ભૂતકાળમાં સંતોએ દર્શાવ્યું છે અને વર્તમાન કાળમાં પણ આ વાત વારંવાર સિદ્ધ થાય છે કે ભગવાનની શક્તિ ભગવાનના નામના માધ્યમ દ્વારા અવશ્ય વ્યક્ત થાય છે. ગુરુએ આપેલ મંત્રને બહુમૂલ્ય સમજીને હૃદયમાં સંભાળીને રાખવાની તથા નિરંતર એના પર ધ્યાન કરવાથી સાધકમાં એ શક્તિનો વધુ ને વધુ વિકાસ થાય છે. શ્રીરામકૃષ્ણ આની તુલના મોતી બનવાની પ્રક્રિયા સાથે કર્યા કરતા.
પ્રચલિત માન્યતા પ્રમાણે પરવાળા સ્વાતિ નક્ષત્રના ઉદય થતાં સુધી પ્રતીક્ષા કરે છે. જો એ સમયે વરસાદ વરસે તો પરવાળા પોતાની છીપ ખોલીને તેનું પાણી ઝીલી લે છે. પછી તે સમુદ્રના તળિયે ડૂબકી લગાવીને જ્યાં સુધી એ જલબિંદુ સુંદર મોતીમાં પરિવર્તિત થઈ જાય ત્યાં સુધી મહિનાઓ સુધી ત્યાં પડી રહે છે. આવી જ રીતે ભક્તનું હૃદય સત્ય પ્રત્યે ઉન્મુક્ત બનવું જોઈએ. અને ગુરુ પાસેથી આધ્યાત્મિક ઉપદેશ મેળવ્યા પછી તેને એકનિષ્ઠ ઉત્સાહ સાથે જ્યાં સુધી આધ્યાત્મિક અનુભૂતિરૂપી મોતીનું નિર્માણ ન થાય ત્યાં સુધી એની સાધના કરવી જોઈએ.
શુદ્ધ મન એ જ ગુરુ
સ્વામી બ્રહ્માનંદજી કહેતા: ‘તમારા મનથી મોટો કોઈ ગુરુ નથી. માનવ ગુરુ સદા પાસે રહેતા નથી. આપણા પર ભલે સિદ્ધ ગુરુની કૃપા અને ઉપદેશ પ્રાપ્ત કરવાનું સદ્ભાગ્ય મળ્યું હોય પરંતુ તેઓ આપણી આવશ્યકતાના સમયે સદા આપણી નિકટ રહેતા નથી; પરંતુ એક આંતરિક ગુરુ, આપણું વિશુદ્ધ મન સદા આપણી ભીતર જ રહે છે.’ સ્વામી બ્રહ્માનંદજી કહે છે: ‘પ્રાર્થના અને ધ્યાન દ્વારા શુદ્ધ થયા પછી મન ભીતરથી તમને માર્ગદર્શન આપશે. દૈનંદિન ગતિવિધિઓમાં પણ આ આંતરિક ગુરુ તમને માર્ગદર્શન આપશે અને લક્ષ્યપ્રાપ્તિ સુધી તમને સહાય કરશે.’
આનો અર્થ શો? મન આંતરિક ગુરુની જેમ કેવી રીતે કાર્ય કરે છે? સમસ્ત જ્ઞાનનો સ્રોત, ગુરુઓના પરમગુરુ પરમાત્મા સદા પ્રત્યેક હૃદયમાં વિદ્યમાન છે. નૈતિક જીવન, પ્રાર્થના, ધ્યાન વગેરે દ્વારા મન શુદ્ધ થતાં પરમાત્માની અંતર્જ્યોતિના સંસ્પર્શમાં આવે છે. શુદ્ધ મન ઈશ્વરીય જ્ઞાનપ્રવાહનો એક પથ બની જાય છે. તે ગુરુઓના પરમ ગુરુ પાસેથી સીધું જ્ઞાન મેળવે છે. જ્યારે મન આંતરિક સત્ય પ્રત્યે ઉન્મુક્ત થવાનું શીખી જાય છે, ત્યારે તે અનેક સ્રોતો દ્વારા ઉપદેશ પ્રાપ્ત કરવા સમર્થ બને છે.
