સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે છે – “ઇ.સ. ૧૯૮૩ના ઉત્તરાર્ધમાં શ્રીરામકૃષ્ણ પરમહંસ વિશેનાં લખાણોના ગુજરાતી અનુવાદ વાંચવા હું પ્રેરાયો હતો. તે હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ મને શ્રીરામકૃષ્ણ પરમહંસના વિચારોમાં ઊંડો રસ પડતો ગયો. તે લખાણોનાં પ્રગટ થતા દર્શનમાં તેમ જ તે લખાણોના વર્ણન તત્ત્વમાં મને ઊંચા કાવ્યતત્ત્વ જેવો કલાનંદ પ્રાપ્ત થયો હતો. પરિણામે એમના વિચારો-લખાણોમાં જ્યાં જ્યાં મને આવું ‘દર્શન વર્ણન’ યુક્ત કાવ્યતત્ત્વ જણાયું ત્યાં ત્યાં તેનો મુખ્યત્વે અનુષ્ટુપ છંદમાં અનુવાદ કરતો ગયો, ક્યારેક વળી વચ્ચે વચ્ચે ‘મિશ્રોપજાતિ’ જેવા છંદનો પ્રયોગ પણ થયો છે. ઘરગથ્થુ ઉદાહરણો તો શ્રીરામકૃષ્ણના જ. આમ એકંદરે લગભગ નવસો શ્લોકો રચાયા…. અધ્યાત્મવિદ્યાના નિરૂપણ માટે મેં ગીતાના જેવો જ ‘અનુષ્ટુપ’ પ્રયોજ્યો છે, જે આપણા ‘કાન્ત’ કુળના અનુષ્ટુપથી જુદી જ ક્ષમતાવાળો અને હૃદ્ય લાગશે એવી મને શ્રદ્ધા છે.” પદ્યમાં લખાયેલ આ અમૂલ્ય ઉપદેશામૃત વાચકોને ગમશે તેવી આશાથી રજૂ કરીએ છીએ. – સં.

(માર્ચ ‘૯૮થી આગળ)

ભક્તિ જે ત્રિગુણાતીત, શ્રેષ્ઠ નિર્દોષ ડિંભ શો
પ્રભુનું નામ લેતાં જ પૂજા પૂર્ણતા પામતી ૫૫૯

ભાવની ભરતી આવ્યું ના બોજ જંગી જહાજને
ઊતર્યે તે તરંગો યે ન્હાના ન્હાના લાગે તટો; ૫૬૦

માનો દેહ મહા ભાવે – મોટી પીડ અનુભવે
ઊંટ પેઠું કે બાંધકામ તૂટું તૂટું; ૫૬૧

પ્રવેશે જ્ઞાન ને બાળે કામ ક્રોધ પછી અહં
અહંકાર થતાં નષ્ટ આઘાત દેહને દિયે; પ૬ર

અતિ સૂક્ષ્મ પ્રવેશીને વિસ્તરે છે મહા કદે
સૂક્ષ્મનું વેર જાડ્યે – તે જાડ્યને હણીને જ રહે; ૫૬૩

દશા ચૈતન્યની ત્રેધા; બાહ્ય ને અર્ધ બાહ્યને,
ત્રીજી અંતર્દશા ઉક્ત વેદમાં પંચકોષી જે; ૫૬૪

અન્ન પ્રાણમયી સ્થૂળ, દશા સૂક્ષ્મ મનોમયી
વિજ્ઞાનમયી તે ત્રીજી નિર્વિકલ્પ સમાધિની; ૫૬૫

નામકીર્તન છે બાહ્યે, નૃત્યાદિ અર્ધબાહ્યમાં
અંતર્દશા મહીં જીવ પામે ભાવ સમાધિને; પ૬૬

હઠયોગાદિ માર્ગો તે કલેશ કર્મ મહાશ્રમ,
શ્વાસનિગ્રહના માર્ગો – મુક્તશ્વાસે યથા તથા; ૫૬૭

બદ્ધજીવ રુંધી શ્વાસ, આવી કોઇ સમાધિ લે
શ્વાસમાં આવતાં પાછા હતો તેવો જ બદ્ધ ૨હે; ૫૬૮

આવી સમાધિ જોઇને સાધુ ના મોહ પામતો
શ્વાનની પૂંછડી ઘટી – કાઢો કે ફરી વાંકી તે; ૫૬૯

સાધનાથી મળે ઇશ; તેથી કરવી સાધના,
ઇશપ્રાપ્તિ જ હેતુ છે પ્હેલો – છેલ્લો મનુષ્યનો; ૫૭૦

અસ્તિ – ભાતિ અને પ્રિય – વેદાન્તોક્ત ગુણત્રયી
આ ગુણો હોય છે જ્યાં જ્યાં, ત્યાં ત્યાં ઇશ્વર વાસ છે; ૫૭૧

