શ્રી વાલ્મીકભાઇ દેસાઈ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા છે અને પોતાની નિઃસ્વાર્થ સેવા આ સામયિક માટે નિરંતર આપી રહ્યા છે. જે ભક્તજનો શ્રીરામકૃષ્ણદેવનું જન્મસ્થળ કામારપુકુર, શ્રીમા શારદાદેવીનું જન્મસ્થળ જયરામવાટી, શ્રીરામકૃષ્ણદેવે જ્યાં જ્યાં નિવાસ કર્યો હતો તે પવિત્ર લીલાસ્થળો, રામકૃષ્ણ મઠ અને મિશનનું વડું મથક બેલુર મઠ વગેરે આધુનિક તીર્થસ્થળોની યાત્રા કરવા માગે છે તેઓ માટે આ રસપ્રદ યાત્રા – વર્ણન વિશેષ લાભદાયક નીવડશે. – સં.
જ્યારે આપણે શ્રીરામનો વિચાર કરીએ છીએ કે તરત જ આપણને અયોધ્યા, ચિત્રકૂટ અને પંચવટીનો વિચાર આવે છે. શ્રીકૃષ્ણને યાદ કરતાં જ મથુરા, ગોકુળ, વૃંદાવન, દ્વારકા અને કુરુક્ષેત્રનાં નામો આપણા મનમાં ખડાં થઈ જાય છે. જે જે જગ્યાઓ ઈશ્વરી મનુષ્યો સાથે સંકળાયેલી છે. તે બધી પવિત્ર યાત્રાળુઓને એમના તરફ આકર્ષે છે. યુગોના યુગો પસાર થઈ જશે તો પણ અવતારોની સાથે જોડાયેલાં પુણ્યતીર્થોની પવિત્રતા જળવાઈ રહેવાની છે અને અનેક માનવીઓને આ તીર્થો પ્રેરણા આપતાં રહેવાના છે.
આધુનિક કાળના ભગવાન શ્રીરામકૃષ્ણ ‘અવતાર વરિષ્ઠ’ ગણાય છે. એમને વિશ્વગુરુ તરીકે તથા પયગંબર તરીકે વર્ણવવામાં આવ્યા છે તે ખરેખર યથાર્થ છે. એમનો સંદેશ આખા વિશ્વમાં પ્રસરેલો છે. એઓ પોતે જ્યાં જ્યાં રહ્યા અને કાર્ય કર્યું તે ખૂબ નાની નાની જગ્યાઓ હતી પરંતુ એઓ પોતે તો સમસ્ત વિશ્વ માટે જીવ્યા અને કાર્ય કર્યું. આથી એ ખૂબ સ્વાભાવિક છે કે એમના રહેવાથી જે જે જગ્યાઓ પવિત્ર બની તે તીર્થસ્થાનો બની ગયાં છે. એમના જન્મસ્થળ, કાર્યક્ષેત્ર તથા તપસ્યાની જગ્યાઓ વગેરે સ્થળોએ યાત્રાળુઓનો સતત પ્રવાહ ચાલ્યા જ કરે છે. આ યાત્રાળુઓમાં માત્ર ભારતના જ નહીં પરંતુ દેશ – વિદેશથી આવનારાઓનો પણ સમાવેશ થાય છે.
આ પવિત્ર સ્થાનોની મુલાકાત લેવાનું અમને પણ મન થયું. બે મહિના અગાઉથી યોજના ઘડીને અમે બેલુરમઠના વ્યવસ્થાપકોને પત્ર લખીને મઠના અતિથિગૃહમાં દસ દિવસ માટે મારી તથા મારાં પત્નીની રહેવાની વ્યવસ્થા કરવા વિનંતિ કરી. અમારે કલકત્તાથી જગન્નાથપુરી તથા ભુવનેશ્વર જવું હતું એટલે કલકત્તાથી જગન્નાથપુ૨ી જવાની તથા ભુવનેશ્વરથી કલકત્તા આવવાની બે ટિકિટનું રિઝર્વેશન કરવા તથા કલકત્તાથી વડોદરા પરત આવવા માટે બે ટિકિટનું રિઝર્વેશન કરાવવાની વિનંતિ પણ કરી. બેલુર મઠ ભક્ત યાત્રાળુઓની કેટલી બધી સગવડ સાચવે છે એનું આ દૃષ્ટાંત છે. અમારી રહેવાની, જમવાની બેલુર મઠમાં વ્યવસ્થા થઈ ગઈ અને અમારી વિનંતિ પ્રમાણેની ટિકિટો પણ રિઝર્વ થઈ ગઈ અને એ મતલબનો પત્ર અમને સમયસર મઠના આસિસ્ટન્ટ સૅક્રેટરી મહારાજ તરફથી મળી ગયો. સૂચના મુજબ અમે એ પત્ર લઈને જ કલકત્તાની સફર આદરી.
