શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર સ્વરને વધાવી લીધો. પણ તેઓ પોતે કોણ જાણે કેમ હૃદયમાં હતાશાનો ભાવ અનુભવી રહ્યાં હતાં. થિયેટરના મેનેજર અને અન્ય લોકોના દબાણથી જેમ-તેમ તેમણે બીજો અને પછી છેલ્લો કાર્યક્રમ પણ પૂરો કર્યો. આ કદાચ તેમનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ રહ્યો. પણ તેઓ પોતે તો કાર્યક્રમ પૂરો થતાં જ લોકોની તાળીઓના ગડગડાટને સાંભળવાની પરવા કર્યા વગર ડ્રેસિંગ રૂમમાં ધસી ગયાં. ત્યાં જતાં જ, ઉપસ્થિત લોકોના ચહેરા જોતાં જ તેઓ સમજી ગયાં કે કોઈ અજાણ્યો ભય અને વિચિત્ર હતાશા હૃદયમાં શા માટે અનુભવી રહ્યાં હતાં. એક અત્યંત દુ:ખદ, આઘાતજનક સમાચાર જાણે તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમની એકમાત્ર પુત્રી – તેમના જીવનનો એકમાત્ર સહારો એક જ સમયે જ્યારે તેઓ પોતાના જીવનનો સર્વશ્રેષ્ઠ કાર્યક્રમ આપી રહ્યાં હતાં, ત્યારે બળીને મૃત્યુ પામી હતી.
આ ફટકો તેમના માટે અસહ્ય હતો. આત્મહત્યા સિવાય તેમના મન પાસે બીજો વિકલ્પ ન હતો. તેમની એક સહેલીએ તેમને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો જેથી તે આવા વિચારો છોડી દે અને શાંતિની પ્રાપ્તિ માટે તેમને ત્યાં ઉતરેલા સ્વામી વિવેકાનંદજી પાસે આવે. પણ માદામ કાલ્વેએ કંઈ સાંભળ્યું નહિ. તેમને તો તળાવમાં પડીને આત્મહત્યા જ કરવી હતી. પણ આશ્ચર્યની વાત, ચાર ચાર વાર તેમણે જીવનનો અંત લાવી દેવા માટે તળાવ તરફ જવાનો પ્રયત્ન કર્યો અને ચારેય વાર એક વિચિત્ર પરિસ્થિતિમાં તેમણે પોતાને અર્ધચેતનાવસ્થામાં સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાનમાં જવાના રસ્તે ઊભેલાં જોયાં. ચારે વાર તેઓ ઘેર પાછા ફર્યા, પણ પાંચમી વાર તેમણે પોતાને સ્વામી વિવેકાનંદના નિવાસસ્થાનમાં ઉભેલાં જોયાં. નોકરે દરવાજો ખોલ્યો, તેઓ અંદર ગયાં અને દિવાનખાનામાં એક ખુરશી પર બેસી ગયાં. થોડી જ વારમાં પાસેના ઓરડામાંથી ધીર ગંભીર મધુર અવાજ સંભળાયો, “દીકરી, ગભરાઈશ નહિ, અંદર આવ.” અને તેઓ યંત્રવત્ સ્વામી વિવેકાનંદજીના અભ્યાસખંડમાં પ્રવેશ્યાં. પ્રવેશતાં જ તેમણે જોયું, સ્વામીજી બેઠા હતા. ‘દીકરી શાંત થા’. તેમની પ્રશાંત મુદ્રા અને એ મધુર શબ્દોએ જાણે તેમના પર જાદુઈ અસર કરી. આટઆટલા દિવસોનાં મનમાં ફેલાયેલાં ઘોર અશાંતિ, ભય, હતાશા જાણે ક્યાંય ચાલ્યાં ગયાં. માદામ કાલ્વેને નવજીવનની એક કૂંજી મળી. સ્વામીજીની ધ્યાનાવસ્થાના પ્રભાવે તેમનું ચિત્ત શાંત થયું. તેઓ પોતે પણ ધ્યાનના અભ્યાસ દ્વારા આધ્યાત્મિકતામાં આગળ વધ્યાં. સ્વામીજી સાથે તેમણે પછીથી ઇજિપ્ત વગેરે સ્થાનોનો પ્રવાસ કર્યો હતો. જ્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રમુખ કેન્દ્ર બેલુડ મઠ આવ્યાં ત્યારે તેમણે મંદિરમાં પોતાના સુમધુર કંઠે ગીત ગાઈને અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણ સર્જ્યું હતું.
