પહોંચ્યા. ત્યાં પહોંચતાં જ વરસાદ પડવા લાગ્યો. અર્ધા કલાક સુધી રાહ જોયા બાદ વરસાદ ઓછો થયો અને અમે યમુનોત્રી જવા માટે પગપાળા જ રવાના થયા. યમુનોત્રી ત્યાંથી તેર કિલોમીટર ના અંતર પર આવેલું છે. અમે સાંભળ્યું હતું કે ચારેય તીર્થોમાં યમુનોત્રીનું ચઢાણ સૌથી વધારે આકરું છે. બે-ત્રણ કિલોમીટર ચાલતાં જ આ વાતની પ્રતીતિ થઈ ગઈ. બધાની પાસે પોતપોતાનો સામાન્ય સામાન હતો. થોડાં વસ્ત્રો, ધાબળો અને લાકડી વગેરે. પરંતુ એને ઊંચકવું હવે મુશ્કેલ બન્યું. બીજા યાત્રિકોએ, જેઓ પગપાળા જઈ રહ્યા હતા, કુલી કર્યો હતો. કેટલાક લોકો ઘોડા પર, કોઈ દંડી કે કંડીમાં બેસીને જઈ રહ્યા હતા. હવે અમને એ વાતનો પસ્તાવો થઈ રહ્યો હતો કે અમે કુલી કેમ ન કર્યો, પણ એ સમયે ભગવાનની કૃપાથી ઉપરથી એક કુલી નીચે આવતો દેખાયો અને અમે એ કુલીને અમારો સામાન ઉંચકવા કહ્યું. તેણે સહર્ષ સ્વીકાર કર્યો. હવે અપેક્ષા કરતાં અમે વધારે સારી રીતે ચાલવા લાગ્યા. લગભગ છ કિલોમીટરનું અંતર કાપીને અમે જાનકીચટ્ટી પહોંચ્યા ત્યાં જ જોરથી વરસાદ તૂટી પડ્યો. સાંજના છ વાગ્યા હતા એટલે ત્યાં જ એક રૂમ ભાડે લઈ લીધો. હાથ મોઢું ધોઈને, ચા નાસ્તો કરીને, અમે માટીના એ મકાનના રૂમમાં પ્રવેશ્યા. એને સાફ કર્યો પછી જમીન ઉપર પોતાના ધાબળા પાથર્યા. એક ખૂણામાં શ્રીરામકૃષ્ણદેવ, મા શારદાદેવી તથા સ્વામી વિવેકાનંદની છબીઓ મૂકી, તેને સજાવી પછી અગરબત્તી પેટાવીને સંધ્યા આરતીની પ્રાર્થના ‘ખંડન ભવબંધન’ ગાઈને આનંદ પ્રાપ્ત કર્યો. બીજે દિવસે ૧૭મી મેએ સવારે સાડાચાર વાગ્યે જ અમે શ્રીરામકૃષ્ણ, મા શારદા તથા સ્વામીજીનું નામ લઈને યમુનોત્રી માટે રવાના થઈ ગયા. સામાનમાં સાથે એક એક નાનકડી બેગ લીધી હતી. બાકીનો સામાન ઉતારે જ રાખી દીધો હતો. થોડા સમય પછી અત્યંત દુર્ગમ અને સીધું ચઢાણ આવ્યું પરંતુ આજુબાજુના અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યે થાકનો અનુભવ કરવા દીધો નહીં. બે કિલોમીટર ચાલ્યા પછી એક અપૂર્વ દૃશ્ય જોઈને સ્તબ્ધ બની અમે ઉભા રહી ગયા! ગિરિરાજનાં હિમશિખરો ઉપર સ્વર્ણિમ મુકુટ હતો. પાછળથી ખબર પડી કે પૂર્વ દિશામાં જે સૂર્યોદય થઈ રહ્યો હતો, એનું પ્રતિબિંબ અમારી સામે રહેલાં આ શ્વેત હિમશિખરો પર પડવાથી આ આભાસ સ્વર્ણિમ મુકુટરૂપે સર્જાયો હતો. આજુબાજુના નીરવ, સ્વચ્છ, શાંત વાતાવરણ, અનુપમ પ્રાકૃતિક સૌંદર્યે અમને અભિભૂત કરી દીધા. આગળ ચાલવાની ઇચ્છા જ થતી નહોતી. અમે થોડા સમય માટે એક શિલા ઉપર ચુપચાપ બેસી ગયા. શ્રીરામકૃષ્ણના પાર્ષદ સ્વામી અખંડાનંદજી મહારાજે પોતાની યાત્રાનાં સંસ્મરણોમાં હિમાલયના જાદુના પ્રભાવનું જે વર્ણન કર્યું છે, તેનું સ્મરણ થઈ આવ્યું – ‘દેવાધિદેવ મહાદેવ’ અહીં નિત્ય તપશ્ચર્યામાં લીન રહે છે. હર-ગૌરીનું નિત્ય મિલન થાય છે વગેરે. લાગ્યું કે જો આ બધી વાતો કલ્પના હોય તો પણ આ કલ્પનાનો ઉદ્ભવ અકારણ નથી. ઋષિમુનિઓએ જો તપશ્ચર્યા માટે આ સ્થળને પસંદ કર્યું હોય તો એમાં આશ્ચર્ય શું છે?