કલકત્તાની અમારી પ્રથમ મુલાકાત હોવાથી અમારા એક જાણીતા સંબંધીને પત્ર લખેલો. ટ્રેન હાવડા સ્ટેશને પાંચ કલાક મોડી પહોંચી. અમારા સંબંધીએ અમને ટેક્ષી દ્વારા બેલુર મઠ પહોંચાડ્યા. અમે કાર્યાલયમાં ગયાં અને તરત જ અમારી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. જે ભાવથી અમને આવકારવામાં આવ્યાં તે આજે પણ ભૂલી શકાય એમ નથી. અતિથિગૃહના મૅનૅજર મહારાજ પણ ખૂબ મળતાવડા અને હસમુખા હતા. ત્યાંના સેવકો પણ નમ્ર અને સેવાભાવી હતા. એમણે અમારી દસેય દિવસની સગવડ ખૂબ સરસ રીતે સાચવી.
અમારા નિવાસ દરમિયાન અમે બેલુડ મઠમાં આવેલ તમામ પવિત્ર સ્થાનોનાં દર્શને રોજ જતાં તથા મંદિરમાંની આરતી, સ્તુતિ, પ્રાર્થના તથા ભજનોના કાર્યક્રમોમાં હાજરી આપતાં અને અનેરો લહાવો લેતાં. મઠ અને મિશનના પ્રધાન અધ્યક્ષશ્રી તથા અન્ય જાણીતા સ્વામીઓનાં દર્શને પણ જતાં અને એમને પ્રણામ કરતાં. અમારા નિવાસ દરમ્યાન અમે કલકત્તાનાં શ્રીરામકૃષ્ણ મઠ – મિશનનાં સ્થળોનાં દર્શને ગયાં તથા બસમાં કલકત્તાથી કામારપુકુર અને જયરામવાટી પણ દર્શને જઈ આવ્યાં. આ લેખનો હેતુ આ બધાં પુણ્યતીર્થોની એક ઝલક આપવાનો છે.
બેલુર મઠ
શ્રીરામકૃષ્ણના સંદેશનો આખા વિશ્વમાં જેના દ્વારા પ્રચાર થાય છે એ વિશ્વવ્યાપી રામકૃષ્ણ મઠ અને મિશનનું મુખ્ય મથક બેલુર મઠમાં છે. પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કિનારે કાશીપુરના ઘાટની બરાબર સામેના કિનારે આ મઠ આવેલો છે.
કમ્પાઉન્ડની ઉત્તર દિશાના ખૂણામાં સ્નાન ઘાટની સામે જ મઠનું બે માળનું મકાન છે. પ્રથમ મજલાની દક્ષિણ દિશા તરફ સ્વામી વિવેકાનંદ જેમાં રહેલા અને જ્યાં નિર્વાણ પામેલા તે પ્રસિદ્ધ ખંડ છે. એમની મહાસમાધિને દિવસે એ ખંડના ફર્નિચર અને બીજી સાધન સામગ્રી જેમ હતી તેમની તેમ જ સાચવી રાખવામાં આવી છે. આ ખંડ પાસેથી પસાર થતાં – અમે સ્વામી વિવેકાનંદને અંતરથી અંજલિ આપી.
મઠની દક્ષિણ દિશા તરફ આગળ જતાં સ્વામી બ્રહ્માનંદનું મંદિર આવેલું છે. તેઓ શ્રીરામકૃષ્ણ મઠના પ્રથમ અધ્યક્ષ હતા.
મુખ્ય મઠ અને સ્વામી બ્રહ્માનંદના મંદિરની વચ્ચેના ભાગમાં શ્રીરામકૃષ્ણદેવનું મંદિર આવેલું છે. આ મંદિર ૧૪મી જૂન ૧૯૩૮માં સ્વામી વિજ્ઞાનાનંદજીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવેલું. એ મંદિરનું શિખર ૭૮ ફૂટ ઊંચું છે. સૌંદર્ય અને ભવ્યતા બંને દૃષ્ટિએ આ એક અદ્ભુત અને અનોખી ઈમારત છે. એના અદ્વિતિય સ્થાપત્યની રચનાનો નકશો સ્વામી વિવેકાનંદજીની કલ્પનામાં પહેલ વહેલો ૧૮૯૭માં સ્ફૂર્યો. વિશાળ પ્રાર્થના ખંડ છે. ત્રણે બાજુ બાલ્કનીઓ છે. મંદિરના ગર્ભગૃહમાં સમાધિમગ્ન શ્રીરામકૃષ્ણદેવની ભવ્ય મૂર્તિ છે.
