(ગતાંકથી આગળ)
હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. એકે પ્રસ્તાવ મૂક્યો. ‘સદ્ભાગ્યે હવામાન કંઈક સારું છે, સૂર્ય પણ નીકળ્યો છે, એટલે જલદીથી કેદારનાથ તરફ જવા નીકળવું જોઈએ. એક કિ.મિ. ચાલતા જ ભૈરવઘાટીથી બસ મળી જશે.’ પરંતુ આગલા દિવસના પરિશ્રમ અને કડકડતી ઠંડીને કારણે અમે બધા ખૂબ થાકેલા હતા અને ફરીથી ભૈરવઘાટી સુધી પગપાળા ચાલવા માટે તૈયાર નહોતા. આ રીતે અમે વાદવિવાદ કરી રહ્યા હતા, ત્યાં તો આશ્રમના એક કર્મચારીએ આદેશ આપીને અમારી બધી જ સમસ્યાઓને સમાપ્ત કરી દીધી – ‘અડધા કલાકમાં ઓરડો ખાલી કરી દો. વરસાદ રહી ગયો છે, બીજા યાત્રાળુઓ માટે જગ્યા કરવી પડશે.’ અમે એકબીજાના મોઢા સામું જોતા રહ્યા! હવે તો બીજો કોઈ ઉપાય જ ન હતો. ઝટપટ તૈયાર થઈને એક કુલીના માથે સામાન રાખીને અમે ૧૧ વાગ્યે ત્યાંથી રવાના થઈ ગયા. હિમવર્ષાને કારણે રસ્તામાં સરકતી હિમશિલાઓ જોવા મળી. અમે સાંભળ્યું કે કેટલાય લોકો આ પ્રકારના ભૂસ્ખલનથી મરી જાય છે. એક બે જગ્યાએ તો અમે પણ આ રીતે પડતી હિમશિલાઓથી બચ્યા. ભગવાનની અસીમ દયાથી બપોરે ત્રણ વાગ્યે અમે હેમખેમ ભૈરવઘાટી પહોંચી ગયા.
અહીં પહોંચતાં જ એક નવી સમસ્યા ઊભી થઈ! આગળ જવાનો રસ્તો ભૂસ્ખલનને કારણે બંધ હતો. હજારો યાત્રાળુઓ અહીં ફસાઈ ગયેલા હતા. કેટલીય બસો પણ લાપતા હતી. ધર્મશાળા તો શું પણ અતિથિગૃહમાં પણ તલભાર જગ્યા નહોતી. ક્યારે રસ્તો બરાબર થશે અને ક્યારે બસો જવાનું શરૂ કરશે તે કંઈ જ નક્કી નહોતું. આવી સ્થિતિમાં જો રાત વિતાવવી પડત તો એ એક જુદો જ અનુભવ હોત. પરંતુ ભગવાનની કૃપાથી સાંજે ચાર વાગ્યે બસો ચાલવા લાગી. આ વખતે પણ ગૌરીકુંડ સુધી સીધી જતી યાત્રીબસમાં જ અમે બેઠા. ‘જય બાબા કેદારનાથની જય, ગંગા મહારાણીની જય’, વગેરે પોકારોથી યાત્રાળુઓએ શ્રદ્ધાપૂર્વક યાત્રાનો પ્રારંભ કર્યો. ફરીથી ઉત્તરકાશીમાં રાત ગાળવાનું થયું. લગભગ ૧૦૦ કિ.મિ.નો રસ્તો પાર કરીને રાત્રે આઠ વાગ્યે ત્યાં પહોંચ્યા. બીજે દિવસે વહેલી સવારે ચાર વાગ્યે બસવાળાઓએ બોલાવ્યા હતા. પણ હવે અમે અહીંની ઘડિયાળથી બરાબર પરિચિત થઈ ગયા હતા. એટલે અમે સવારે સાડા-ચાર વાગ્યે તૈયાર થઈને બસસ્ટેન્ડ આવ્યા. અમે આશા રાખી હતી એ પ્રમાણે ડ્રાઈવર સૂતો હતો. સાડાપાંચ વાગ્યે બસ ઉપડી. યાત્રાળુઓએ ફરીથી જયજયકાર કર્યો. બપોરનું ભોજન ગુપ્તકાશીમાં કરીને ૨૪૦ કિ.મિ.નો લાંબો રસ્તો કાપીને સાંજે ત્રણ વાગ્યે ગૌરીકુંડ આવી પહોંચ્યા. ત્યાં ભારત સેવાશ્રમના અતિથિગૃહમાં ઊતર્યા. એમ તો અહીં ધર્મશાળાઓ, હોટેલો અને અતિથિગૃહોની કોઈ કમી નથી. એક નાનું-મોટું બજાર જ છે. અહીંનો તપ્તકુંડ પણ પ્રખ્યાત છે. અમે બધા થાકેલા હતા અને ગરમ પાણીથી સ્નાન કરવા માટે વ્યાકુળ હતા. ત્યાં પહોંચીને તુરત જ તપ્તકુંડમાં સ્નાન કર્યું અને પાર્વતીજીના મંદિરમાં દર્શન કર્યાં. એવી લોકવાયકા છે કે આ સ્થળે પાર્વતીજીનો જન્મ થયો હતો. હવે અમે સમુદ્ર સપાટીથી ૬૫૦૦ ફૂટની ઊંચાઈ ઉપર હતા. આથી ઠંડી પડે તે સ્વાભાવિક હતું. ખાઈ-પીને અમે નિદ્રાદેવીના શરણમાં પહોંચી ગયા.