ઊઠવાની ઇચ્છા જ થતી ન હતી. પણ જલદી પાછું આવવાનું હતું એટલે પરાણે ત્યાંથી પાછું ચાલવાનું શરૂ કર્યું. અને જતાં પહેલા આ અપૂર્વ દૃશ્યને કેમેરામાં જકડી લીધું. રસ્તામાં ઉપરથી નીચે આવી રહેલા યાત્રાળુઓની મુલાકાત થતાં જ તેઓ આનંદપૂર્વક ‘જય સીતે’ અથવા ‘સીતારામ’ કહીને અભિવાદન કરતા હતા. આ રીતે પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લેતા લેતા અમે સવારે છ વાગ્યે યમુનોત્રી પહોંચી ગયા. હવે અમે સમુદ્ર સપાટીથી દસ હજાર આઠસો ફૂટની ઊંચાઈ ઉપર હતા. સામે જોયું કે યમુના નદી એક પાતળી જલધારાના રૂપે ખૂબ તીવ્ર ગતિથી વહી રહી હતી. તેનું જળ એટલું સ્વચ્છ હતું કે કાચ જેવું પારદર્શક દેખાતું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે યમુનાની ધારા અહીં ઉત્તરવાહિની છે. એટલા માટે જ કદાચ આ સ્થળનું નામ યમુનોત્રી પડ્યું હશે. અહો કેવું રમણીય સ્થાન છે! ખરેખર અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય વર્ણનાતીત છે. તેનો અનુભવ પ્રત્યક્ષ દર્શન કરનારને જ થઈ શકે છે. ફ્રેજરે પોતાના પુસ્તક ‘જરનલ ઓફ એ ટુર ઈન ગઢવાલ હિમાલય’માં એનું વિસ્તૃત વર્ણન કર્યું છે. કૂર્મ પુરાણમાં પણ યમુનોત્રીનો મહિમા વિસ્તારથી આલેખવામાં આવ્યો છે.
યમુનોત્રીના મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાની અમારી લાંબા સમયની ઇચ્છા પૂરી કરવાનો વિચાર કર્યો, કેમકે કડકડતી ઠંડીને લીધે બે દિવસથી અમારા સૌની હાલત ખરાબ હતી. અહીંનો ગરમ પાણીનો કુંડ પ્રસિદ્ધ છે. એનું ઉષ્ણતામાન ૧૯૪.૯૦ ફેરનહીટ સુધી રહે છે. ભોજન બનાવવા માટે ચૂલો પેટાવવાની જરૂર પડતી નથી. ચોખા, બટેટા વગેરે કપડામાં બાંધીને એમાં ૧૫ મિનિટ સુધી ડૂબાવી રાખીને લોકો તેને પકાવી લે છે. લોકો એને યમુનોત્રીનો પ્રસાદ માનીને ઘરે પણ લઈ જાય છે. અમે પણ થોડા ચોખા ખરીદીને તેને બાંધીને ૧૫ થી ૨૦ મિનિટ એ પાણીમાં ડૂબાડી રાખીને પકાવ્યા, તેનો પ્રસાદ બનાવી લીધો. આ ગરમ પાણીના કુંડની નીચેથી પાણી વહીને એક બીજા કુંડમાં જાય છે. ઉપરના કુંડમાં સ્નાન કરવું શકય નથી એટલે લોકો નીચેના કુંડમાં જ સ્નાન કરે છે. ઠંડીથી ઠૂંઠવાતા અમે કુંડ સુધી તો ખૂબ જ ઉત્સાહથી પહોંચ્યા. પણ એમાં પગ બોળતાં જ પાણી એટલું ગરમ લાગ્યું કે નીચે ઊતરવાની હિંમત ન થઈ. જે લોકો કુંડમાં સ્નાન કરી રહ્યા હતા એમણે કહ્યું કે આખા શરીરને એક ઝાટકાથી પાણીમાં ડૂબાડી દેવાથી પાણી અને શરીરનું ઉષ્ણતામાન એક બની જશે. આખરે હિંમત કરીને અમે ડૂબકી મારી. થોડી જ ક્ષણોમાં એટલો આનંદજનક હૂંફાળો અનુભવ થયો કે હવે તો બહાર નીકળવાની જ ઇચ્છા થતી ન હતી. થોડીવાર આ સુખનો અનુભવ કરીને મા યમુના તથા મા ગંગાનાં મંદિરમાં દર્શન કરી એક ચટ્ટીમાં જઈને ચા નાસ્તો કર્યો અને લગભગ નવ વાગ્યે ત્યાંથી પાછા ફર્યા.