મઠની ચોખ્ખાઈ આંખે ઊડીને વળગે તેવી છે. વિશાળ કમ્પાઉન્ડમાં કોઈ પણ જગ્યાએ કચરો અથવા ગંદકીનું નામનિશાન જોવા ન મળે. બધાં મંદિરો ખૂબ સ્વચ્છ અને સુઘડ છે. દરેક મંદિરમાં અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. દરેક મંદિરની મૂર્તિઓ જીવંત લાગે એવી એની સુંદર રચનાકળા છે. દરેક જગ્યાએ સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને સેવકોની નમ્રતાનો અમને હૃદયસ્પર્શી અનુભવ થયો. ધીરેથી પણ ખૂબ સ્પષ્ટતાથી બોલવાની બધાની રીત એક અનોખો અનુભવ કરાવી ગઈ. મઠના કુશળ અને શ્રેષ્ઠ વ્યવસ્થાતંત્ર માટે ‘ખૂબ સરસ’, ‘ઉત્તમ’, ‘અદ્ભુત’ એવા જ શબ્દો મુખમાંથી સરી પડ્યા.
સ્વામી બ્રહ્માનંદ મંદિરની દક્ષિણ દિશા તરફ જતાં નદીના ઘાટની સામે શ્રી શ્રીમા શારદાદેવીનું મંદિર છે. આ મંદિર ૨૧મી ડિસેમ્બર ૧૯૨૧ના રોજ અર્પણ કરવામાં આવેલું. શ્રી શ્રીમાના મંદિરમાં પ્રવેશ કરતાં જ અમે અસરકારક શાંતિનો અનુભવ કર્યો. ત્યાં બેસીને ધ્યાન જપ કરવાનું મન થયા સિવાય રહેતું નથી. શ્રી શ્રીમાની અપાર કરુણાનો પરોક્ષ અનુભવ થયો. ત્યાં થોડી વાર બેઠાં અને ધ્યાનસ્થ થઈ શ્રી શ્રીમાનું અંતરથી સ્મરણ કર્યું.
શ્રી શ્રીમાના મંદિરથી એ જ દિશામાં આગળ વધીએ એટલે સ્વામી વિવેકાનંદનું મંદિર આવે છે. આ મંદિરના ભોંયતળિયે સ્વામીજીની સમાધિ છે અને પહલે માળે ૐ મંદિર છે. એમ કહેવાય છે કે આ સ્થળ આ જ હેતુ માટે રાખવાનું સ્વામીજીએ પોતે જ નક્કી કર્યું હતું. મંદિરની પ્રદક્ષિણા કરતી વખતે સ્વામીજીનો પ્રભાવશાળી ચહેરો તથા તેમનું આદર્શમય જીવન ચરિત્ર આપણી આંખ સામે આવીને ખડું થઈ જાય છે. હૃદયના ભાવથી એમને વંદન કરી અમે આગળ વધ્યાં.
સ્વામીજીના મંદિર પછી શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ સંન્યાસી – શિષ્યોની સમાધિની જગ્યા છે.
મઠના કેમ્પસમાં આ ઉપરાંત મઠના નિવાસીઓ માટે સામૂહિક આવાસ કક્ષ, રસોઈઘર, ભોજનખંડ, પોસ્ટ ઑફિસ, નિઃશુલ્ક દવાખાનું, મુખ્ય મથક માટેનું કાર્યાલય, પ્રોબેશનરો માટેનું ટ્રેનિંગ સૅન્ટર, પુસ્તકાલય, મિશનનાં પ્રકાશનોના વેચાણ માટેનું મકાન વગેરે મકાનો આવેલાં છે. એક ફાર્મ અને ડેરી પણ છે.
શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા શારદાદેવી, સ્વામી વિવેકાનંદ અને સ્વામી બ્રહ્માનંદની જન્મ જયંતીઓ મોટા પાયા ઉપર ઉજવવામાં આવે છે. આ ઉપરાંત દુર્ગા પૂજા અને શ્રી બુદ્ધ, ક્રાઈસ્ટ, શંકરાચાર્ય અને એવા અન્ય ઈશ્વરી મહાનુભાવો અને પવિત્ર પુરુષોની જન્મ જયંતીઓ પણ ઉજવવામાં આવે છે. શ્રીરામકૃષ્ણદેવની જન્મ જયંતીને દિવસે ત્રણ થી ચાર લાખ લોકોની મેદની ઉમટે છે. બધાં ખૂબ શાંતિપૂર્વક દર્શન કરે છે, પ્રવચનો સાંભળે છે અને પ્રેરણા મેળવે છે. તમામ લોકોને ખૂબ વ્યવસ્થિત રીતે અને સંપૂર્ણ શાંતિપૂર્વક પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
દક્ષિણેશ્વર
બેલુર મઠથી સાંત આઠ કિલોમીટર દૂર જગપ્રસિદ્ધ, દક્ષિણેશ્વરનું ભવતારિણીનું મંદિર (કાલી મંદિર) ગંગાના પૂર્વ કિનારે આવેલું છે. ધનાઢ્ય નારી રાણી રાસમણિએ આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. નવ ગૂંબજ અને શિખરોવાળા આ મંદિરમાં માતાજીની ત્રણ ફૂટ ઊંચી પ્રતિમા કાળા ખડકાળ પથ્થરમાંથી બનાવેલી છે. ચાંદીના સહસ્રદળ કમળ ઉપર શિવજીની સૂતેલી પ્રતિમા સફેદ સંગેમરમર ઉપર બિરાજે છે. શિવજીની છાતી ઉપર માતાજી ઊભેલાં છે. આ મંદિરની સામેના જ ભાગમાં નાટ્યમંદિર આવેલું છે. જ્યારે મંદિરની સામે ઊભા રહીએ છીએ ત્યારે શ્રી કાલીમાએ શ્રીરામકૃષ્ણદેવ સાથે કરેલી લીલાઓ આપણી આંખ સમક્ષ પ્રત્યક્ષ થાય છે. આ એ જ મૂર્તિ છે જેમાંથી માતાજી સ્વયં પ્રકટ થયાં હતાં અને શ્રીરામકૃષ્ણદેવના હાથમાંથી તલવાર લઈ લીધી હતી. આ એ જ મૂર્તિ છે જેમની સાથે શ્રીરામકૃષ્ણદેવે અનેક વખત વાતો કરી છે. માતાજી એમની સામે સ્મિત કરતાં, વાતો કરતાં અને એમને સાંત્વન આપતાં. શ્રીરામકૃષ્ણદેવના જીવનનો જેમણે અભ્યાસ કર્યો છે તેમની સમક્ષ આવાં અનેક દૃશ્યો પ્રકટ થાય છે. મંદિરની પ્રદક્ષિણા ભાવપૂર્વક કરી અમે આગળ વધ્યાં.
કાલી મંદિરની ઉત્તર બાજુએ વિશાળ રાધાકૃષ્ણ (રાધા અને કૃષ્ણ)નું મંદિર આવેલું છે. પાસેના ઓરડામાં શ્રીકૃષ્ણની એ જ મૂર્તિ રાખવામાં આવી છે, જેનો એક પગ પૂજારી શ્રીક્ષેત્રનાથની નિષ્કાળજીથી ભાંગી ગયો હતો અને શ્રીરામકૃષ્ણદેવે પોતાની કુશળ કારીગરીથી એક નિષ્ણાતની અદાથી એનું એવું સમારકામ કર્યું હતું કે જાણે મૂર્તિને કાંઈ થયું જ ન હોય.
કાલી મંદિર, નાટ્યમંદિર અને રાધાકાન્તના મંદિરની આસપાસના ભાગોમાં કર્મચારીઓ, અતિથિઓ માટેના ખંડો તથા રસોઈ ઘર આવેલાં છે.
