(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં નિયમિત લેખનકાર્ય કરતા આવ્યા છે. તેમનાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં છે. તેમજ વિવિધ પુરસ્કારો અને સન્માનો પણ તેમને પ્રાપ્ત થયાં છે. – સં.)

શ્રીરામકૃષ્ણ પરમહંસ, મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદના વિચારોને ચરિતાર્થ કરવા ગુજરાતમાં ગુજરાત રામકૃષ્ણ વિવેકાનંદ ભાવ પ્રચાર પરિષદ કાર્ય કરી રહી છે. આ પરિષદમાં ગુજરાતમાં આ વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતી અનેક જોડાયેલી સંસ્થાઓ પૈકી કચ્છના માંડવી તાલુકાના બિદડા ખાતે આવેલી શૈક્ષણિક સંસ્થા રામકૃષ્ણ સેવા મંડળ પણ એક છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિ અને આપણા વારસાના જતન અને સંરક્ષણની સાથે સ્વામી વિવેકાનંદે આપેલ જીવનમંત્ર ‘શિવભાવે જીવસેવા’ને ચરિતાર્થ કરી વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિકતાના સંસ્કાર રેડવાની સાથે સાથે તેઓ જીવનમાં કોઈ પણ કૌશલ્ય કેળવી આત્મનિર્ભર બને એવી કેળવણી આપવાનો છે.

સંગીતના મધુર સ્વરો દ્વારા સ્વાગત:

સંસ્થાના સંકુલમાં પ્રવેશતાં જ અલૌકિકતાનો સંચાર થાય એવા શાંત, નીરવ વાતાવરણમાં મંદ મંદ સંગીતનો ગુંજારવ આપણને તરબતર કરી દે છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે, અહીં સંકુલમાં સવારે, બપોરે અને સાંજે પ્રહર પ્રમાણેના સંગીતથી વાતાવરણને ગુંજતું રાખવામાં આવે છે; અહીં અભ્યાસ કરતાં બાળકોમાં તેનો ધ્વનિ અવિરત ગુંજતો રહે અને સંગીતના સંસ્કાર મળે અને તેમનું મન પ્રફુલ્લિત રહે એ માટેનો આ પ્રયોગ સફળ રહ્યો છે.

નાના અંકુરમાંથી વટવૃક્ષ:

આ શૈક્ષણિક સંકુલના જનક, નિર્માતા અને નિયામક શ્રીનંદન મુખર્જી પશ્ચિમ બંગાળના રહીશ છે અને લંડનની ઉચ્ચ શૈક્ષણિક ઉપાધિ મેળવી ત્યાંથી મોટા દરમાયાવાળી પ્રાધ્યાપકની નોકરી છોડી સ્વામી વિવેકાનંદના ઉચ્ચ કેળવણીની સાથે કર્મ કૌશલ્યતાના સિદ્ધાંતો અને વિચારોને અમલમાં મૂકવા શોધતાં શોધતાં દેશના છેક છેવાડાના આ કચ્છ જિલ્લામાં આવ્યા અને આરંભમાં કોડાય સ્વામીનારાયણ ગુરુકુળ એમબીએ કોલેજમાં ‘હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ’ તરીકે જોડાયાનું માન મેળવ્યું અને કચ્છની સર્વપ્રથમ એમબીએ કોલેજની સ્થાપના કરવાનું માન મેળવ્યું, પરંતુ બાલ્યકાળથી જ શ્રીરામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોથી રંગાયેલા હોવાને કારણે કંઈક નવું કરવાની ધૂન સાથે નાના પાયે બિદડામાં શ્રીરામકૃષ્ણ સેવા મંડળની સ્થાપના સાથે નાની શાળાની સ્થાપનાથી પ્રવૃત્તિનો આરંભ કર્યો અને આ નાના આયામને સ્વ. કાંતિસેનભાઈ શ્રોફ, દીપેશભાઈ શ્રોફ, પ્રીતિબહેન શ્રોફ (અગ્રોસેલ ઇન્ડ. પ્રા. લિ.), દેવેન્દ્રભાઈ શાહ (લીલાધર પાસુ), પ્રમેશભાઈ વેદ (રોયલ પેટ્રો સ્પે. પ્રા. લિ.) સહિત અનેક અગ્રણીઓનું પીઠબળ મળ્યું ને એક નાનું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ઊભું છે. આ શાળાસંકુલને શ્રીશારદા નિકેતન નામ આપવામાં આવ્યું છે.

પાયાથી જ  અધ્યાત્મ સંસ્કાર:

શાળા-સંકુલમાં પ્રવેશતાં જ એક નાનું પણ અતિ સુંદર શ્રીરામકૃષ્ણદેવનું મંદિર નજરે પડે છે. અહીંથી બાળકોની નિત્ય પ્રવૃત્તિનો આરંભ થાય છે. સવાર-સાંજ નિયમિત પૂજા-આરતી કરવામાં આવે છે. અહીં શ્રીરામકૃષ્ણદેવની સાથે મા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદજીની પણ પૂજા કરવામાં આવે છે. મંદિરમાં શ્રીરામકૃષ્ણ સંઘ દ્વારા ઉજવાતા દરેક તહેવાર અને તિથિની ઉજવણી કરવામાં આવે છે.