લગભગ દોઢ કલાકમાં છ કિલોમીટર નીચે ઊતરીને અમે જાનકીચટ્ટી આવી પહોંચ્યા. બપોરનું જમવાનું જલદી પતાવીને હનુમાનચટ્ટી જવા નીકળી ગયા. ઉત્સાહના અતિરેકમાં અમે તીવ્ર ગતિથી નીચે ઊતરવા લાગ્યા. અમને પહાડો પર ચઢવા-ઊતરવાનો કોઈ અનુભવ ન હતો. અમે બપોરે એક વાગ્યા પહેલાં જ હનુમાનચટ્ટી પહોંચી ગયા. પરંતુ બે ત્રણ જગ્યાએ તો લપસીને પડતાં પડતાં બચ્યા. ઉપર ચડતી વખતે શ્વાસ વધી જાય છે એટલે ગતિ પોતાની મેળે જ ઓછી થઈ જાય છે. પરંતુ નીચે ઊતરતી વખતે ખાસ કાળજી રાખવાની જરૂર રહે છે. એ અમે પાછળથી શીખ્યા. જો આ તીર્થયાત્રા માટે અમે ખાસ ખરીદેલા કેનવાસના જોડા પહેર્યા ન હોત તો લપસી પડવાથી બચવું મુશ્કેલ હતું. ઊતરતી વખતે તો થાક જણાયો નહીં પણ પછી પગની પિંડીઓમાં થતા દર્દે અમને પાઠ શીખવાડી દીધો કે હવેથી અમારે પહાડ પરથી સાવધાનીપૂર્વક ધીમે ધીમે ઊતરવું પડશે.
હનુમાનચટ્ટીમાં બસ સ્ટેન્ડ પર જાણવા મળ્યું કે ગંગોત્રી માટે ખાસ યાત્રી બસો અહીંથી મળે છે. આ સુવિધા અમને એટલા માટે મળી કે અમે અમારી યાત્રા યમુનોત્રીથી શરૂ કરી હતી. ભૌગોલિક દૃષ્ટિથી યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથ એક પછી એક બાજુ હિમાલયનાં વિભિન્ન શિખરો ઉપર આવેલાં છે. ધાર્મિક દૃષ્ટિથી પણ જમણીથી ડાબી બાજુ પ્રદક્ષિણા કરવાની વિધિ છે. વિશેષ યાત્રી બસો પણ યમુનોત્રીથી ગંગોત્રી માટે, ગંગોત્રીથી ગૌરીકુંડ માટે (કેદારનાથનું નજીકનું બસ સ્ટેન્ડ) અને ગૌરીકુંડથી બદરીનાથ માટે મળે છે. લોકલ બસનો અનુભવ તો પૂરેપૂરો થઈ ગયો હતો. એટલે ખાસ યાત્રી બસથી જ જવાનું નક્કી કર્યું. સામે જ ગંગોત્રી માટે એક બસ ઊભી હતી પરંતુ તપાસ કરતાં જાણવા મળ્યું કે એની બધી જ ટિકિટો વેચાઈ ગઈ હતી. પરંતુ ભગવાનની કૃપાથી કન્ડકટરે અમને બસમાં બેસાડી દીધા. કેમકે છ માણસોની ટિકિટ લેવાઈ ગઈ હતી પણ તેઓ આવ્યા ન હતા. બધા યાત્રાળુઓએ ‘જમુના મહારાણીની જય’ ‘ગંગા મહારાણીની જય’ એમ જયજયકાર બોલાવ્યો અને બસ ઉપડી. રસ્તામાં બસ જ્યારે પણ યમુના કે ગંગાના પુલ ઉપરથી પસાર થતી ત્યારે પણ આ જય જયકાર થતો હતો.