નૈઋત્ય ખૂણા તરફ જતાં શ્રીરામકૃષ્ણદેવ રહેતા હતા તે પવિત્ર ઓરડો આવેલો છે. આ ઓરડામાં પ્રવેશ કરતાંની સાથે જ આપણને શ્રીરામકૃષ્ણદેવની પરોક્ષ હાજરીનો તથા ચારે બાજુથી આવતી એક પ્રકારની સુંદર સુગંધનો અનુભવ થાય છે. આ ઓરડાની ઉત્તર દિશામાં એક વરંડો છે જેની સામે બે મજલાનું ગોળાકાર મકાન છે. આ એ જ નોબતખાનું છે. જ્યાં શ્રી શ્રીમા શારદાદેવી રહેતાં હતાં. શ્રીરામકૃષ્ણદેવનો આ ઓરડો એઓશ્રી રહેતા હતા ત્યારે જેવો હતો એવી જ સ્થિતિમાં રાખવામાં આવ્યો છે. માત્ર ટાઈલ્સ નવી જડવામાં આવી છે. આ ઓરડામાં પથારીવાળા બે નાના મોટા ખાટલા છે. આમાંથી મોટા ખાટલા ઉપર શ્રીરામકૃષ્ણદેવ સૂતા હતા અને નાના ખાટલા ઉપર દિવસ દરમિયાન બેસતા હતા. આ જ ઓરડામાં તેઓશ્રી મુલાકાતીઓ સાથે વાતચીત કરતા હતા અને પોતાના શિષ્યોને અધ્યાત્મનું શિક્ષણ આપતા હતા. ભક્તોને કથામૃતનું પાન તેઓ આ જ ઓ૨ડામાંથી કરાવતા હતા. ખાટલા ઉપર શ્રીરામકૃષ્ણદેવના ફોટા રાખવામાં આવ્યા છે, જેની રોજ પૂજા થાય છે. આ ઓરડામાં આપણને પ્રગાઢ શાંતિનો અનુભવ થાય છે. આપણા જીવનની એક યાદગાર પળ આપણને પ્રાપ્ત થઈ છે એવી ભાવના થાય છે. લાંબો સમય ત્યાં બેસીને શ્રીરામકૃષ્ણદેવનું સ્મરણ કરી ધ્યાનમગ્ન થવાની ઇચ્છા થાય છે. ખરેખર મનમાં એમ થાય છે કે આંખો બંધ કરીને ક્યાંય સુધી બેસી રહીએ! નજર સમક્ષ શ્રીરામકૃષ્ણ કથામૃતના પાને પાને પથરાયેલી એમની અમૃતવાણીનું પાન જાણે કે એઓશ્રી આપણને કરાવી રહ્યા હોય એવો ગૂઢ અનુભવ પણ થયા કરે છે. અમે થોડી વાર ધ્યાનસ્થ થઈ શ્રીરામકૃષ્ણદેવનું ભાવપૂર્વક સ્મરણ કર્યું તથા વંદન કરીને, ચરણામૃત લઈને અમે આ સ્થળેથી વિદાય લીધી. અમને જે અનુભવ થયો એ શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે.
બાર શિવલિંગોનાં દર્શન કરતાં દ્વાદશ જ્યોતિર્લિંગની આપણી યાત્રા સંપૂર્ણ થઈ ગઈ એવો ભાવ જાગે છે.
નોબતખાનાની ઓરડી જોઈને શ્રીશ્રીમાનું આખું જીવન પ્રત્યક્ષ થઈ ગયું. આટલી નાના ઓરડામાં એમણે જીવન વીતાવ્યું અને તે પણ એકેય ફરિયાદ સિવાય! અને હસતે મોઢે તમામની સેવા કરી! ખરેખર શ્રી શ્રીમાના જીવનમાંથી આજની નારીએ ઘણું ઘણું શીખવાનું છે.
નોબતખાનાથી થોડે દૂર બકુલતલાનો સ્નાનઘાટ આવેલો છે. આ એ જ ઘાટ છે જ્યાં શ્રી શ્રીમા રોજ સ્નાન કરતાં હતાં. શ્રીરામકૃષ્ણદેવનાં તાંત્રિક ગુરુ શ્રી ભૈરવી બ્રાહ્મણી આ જ ઘાટ ઉપરથી મંદિરના ઉદ્યાનમાં આવેલાં.
આગળ ઉત્તર તરફ નદી તરફ જતાં પંચવટી અને વિશાળ વટવૃક્ષ નજરે પડે છે. આ એ જ વટવૃક્ષ છે જેની નીચે બેસી શ્રીરામકૃષ્ણદેવ ધ્યાન કરતા હતા અને પોતાના શિષ્યોને શીખવતા હતા. ત્યાંથી આગળ વધીને છેક છેલ્લે ખૂણે તે બિલ્વવૃક્ષ જોયું જેની તળે શ્રીરામકૃષ્ણદેવે તાંત્રિક સાધનાઓ કરી હતી.
દક્ષિણેશ્વર ગયાં તો કાલી મંદિરથી થોડેક દૂ શ્રીશારદા મઠ છે. ત્યાં જઈને આશ્રમ પણ જોયો. આ મઠમાં જે બહેનો બ્રહ્મચારિણી બનીને પછી સંન્યાસિની બને છે તેમને માટેના નિવાસસ્થાનો છે. શ્રી શારદામઠનાં પણ ઘણાં કેન્દ્રો ભારતમાં તેમ જ પરદેશમાં છે. આ મઠના પ્રાંગણમાં શ્રી શ્રીમાનું ભવ્ય મંદિર બરાબર બેલુર મઠમાં આવેલા શ્રીરામકૃષ્ણદેવના મંદિર જેવું જ છે. આ મંદિરમાં શ્રી શ્રીમા, તથા શ્રી ઠાકુર અને સ્વામીજીની પૂજા અર્ચના નિત્ય થાય છે. ત્યાં પણ બધા ઉત્સવો ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે.
