સંક્ષિપ્ત ઈતિહાસ
સ્વ. પ્રભુદાસ તોલાણી ઈન્સ્ટિટ્યુટ, ગાંધીધામ બોર્ડના સ્થાપક અને પ્રમુખ હતા. એમનું સ્વપ્ન હતું કે ‘તોલાણી વિદ્યામંદિર’ના સંકુલમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનનું એક કેન્દ્ર બનવું જોઈએ, એને લીધે કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનોના જીવનમાં સ્વામી વિવેકાનંદના આદર્શ અને વિચારો ઊતરે. એમના મૃત્યુ પછી ૧૯૯૧માં શ્રીરામકૃષ્ણ આશ્રમના તત્કાલીન અધ્યક્ષ ની પ્રેરણાથી કાકા તોલાણીનાં મોટા પુત્રી શ્રીમતી કનલ અને શ્રી મોહન ચંદનાની દ્વારા ‘રામકૃષ્ણ સેવાકેન્દ્ર’ની સ્થાપના થઈ. સમય જતાં ૨.૭૫ એકર જમીન ખરીદવામાં આવી અને એના એક ભાગમાં અત્યારે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર બંધાયું છે.
પ્રેરણાદાયી પ્રસંગો
શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિરનું બાંધકામ થયું તે પહેલાં નાના ઓરડામાં આ કાર્ય થતું. આ ઓરડાનું માસિક ભાડું રૂપિયા ૩૦૦ હતું. એક દિવસ અચાનક મકાનમાલિકે બે દિવસમાં રૂમ ખાલી કરવાની નોટિસ આપી અને બીજી જગ્યા ન મળતાં રડતાં હૃદયે રૂમ ખાલી કરતાં હતાં, ત્યારે પાડોશમાં રહેતા એક વૃદ્ધ મહિલા મળ્યાં. એમને બધી વાત કરી. એ વૃદ્ધ મહિલાના મુંબઈમાં રહેતા બહેનનું મકાન હતું. ચાવી એ વૃદ્ધ મહિલા પાસે હતી. એમાં પાંચ ઓરડા હતા અને આગળ પાછળ વરંડો હતો. એ જ દિવસે સવારે મુંબઈથી એમનાં બહેન આવ્યાં હતાં એ બહેને પોતાનું મકાન અમને કોઈ પણ ભાડું લીધા વગર વાપરવા આપ્યું. જાન્યુઆરી ૨૦૦૨ થી માર્ચ ૨૦૦૩ સુધી અમારું રામકૃષ્ણ પ્રાર્થના મંદિર અને તેની પ્રવૃત્તિઓ ત્યાં ચાલતાં રહ્યાં. એ સમય દરમિયાન શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર બંધાઈને તૈયાર થઈ ગયું હતું.
૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ આવેલા વિનાશક ભૂકંપે તોલાણી કોલેજ કેમ્પસમાં પણ પારાવાર નુકસાન કરેલું. આ તારાજી જોઈને વ્યથિત થયેલ તોલાણી કાકાનાં પુત્રી શ્રીમતી અંજના હઝારીએ તથા તેમના પતિ બુલુ હઝારીએ તોલાણી કેમ્પસના અસરગ્રસ્ત લોકોને સહાયરૂપ થવાના ઉદ્દેશ્યથી ૩.૮૦ લાખ રૂપિયા ગાંધીધામ કોલેજિયેટ બોર્ડને મોકલ્યા. આ રકમ રામકૃષ્ણ સેવાકેન્દ્રના ખાતામાં જમા થઈ. આ કેન્દ્રની સેવાપ્રવૃત્તિ વિશાળ પાયે ચાલુ થઈ. સમય જતાં રામકૃષ્ણ પ્રાર્થનામંદિરનું ભૂમિપૂજન થયું. પણ ભગવાન શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદની કોઈ અકળ કૃપાથી આ હોલ બાંધવાની જવાબદારી તેમના પર આવતી રહી અને તેઓ આ કેન્દ્રમાં રસ લેવા માંડ્યા. અંતે તેઓ બંને આ કેન્દ્રના ટ્રસ્ટી બન્યાં. અત્યારે શ્રીમતી અંજના હઝારી કેન્દ્રના પ્રમુખ છે.
૨૦-૬-૨૦૦૨ના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરનું ભૂમિપૂજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના તત્કાલીન અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીના વરદ્ હસ્તે થયું હતું. એ દિવસે પૂજન અને આરતી પૂર્ણ થતાંની સાથે જ સ્વચ્છ આકાશમાં અચાનક જ વાદળ ઊમટ્યાં અને પાંચ મિનિટ સુધી ધરાને ભીંજવતી અમીવૃષ્ટિ થઈ. આ સમયે લોકોના મુખેથી ઉદ્ગારો સરી પડ્યા : ‘આ વાદળ વરસતાં નથી પણ ઈશ્વરની અમીવૃષ્ટિ થઈ રહી છે!’ ૧૮-૧૧-૨૦૦૩ના રોજ શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરનું બાંધકામ શરૂ થયું. સંજોગ વશાત બાંધકામના પ્રારંભનો દિન શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મતિથિનો દિન હતો. બાંધકામ દરમિયાન નિરીક્ષણ કરતી વખતે ટ્રસ્ટીઓને વિચાર આવ્યો કે મંદિરની એક બાજુની ખુલ્લી લોબીને બાંધી લેવી. પરિણામે આ સ્થળે હોમિયોપથી દવાખાનું અને મા શારદા પ્રશિક્ષણ કેન્દ્રના સિવણવર્ગો ચાલુ થયાં.
શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરના મંગળ ઉદ્ઘાટનનો દિવસ ૨૮ માર્ચ, ૨૦૦૩ નિશ્ચિત થયો. હોળીના તહેવારો નજીક હોવાથી મજૂરો તો પોતાના વતન ચાલ્યા જવાના હતા; એટલે ઓછામાં ઓછું શ્રીઠાકુર, મા અને સ્વામીજીની પ્રતિમાની વેદી તૈયારી કરીને આ સુઅવસરના ટાણાને સાચવી લેવાનું નક્કી કર્યું. પણ અમારા સૌના આશ્ચર્ય વચ્ચે ઉદ્ઘાટન સમયે આ હોલનું બાંધકામ અમે પૂર્ણ કરી શક્યા હતા.
પ્રવૃત્તિઓ : દરરોજ પ્રાર્થના, ધ્યાન ભજન; શ્રીઠાકુર-શ્રીમા-સ્વામીજીની જન્મજયંતીની ઉજવણી, ઈશુખ્રિસ્ત, નાનક, મહાવીર બુદ્ધ જયંતી; આધ્યાત્મિક પ્રવચનો, આધ્યાત્મિક શિબિર, યુવશિબિર, યુવસંમેલન * સ્વામી વિવેકાનંદ અને શ્રીમા સારદાદેવીના જીવનસંદેશના પ્રદર્શન શાળા મહાશાળાઓમાં અવારનવાર રખાય છે * મા સારદા પ્રેમકેન્દ્રમાં રવિવારે વૈદિક મંત્રોચ્ચાર, યોગાસન, વાર્તાકથન, યુથચર્ચા વગેરેની પ્રવૃત્તિઓ ચાલે છે * ગરીબ વિદ્યાર્થીઓ માટે અભ્યાસ સહાયક વર્ગો, સરકારી હોસ્પિટલમાં એકાદશીના દિવસે દર્દીઓને ભોજન અપાય છે * હોમિયોપથી દવાખાનું ચાલે છે.
Your Content Goes Here




