(યોગીન માના જીવન પ્રસંગો)
(ગતાંકથી આગળ)
તે વખતે બલરામ બોઝને ત્યાં રથયાત્રાનો ઉત્સવ હતો. આ ઉત્સવમાં ભાગ લેવા શ્રીરામકૃષ્ણ પધારવાના હતા. આથી ભક્તોના આનંદનો પાર નહોતો, કલકત્તાનો વિશાળ ભક્ત સમુદાય ત્યાં એકત્ર થયો. રથયાત્રાની સાથે ભજન-કીર્તન અને નૃત્યથી વાતાવરણ દિવ્યભાવોથી સભર બની ગયું. આખી રાત આ દૈવી આનંદની હેલી ચઢી અને સહુ શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં તરબોળ બની એ દિવ્ય રસાસ્વાદને માણી રહ્યા. યોગીનમા પણ આ ઉત્સવમાં સામેલ હતાં. બીજે દિવસે સવારે શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર જવા નીક્ળ્યા. બલરામ બોઝના ઘેર આવેલી ભક્ત સ્ત્રીઓ પણ ઠાકુરની પાછળ પાછળ ચાલવા લાગી. પણ તેઓ તો થોડે દૂર જઈને પાછી ફરી ગઈ. તોય યોગીનમા તો ભક્તવૃંદની પાછળ પાછળ ચાલતાં જ રહ્યાં. તેમને એ ભાન જ નહોતું કે તેમની સાથેની સ્ત્રીઓ ચાલી ગઈ છે. અને હવે એકલા પુરુષભક્તો જ આગળ ચાલી રહ્યા છે. હવે તેમણે પણ પાછું ફરી જવું જોઈએ આવું કંઈ ભાન રહ્યું જ ન હતું. કોઈ અદૃષ્ટ ખેંચાણથી તેઓ તો આગળ ને આગળ ચાલતાં રહ્યાં. જાણે બંસરીના નાદે ઘર-બહાર બધું જ ભૂલીને બહાવરી બનીને ચાલી નીકળેલી ગોપી! એ તો બસ ચાલી નીકળી હતી. ક્યાં જવાનું છે? એની એને તો કંઇ ખબર નથી. પણ જે એમને ખેંચી રહ્યા હતા, જેની બંસરીનો દિવ્ય સૂર એને બોલાવી રહ્યો હતો, એને તો ખબર હતી. તેઓ તો તેના ચિત્તની સ્થિતિને જાણતા હતા ને! એટલે શ્રીરામકૃષ્ણે પાછું વળીને જોયું. તેઓ પણ મનની સામાન્ય ભૂમિકામાં હતા જ નહીં, પણ ભાવની જે ઉચ્ચ અલૌકિક સ્થિતિમાં હતા, એ સ્થિતિમાં જ એમની દૃષ્ટિ પોતાને અનુસરી રહેલાં યોગીનમા પર પડી ને તેઓ બોલી ઊઠ્યા; ‘મા આનંદયમયી, મા આનંદમયી’ અને પછી તો તેમની સમીપ તેઓ આવી પહોચ્યા અને તેમણે તો યોગીનમાને પ્રણામ કર્યા. એક વાર નહીં પણ તેઓ તો વારંવાર પ્રણામ કરવા લાગ્યા. ઠાકુરને પોતાને પ્રણામ કરતા જોઈને યોગીનમાં પણ તેમને પ્રણામ કરવા લાગ્યાં. ત્યાં તો શ્રીરામકૃષ્ણે કહ્યું; ‘મા, ચાલોને તમે ચાલોને.’ યોગીનમાને તો ખબર નહોતી કે ક્યાં જવું છે, બસ તેઓ તો ચાલી નીકળ્યાં. એમનો આંતરિક પોકાર શ્રીરામકૃષ્ણે સાંભળી લીધો અને તેમણે પોતે જ એમને પોતાની સાથે આવવાનું આમંત્રણ આપ્યું! હવે તેમનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો. તેઓ ઝડપથી અંતઃપુરમાં ગયાં અને બલરામ બાબુના પત્નીને કહી આવ્યાં કે તેઓ ઠાકુર સાથે હોડીમાં દક્ષિણેશ્વર જઈ રહ્યાં છે. એમની સાથે એક બીજી ભક્ત સ્ત્રી પણ દક્ષિણેશ્વર આવવા તૈયાર થઈ. બંને પગપાળા જ ગંગાઘાટે જવા નીકળ્યાં. શ્રીરામકૃષ્ણ તો ગંગાઘાટે પહોંચીને હોડીમાં બેસી પણ ગયા હતા. આ બંને દોડતાં ગંગાઘાટે આવી પહોંચ્યાં ને હોડીમાં એક ખૂણામાં બેસી ગયાં.