કાશીપુરનો બગીચો
દક્ષિણેશ્વરથી ‘માએર બાડી’ (માંનુ ઘર) ‘ઉદ્બોધન કાર્યાલય’ જઈએ ત્યાં રસ્તામાં જ કાશીપુર ઉદ્યાનની જગ્યા આવે છે. શ્રી શ્રીઠાકુરને સને ૧૮૮૫ની ૧૧મી ડિસેમ્બરે ગોકુલચંદ્ર ભટ્ટાચાર્યના શ્યામપુકુર નામની શેરીમાંના મકાનમાંથી આ મકાનમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળ સુંદર છે. ચિત્તને પ્રસન્ન કરે એવું પ્રકૃતિનું દૃશ્ય, સ્વચ્છ હવા અને પ્રેરક એકાંતને લીધે શ્રી શ્રીઠાકુરને આ સ્થળ ઘણું ગમી ગયું હતું. પાંચેક એકરમાં પથરાયેલ આ સોહામણા સ્થળે ફળફૂલથી સુશોભિત બાગ છે. દક્ષિણેશ્વરના અવતારી સંતપુરુષે આ જ સ્થળે પોતાની અંતિમ સમાધિ શય્યા કરી. આ સ્થળે સ્વામીજી પોતાની સાથે ગુરુ – સેવામાં રોકાયેલા આદર્શપ્રિય યુવાનોને અભ્યાસ, સંગીત અને આધ્યાત્મિક વિષયોની ચર્ચા તથા શ્રી શ્રીઠાકુરના જીવનની વિશિષ્ટતાઓની આલોચના, ચર્ચા વગેરેમાં મશગુલ રાખતા. સને ૧૮૮૬ના જાન્યુઆરીની પહેલી તારીખે ‘સૌને ચૈતન્ય થાઓ’ એમ બોલીને શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને આશીર્વાદ આપ્યા હતા અને આ જ ઉદ્યાનમાં સમાધિમગ્ન થઈને ઊભા હતા. સૌ ભક્તોએ એમની ચરણરજ માથે ચઢાવી અને એક પછી એક બધાએ એમને પ્રણામ કર્યા. શ્રી શ્રીઠાકુરે મન મોકળું કરીને સ્પર્શ કરીને સૌ ઉપર આશીર્વાદ વરસાવ્યા. બધા ભક્તોને જુદો જુદો અનુભવ થયો. ગુરુદેવે આજે કલ્પતરુ થઈને કશા ભેદભાવ વિના કૃપા વરસાવી. આ ઉદ્યાનમાં ફરતાં આજે પણ આપણને શ્રી શ્રીઠાકુરની આ ઘટના તાદૃશ્ય થઈ આવે છે.
‘ઉદ્બોધન’ ભવન
શ્રી શ્રીમાના નિવાસસ્થાન માટે તથા શ્રીરામકૃષ્ણ મઠ – મિશનના પ્રકાશન ‘ઉદ્બોધન’ માટે ૧૨-૧૩, ગોપાલચંદ્ર નિયોગી લેઈન, બડા બાઝારમાં ૨૩૪૦ ચોરસ ફૂટ જમીનનો એક ટુકડો ઘાસના એક વેપારી શ્રી કેદાર ચન્દ્રદાસે બેલુરમઠને ભેટ આપ્યો. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી શારદાનંદજીએ આ જગ્યાએ ભોંયતળિયું તથા એક માળનું મકાન બંધાવ્યું. દસ ખંડવાળું આ મકાન સને ૧૯૦૮માં તૈયાર થઈ ગયું અને સને ૧૯૦૯ની મેની ૨૩મી તારીખે શ્રી શ્રીમાના પ્રવેશ સાથે આ સ્થળ પવિત્રધામ બની ગયું. ૨૮મી ડિસેમ્બર ૧૯૦૯માં સાથેનો ૯૦૦ ચોરસ ફૂટનો પ્લૉટ લેવામાં આવ્યો અને સને ૧૯૧૫માં વધારે ઓરડાઓ બાંધવામાં આવ્યા. આ મકાનને લોકો ‘માએર બાડી’ (માનું ઘર) તરીકે ઓળખે છે. ઉદ્બોધન (બંગાળી માસિક)નું પ્રકાશન કાર્ય અહીંથી થાય છે તેથી આ મકાન ‘ઉદ્બોધન’ એવા નામથી પણ ઓળખાય છે. પહેલે માળે શ્રી શ્રીમાનો ઓરડો છે. હજારો ભક્તો અહીં આવે છે અને શ્રી મા શારદાદેવીના ચિત્રના દર્શન કરી પાવન થાય છે. અમે પણ ત્યાં બેસી હૃદયપૂર્વક વંદન કરી શ્રી શ્રીમાનાં દર્શન કર્યાં અને પાવન થયાં.