બીજે દિવસે એટલે કે ૨૩ મેએ વહેલી સવારે પાંચ વાગ્યે શ્રીરામકૃષ્ણ, શ્રીમા સારદાદેવી અને સ્વામીજીનું સ્મરણ કરીને ભગવાન કેદારનાથની જય બોલતાં બોલતાં કેદારનાથ તરફ જવા નીકળી પડ્યા. આગલે દિવસે કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી. એ સાંભળીને પોલીથીનનો રેઈનકોટ ખરીદ્યો અને તેને પણ નાનકડી બેગમાં મૂકી દીધો. પ્રાકૃતિક સૌંદર્ય માણતાં માણતાં લગભગ અઢી કલાક બાદ અમે રામવાડા પહોંચ્યા, જે ગૌરીકુંડથી લગભગ છ કિ.મિ. દૂર છે. હજુ પણ કેદારનાથ અહીંથી સાત કિ.મિ. દૂર હતું. ત્યાં ચા પાણી પીને થોડું આગળ ચાલતાં જ શુભ્ર હિમજડિત કેદાર શિખર અને શિવલિંગ શૃંગનાં દર્શન થયાં. કેદારશિખર તો જાણે આકાશને સ્પર્શી રહ્યું હતું. આ દૃશ્ય એટલું મનમોહક હતું કે અમે થોડીવાર સુધી તો એક શિલા ઉપર બેસી ગયા. ભગવાનની કૃપાથી હવામાન સ્વચ્છ હતું. પરંતુ આગલા દિવસે થયેલી હિમવર્ષાને લઈને ચારેબાજુ નર્યો બરફ જ દેખાતો હતો. રસ્તા ઉપરનો બરફ પીગળવાને લઈને લપસી પડવાની પણ સંભાવના હતી. પરંતુ અમે સાવધાનીપૂર્વક ધીમે ધીમે આગળ વધ્યા.
૨-૩ કિ.મિ. આગળ જતાં જ કેદારનાથનાં ભવ્ય મંદિરનાં દર્શન થયાં. અમારા આનંદનો પાર ન રહ્યો. બધો જ થાક જાણે કે દૂર થઈ ગયો અને બમણા ઉત્સાહથી અમે આગળ વધવા લાગ્યા. લગભગ ૧૧ વાગ્યે અમે ત્યાં પહોંચી ગયા. હવે અમે સમુદ્રની સપાટીથી ૧૨૦૦૦ ફૂટ ઉપર હતા. સામે જ કેદારનાથનું ભવ્ય મંદિર દેખાતું હતું. મંદિર કેદાર શિખરની બરાબર નીચે સપાટ ભૂમિ (જેને કેદારભૂમિ કહે છે) ઉપર ઊભેલું છે. ત્રણેય બાજુ આકાશગામી શૈલશિખરો ઊભાં હતાં. ત્યારે એવું લાગતું હતું કે જાણે અમે ધરતીના અંતિમ છેડા સુધી આવી પહોંચ્યા છીએ. પાસે જ મંદાકિનીનું ઉદ્ભવસ્થાન હતું. મંદિરની પાછળ સ્વર્ગારોહિણી એક લાંબી શ્વેત જલધારાના રૂપમાં રહેલી હતી. એવી કથા છે કે પાંડવો આ માર્ગે સ્વર્ગે ગયા હતા. હજુ પણ કેટલાક અંધશ્રદ્ધાળુ લોકો