ઠાકુરની સાથે હોડીમાં બેસીને ગંગાપાર કરવાનો અમૂલ્ય અવસર મળતાં યોગીનમા અપાર આંનદ અનુભવી રહ્યાં. તેમનું બાહ્યજીવન તો દુઃખથી ભરપૂર હતું. પણ ઠાકુરની કૃપાએ એ દુઃખી જીવન ભગવત્પરાયણ બનતાં એવા સુખનો અનુભવ કરી રહ્યું હતું કે જે સુખમાં દુઃખની કે વિષાદની છાયા નહોતી, જે સુખમાં કદી ઘટાડો નહોતો. એવા અક્ષય સુખની સંપત્તિની અધિકારિણી આ બ્રાહ્મણી પોતાના પર વરસી રહેલી શ્રીરામકૃષ્ણની અદ્વૈતુકી કૃપા જોઈને ગદ્ગદિત બની ગઈ. તે વિચારી રહ્યાં કે ઠાકુરે તો મને દુ:ખમાંથી ઉઠાવીને, અક્ષય આનંદમાં મૂકી દીધી છે. છતાં ય મારું મન હજુ કેમ ક્યારેક ઉદાસ બની જાય છે? મારું મન કેમ સોળેસોળ આના એ અક્ષય સુખના સાગર એવા ભગવાનમાં હજુ લાગતું નથી? આ વિચાર આવતાં જ તેમને થયું કે આ તો મોકો છે ઠાકુરને આ બાબતમાં પૂછવાનો, પછી આવો સમય નહીં મળે. તેઓ શ્રીરામકૃષ્ણની સમીપ ગયાં ને તેમને પ્રણામ કરી પૂછ્યું, ‘ઠાકુર હું મારા પૂરા મનથી ભગવાનને પોકારું છું. પણ એમ છતાં મારું મન વશમાં રહેતું નથી તો એનો શો ઉપાય?’ મંદ મંદ હસતાં શ્રીરામકૃષ્ણ મધુર વાણીમાં સાવ સહજતાથી કહ્યું, ‘તો તમે એમના પર સંપૂર્ણપણે આધાર કેમ રાખતા નથી? આંધીની જુઠ્ઠી પાતળ બનીને રહોને, તમને ખબર છે કે જમીન પર પડેલી એંઠી પાતળોને પવન જેમ ઉડાડે તેમ તે ઊડતી હોય છે. એ જ રીતે માણસે ભગવાન પર આધારિત રહેવું જોઈએ. ભગવાન જેમ ચલાવે તેમ ચાલવું જોઈએ.’ આમ શ્રીરામકૃષ્ણે મનને વશમાં કરવાનો સરળ ઉપાય બતાવી દીધો. ભગવાનમાં સંપૂર્ણ શરણાગતિ એ જ તો ભગવાનને ઝડપથી પામવાનો ટૂંકામાં ટૂંકો માર્ગ છે, તે ગંગાની વચ્ચે હોડીમાં બેઠા બેઠા શ્રીરામકૃષ્ણે યોગીનમાને બતાવ્યો.