શ્રીમદ્ ભાગવતમાં એક પરિવ્રાજક અવધૂતનું વર્ણન છે. એમણે અનેક પ્રાકૃતિક વસ્તુઓને ઉપગુરુ રૂપે સ્વીકારી હતી. ધરતી માતા પાસેથી એમણે સહનશીલતા (ધૈર્ય)નું શીખ્યું, વાયુ પાસેથી અનાસક્તિ, (કારણ કે વાયુ સુગંધ કે દુર્ગંધથી અપ્રભાવિત રહે છે), આકાશ પાસેથી એમણે બધાં બંધનોથી મુક્ત રહેવાનું શીખી લીધું, વગેરે.
તમારામાંથી ઘણા લોકો એ જાણે છે કે પોતાનું જીવન એક મઠના રસોડામાં પસાર કરનાર સતરમી સદીના સંત બ્રધર લોરેન્સને કેવી રીતે જ્ઞાન થયું હતું. પાનખરના સમયે પર્ણહીન વૃક્ષોને જોઈને એમને એવો વિચાર સ્ફૂર્યો કે આ પાંદડાં વિહોણી ડાળી પર પુન: પાંદડાં આવશે અને ફૂલ-ફળ પણ લાગશે.
એમાંથી એમની સામે સમસ્ત સૃષ્ટિમાં છુપાયેલ ઈશ્વરીય સત્તા અને શક્તિ ઉદ્ઘાટિત થઈ ગયાં. એ સમયે થયેલ આ આધ્યાત્મિક જાગરણે એમને જીવનભર સંબલ આપ્યું. આપણા બધામાં ઈશ્વરીય શક્તિ છુપાયેલી છે, અને એ જાગરણની રાહ જુએ છે. આપણે આપણી ભીતર રહેલ પરમ ચેતનાને કેન્દ્રને શોધવાનું છે, અને સૂતેલી શક્તિને જગાડવાની છે. ભગવાન બુદ્ધે પોતાના મૃત્યુ પછી આ આંતરિક ગુરુનું અનુસરણ કરવાનો ઉપદેશ પોતાના શિષ્યોને આપ્યો હતો. એમણે એમને કહ્યું: ‘આત્મદીપો ભવ અર્થાત્ તમે પોતે તમારા દીપક બનો.’
ક્યાંક આપણે જ આપણને છેતરવા ન માંડીએ એવી સાવધાની પણ રાખવી પડે. આપણે વિચારવા માંડીએ કે આપણું મન સારો ગુરુ બની ગયું છે. આપણને બધી બાજુએથી ઉપદેશ મળે છે; પરંતુ એમાં આપણી જ ઇચ્છાઓ અને વિચારોને ઈશ્વરીય પ્રેરણા, ભગવદ્વાણી વગેરે માની-સમજી લેવાનો ભય પણ રહે છે.
એક સિદ્ધ અને જીવંત ગુરુ પાસેથી નિર્દેશ તથા માર્ગદર્શન મેળવવામાં એવો કોઈ ભય રહેતો નથી. માનવગુરુ નૈતક જાગરણ અને નિષ્કામ કર્મ દ્વારા ચિત્ત શુદ્ધિ માટે શિષ્યને ઉપદેશ આપે છે. શિષ્ય ભૂલ કરે તો એ તેઓ જુએ છે, અને વળી પાછા સાચા પથે લાવે છે. સાચા માનવગુરુના માર્ગદર્શન મેળવવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત કરનાર ભટકી જતા નથી. ક્રમશ: ગુરુની કૃપાથી શિષ્યની પ્રસુપ્ત પ્રજ્ઞાશક્તિ જાગૃત થાય છે. ત્યાર પછી શુદ્ધ પ્રજ્ઞા ગુરુનું કાર્ય કરે છે. આ રીતે આપણું મન આપણું ગુરુ બને છે.
અવતાર શ્રેષ્ઠ ગુરુ
હજારો લોકોને જ્ઞાન આપનાર ઈશ્વરાવતાર નિશ્ચય સૌથી મહાન ગુરુ છે. સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે અવતાર ‘કપાલ-મોચન’ હોય છે. એટલે કે તેઓ લોકોની નિયતિને બદલી શકે છે. એમના કપાળ પર લખેલને, અર્થાત્ કર્મોનો નાશ કરી શકે છે. કોઈ સામાન્ય ગુરુમાં રૂપાંતરણ કરવાની એવી ક્ષમતા હોતી નથી. ઈસુ ખ્રિસ્તમાં એ માછીમારોને દિવ્ય જ્ઞાન પ્રદાન કરવાની એવી ક્ષમતા હતી કે જે એમના સ્પર્શથી જ્ઞાની બની ગયા. એમનામાં એ બધા પાપી ગણાતા અપવિત્ર લોકોને પરિવર્તિત કરવાની ક્ષમતા હતી. જ્યારે એમણે તેમને કહ્યું: ‘તમારા પાપોને માફ કરી દીધા છે, તમારી શ્રદ્ધાને કારણે તમે પૂર્ણ બની ગયા છો. તમે નિશ્ચિંત બની જાઓ’, ત્યારે તેઓ બધી ખરાબીથી, પાપોમાંથી મુક્ત થઈ ગયા છે એવું એમણે તરત જ અનુભવ્યું.