કામારપુકુર
અમે બસમાં કલકત્તાથી સો કિલોમીટર દૂર આવેલા કામારપુકુર તથા ત્યાંથી ત્રણ કિલોમીટરના અંતરે આવેલા જયરામવાટી પણ જઈ આવ્યાં. હુગલી જિલ્લાનું આરામબાગ સબ ડિવિઝનમાં આવેલું કામારપુકુર એક નાનકડું ગામ છે. બર્દવાનથી જગન્નાથપુરી તરફ આજથી દોઢસો વર્ષ પહેલાં જ્યારે કોઈ યાત્રાળુ આ ગામના આરામગૃહ પાસેથી પસાર થતો હશે ત્યારે તેણે થોડો આરામ કરીને આગળથી મુસાફરી શરૂ કરી હશે. એ સમયે એ ગામની અંદર જવાની ઇચ્છા એને થઈ નહિ હોય. આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. ત્યાંના ગામડાના યાત્રાળુઓ જ નહિ, પરંતુ ભારતમાંથી અને સમસ્ત વિશ્વના દરેક ભાગમાંથી આવતા સંખ્યાબંધ યાત્રાળુઓ એ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે કે જ્યારે તેઓ આ ગામડાની મુલાકાતે જાય અને ત્યાંથી આધ્યાત્મિક વાતાવરણનો લાભ લઈને પોતાને ધન્ય બનાવે.
શ્રીરામકૃષ્ણદેવનો જન્મ ૧૮મી ફેબ્રુઆરી ૧૮૩૬ના દિવસે થયો ત્યારથી આ ગામ સઘળાં પવિત્ર તીર્થસ્થાનોમાં સૌથી પવિત્ર બની ગયું છે. ત્યાં એટલા બધા યાત્રાળુઓ આવે છે કે એ બધાંને સમાવવા માટે પુરાતન દેખાતા વાતાવરણમાં આધુનિક મકાનો બાંધવા પડ્યાં છે. આ ગામડાએ હવે એવો દેખાવ ધારણ કર્યો છે કે જાણે ઘણાં બધાં આરામગૃહો તથા માટીનાં ઝૂંપડાઓ વિશ્વમાંથી ઠલવાતા યાત્રાળુઓને આશ્રય આપવાની રાહ જોતાં હોય! અને ખરેખર એ બધાં મકાનોમાં યાત્રાળુઓની સારી એવી ભીડ જોવા મળે છે. અમે તો કામારપુકુર બસમાં ગયાં પરંતુ હાવડાથી તારકેશ્વર સુધી ઈલેકિટ્રક ટ્રેનમાં અવાય છે જે હાવડાથી પચાસેક કિલોમીટર દૂર છે. ત્યાંથી બસમાં બેસી કામારપુકુર અવાય છે જે લગભગ એટલું જ દૂર છે.
કુદરતી સૌંદર્યથી ભરપૂર તથા શાંત અને રમણીય એવા આ ગામનું પૂરેપુરું વર્ણન કરવું અશક્ય છે. ચારે બાજુએ વિશાળ લીલાંછમ ડાંગરનાં ખેતરોથી ઘેરાયેલું એ ગામ શરદઋતુમાં વનરાજીના દરિયામાં જાણે કે તરતો ટાપુ હોય એવું લાગે છે. અને શિયાળામાં જ્યારે ડાંગરનાં આ શુષ્ક ખેતરોની જમીન ઉપર લાલ માટી પથરાઈ ગયેલી હોય એટલે રણમાં જાણે કે મરુ ઉદ્યાન ખીલ્યું હોય એવું લાગે છે. ગામના લોકો મુખ્યત્વે ખેતીના ધંધામાં રોકાયેલા છે. પરંતુ નાના પાયા પરના લઘુ ઉદ્યોગ જેવા કે હેન્ડલુમ દ્વારા સુતરાઉ કાપડ બનાવવું, કાળા અબનૂસના લાકડામાંથી હુક્કાની ચલમ બનાવવી, મિઠાઇ બનાવવી વગેરે દ્વારા પણ લોકોનું ગુજરાન ચાલે છે. ત્યાંના લોકો ધાર્મિક અને શાંત પ્રકૃતિના છે. જુદા જુદા દેવી-દેવતાઓનાં પૂજન કરનારાઓ અને જુદી જુદી જ્ઞાતિઓના લોકો પૂરા સંપ અને શાંતિથી રહે છે. આ ગામમાં ચૈત્ર મહિનામાં મનસાદેવી તથા ભગવાન શિવની પૂજા, વૈશાખ અથવા જેઠ મહિનામાં હરિની પૂજા, આશ્વિન માસમાં દૂર્ગાપૂજા અને ફાગણ મહિનામાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવનો જન્મદિવસ વગેરે ધાર્મિક ઉત્સવો ખૂબ ઉલ્લાસના વાતાવરણમાં અને ભક્તિભાવપૂર્વક યોજાય છે.