પછી તેઓ શ્રીરામકૃષ્ણ સાથે દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં આવી પહોચ્યાં. શ્રીરામકૃષ્ણ મા કાલીનાં દર્શન કરવા ગયા અને યોગીનમા ને તેની સાથીદાર, મા શારદાદેવી પાસે નોબતખાનામાં ગયાં. સવારનો સમય હતો એટલે મા શારદાદેવીને બધા માટે બપોરનું ભોજન બનાવવાનું હતું, પરંતુ મા પાસે શાકભાજી નહોતાં. આથી તેઓ થોડાં ચિંતિત બની ગયાં. શ્રીરામકૃષ્ણ મંદિરમાંથી પાછા ફરતા હતા ત્યારે મા શારદાદેવીની ચિંતાની તેમને જાણ થઈ. તેઓ પણ વિચારી રહ્યા કે હવે શું થશે? શાકભાજી કોણ લાવશે? પણ પછી તો તેમણે એકાએક જ યોગીનમા અને તેની સાથીદાર સ્ત્રીને કહ્યું : ‘શું તમે બજારમાં જઈ શકશો?’ પહેલાં તો ઠાકુરનો આ પ્રશ્ન યોગીનમાને સમજાયો નહીં. કેમકે આજથી ૧૧૫ વર્ષ પહેલાંનું એ બંગાળ હતું જેમાં ઉચ્ચ ઘરની સ્ત્રીઓ કદી બજારમાં વસ્તુઓ ખરીદવા જતી નહીં. જો કદાચ એમને બજારમાં જવાનું થાય તો પણ તેઓ પાલખીમાં બેસીને જ જતી અને તેમનું મુખ તો ઘૂંઘટથી ઢંકાયેલું જ રહેતું. આથી શ્રીરામકૃષ્ણે બજારમાં જવાની વાત કરી એ સાંભળીને યોગીનમાને પહેલાં તો આશ્ચર્ય થયું, પણ શ્રીરામકૃષ્ણ તો યુગપુરુષ હતા. જમાનાથી ક્યાંય આગળ હતા. તેમને તો સ્ત્રીઓને વાડામાંથી–સંકુચિત મનોદશામાંથી બહાર કાઢીને તેઓને ઉચ્ચ આધ્યાત્મિક સ્થાને પ્રતિષ્ઠિત કરવી હતી. તેથી જ તો તેમણે પોતાના લીલા સહધર્મચારિણી મા શારદામણિની ત્રિપુરા સુંદરી તરીકે ષોડશી પૂજા કરી તેમનામાં જગતનો ઉદ્ધાર કરનારી માતૃશક્તિને પ્રતિષ્ઠિત કરી હતી. મા શારદામણિને પણ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું. (પોતાનું શરીર બતાવીને) ‘આ શરીરે જે કંઈ કર્યું છે, તેના કરતાં પણ તમારે વધારે કરવું પડશે.’ ઘરની ચાર દિવાલોની વચ્ચે પશુવત્ જીવન જીવતી સ્ત્રીઓમાં આધ્યાત્મિક ચેતનાનો ઉદય થાય તે માટે તેઓ પોતાની પાસે આવનાર ભક્ત સ્ત્રીઓમાં આત્મવિશ્વાસ પ્રગટે, ભગવદ્શ્રદ્ધા જાગૃત થાય તેવાં પ્રકારનાં દૃષ્ટાંતો આપીને વાતો કરતા. ગૌરીમા, યોગીનમા, ગોપાલમા, ભૈરવી બ્રાહ્મણી, ગોપાલની મા આ બધી જ ભક્તસ્ત્રીઓમાં શ્રીરામકૃષ્ણે અનુપમ શ્રદ્ધાભક્તિનો સંચાર કર્યો હતો. તેમનાં ભગવત્પરાયણ અને દિવ્યશક્તિથી સભર જીવનને સર્વ માટે આદર્શરૂપ બનાવી દીધાં હતાં. આ માટે તક મળતાં જ શ્રીરામકૃષ્ણ આ સ્ત્રીઓની આંતરશક્તિઓ વિકસે તે માટે ઘડતર કર્યે જતા હતા. યોગીનમા માટે આવી જ તક અત્યારે ઉપસ્થિત થતાં શ્રીરામકૃષ્ણે એમને બજારમાં જવા કહ્યું. ઠાકુરની આ વાત પહેલાં તો તેમને સમજાઈ નહીં. પણ પછી તેમની ઈચ્છા છે એમ જાણીને તેઓ બંને બજારમાં જઈને શાકભાજી ખરીદી લાવ્યાં! આ રીતે બજારમાં જવું એ તો ઠાકુરે એમને શીખવેલો મહાન પાઠ હતો, તેની ખબર તો યોગીનમાને સાંજે જ્યારે તેઓ પાછાં ઘરે જવાં નીકળ્યાં ત્યારે પડી. જતી વખતે શ્રીરામકૃષ્ણે એમને વિદાય આપતાં કહ્યું, ‘ત્યાં સુધી મનુષ્યમાં શરમ, ઘૃણા, ને ભય હોય છે, ત્યાં સુધી તે પૂર્ણ મનુષ્ય બની શકતો નથી.’ આ સાંભળતાં જ યોગીનમાને થયું કે આ બંધનમાંથી મુક્ત કરવા જ ઠાકુરે એમને બજારમાં શાકભાજી ખરીદવા મોકલ્યાં હતાં.