ભૃગુમાર્ગ દ્વારા સદેહે સ્વર્ગે જવાનો પ્રયત્ન કરે છે. કેદારનાથના સર્વ પ્રથમ યુરોપિયન યાત્રિક સ્કિનરના મત મુજબ ૧૮૨૯માં જ આ રીતે પ્રાણત્યાગ કરવાવાળાની સંખ્યા ૧૫૦૦ની હતી. ઘણું કરીને આદિ શંકરાચાર્ય પણ આ સ્થળ પાસેથી જ અંતર્ધાન થઈ ગયા હતા. એ સ્મૃતિમાં આદ્ય શંકરાચાર્યનું સમાધિ મંદિર કેદારનાથના મંદિરની પાછળ મંદાકિનીના કિનારા ઉપર બનાવેલું છે. ચારેબાજુ ફક્ત શ્વેત બરફ સિવાય કંઈ જ દેખાતું ન હતું. વાતાવરણમાં હતી એક અપૂર્વ શાંતિ,જેનું વર્ણન કરવું અશક્ય છે. ખરેખર સ્વર્ગ નામનું કોઈ સ્થળ છે કે નહિ તે તો કોણ જાણે પરંતુ મન બોલી ઊઠ્યું: ‘અહીં જ છે સ્વર્ગ. અહીં જ છે સ્વર્ગ. શિવજીએ પોતાના નિવાસ માટે આવું પરમ રમણીય, પ્રશાંત સ્વર્ગીય સ્થળને પસંદ કર્યું હોય એમાં આશ્ચર્ય શું છે?’
ત્યાં પહોંચીને અમે તુરત જ પંચભૈયા પંડાને મળ્યા, જેના વિશે અમે પહેલેથી જ માહિતી મેળવી લીધી હતી. અહીં પણ એક નાનું બજાર છે. કેટલાક અતિથિગૃહ છે. તો પણ અમે ભારત સેવાશ્રમના અતિથિગૃહમાં જ ઊતર્યા. સ્નાન વગેરે પતાવીને જલદીથી મંદિરમાં પહોંચી ગયા. ત્યાં સુધીમાં અમારા પંડાએ પૂજાની સામગ્રી ખરીદીને રાખી હતી. પૂજા, દર્શન, વગેરે માટે લાંબી લાઈન હતી. અમે તેમાં ઊભા રહી ગયા. કડકડતી ઠંડીમાં ઉઘાડે પગે બરફ ઉપર એક કલાક ઊભા રહેવું એ ખરેખર કષ્ટપ્રદ હતું. કેદારબાબાએ દર્શન આપતાં પહેલાં સારી એવી તપશ્ચર્યા કરાવી. લાઈનમાં ઊભાં ઊભાં, પથ્થરની વિશાળ શિલાઓથી કંડારાયેલા આ ભવ્ય મંદિરની અપૂર્વ શોભા નિરખવા લાગ્યા. આશ્ચર્ય! આટલી વિશાળ શિલાઓ એ પ્રાચીન સમયમાં અહીં ક્યાંથી, કેવી રીતે લાવવામાં આવી હશે? લોકવાયકા છે કે પાંડવોએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. પરંતુ વિશેષજ્ઞોના મત પ્રમાણે આ મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું છે. કદાચ માળવા નરેશ ભોજે આ મંદિર બંધાવ્યું હતું.