હકીકતોનો સંગ્રહ, ચારિત્ર નિર્માણ અને આત્મસાક્ષાત્કાર, આત્મવિશ્વાસ, દૃઢ ચારિત્ર અને જવાબદાર નાગરિકની વિભાવના અહીંના શિક્ષણ પછવાડેનાં મુખ્ય બિંદુ છે. અનુભવજન્ય કેળવણી અહીંનું હાર્દ છે. આદર્શ વિદ્યાર્થીના ઘડતર માટે ૧૬ મુદ્દાની ફોર્મ્યુલા અપનાવાઈ છે, જે મૂલ્યનિષ્ઠ શિક્ષણ અને મનુષ્ય-ઘડતરનો પાયો બને છે. દરેક બાળક આગવું વ્યક્તિત્વ ધરાવે છે અને તેને સમજીને માવજત લેવામાં આવે છે.

અહીં બાલમંદિર તેમજ ધોરણ એકથી દશ સુધી શિક્ષણ આપવામાં આવે છે. દરેક વર્ગમાં માત્ર અઢાર વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવાનો એક ચોક્કસ હેતુ સાથે નિયમ બનાવાયો છે, જેથી દરેક બાળક પર વ્યક્તિગત ધ્યાન આપી શકાય. અહીં માત્ર ૧૮૦ બાળકો અભ્યાસ કરે છે, જે પૈકી બન્ની, પચ્છમ અને લખપત જેવા દુર્ગમ વિસ્તારોમાંથી આવતાં પચાસ બાળકો શાળા-સંકુલમાં જ નિર્માણ કરાયેલા કુમાર તથા કન્યા-છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરતાં બાળકોને બિદડા તથા આસપાસના નાના ભાડિયા, મોટા ભાડિયા, વગેરે ગામોમાંથી લાવવા-મૂકવા માટે સંસ્થા દ્વારા જ શાળા-બસની સુવિદ્યા કરવામાં આવી છે; એમાં પણ સ્થાનિક બાળકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અનોખી શિક્ષણ પદ્ધતિ:

શાળાની અભ્યાસપદ્ધતિ પણ અનોખી છે. ધોરણ પાંચથી ધોરણ દસ સુધીના વર્ગોમાં તાસ બદલાય ત્યારે શિક્ષકો વર્ગમાં નથી જતા પરંતુ દરેક વિષયના જુદા જુદા વર્ગખંડ બનાવાયા છે એટલે જે વિષયના તાસ હોય એ ખંડમાં વિદ્યાર્થીઓ જાય છે. શિક્ષક એ જ ખંડમાં હોય છે એટલે વિદ્યાર્થીઓને એક ખંડમાં આખો દિવસ બેસાડી રાખવાને બદલે જુદા જુદા વિષયના વર્ગમાં જવાનું હોવાથી વાતાવરણનો બદલાવ મળે છે, વળી દરેક વિષયના વર્ગમાં તે વિષય મુજબનું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે, સાથે વિષય ઉપયોગી સ્માર્ટ બોર્ડ સહિતની શૈક્ષણિક સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે એટલે વિદ્યાર્થીઓની અભ્યાસમાં રુચિ પણ કેળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

દરેક વર્ગમાં બેઠક વ્યવસ્થા પણ જુદી જુદી રાખવામાં આવી છે. દરેક વર્ગની પાટલીઓના રંગ જુદા જુદા રાખવામાં આવ્યા છે, જેથી તેમાં પણ વિદ્યાર્થીઓ પરિવર્તન અનુભવી શકે. સંસ્કૃત વિષયમાં પરંપરાગત ભારતીય બેઠકમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

કલા-સંસ્કૃતિનો પરિચય:

શ્રીશારદા નિકેતન શાળામાં વિવિધ તહેવારો અને છ ઋતુઓની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે, જેથી બાળકો આપણી સભ્યતા, સંસ્કૃતિ અને પરંપરાને જાણે; તદુપરાંત શાળામાં હેરિટેઝ વીક, ભૂગોળ મેળો, કલા અને હસ્તકલા મેળો વગેરેની ઉજવણી કરવામાં આવે છે. અહીં અભ્યાસ કરતાં બાળકો આપણા દેશની પ્રાચીન પરંપરાને ઓળખે, તેની સંસ્કૃતિ, ઇતિહાસ, પુરાતત્ત્વ, શિલ્પ-સ્થાપત્ય, ભાષા, રહેણીકરણી વગેરેથી પરિચિત થાય એ માટે વર્ષમાં એક વાર તેમને ભારત-દર્શન માટે દેશના વિવિધ રાજ્યોના પ્રવાસે પણ લઈ જવામાં આવે છે.