આ બસો ગઢવાલ મોટર ઓનર્સ યુનિયન પ્રા. લિ.ની બસો કરતાં વધારે આરામદાયક હતી. તેની ૪૩ સીટો પર ૪૩ જ માણસોને બેસાડેલા હતા. બધા યાત્રાળુઓ જ હતા. આથી શ્રદ્ધા અને ભક્તિભાવથી ભરેલા જઈ રહ્યા હતા. કેટલીક ભક્તિમતી સ્ત્રીઓ કીર્તન કરી રહી હતી. આ રીતે ભગવાનનું ભજન કરતાં કરતાં રસ્તાના મનોહર પ્રાકૃતિક સૌંદર્યનું પાન કરતાં કરતાં ૧૧૫ કિલોમીટરની યાત્રા કરીને સાંજે છ વાગ્યે અમે ઉત્તરકાશી પહોંચ્યા. અહીં પહાડી માર્ગ ખૂબ જ દુષ્કર હોવાને લીધે બસો રાત્રે ચાલતી નથી. સુયોગ્ય સ્થળે રાત રોકાય છે. ડ્રાઈવરે અમને જણાવ્યું કે બીજે દિવસે સવારે ચાર વાગ્યે બસ ઉત્તરકાશીથી ઉપડી જશે. જો કોઈ મોડું આવશે અને ચૂકી જશે તો એની જવાબદારી બસવાળાની રહેશે નહીં.
અમે બીજે દિવસે બરાબર ચાર વાગ્યે બસ સ્ટેન્ડે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો અનેક બસો હતી પણ અમારી બસનો પત્તો જ નહોતો! અમે ગભરાઈને વિચારવા લાગ્યા કે ‘અમારી ઘડિયાલમાં કાંઈ ગરબડ તો નથી ને? શું બસ ચૂકી ગયા? અમારી ટિકિટના પૈસા પણ ગયા. હવે તો ટિકિટ મેળવવામાં પણ એ દિવસની જેમ જ માથાકૂટ થશે.’ આ બધું વિચારી રહ્યા હતા ત્યાં અમારામાંથી એકે પોતાની ડાયરીમાં લખેલો બસનો નંબર મેળવી લીધો અને બસ શોધી જોયું તો બસ અંધારામાં પડી છે અને ડ્રાઈવર તેમજ કન્ડકટર અંદર સૂતેલા છે. યાત્રાળુઓમાંથી તો કોઈનું ઠેકાણું જ ન હતું. બસને બહુ જ ખખડાવતાં આંખો ચોળતો કન્ડકટર બહાર આવ્યો અને ચિડાઈને બોલ્યો ‘જોતા નથી ડ્રાઈવર સૂતો છે, આટલો ઘોંઘાટ કરવાથી ઊંઘ બગડશે.’ અમે ગઈ રાતની વાત યાદ કરી ઘડિયાલ બતાવી તો દરવાજો બંધ કરતાં તેણે કહ્યું, ‘બધા યાત્રાળુઓને આવવા તો દો. પરંતુ બાકીના બધા યાત્રાળુ અમારા કરતાં વધુ સમજદાર હતા. એ લોકોએ પાંચ વાગ્યા પછી જ આવવાનું શરૂ કર્યું. ચા નાસ્તા પછી સાડા પાંચ વાગ્યે ડ્રાઈવરે બસ ઉપાડી. હવે અમે આ પ્રદેશની ઘડિયાલનો પણ અનુભવ કરી લીધો. લોકલ બસનો અનુભવ તો પહેલાં જ થઈ ગયો હતો.