શ્રીરામકૃષ્ણ તો વર્ણ, જાતિ, લિંગભેદથી પર હતા! તેમને તો શું સ્ત્રી કે શું પુરુષ, શું ઉચ્ચ કે શું નીચ, શું સારું કે શું ખરાબ બધું એક જ ચેતનાના આવિર્ભાવરૂપ હતું. મનના ભેદ જ્યાં ઓગળી જાય છે, ત્યાં પરમાત્માની ચેતના જ વિલસતી હોય છે, એ ભૂમિકામાં શ્રીરામકૃષ્ણ વસતા હતા અને છતાં તેઓ પોતાના શિષ્યોને કામિની કાંચનથી દૂર રહેવાનું વારંવાર કહ્યા કરતા! આથી ઘણાંને એવું લાગતું કે શ્રીરામકૃષ્ણ આધ્યાત્મિક સાધનામાં સ્ત્રીઓને અવરોધ રૂપ માને છે. પણ લોકોની આ માન્યતા બિલકુલ સાચી નથી. જો એવું માનતા હોત તો તેમણે મા શારદામણિને પોતાની આટલી સમીપ રાખ્યાં ન હોત! વળી અન્ય સ્ત્રીભક્તોને પણ આટલાં નિકટ આવવા દીધાં ન હોત! તેઓ માનવપ્રકૃતિના જ્ઞાતા હતા. મનુષ્યની રહસ્યમય પ્રકૃતિ ક્યારે તેને ચલિત કરીને ભગવદ્વિમુખ કરી દે ને તેને નીચે ખેંચી જાય તેની ખબર પડતી નથી. આથી શિષ્યોને સાવધાન કરવા માટે તેઓ આવું કહ્યા કરતા હતા. પણ તેમણે પોતે તો અનેક ભક્ત અને ગૃહસ્થ સ્ત્રીઓને ભગવદાભિમુખ કરી હતી. શુકદેવજી સમું હતું એમનું નિર્વિકારપણું! એમની હાજરીમાં સ્ત્રીઓને સહેજ પણ ક્ષોભ કે સંકોચ થતો ન હતો! અરે તેઓ તો એ પણ ભૂલી જતી કે ઠાકુર પુરુષ છે!! આ વિષે યોગીનમા પોતાનો અનુભવ લખે છે; ‘ઘણી વખત હું જ્યારે એમની સમીપ હોઉં ત્યારે મને એવું લાગતું નથી કે તેઓ પુરુષ છે. મને એવું લાગે છે કે જાણે તેઓ અમારામાંના એક છે! જો કે પુરુષોની સમક્ષ થોડા શરમ સંકોચ હોવાં એ સ્ત્રીઓનો સહજ ગુણ હોય છે. ઠાકુરની હાજરીમાં તો એવું કંઈ થતું નથી. અને જો ક્યારેક ક્ષણ માટે પણ જો એવો ભાવ જાગ્રત થાય તો પછી તે તુરત જ શમી જાય છે. અને અમે એનાથી મુક્ત થઈને નિઃસંકોચ ઠાકુર સમક્ષ અમારા અંતરની વાત કરવા લાગીએ છીએ. અમારા સહુ પ્રત્યે ઠાકુર કેટલા માયાળુ હતા! કેવા પ્રેમાળ! એની તો વાત જ થઈ શકે નહીં અને અપરિચિતો એમનું જીવન વાંચીને એવું તારવે છે કે ઠાકુર સ્ત્રીઓની ઉપેક્ષા કરે છે! આ સાંભળીને મને તો હસવું આવે છે. તેઓ ઠાકુરને શું જાણે?’