પર્યાવરણનું જતન અને સંવર્ધનઃ

શાળા-સંકુલમાં પર્યાવરણના જતનનું પણ પૂરું ધ્યાન આપવામાં આવે છે. આ માટેના સંસ્કારો બાળકોને પાયાથી જ મળે એ માટે તેના ખાસ વર્ગો લેવાય છે, તેની સાથે સાથે તેના સફળ પ્રયોગો પણ કરાયા છે. શાળાના દરેક વર્ગ તથા દરેક ઇમારત પર પડતા વરસાદના પાણીનો પૂરેપૂરો સંગ્રહ કરવા માટે દરેક ઇમારત અને વર્ગની નીચે વરસાદી પાણીના સંચય માટે વિશાળ ટાંકા નિર્મિત કરાયા છે, એમાંથી વર્ષ દરમ્યાન વરસાદી પાણીનો ઉપયોગ કરવામાં આવે. શાળા-સંકુલમાં આવેલ કિચન ગાર્ડન, વૃક્ષો અને ફૂલછોડને પાણી આપવા માટે સંકુલના ગંદા કે વપરાશમાં લીધેલા પાણીના વ્યવસ્થાપનની પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે.

પ્રાચીન અને અર્વાચીનતાનો પરિચય કરાવતું સ્થાપત્ય:

શાળાના વિદ્યાર્થીઓ આપણાં પ્રાચીન અને આધુનિક બન્ને સ્થાપત્યનો પરિચય મેળવી શકે એ માટે શ્રીનંદન મુખર્જીએ ખાસ ખ્યાલ રાખ્યો છે. શાળા-સંકુલના દરેક ભવનના નિર્માણ માટે જૂની ઇમારતોમાંથી નીકળેલાં લાકડાંનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે, સમગ્ર કચ્છમાંથી ફરી ફરીને જૂની હવેલી તથા ઇમારતોનું લાકડું ખરીદી શાળા-સંકુલમાં ખાસ તૈયાર કરવામાં આવેલા વર્કશોપમાં તેને ઉપયોગમાં લેવાય તેવું બનાવવામાં આવે છે. સંકુલના દરેક ભવન તથા વર્ગખંડમાં જૂનાં કલાત્મક અને નકશી ધરાવતાં બારી-દરવાજાનો ઉપયોગ એક તરફ તો બીજી તરફ આધુનિક બારી-દરવાજા લગાવી બન્નેનો સમન્વય કરવામાં આવ્યો છે.

પ્રબુદ્ધ કચ્છ:

શ્રીરામકૃષ્ણ સેવામંડળ દ્વારા બિદડા ખાતેના શાળા-સંકુલ ઉપરાંત ‘પ્રબુદ્ધ કચ્છ’ નામનો એક ખાસ પ્રોજેક્ટ પણ કાર્યરત છે.

સ્વામી વિવેકાનંદના વિચારો, ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન વારસાનો કચ્છના છેવાડાના અને દુર્ગમ પ્રદેશનાં બાળકોને પરિચય કરાવી શકાય એ માટે ખાસ પ્રબુદ્ધ કચ્છનો આરંભ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ દ્વારા કચ્છના બન્ની, પચ્છમ અને લખપત વિસ્તારની (૫૦) પચાસથી વધારે શાળાઓના આઠ હજારથી વધુ વિદ્યાર્થીઓને આવરી લેતા આ પ્રોજેક્ટ અંતર્ગત આ શાળાઓમાં સંસ્થાના ખાસ નિમણૂક પામેલા તાલીમબદ્ધ શિક્ષકોને મૂકવામાં આવે છે.

તેઓ આ બાળકોની વચ્ચે જઈને વિજ્ઞાન પ્રવૃત્તિ, પર્યાવરણનું શિક્ષણ, સંગીત તથા ચિત્રની તાલીમ તથા તેની સ્પર્ધાઓ, ભારત-દર્શન માટે પ્રવાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા અને સંસ્કૃતિને લગતી તાલીમ તથા વર્કશોપ, રમત-ગમત, આપણા પરંપરાગત તહેવારોની ઉજવણી અને તેની પાછળ રહેલા હેતુની સાચી સમજ આપવા સહિતની અનેક પ્રવૃત્તિઓ કરે છે.

આમ, ભારતીય સંસ્કૃતિ, કલા-વારસાનો પરિચય, આધ્યાત્મિક સંસ્કાર તથા કલા-કૌશલ્યના વિકાસ માટે આવા અનેક આયામો આ પ્રોજેક્ટ અંતર્ગત હાથ ધરવામાં આવે છે.

શિવભાવે જીવસેવાઃ

શ્રીરામકૃષ્ણ પરમહંસ, શ્રીમા શારદાદેવી તથા સ્વામી વિવકાનંદે ચીંધેલા શિવભાવે જીવસેવાના મંત્રને ચરિતાર્થ કરવા આ સંસ્થા દ્વારા જનસેવાની પણ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે. એના અંતર્ગત જરૂરિયાતમંદ પરિવારોને દર માસે રાશન કિટ આપવામાં આવે છે. હાલ તેનો લાભ પંદરથી વધારે પરિવારોને આપવામાં આવે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને સ્વેટર, ધાબળા વગેરે પણ આપવામાં આવે છે.

Total Views: 5

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.