(મુખપૃષ્ઠ આવરણનો પરિચય)
પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર થાય છે, લીલાછમ દેવદારના ગાઢ જંગલથી છવાયેલા તથા વાદળો અને ધુમ્મસથી વિંટળાયેલ કાળમીંઢ પર્વતના શિખરો. નગાધિરાજ હિમાલયની વનરાજી વચ્ચેથી પસાર થતો વાંકોચૂકો પહાડી માર્ગ કાપીને સર્વતોમુખી શાંતિમાં આકાશ તરફ નિહાળતા ગુલાબ, ડાલિયા, કિસન્તિમમ, લીલી વગેરે જાતજાતના અને ભાતભાતનાં પુષ્પોથી લચી પડી લહેરાતા અનેક રોપાઓથી શોભાયમાન નાના એવા આશ્રમના આંગણમાં તે પ્રવેશે છે.
સમગ્ર વનરાજીમાં ચોમેર પથરાયેલ અદ્ભુત શાંતિના આંદોલન સૌથી વધુ અસ્થિર આગંતુકના અંતરાત્માને પણ અનાયાસે શાંતિમાં તરબોળ કરે છે. ધીરે ધીરે ઉત્તર દિશામાં વળે ત્યારે યાત્રાળુ અવાક્ બનીને નિહાળી રહે છે, એક ભવ્ય ગરિમાપૂર્ણ સૌન્દર્યધામનું દૃશ્ય. એકમેકને આલિંગન કરતા ઊભેલા બે ઘેઘૂર વૃક્ષોની છાયામાં દંડાયમાન પથિક વારંવાર નિહાળે છે અને અવર્ણનીય આનંદથી વિભોર આશ્ચર્યચકિત બને છે – બસો પચાસ માઈલમાં પથરાયેલ શાશ્વતકાળથી તુષારાચ્છાદિત ગગનચુંબી પર્વતની શિખરમાળા – નંદાદેવી, ત્રિશૂલ, નંદાકોટ, પંચશુલી, કામેટ, વગેરેની હારમાળાનું સુંદર દર્શન!
આ જ તો માયાવતી અદ્વૈત આશ્રમ – સ્વામી વિવેકાનંદની અદ્વૈત દર્શનના આદર્શની સિદ્ધિ – કુમાઉં હિમાલયમાં ૬૫૦૦ ફૂટની ઊંચાઈએ ચંપાવત ખીણની સામે જ તેની સ્થાપના થઈ છે.
માનવતાના માનદંડ સમા દેવતાત્મા હિમાલયની ગોદમાં એક અદ્વૈત આશ્રમ સ્થાપવાનું સ્વપ્ન વિવેકાનંદે લંડનમાં સેવ્યું હતું અને કેપ્ટન સેવીઅરે તથા તેમના સહધર્મિણી મિસિસ સેવીઅરે દીધેલા મહાન બલિદાન, કઠિન પરિશ્રમ અને અથાગ આત્મત્યાગને કારણે આ અદ્વૈત આશ્રમનું સ્વપ્ન સાકાર થયું. સ્વામી વિવેકાનંદના આ બે અંગ્રેજ શિષ્યો, સેવીઅર દંપતી, છેક ઈંગ્લેંડથી સ્વામીજીને અનુસરતા ભારતમાં આવ્યાં હતાં.
અનેક પૂર્વે ઈ. ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે પશ્ચિમમાંથી આલમોડામાં વસેલા એક મિત્રને લખ્યું હતું : “આલ્મોડા અથવા આલ્મોડાની નજીકમાં હું એક મઠ શરૂ કરવા માગું છું.” નવેમ્બર ૧૮૯૬માં આ જ મિત્રને સ્વામીજીએ એમનું દર્શન વધુ સ્પષ્ટ રીતે સમજાવ્યું : “ધર્મપ્રવૃત્તિ અને ધ્યાનનું એ કેન્દ્ર બની રહે, ત્યાં મારાં ભારતીય અને પશ્ચિમના શિષ્યો સાથે મળીને રહે અને ત્યાં એવી તાલીમ અપાય કે ભારતીય શિષ્યો પશ્ચિમમાં વેદાંતના પ્રચારકો તરીકે જાય અને પશ્ચિમવાસી શિષ્યો ભારતનાં હિતનાં કાર્યોમાં પોતાનું જીવન પરોવી દે.”
સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રતિષ્ઠિત માયાવતીનો અદ્વૈત આશ્રમ આજે પણ એ મહાન આર્ષદૃષ્ટાની ભવિષ્યવાણીનો જ પડઘો પાડે છે. માયાવતી અદ્વૈત આશ્રમનાં આદર્શ વિષે સ્વામી વિવેકાનંદે જાતે જ સ્પષ્ટ વ્યાખ્યા શબ્દબદ્ધ કરી હતી. એ સૌ પ્રથમ ‘પ્રબુદ્ધ ભારત’, જાન્યુઆરી ૧૯૦૦ના અંકમાં પ્રસિદ્ધ થયેલ. આ રહ્યા એ મહિમામંડિત શબ્દો, જેનાથી એ વ્યાખ્યાનો આરંભ થયો છે :
“જેની અંદર વિશ્વ છે, જે વિશ્વની અંદર છે, જે વિશ્વસ્વરૂપ છે; જેની અંદર આત્મા છે, અને જે આત્માની અંદર છે, અને જે માનવીનો આત્મા છે; તેને અને તેથી વિશ્વને પોતાના આત્મારૂપે જાણવાથી જ માત્ર સર્વ ભયની શાંતિ થાય છે, દુ:ખોનો અંત આવે છે અને અનંત મુક્તિ મળે છે.”
સ્વામી વિવેકાનંદ ચાહતા હતા કે, આ અદ્વૈત આશ્રમના અંતેવાસીઓ વિવિધ દેવીદેવતાઓના કોઈ પણ પ્રકારના બાહ્યપૂજા-વિધિનું આચરણ ન કરે. પરંતુ, અહીંના અંતેવાસીઓ જપ, ધ્યાન, ચિંતન, વ્યક્તિગત કે સામૂહિક શાસ્ત્રાભ્યાસ, અંતરના અધ્યાત્મભાવનું પરિશીલન વ.ના અવલંબનથી દિવ્યતાને વ્યવહારમાં અભિવ્યક્ત કરે. સાથે સાથે આશ્રમવાસીઓને સોંપાયેલ કામને સાક્ષાત્ ઈશ્વરની સેવા ગણીને તે કાર્યોમાં નિમગ્ન રહે. એ આર્ષદૃષ્ટાના ઉપદેશને સમ્માનપૂર્વક ઝીલીને વિશ્વવ્યાપી દિવ્યતાની પૂજા, પરબ્રહ્મની વિરાટ પૂજા સિવાયના કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનો, બાહ્યપૂજા, મંદિર કે પૂજાઘરને અહીં સ્થાન મળ્યું નથી. સાથોસાથ માયાવતીની ચેરિટેબલ હૉસ્પિટલ, અદ્વૈત આશ્રમની આસપાસના આશરે ૧૦૦૦ ચો. માઈલથી વધુ વિસ્તારમાં વસતા ગરીબ પછાત જાતિના લોકોને આરોગ્ય જાળવવા માટેની ચિકિત્સા પૂરી પાડનાર ઉત્તમસ્થળ બની ચૂક્યું છે.
(સંકલન : સ્વામી જ્ઞાનેશાનંદ)
Your Content Goes Here