એક વખત યોગીનમાએ ઠાકુરને આર્તભાવે પૂછ્યું ‘મારું શું થશે?’ ત્યારે ઠાકુરે એમને સામે પૂછ્યું ‘હવે તમારું બીજું શું બાકી રહી ગયું?’ પછી પોતાનું શરીર બતાવીને તેમણે આગળ કહ્યું ‘તમે આને જોયું છે, ખવડાવ્યું છે, તેની સેવા કરી છે. હવે તમારે બીજું વધારે શું જોઈએ છે? ચિંતા ન કરો. તમારા સહસ્રરમાં સહસ્રદલ કમલ તમારા અંતઃસમયે પૂરેપૂરું ખીલી જશે.’ ઓહ, આ તે કેવા આશીર્વાદ ઠાકુરે આપી દીધા. અંત સમયે આત્મકમળ સોએ પાંખડીએ ખીલી રહેશે અને એ જ તો છે પૃથ્વીપરના જીવનની સાર્થકતા! ઠાકુરના આશીર્વાદે યોગીનમાના તો જન્મોજન્મનાં બંધનો તૂટી ગયાં. તેમની જીવનમરણની ચિંતા ટળી ગઈ. તેમના અંતરમાં આનંદ ઊભરાવા લાગ્યો. ત્યાં તો ઠાકુરે આગળ કહ્યું: ‘જુઓ ભક્તોની અંતિમ ક્ષણે હું તેમની આગળ આવું છું, નહીંતર તેમને મુક્તિ ક્યાંથી મળે?’ આ સાંભળીને યોગીનમા નિશ્ચિંત બની ગયાં કે ઠાકુરની કૃપાથી તેમનું જીવન તો સુધરી ગયું છે. પણ ઠાકુરે એમનું મૃત્યુ અને તે પછીનું જીવન પણ સુધારી દીધું છે! ઠાકુરની અહૈતુક કૃપાને તેઓ ગદ્ગદિત બની વંદી રહ્યાં.
શ્રીરામકૃષ્ણ પણ યોગીનમાના અંતરમાં રહેલી પરમાત્માને પામવાની તીવ્રતમ ઝંખનાને જાણતા હતા. એમના અંતરમાં વૈરાગ્યનો પ્રબળ અગ્નિ ધખી રહ્યો છે, એ પણ તેઓ જાણતા હતા. પણ જ્યાં સુધી એમના પર સાંસારિક જવાબદારીઓ હતી ત્યાં સુધી તેમણે તેમને બહાર જઈ તપ કરવા કે સંન્યસ્ત ગ્રહણ કરવા ઉત્તેજન આપ્યું ન હતું. શ્રીરામકૃષ્ણે યોગીનમા વિષે વાત કરતા શિષ્યોને કહ્યું હતું; ‘તે તો છે કળી, ફુલ નહીં કે થોડા જ સમયમાં ખીલી જાય, પણ એ તો છે સહસ્રદલ કમલ કે જે ધીમે ધીમે ખીલશે.’ અને થયું પણ તેમ જ. તેમની આંતરચેતનાનો વિકાસ ધીમે ધીમે પણ સંગીન રીતે થવા લાગ્યો. જેમ જેમ તેઓ ઠાકુરના સાન્નિધ્યમાં વધુને વધુ આવવા લાગ્યા તેમ તેમ તેમના મનના બધા સંશયો દૂર થવા લાગ્યા. પછી તો તેઓ ઘરે પણ ઈષ્ટદેવની પૂજા કરતાં હોય ત્યારે તેમને ઈષ્ટદેવમાં પણ ઠાકુરનાં દર્શન થવા લાગ્યાં. ત્યારે તેમને શ્રીરામકૃષ્ણે કહેલી વાતની પ્રતીતિ થવા લાગી. તેમણે કહ્યું હતું; ‘તમારા જે ઈષ્ટ છે તે (પોતાનું શરીર બતાવીને) આની અંદ૨ છે. આનો વિચાર કરતાં જ તેઓ સ્મરણમાં આવશે.’ પછી તો તેમને માટે ઈષ્ટદેવતા અને શ્રીરામકૃષ્ણમાં કોઈ તફાવત જ ન રહ્યો. તેઓ શ્રીરામકૃષ્ણે બતાવેલા માર્ગે સાધનામાં વધુ ને વધુ સમય ગાળવા લાગ્યાં.
યોગીનમા પોતાના પિતાના ઘરે રહીને સાધન ભજન કરતાં હતાં. ભલે તેઓ સંસારથી અલિપ્ત હતાં, સંસારની માયા તેમને સ્પર્શતી નહોતી છતાં સંસારની વચ્ચે રહેવાથી, તેઓ પોતાનો બધો જ સમય ભગવદ્ચિંતન ને ભજનમાં ગાળી શકતાં નહોતાં, તેમને અંતરમાં હવે સતત થયા કરતું હતું કે જો ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો ઉત્કટપણે એમની જ ભક્તિ કરવી જોઈએ, તે માટે ક્યાંક એકાંત સ્થળે ચાલ્યા જવું જોઈએ. તેમના અંતરમાંથી આ ઈચ્છા હવે અગ્નિ શિખાની પેઠે પ્રજવલિત બની ગઈ હતી. આથી તેમણે વિચાર્યું કે જ્યાં બાલકૃષ્ણની ચરણરજ પડી છે, એ વૃંદાવનભૂમિ જ સાધનભજન માટે ઠીક રહેશે. પોતાની આ ઈચ્છા ઠાકુરને જણાવીને તેમની સંમતિ લઈને વૃંદાવન જવાનું તેમણે નક્કી કર્યું.