મંદિરમાં પ્રવેશ કરતાં જ સભામંડપમાં પાંડવોની મૂર્તિઓ જોવા મળી. સાંભળ્યું છે કે અહીંની શ્રૃંગારમૂર્તિઓ છે. ગર્ભમંદિરના દ્વાર ઉપર શૈવમૂર્તિઓ હતી. અહીંનું શિવલિંગ અદ્ભુત છે. એવું કહેવાય છે કે પાંડવોએ આનું સર્વપ્રથમ પૂજન કર્યું હતું. આની પાછળ એક સુંદર વાર્તા છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થયું ત્યારે ભગવાન વેદવ્યાસે પાંડવોને કેદાર જવા માટે આજ્ઞા કરી કે જેથી તેમને ગો હત્યાના પાપમાંથી મુક્તિ મળે. જ્યારે પાંડવો કેદારનાથ પહોંચ્યા તો ભગવાન શિવ પાડાનું રૂપ ધારણ કરીને જમીનમાં ઉતરવા લાગ્યા. એટલામાં ભીમે દોડીને એમનો પાછલો ભાગ પકડી લીધો. પાંડવોની ભક્તિ અને વ્યાકુળતા જોઈને શિવે એમને સાક્ષાત્ દર્શન દીધાં અને ગુરુહત્યા તેમજ ગો હત્યાના પાપના પ્રાયશ્ચિત રૂપે ભીમે પકડેલા પાછલા ભાગની પૂજાનો આદેશ આપીને શિવ અંતર્ધાન થઈ ગયા. એ પૃષ્ઠભાગે શિલા રૂપ ધારણ કર્યું જે તે દિવસથી પૂજાઈ રહ્યું છે. અમે પણ જોયું, શિવલિંગના સ્થાને ત્રિભૂજાકાર વિશાળ શિલા સિવાય બીજું કંઈ નથી. અહીંની પૂજાની એ વિશેષતા છે કે યાત્રાળુઓ પોતે જ શિલાની પૂજા કરે છે. અમે પણ પંડાની મદદથી ઘી, દૂધ, ચંદન, બીલીપત્ર, પુષ્પ વગેરેથી પૂજા કરી. યાત્રાળુઓની ભારે ભીડ હતી. અંદર અંધારું હતું. લપસી પડવાનો ભય હતો તો પણ અમે એક ખૂણામાં થોડીવાર સુધી બેઠા. અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ હતું. કેટલાંય હજાર વર્ષોથી, કેટલાય હજારો શ્રદ્ધાળુઓએ હજારો માઈલ પગે ચાલીને, યાત્રા કરીને અહીં પોતાની ભક્તિ નિવેદિત કરી છે.
મંદિરમાંથી પાછા આવ્યા બાદ અમે બધા પેટપૂજામાં લાગી ગયા. કેમ કે બધા ભૂખ્યા હતા. ભોજન અને આરામ પછી આજુબાજુનાં થોડાં સ્થળો જોઈને ત્રણ વાગ્યે પાછા મંદિરમાં આવી ગયા. પૂજા વગેરે બપોરે એક વાગ્યા સુધી જ ચાલે છે. એટલે યાત્રાળુઓની ભીડ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. બપોર પછી ગર્ભમંદિરમાં જવાની મનાઈ છે. એટલે અમે સભામંડપમાં ચારેબાજુ આસન લગાવ્યા અને ધ્યાન, જપ, સ્તોત્રપાઠ વગેરે કરવા લાગ્યા. આ રીતે ત્રણ કલાક અપૂર્વ આનંદમાં વીત્યા. સંધ્યા આરતી સમયે યાત્રાળુઓની ભીડ પાછી વધવા લાગી. જેમ તેમ કરીને એક ખૂણામાં ઊભા રહેવાની જગ્યા મેળવી. સંધ્યા આરતીનાં દર્શન કરીને પંડાની પાસેથી ત્યાંના વિશે ઘણી જાણકારી મેળવી. અમારા અતિથિગૃહની પાસે જ એક બંગાળી સજ્જને હોટલ ખોલી હતી. ઉત્તરાખંડમાં દાળ, રોટીનું જ ચલણ વિશેષ છે. ઘણાં દિવસો બાદ અહીં ખીચડી અને શાકનું ભોજન મળ્યું. અરે! ગરમાગરમ ખીચડીમાં શું મજા હતી! બધાને ખૂબ ભૂખ લાગી હતી. એટલે આ ભોજન અમૃત સમાન લાગ્યું. ઊંઘ પણ સરસ આવી ગઈ. અમારા કાર્યક્રમ મુજબ બીજે દિવસે વહેલી સવારે સાડાચાર વાગ્યે ચા પીને અમે રવાના થયા. આખી રાત બરફ વરસ્યો હતો. પરંતુ ભગવાનની કૃપાથી હવે હિમવર્ષા બંધ થઈ ગઈ હતી. પરંતુ રસ્તામાં ક્યાંક ક્યાંક ગોઠણ સુધી બરફ હતો. એટલે ખૂબ જ ધ્યાન રાખીને ચાલવું પડ્યું.