નાની વયની બાલાઓ રમે છે ઢિંગલી થકી,
વધૂ થાતાં પિયુ પામ્યે – પેટીમાં પધરાવી દે; ૫૭૨

પ્રણવ શબ્દ જે જન્મે બ્રહ્મથી – યોગીથી શ્રુત,
નાભિથી બ્રહ્મરંધ્રે થી ઊઠે શબ્દ અનાહત; ૫૭૩

ઇશમાં પક્વ જે જીવ – તેને જન્મ નથી પછી,
કાચા સંસારી જીવોને આલોક – પરલોક ૨હે; ૫૭૪

કુંભાર કો માટી ઘડા ઘડી યથા
સૂર્ય તપે સૂકવવા મૂકે જે,
આવા ઘડામાં પરિપક્વ કૈંક, ને
કાચાય હોયે ઘટ કેટલાયે,
કૈં ભાંડ કાચાં ત્યમ પક્વ ફૂટતાં
આવી જ્યાં જ્યાં હડફટ્ટ ઢોરની.
કાચું તૂટે તો ફરી પિંડ પાછો,
ચાકે ચઢાવે ફરી ઘાટ આપવા;
પરંતુ જો પાકું – ખરું થયેલ જે
ફૂટે – ઉશેટી જ દિયે દે કુંભાર તે;
યથા જીવો જે નથી જ્ઞાનપક્વ તે
ફરી ફરીથી ભવચાકડે ચઢે,
ને જ્ઞાનથી પક્વ – ખરા થયા, તે
ભવચાકડેથી ઊતરી જ જાય છે; ૫૭૫

કાચું બીજ જ ઊગે છે, વાવ્યું ખેતર કે કૂંડે
ફણગો જ નહીં ફૂટે બળ્યા-શેક્યા બિયા૨ણે; ૫૭૬

સૂર્ય બિંબાય છે જેમ જળમાં શાંત નિર્મલે,
બ્રહ્મ બિંબાય છે તેમ ભક્તના સ્વચ્છ ચિત્તમાં; ૫૭૭

બ્રહ્મ જ સત્ય, જ્ઞાનીને, અસત્ માયા બીજું બધું,
અહંથી જ જુદો બ્રહ્મ, ડાંગે માર્યું યથા જળ; ૫૭૮

સુવર્ણ અસ્થિવત્ રૂપ રહે જે ઘાત રહે નહીં,
બળેલી દોરી રહે રૂપ – કિંતુ બાંધી શકે નહીં; ૫૭૯

અહં રહે જ્ઞાનીને એમ – દેહાકારે પરંતુ તે
વ્યવધાન હવે છે ના પેલી દોરી અસિ યથા; ૫૮૦

વિજ્ઞાન એટલે વસ્તુ વિશેષરૂપ જાણવી,
યથા કો દુગ્ધને જાણે, કોઇ જુએ પીએય કો; ૫૮૧

અજ્ઞાની દૂધને જાણે, જ્ઞાની જે દૂધને જુએ,
પરંતુ દૂધ પીનારો વિજ્ઞાની છે પ્રમાણવું; ૫૮૨

ઇશનું નામ સૂણ્યું તે જ્ઞાની અજ્ઞાની જાણવો
પરંતુ જે બીજે તેને પામે તેને જ પીડા તે ૫૮૩

‘નેતિ નેતિ’ કહી અંતે બ્રહ્મ તત્ત્વે થવું સ્થિત
પંચભૂત ન એ, ના એ મન, ઇન્દ્રિય ને અહમ્; ૫૮૪

પંચભૂત રહી માટી – માટી આત્માથી ઉદ્ભવે
મૃદુથી કાઢું જન્મે છે, લોહીમાંસથી અસ્થિવત્; ૫૮૫

સંસારે સત્ય હો વાચ્ય, આગ્રહે સત્ય વાણીનો,
સત્ય વાણી થકી વિશ્વે પ્રભુપ્રાપ્તિ થઇ શકે; ૫૮૬

નામરૂપ જુદાં જુદાં મૂળ એક જ વસ્તુ છે,
વિષ્ણુ શિવ ઇસુ અલ્લા – શક્તિ સંધુય બ્રહ્મ છે; ૫૮૭

વેદમાં જે કહ્યો ‘બ્રહ્મ’, તંત્રોમાં શિવશક્તિ તે,
પુરાણોમાં કહ્યો તે ને વિષ્ણુ; રાઘવ – યાદવ; ૫૮૮

સંસારે આપણે માથે કેટલાં ૠણ? કિંતુ તે
પ્રેમોન્માદે બધાં માફ – દેહભાન ગળ્યા પછી ૫૮૯