તે સમયે શ્રીરામકૃષ્ણ કાશીપુરમાં હતા અને ગળાના દર્દની સારવાર લઈ રહ્યા હતા. યોગીનમા કાશીપુર આવ્યાં. ઠાકુરને પ્રણામ કરી પોતાની ઈચ્છા જણાવી. શ્રીરામકૃષ્ણે એમની ઉત્કટ ઈચ્છા જાણીને વૃંદાવન જવાની સંમતિ તો આપી પણ પછી પૂછ્યું, ‘તમે એમને આ જાણ કરી છે કે નહીં?’ ઠાકુર હવે જાણે તેમને ભાવિનો સંકેત આપી રહ્યા ન હોય, તેમ દરેક કાર્યોમાં, શ્રીમાને આગળ કરી રહ્યા હતા. ભવિષ્યમાં એમને હવે મા શારદામણિ પાસેથી જ માર્ગદર્શન લેવાનું છે, એનો સ્પષ્ટ નિર્દેશ ઠાકુરે આ રીતે કરી દીધો! શ્રીમા તે સમયે ત્યાં હાજર હતાં. એટલે એમણે જ શ્રીરામકૃષ્ણને કહ્યું; ‘જે કંઈ યોગીનને કહેવાનું હતું તે તમે કહી દીધું છે. હવે મારે બીજું વધારે શું કહેવાનું હોય?’ આ સાંભળીને ઠાકુરે યોગીનમાને કહ્યું, ‘દીકરી, તું જરૂર જા. તેમની રજા મેળવી લીધા પછી તું બધું જ મેળવી શકીશ.’ આ રીતે પોતાના કરતાં પણ શ્રીમા મહાન છે, અને તેઓ બધું જ આપી શકે તેવાં સમર્થ છે, એની વાત તેમણે આ રીતે યોગીનમાને કહી દીધી અને યોગીનમાના હૃદયમાં શ્રીમા પ્રત્યેની શ્રદ્ધાભક્તિને તેમણે આ રીતે વધુ દૃઢ કરી.
બીજે દિવસે વૃંદાવન જતાં પહેલાં યોગીનમા ફરી ઠાકુરના આશીર્વાદ લેવા માટે કાશીપુર આવ્યાં. તેમની સાથે ગોલાપમા પણ હતાં. તેઓ ઠાકુર માટે કંઈક ખાવાનું પણ લાવ્યાં હતાં. શ્રીરામકૃષ્ણના ઓરડામાં તેમના ઘણા યુવાન શિષ્યો બેઠા હતા. આથી તેઓ બંને નીચે જ રાહ જોતાં બેસી રહ્યાં કે ક્યારે શિષ્યો બહાર નીકળે ને શ્રીરામકૃષ્ણ એકલા પડે. ઘણી વાર થઈ તો પણ તે છોકરાઓ તો બહાર નીકળ્યા જ નહીં! આખરે શ્રીરામકૃષ્ણને ખબર પડી, એટલે તેમણે કહેવડાવ્યું કે ‘તમે અહીં અંદર આવો. આ છોકરાઓ તો મારા દીકરાઓ છે. તેમનો સંકોચ રાખશો નહીં.’ યોગીનમા ને ગોલાપમા ઉપર શ્રીરામકૃષ્ણના ઓરડામાં ગયાં. યોગીનમાએ પ્રણામ કર્યા ને શ્રીરામકૃષ્ણે તેમના મસ્તકનો સ્પર્શ કરી તેમને આશીર્વાદ આપ્યા અને પછી તેમને મા શારદામણિ પાસે જવા કહ્યું. તો ય યોગીનમા તો ત્યાં ઊભાં જ રહ્યાં. એટલે ત્યાં ઊભેલા રાખાલ મહારાજે (સ્વામી બ્રહ્માનંદજીએ) કહ્યું ‘ઠાકુર, યોગીનમાં હંમેશાં તમારા ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને પ્રણામ કરે છે અને આજે પણ તેઓ એમ જ પ્રણામ કરવા માટે ઊભાં છે. શ્રીરામકૃષ્ણે અપાર કરુણાથી પોતાની ચાદરથી