રસ્તામાં ક્યાંક ઉત્તુંગ પર્વતમાળાઓ, ક્યાંક મેદાનોની હરિયાળી અને ક્યાંક પતિત પાવની ત્રિવેણી ગંગાનો વાંકોચૂંકો પ્રવાહ જોઈને અમે ભાવવિભોર બની જતા હતા. એવું લાગતું હતું કે જાણે આ મનોહારી દૃશ્યોને અનિમેષ જોતા જ રહીએ. પરંતુ શીઘ્ર્રગામી આ નઠારી યાત્રીબસ અટકતી અટકતી જાય ત્યારેને! ઓહ જે લોકો અગાઉ પગપાળા જ યાત્રા કરતા હતા તેઓ કષ્ટ સહીને પણ કેવા આનંદની પ્રાપ્તિ કરતા હતા? હજુ પણ એકલ દોકલ સાધુઓ પગપાળા યાત્રા કરતા જોવામાં આવતા હતા. આ રીતે પ્રકૃતિનાં આનંદદાયક દૃશ્યોનો અનુભવ કરતાં કરતાં ૮૭ કિલોમીટરની યાત્રા કરીને અમે લગભગ દસ વાગ્યે લંકા પહોંચ્યા. અહીંથી ગંગોત્રી ફક્ત ૧૩ કિલોમીટર દૂર હતી. બધી બસોને અહીં તપાસ માટે રોકાવું પડે છે. કેમકે આ ચીનની સરહદ પર આવે છે. તપાસ અધિકારીઓએ બધા યાત્રાળુઓનાં નામ અને સરનામાં લખી લીધાં. અહીં લશ્કરનું એક મોટું થાણું છે. બસ સ્ટેન્ડની સામે જ શ્રીરામનું એક સુંદર મંદિર હતું. ત્યાં લશ્કરી જવાનો ભજન કીર્તન કરી રહ્યા હતા. કેમકે તે દિવસે રવિવારની રજા હતી. બીજા દેશોમાં તો લશ્કરી જવાનો મોજમજા કરવામાં પોતાની રજાઓ પસાર કરી દેતા હોય છે. પરંતુ આપણા દેશમાં આજે પણ એવા કેટલાક જવાનો છે, જેઓ આ રીતે ભગવાનનું ભજન કરીને રજાનો સદ્ઉપયોગ કરી રહ્યા છે. એ વિચારીને ગર્વથી છાતી ફૂલાઈ ગઈ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું: ‘ધર્મ જ આ દેશનું પ્રાણ કેન્દ્ર છે… ભારતવર્ષ પુણ્યભૂમિ છે.’ આહ! કેટલું સત્ય!’
થોડીવાર પછી બસ ચાલવા લાગી. રસ્તામાં કેટલાક માણસો વચ્ચે ભારે વાદવિવાદ સર્જાઈ ગયો. એક વૃદ્ધનું કહેવું હતું – આ એ જ લંકા છે, જેમાં રાવણ રાજ્ય કરતો હતો. હવે વિભિષણ રાજ્ય કરે છે. બીજા કેટલાક સજ્જનો એ સાબિત કરવાનો પ્રયત્ન કરતા હતા કે આ તો ચીનની લંકા છે. અમે મોઢું દબાવીને હસતા રહ્યા અને તમાશો જોતા રહ્યા. લગભગ ૧૧ વાગ્યે અમે ગંગોત્રી પહોંચી ગયા. બસ ઊભી રહેતાં જ જોયું તો સામે જ ગંગોત્રીનું મંદિર હતું. તેની પાસે જ પતિતપાવની ગંગા તીવ્ર ગતિથી વહેતી હતી. નદી ઉપરના પુલને પાર કરીને અમે દંડી આશ્રમમાં પહોંચી ગયા. ત્યાંના મહંત સ્વામી પૂર્ણાનંદગિરિના નામનો પત્ર અમારી પાસે હતો. ત્યાં પહોંચતા જ ભિક્ષા (બપોરનું ભોજન) લેવી પડી કેમકે ત્યાં ભિક્ષાનો સમય સવારે દસ વાગ્યાનો અને સાંજે પાંચ વાગ્યાનો હતો. એક મજાની ઘટના અહીં બની. અમારામાંથી બે જણા ચાલતાં ચાલતાં છૂટા પડી ગયા અને દંડી આશ્રમનું સરનામું પૂછતાં પૂછતાં આશ્રમથી પણ આગળ નીકળી ગયા. દરમિયાનમાં બીજા બે માટે દંડી આશ્રમમાં બધી વ્યવસ્થા થઈ ગઈ. ઘણીવાર પછી પણ બંને વ્યક્તિઓ ન આવતાં એકે ફરીથી એમની શોધમાં પુલ પસાર કરીને પાછા બસ સ્ટેન્ડ, ગંગોત્રીનું મંદિર વગેરે સ્થળે જઈને તપાસ કરી પણ વ્યર્થ. કોઈ ન મળતાં તે નિરાશ થઈને પાછો ફરી રહ્યો હતો ત્યારે તેને ત્રણેય જણા પુલની પાસે મળ્યા કેમકે છૂટા પડેલા બંને જણા તો પાછા દંડી આશ્રમ આવી ગયા હતા પણ તેમને શોધવા જનાર પાછો ન આવતાં હવે ત્રણેય જણા તેને શોધવા નીકળી પડ્યા હતા!
(ક્રમશ:)
Your Content Goes Here