ધ્યાન દ્વારા આમ કેટલીય વ્યક્તિઓનાં જીવન પરિવર્તન થયાં હતાં, અને થઈ રહ્યાં છે. એક લૂંટારો ધ્યાન વડે કેવી રીતે મહર્ષિ વાલ્મીકિ બન્યો એ કથા તો જાણીતી છે. નારદમુનિએ લૂંટારાને સમજાવ્યું કે લૂંટ કરવી, એ તો પાપ છે. જેના માટે તે લૂંટ કરે છે તેઓ – તેનાં માતાપિતા, પત્ની, બાળકો કોઈ પણ તેના પાપમાં ભાગીદાર નહિ બને. લૂંટારાની આંખ ખૂલી ગઈ. નારદમુનિ પાસેથી ઈશ્વરોપાસના શીખીને બધું જ છોડીને તે વનમાં ચાલ્યો ગયો અને એટલા ઊંડા ધ્યાનમાં મગ્ન થઈ ગયો કે તેની આજુબાજુ ઊધઈઓએ રાફડા જમાવ્યા તો પણ તેને તેનું ભાન રહ્યું નહીં. ઘણાં વર્ષો વીત્યા પછી આકાશવાણી થઈ ‘હે ઋષિ, જાગો! તમે હવે લૂંટારા નથી રહ્યા. હવેથી તમારું નામ જેમનો ઊધઈના રાફડામાં જન્મ થયો હોય તેવા એટલે કે ‘વાલ્મીકિ’ રહેશે.’ આમ, એક લૂંટારો ધ્યાન દ્વારા ઋષિ બની ગયો.
આધ્યાત્મિક જીવન માટે ધ્યાનના મહત્વ વિશે સ્વામી વિવેકાનંદજી કહે છે, ‘આધ્યાત્મિક જીવન માટે ધ્યાન એ સૌથી વધુ મદદરૂપ છે. ધ્યાનમાં આપણે ભૌતિક પરિસ્થિતિમાંથી છૂટા થઈ જઈએ છીએ, અને આપણા દિવ્ય સ્વભાવનું આપણને ભાન થાય છે. ધ્યાનમાં આપણે કોઈ બહારની મદદ ઉપર આધાર રાખતા નથી. આત્માનો સ્પર્શ ખૂબ જ અંધકારમય જગ્યાને પણ ઘણા જ ઉજ્જવળ રંગોથી રંગી શકે છે. ખરાબમાં ખરાબ વસ્તુને પણ તે સુગંધિત બનાવી શકે છે, પાપીને પણ તે દિવ્ય બનાવી શકે છે અને એથી બધું વેર અને બધો સ્વાર્થ અદૃશ્ય થઈ જાય છે.’