પરંતુ ઈસુએ પોતે દીક્ષા લીધી હતી. જ્યારે જોર્ડનમાં બેપ્ટિઝમના સમયે, એવું કહેવાય છે કે સ્વર્ગનાં દ્વાર ખૂલી ગયાં અને એમણે ઈશ્વરના પ્રકાશને એક કબૂતરની જેમ અવરોહણ કરતાં તેમજ પોતાના માથે ઉતરતું જોયું અને એક વાણી સાંભળી: ‘આ મારો પ્રિય પુત્ર છે, એનાથી હું ખૂબ પ્રસન્ન છું.’
આવું દૃશ્ય આખરે શું હતું? આધુનિક કાળમાં વધારે ને વધારે લોકો શ્રીરામકૃષ્ણને માનવા લાગ્યા છે. એમણે પણ માનવ ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી. એમ કહેવાય છે કે કાલીમંદિરના પૂજારીનું પદ સ્વીકારતાં પહેલાં કેનારામ ભટ્ટાચાર્ય નામના કોલકાતાના એક તાંત્રિક ગુરુ પાસેથી એમણે દીક્ષા લીધી હતી. જ્યારે ગુરુએ શ્રીરામકૃષ્ણના કાનમાં મંત્રોચ્ચારણ કર્યું ત્યારે તેઓ જોરથી અવાજ કરી ઊઠ્યા અને સમાધિસ્થ થઈ ગયા. ગુરુએ કહ્યું કે એમણે કેટલાય શિષ્યોને દીક્ષા આપી હતી, પણ શ્રીરામકૃષ્ણ જેવો કોઈ મળ્યો ન હતો.
વળી એક વખત શ્રીરામકૃષ્ણે પોતાના મહાન શિષ્ય નરેન્દ્રનાથને ‘રામ’ મંત્રથી દીક્ષા આપી હતી. એનાથી એ યુવકની આધ્યાત્મિક ભાવનાઓ અત્યધિક ઉદ્વેલિત થઈ ગઈ, તે કલાકો સુધી ભાવસમાધિમાં લીન રહ્યા. પછીથી આ જ શિષ્ય સ્વામી વિવેકાનંદના નામે એક આધ્યાત્મિકતાનો પુંજ બન્યા.
સ્વામી વિવેકાનંદના અમેરિકા જતાં પહેલાં એક વર્ષ પૂર્વે ૧૮૯૨માં મદ્રાસની કોલેજના એક નાસ્તિક અધ્યાપકે સ્વામીજી સાથે ધર્મનાં સત્ય વિશે અનેક તર્ક-વિતર્ક કર્યા. સ્વામીજીએ તો એને માત્ર સ્પર્શ કર્યો અને એ સંશયી વ્યક્તિ તત્કાલ સાવ બદલાઈ ગઈ. પછીથી આ વ્યક્તિએ સંસાર-ત્યાગ કર્યો અને એક સંતની જેમ જીવન જીવ્યા પછી એમનું મૃત્યુ થયું.
શ્રીરામકૃષ્ણમાં દૃષ્ટિ કે ઇચ્છા માત્રથી બીજામાં આધ્યાત્મિક શક્તિનો સંચાર કરીને એમને ચેતનાની મહાન ઊંચાઈઓ સુધી પહોંચાડવાની ક્ષમતા હતી.
સ્વામી શિવાનંદજીએ (મહાપુરુષ મહારાજ) પોતે પોતાના અનુભવનું વર્ણન આ રીતે કર્યું હતું: ‘એકવાર ધ્યાન કરતો હતો ત્યારે શ્રીરામકૃષ્ણ મારી નજીક આવ્યા. જેવો એમણે મને જોયો કે તરત હું રડી પડ્યો. બોલ્યા વિના તેઓ સ્થિર ઊભા રહ્યા. એક પ્રકારનો રોમાંચ મારા શરીરમાં થવા લાગ્યો અને મારું આખું શરીર કંપવા લાગ્યું. શ્રીરામકૃષ્ણે આ અવસ્થાની પ્રાપ્તિ માટે મને ધન્યવાદ આપ્યા.’