ઢંકાયેલા ચરણોને બહાર કાઢયા. એ ચરણોમાં પોતાનું મસ્તક મૂકીને યોગીનમા શરણાગત ભાવે થોડી ક્ષણો સ્થિર થઈ ગયાં, પછી શ્રીરામકૃષ્ણના આશીર્વાદ લઈ બહાર નીકળ્યાં, ત્યારે તેઓ જાણતા નહોતાં કે હવે તેઓ કદી આ ચરણોમાં આ રીતે મસ્તક મૂકી પ્રણામ કરી શકવાનાં નથી. પોતાના ઈષ્ટદેવતાને હવે તેઓ કદી આ રીતે દેહમાં ફરી જોઈ શકવાનાં નથી! પછી મા શારદાદેવીના આશીર્વાદ લઈ તેઓ વૃંદાવન જવા નીકળ્યાં. હવે તપસ્યાનો, સાધનામય જીવનનો, શ્રીરામકૃષ્ણના પ્રત્યક્ષ માર્ગદર્શન વગર અંતસ્થ પરમાત્માની દોરવણીથી સાધના કરવાનો નવો જ અધ્યાય તેમના જીવનમાં શરૂ થયો.
શ્રીરામકૃષ્ણના લીલા સંવરણના સમયે યોગીનમા વૃંદાવનમાં જ હતાં. તેઓ બલરામ બોઝના વૃંદાવન ખાતેના નિવાસ સ્થાન કાલાબાબુની કુંજમાં રહેતાં હતાં. તેમને જ્યારે શ્રીરામકૃષ્ણના દેહત્યાગના સમાચાર મળ્યા ત્યારે તેમને તીવ્ર આઘાત લાગ્યો ને તેઓ ખૂબ શોકાતુર બની ગયાં કે હવે શું એમને ઠાકુરનાં દર્શન ક્યારેય નહીં થાય! આ શોકમાંથી બહાર નીકળવા તેમણે વધુને વધુ ભક્તિનો આશરો લીધો. થોડા સમય બાદ મા શારદામણિ વૃંદાવનની યાત્રાએ આવ્યાં ત્યારે હૃદયમાં ભારી રાખેલા યોગીનમાનાં શોક ને દુઃખ બમણા વેગે બહાર નીકળી આવ્યાં. મા પણ તેને છાતી સરસા ચાંપીને યોગીન, યોગીન કહીને રડવા લાગ્યાં. ઠાકુરની વિદાયનું તીવ્ર દુઃખ બંને અનુભવી રહ્યાં હતાં. આ વિષે યોગીનમાએ લખ્યું છે, ‘ઠાકુરની વિદાયનું દારુણ દુઃખ અમે બંને અનુભવી રહ્યાં હતાં. અમારા એ દિવસો રુદન અને શોકમાં જ વીતતા હતા. તે એટલે સુધી કે અમે અમારાં દૈનિક કાર્યો પણ કરી શકતાં નહોતાં. કોઈ વસ્તુમાં અમને રસ પડતો નહોતો. ઠાકુર વગર કેમ જીવાશે? આ ભાવ સતત ચાલુ રહેતાં, અમે આખો દિવસ ઠાકુરને યાદ કરીને રડ્યાં કરતાં. એક રાત્રે ઠાકુર તેઓની સમક્ષ આવીને ઊભા રહ્યા તેમણે કહ્યું ‘તમે શા માટે આટલું બધું રડો છો? હું અહીં જ છું. હું ક્યાં ક્યાંય પણ ગયો છું? હું તો એક ઓરડામાંથી ફક્ત બીજા ઓરડામાં ગયો છું.’ આમ કહીને તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. ઠાકુરના આ દર્શને મા અને યોગીનમાનું વિયોગનું દુઃખ હળવું કર્યું અને હવે તેમને ખાતરી થઈ ગઈ કે ઠાકુર સદા સર્વદા તેમની સાથે જ છે. એ પછી ધીમે ધીમે તેઓ સ્વસ્થ થવા લાગ્યાં.
(ક્રમશ:)
Your Content Goes Here