ધ્યાનાવસ્થામાં દેહભાવનાથી પર બનીને વેરની ભાવનાઓ કેવી રીતે શમી જાય છે અને વ્યક્તિ કેવી પારાવાર તિતિક્ષા કેળવી લે છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ભગવાન મહાવીરના જીવન પ્રસંગોમાંથી મળે છે. ભગવાન મહાવીરનું દીક્ષાનું તેરમું વર્ષ પસાર થતું હતું, વિહાર કરતાં કરતાં તેઓ છમ્માણિ ગામે આવ્યા હતા, ગામની બહાર તેઓ સંધ્યા સમયે ઊંડા ધ્યાનમાં મગ્ન હતા. આ સમયે એક ગોપ ભગવાન મહાવીરને પોતાના બળદોની દેખરેખ કરવાનું કહી ગામમાં ગયો. પણ મહાવીર તો ઊંડા ધ્યાનમાં મગ્ન હતા. તેઓ કેવી રીતે ગોપની વાત સાંભળે? ગોપ મોડો મોડો પાછો આવ્યો અને મહાવીરને પૂછ્યું, “દેવાર્ય, મારા બળદો ક્યાં?” મહાવીર તો ધ્યાનમાં હતા, કેવી રીતે જવાબ વાળે? ગોવાળે બીજી વાર પૂછ્યું, પણ મહાવીર પાસેથી કંઈ જવાબ ન મળ્યો. ગોપનો ક્રોધ વધતો જ ગયો. ગોપે ક્રોધમાં કહ્યું, “રે મૂર્ખ! આટઆટલી વાર કહ્યું, તોય સાંભળતો નથી. તારે તે કાન છે કે કોડિયાં?” પણ દેહભાનથી પર બનીને ધ્યાનાવસ્થામાં મગ્ન મહાવીર તો ચૂપ જ હતા.
હવે ગોવાળથી રહેવાયું નહીં. જાડાં દર્ભમૂળ લાવીને ખીલા જેવા એના છેડા એણે મહાવીરના કાનમાં નાખ્યા. એને બરાબર ઠોક્યા, અને એના બહાર રહેલા છેડા કાપી નાખ્યા! આટલું બધું કરવા છતાં મહાવીર તો ઊંડા ધ્યાનમાં જ મગ્ન રહ્યા. શારીરિક પીડાની તેમના પર કંઈ અસર ન થઈ. ધ્યાન પૂરું થયા પછી પણ તેમના મનમાં વેરની ભાવના ન આવી. પછીથી ધ્યાનાવસ્થામાં તેમના કાનમાં ગોવાળે ખોસી દીધેલી કાષ્ઠશલાકા બહાર ખેંચી કાઢવામાં આવી. ત્યારે તેમણે બધી વેદના ચૂપચાપ સ્વસ્થતા સાથે વેરભાવના રાખ્યા વિના જ સહન કરી લીધી. આ જ છે એકાગ્રતાની ધ્યાનની શક્તિ.
ખરેખરનું ધ્યાન, ગાઢ ધ્યાન શરીર અને મનને પ્રફુલ્લ બનાવે છે. શરીર-મનને આરામ આપે છે. આ વિશે સ્વામી વિવેકાનંદજી કહે છે, “કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો. ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો લાગશે. તમારા શરીર યંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો તે છે, ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહિ આપે.”
વૈજ્ઞાનિક વિષયોનો અભ્યાસ કરવા માટે, વૈજ્ઞાનિક શોધખોળ માટે, કોઈ પણ પ્રકારના ઉચ્ચ જ્ઞાનને હાંસલ કરવા પણ ધ્યાનની શક્તિ અત્યંત મદદરૂપ થાય છે. સ્વામી વિવેકાનંદજીના કહેવા પ્રમાણે, “ધ્યાનની શક્તિ આપણને સર્વ કંઈ મેળવી આપે છે. જો તમારે પ્રકૃતિ ઉપર સત્તા મેળવવી હોય તો તે તમને ધ્યાન દ્વારા મળી શકે. જે બધી વૈજ્ઞાનિક શોધખોળ આજે થઈ રહી છે, તે ધ્યાનની શક્તિ દ્વારા જ થાય છે.”
એ પહેલાં કે આપણે ધ્યાનના પ્રથમ સોપાનોની ચર્ચા કરીએ, આપણે ધ્યાન અને એકાગ્રતા વચ્ચેનું અંતર સમજી લેવું આવશ્યક છે.
(ક્રમશ:)
Your Content Goes Here