તીર્થે તીર્થે ભમે સાધુ તેને જાણો બહૂદક
છેવટે એક ઠેકાણે ઠરે તો ‘કુટિચક’ તે; ૫૯૦

પંખી કો જેમ કાંડાનું – કૂવા સ્તંભે વહાણના
બેઠેલું મઝધારે જૈ ઊડે તો ઊડી ક્યાં જશે? ૫૯૧

અપાર ચોદિશે પાણી – કાંઠો ક્યાંય મળે નહીં,
એટલે પાછું આવીને કૂવાસ્તંભે જ બેસશે; ૫૯૨

અર્ધીરાતે ઊઠી જેમ કોઈ ઢૂંઢે દિવાસળી,
બીડી પીવા કરે લૈ ને પેટાવેલું જ ફાનસ! ૫૯૩

ધર્મની ગતિ છે સૂક્ષ્મ – સૂક્ષ્મ સૂત્ર સમી સીધી
જરા દે સૂત્ર વાંકું તો સોય નાકે પ્રવેશ ના; ૫૯૪

અહંકાર લગારે, તો ઇશપ્રાપ્તિ અવશ્ય ના
શૃંગે પાણી ટકે નાહીં – મીચાણે જ ફળે કૃષિ; ૫૯૫

ઉન્માદે ય જુદો જુદો – ત્રેધા : જ્ઞાન, પ્રીતિ તણો,
ત્રીજો ભક્તિ તણો, સૌમાં એકત્વ ‘દેહભાન ના’, ૫૯૬

પ્રેમ ઉન્માદ આંધી શો – પૃથ્વી આકાશ વ્યાપતો,
પ્હાડો – ઝાડો ધૂળે ત્રયાં એક શાં જ અભેદમાં; ૫૯૭

યોગીના ય પ્રકારો બે : પ્રગટ, ગુપ્ત; જાણવા
સંસારીને ઘટે રહેવું ગુપ્ત સંસાર મધ્યમાં; ૫૯૮

સંસારીએ બળાત્કારે પ્રગટ યોગી ના થવું,
ધીમે ધીમે થશે એ તો, પાન પાકું થતાં ખરે; ૫૯૯

સંસારીએ મહાબ્ધિમાં ન્હાવું નિકટ તીરની
જરા દૂર થઈ પાછું આવી કાંઠા પરે જવું; ૬૦૦

સહસા મઝધારે જૈ દેવી ઊંડી ન ડૂબકી;
ત્યાં તો પછી નથી કાંઠો – નીચે છે તળિયું ય ના; ૬૦૧

કોઇ હો ધર્મ, કો માર્ગ, ધર્મ કે માર્ગ ઇશનો,
એક વાર લીધો માર્ગ – ગતિ ઇશ્વરના પ્રતિ; ૬૦૨

ભલે વાંકો ચૂકો જાય – પાછો દૂર જઇ વળે
ઊભો રહે – રાતવાસો રહે, ગતિ તો ઇશના ભણી; ૬૦૩

ભજો એક ગમે તેને – ચિત્તના સ્વસ્થ ધૈર્યથી
હથોડા એરણે ઘા દે – એરણ એની એ જ ૨હે; ૬૦૪

લોક ભલા બૂરા વચ્ચે સંભાળીને જ ચાલવું
સત્સંગ છોડવો નાહીં – સત્સંગે જ વિવેક છે; ૬૦૫

આંખ મીંચ્યે પ્રભુ લાભ તો શું, જે આંખ ખોલતાં?
દશ્ય વિશ્વોવિભુનાં તો શું કહેશો? અનીશ્વર? ૬૦૬

એક માત્ર પ્રભુ સત્તા; ઇશાવાસ્ય અણુ અણુ
સ્થાવરે, જંગમે એ જ; એ જ પાસે પરાત્પરે ૬૦૭

મનુષ્ય માત્રમાં જે જે વિશિષ્ટ સત્ત્વ સુંદર
તે તે ઇશ્વરનો અંશ – અભિવ્યક્તિ જ ઇશની; ૬૦૮

સ્થૂલથી સૂક્ષ્મ ને ત્યાંથી મહા – છેક જ કારણે
જતાં ચૂપ થતી વાણી, થતાં ઋષિ મહામુનિ; ૬૦૯

સૂર સપ્તકનો સા સા ઘૂંટતા જાય પંચમે
ના કિંતુ પંચમે સૂરે ટકી જીવ શકે બહુ; ૬૧૦

ઉચ્ચોચ્ચ એ અવસ્થાએ વાણી સંભવતી નથી,
ઊતર્યે જ નીચે થોડું જીવને બોલ ફૂટતો; ૬૧૧

મહાકારણ પ્હોંચેલા આત્મા ઊંચે નીચે ફરે
સર્વત્ર ગતિ પ્રાસાદે રાજાની; દાસની નહીં; ૬૧૨

(ક્રમશઃ)

Total Views: 171

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.