૧૩ કિ.મિ.નું અંતર પાંચ કલાકમાં કાપીને સાડા નવ વાગ્યે અમે ગૌરીકુંડ આવી પહોંચ્યા. ત્યાં ભારત સેવાશ્રમમાંથી અમારો સામાન લઈને તુરત જ સોનપ્રયાગ જવા નીકળી ગયા જે ત્યાંથી ૧૬ કિ.મિ.ના અંતરે છે. પાછા ફરતી વખતે અહીંથી જ આગળ જવાની બસ મળે છે, (હવે તો ગૌરીકુંડથી પણ બસ મળે છે) ત્યાં પહોંચીને સાંભળ્યું કે ભારે હિમવર્ષાને કારણે તથા ભૂસ્ખલનને કારણે હવે બદરીનાથનો રસ્તો બંધ છે. જે યાત્રાળુઓ ત્યાં ત્રણચાર દિવસોથી ફસાઈ ગયા હતા તેમને હેલિકોપ્ટર દ્વારા ખાદ્ય સામગ્રી આપવામાં આવતી હતી. કેમ કે આવાગમનના બધા જ માર્ગો બંધ હતા. કોઈ ચોક્કસ કહી શકતું નહોતું કે ક્યાં સુધી બસનું આવાગમન બંધ રહેશે. કદાચ રુદ્રપ્રયાગમાં ખબર પડે એમ વિચારીને ૬૫ કિ.મિ.ના અંતરે આવેલા રુદ્રપ્રયાગમાં લોકલ બસ દ્વારા પહોંચી ગયા. ત્યાં જાણવા મળ્યું કે બદરીનાથ માટે બસો હજુ થોડા દિવસો સુધી બંધ રહેશે. અમારામાંથી બે વ્યક્તિને તાત્કાલિક પાછા ફરવાનું આવશ્યક હતું. આથી તેઓ બંને હરિદ્વાર ચાલ્યા ગયા. હું એક સાથીને લઈને ઋષિકેશ ઊતરી ગયો. ત્યાં રાત ગાળીને બીજે દિવસે અમે ગીતા મંદિર, સ્વર્ગાશ્રમ, લક્ષ્મણઝૂલા વગેરેનાં દર્શન કર્યાં અને હરિદ્વાર પાછા આવ્યા. અહીં પૂછપરછ કરવાથી જાણવા મળ્યું કે હજી પણ બદરીનાથનો રસ્તો બંધ છે. અને ક્યારે બસ શરૂ થશે તે નક્કી નથી. હવે મારા સાથીની ધીરજ પણ ખૂટવા લાગી હતી. તેણે દિલ્હીનો રસ્તો પકડ્યો. મેં નક્કી કર્યું હતું કે આટલે દૂર આવીને બદરીનારાયણનાં દર્શન વગર પાછો નહિ ફરું. કોણ જાણે પછી પાછા આ તરફ આવવાનું ક્યારે થાય. દરરોજ બસસ્ટેન્ડે જઈને પૂછપરછ કરતો રહ્યો.
ભગવાનની કૃપાથી ૨૯મી મેનું આરક્ષણ બદરીનાથની બસમાં થઈ ગયું. પરંતુ અરેરે કેવું દુર્ભાગ્ય! ૨૮મી તારીખે રાત્રે જ્યારે ટિકિટ લેવા ગયો ત્યારે જાણવા મળ્યું કે વાયરલેસથી સંદેશ આવ્યો છે કે પાછો ભારે હિમપાત થયો છે અને ભૂસ્ખલનથી રસ્તો બંધ થઈ ગયો છે. હવે મારી પાસે પાછા ફરવા સિવાય બીજો કોઈ માર્ગ નહોતો. બદરીનારાયણનાં દર્શન ભાગ્યમાં નહોતા. કોણ જાણે પાછું ક્યારે ઉત્તરાખંડ આવવાનું થશે? શું બદરીનારાયણ કૃપા કરીને દર્શન આપશે? કોણ જાણે? અત્યારે તો હે બદરીનારાયણ, તમે અહીંથી જ મારા પ્રણામ સ્વીકાર કરો.
જય બદરી વિશાલની જય! જય ભગવાન કેદારનાથની જય! જય ગંગા મહારાણીની જય! જય યમુના મહારાણીની જય!
હે રામકૃષ્ણ તમારી જ કૃપાથી અમે ઉત્તરાખંડની યાત્રા નિર્વિઘ્ને સમાપ્ત કરીને સકુશળ પાછા આવી શક્યા છીએ. ક્ષણે ક્ષણે તમારી અસીમ કરુણાનો અનુભવ થયો. તમને શત શત પ્રણામ! જય ભગવાન શ્રીરામકૃષ્ણદેવ કી જય! જય મા સારદાદેવી કી જય! જય સ્વામી વિવેકાનંદ કી જય!
(‘વિવેક શિખા’નામની હિન્દી માસિક પત્રિકામાંથી સાભાર ગૃહિત.અનુ.શ્રી જ્યોતિબેન થાનકી)
Your Content Goes Here