પોતાના બીજા ગુરુભાઈઓની જેમ સ્વામી શિવાનંદજી પણ પછીથી એક મહાન શક્તિસંપન્ન આધ્યાત્મિક ગુરુ બન્યા. આવી જ શક્તિ એમની મુલાકાતના સમયે અમે એમનામાં નિહાળી હતી. સંઘાધ્યક્ષ બન્યા પછી એ શક્તિ એમનાં વધુ પ્રમાણમાં અભિવ્યક્ત થઈ હતી.
૧૯૨૩માં સિંધમાંથી એક સાધક સ્વામી શિવાનંદજી પાસે દીક્ષા લેવા આવ્યા. એ ભક્તે સ્વપ્નમાં મંત્ર મેળવ્યો હતો, પરંતુ એનું મહત્ત્વ ન સમજી શકવાથી એનું મન ઉદ્વિગ્ન રહેતું. મહાપુરુષ મહારાજ એને મંદિરમાં લઈ ગયા, દીક્ષા આપી અને થોડો સમય ધ્યાન કરવા કહ્યું. પછી તેઓ પ્રસન્ન મુદ્રામાં, દિવ્યભાવમાં વિભોર બનીને પોતાના ઓરડામાં પાછા આવ્યા. એનું કારણ એ હતું કે મંદિરમાં કંઈ મહત્ત્વપૂર્ણ ઘટના ઘટતી હતી.
નવા શિષ્યને એક અદ્ભુત અનુભૂતિ થઈ. મંત્રપ્રાપ્ત થતાં જ એમનામાં એક નવી આધ્યાત્મિક ચેતનાનો ઉદય થયો, એની આંખોમાંથી આંસું વહેવાં માંડ્યાં. અને તેઓ ઊંડાં ધ્યાનમાં ડૂબી ગયા. ગુરુની પાસે પાછા ફર્યા પછી કેવી રીતે એમની કૃપાથી એનું હૃદય દિવ્યશાંતિથી ભરપૂર થયું, એ વાત એણે કહી. એણે એ પણ કહ્યું કે દીક્ષા વખતે જે મંત્ર આપવામાં આવ્યો હતો, એ જ મંત્ર એમને સ્વપ્નમાં મળ્યો હતો. પરંતુ દીક્ષા વખતે એનો અર્થ સમજાવ્યો ન હતો. એ સાંભળીને મહાપુરુષ મહારાજે કહ્યું: ‘વત્સ! આજે સ્વયં ભગવાને તારા પર કૃપા કરી છે. તેઓ જ બીજા પર દયા કરી શકે છે. અમે તો એમના હાથનું યંત્ર માત્ર છીએ. ભગવાન ગુરુના હૃદયમાં પ્રગટ થઈને શિષ્યના હૃદયમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર કરે છે. મેં તો તમને પ્રભુને સમર્પિત કરી દીધા છે. એમણે જ તમારા જીવન અને તમારા ભવિષ્યની જવાબદારી લઈ લીધી છે.’
ચિરંતન ગુરુ
કહેવત છે કે માનવ ગુરુ શિષ્યના કાનમાં મંત્રનું ઉચ્ચારણ કરે છે, જ્યારે જગદ્ગુરુ ભક્તના હૃદયમાં બોલે છે. સાધકમાં અધ્યાત્મ ચેતનાનું ભગવાન દ્વારા જાગરણ થતાં સાચી દીક્ષા થાય છે. સાચો ગુરુ સર્વવ્યાપી ભગવાન, અંતર્યામી પરમાત્મા છે. તેઓ જ સંસારમાં ગતિ, ભર્તા, પ્રભુ, સાક્ષી, નિવાસ, શરણ, સુહૃદય, પ્રભવ અને પ્રલય, આધાર સમસ્ત જ્ઞાનવિધાન અને અવ્યય બીજ છે.
गतिर्भर्ता प्रभुः साक्षी निवासः शरणं सुहृत्।
प्रभवः प्रलयः स्थानं निधानं बीजमव्ययम्॥
(ભગવદ્ ગીતા ૯.૧૮)
સાધારણ ગુરુ અને શિષ્ય પરસ્પર મળે ત્યારે ભગવાનને જોવાનો પ્રયત્ન કરે છે. શિષ્ય ગુરુને ગુરુના ગુરુ પરમાત્માનું મૂર્તિમંત રૂપ સમજે છે. એમના માધ્યમથી ભગવત્કૃપા પ્રવાહિત થાય છે. તે એ જ રૂપે એમની સેવા તથા ઉપાસના કરે છે અને એમની આજ્ઞાનું પાલન કરે છે. ભારતમાં હજારો લોકોએ પાઠ કરેલ પ્રસિદ્ધ શ્લોકોમાં આ વાત વ્યક્ત થઈ છે :
अज्ञान तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया ।
चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ॥
अनेकजन्मसम्प्राप्त कर्मधर्मविदाहिने।
ज्ञानानल्प प्रभावेन तस्मै श्रीगुरवे नमः ॥
અર્થાત્ અજ્ઞાનથી અંધ વ્યક્તિનાં નેત્રોમાં જ્ઞાન રૂપી અંજનશલાકાથી અજ્ઞાનના અંધકાર ઉલેચી નાખનાર શ્રી ગુરુને પ્રણામ કરું છું. આત્મજ્ઞાન આપીને અનેક જન્મોનાં કર્મબંધનોને ભસ્મ કરનાર શ્રીગુરુને હું પ્રણામ કરું છું.
यस्यैव स्फुरणं सदात्मकमसत्कल्पार्थकं भासते
साक्षात्तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्।
यत्साक्षात्करणाद्भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ
तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये॥
અર્થાત્ જેમના સત્ અને ચૈતન્ય પ્રકાશથી અસત્ કલ્પ-જગત પ્રકાશિત થાય છે. જે ‘તત્ત્વમસિ’ વગેરે વેદવચનોથી પોતાના આશ્રિત શિષ્યને બોધ-જ્ઞાન આપે છે, જેમના સાક્ષાત્કારથી જીવ સંસાર-સાગરમાં ફરીથી પતિત થતો નથી, એવા કલ્યાણકારી ગુરુમૂર્તિ ગ્રહણકારી દક્ષિણામૂર્તિને હું પ્રણામ કરું છું.
જીવાત્મા પરમાત્મા દ્વારા પરિવ્યાપ્ત અને ચારે તરફથી આવૃત્ત છે. પરંતુ અજ્ઞાનને કારણે જીવ આ સત્યને અનુભવી શકતો નથી. દીક્ષાનો હેતુ આ અજ્ઞાનના આવરણને દૂર કરવાનો છે. એકવાર આ આવરણ દૂર થતાં જીવ અને પરમાત્માની વચ્ચેનો સંપર્ક નિયમિત સાધના દ્વારા જાળવી શકાય છે.
આવશ્યકતા અને એની પૂર્તિનો જૂનો નિયમ આધ્યાત્મિક જીવનમાં કાર્ય કરે છે. જો કોઈ સાધક સત્યલોક માટે તીવ્ર વ્યાકુળતા અનુભવે તો સત્યલોક કોઈને કોઈ સ્રોતમાંથી અવશ્ય મળવાનું જ. એમાં કંઈક થાય છે, સાધકનું હૃદય ભગવત્કૃપા માટે ઉન્મુક્ત થઈ જાય છે, જાણે કે ઈશ્વરીય જ્ઞાનલોક એના પર તૂટી પડે છે. અને જેમ જેમ તે પરમ સત્યની નિકટ પહોંચે છે, તેમ તેમ તે પરમાત્મા-જ્યોતિને બધાં પ્રાણીઓમાં પ્રકાશિત થતી જોઈ શકે છે. અને જ્યારે ગુરુઓના પરમગુરુ પરમાત્મા સાથે એક બની જાય છે, એ વખતે તે બીજા માટે ઈશ્વરીય જ્ઞાનનો સ્રોત બની જાય છે. એ ભગવાનની જ સેવા કરે છે, જે ચિરંતન ગુરુ છે, તેમજ જે સદીઓથી જીવોને ઉપદેશ આપીને ઉદ્બુદ્ધ કરે છે એવા દૃઢજ્ઞાનથી બધાં પ્રાણીઓની સેવા કરે છે. તે ચિરંતન ગુરુ એમને જ્ઞાનાલોક અર્પે છે, એમનું પથપ્રદર્શન પણ કરે છે.
Your Content Goes Here