કામારપુકુરમાં જોવાલાયક જગ્યાઓમાં
(૧) શ્રીરામકૃષ્ણદેવનું મંદિર
(૨) શ્રીરામકૃષ્ણદેવનાં કુટુંબમાં જે શ્રી રઘુવીરની પૂજા થતી હતી તેનું મંદિર
(૩) શ્રીરામકૃષ્ણદેવ જે ઓરડામાં રહેતા તે તથા
(૪) શ્રીરામકૃષ્ણદેવની કિશોરાવસ્થા સાથે સંકળાયેલી પવિત્ર જગ્યાઓ વગેરેનો સમાવેશ કરી શકાય.
(૧) શ્રીરામકૃષ્ણદેવનું મંદિર :
જે જગ્યાએ શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયો હતો તે જ જગ્યાએ સંગેમરમરની શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિ જેમાં છે તે મંદિર સુંદર પત્થરોનું બનેલું છે. જે દિવસે શ્રીરામકૃષ્ણદેવનો અહીં જન્મ થયો તે દિવસે ત્યાં એક ડાંગર ખાંડવાનું મશીન તથા ડાંગરને બાફવા માટેના ચૂલાની જગ્યાવાળી છાપરી હતી. આ નવા મંદિરમાં વેદીની દીવાલ ઉપર આ વસ્તુઓ કોતરેલી નજરે પડે છે. અહીં આપણને શ્રી શ્રીઠાકુરના જન્મ વખતની વાત યાદ આવી જાય છે. ધનીએ ચંદ્રાદેવીની પ્રસવ વખતની બધી આવશ્યક સારવાર કરી અને જ્યાં નવા જન્મેલા બાળકની સફાઈ કરવા સારુ એ એને લેવા જાય છે ત્યાં એણે જોયું તો જે ઠેકાણે બાળકને પોતે મૂક્યું હતું ત્યાંથી બાળક ગૂમ થયું છે! ભયભીત થઈને ધનીએ કોડિયાની વાટસંકોરીને પ્રકાશને વધુ તેજ કર્યો અને આજુબાજુ જોવા લાગી તો તેને દેખાયું કે તાજું જન્મેલું બાળક સ૨કતું સરકતું ડાંગર બાફવાની મોટી ચૂલના પહોળા મોઢામાં પેસીને આખે શરીરે રાખથી ભરેલું ‘ભસ્માંગરાગ’ થયેલું પડ્યું છે અને ચૂંકારોય કરતું નથી. ધની તો ભારે નવાઈ પામી ગઈ અને તરત જ હળવેકથી બાળકને ઉઠાવી લીધું. પછી સાફસૂફ કરીને દીવાના અજવાળામાં જોયું તો અદ્ભુત સુંદર દેખાવડો અને છ મહિના જેવડો મોટો છોકરો હતો.
આ મંદિર અને ૧૯૫૧માં શ્રીરામકૃષ્ણ મઠે બંધાવેલું અને એની જાળવણી પણ મઠ તરફથી જ કરવામાં આવે છે. શ્રીશ્રી ઠાકુરની સંગેમરમરની મૂર્તિની સ્થાપના અને પ્રતિષ્ઠા ૧૧મી મે ૧૯૫૧ને દિવસે કરવામાં આવી હતી. ત્યારથી આજ સુધી રોજ એની પૂજા અર્ચના કરવામાં આવે છે. મંદિરની બરાબર સામેના ભાગમાં એક સભામંડપ બાંધવામાં આવ્યો છે જ્યાં ભક્તો બેસીને પૂજા દરમિયાન ભજન કીર્તન કરે છે.
(૨) શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના ઈષ્ટદેવનું મંદિર :
શ્રીરામકૃષ્ણદેવના મંદિરની જમણી તરફ શ્રી રઘુવીરનું શાલીગ્રામનું મંદિર છે જે શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના ઈષ્ટદેવ હતા. આ જગ્યાએ માટીની એક ઝુંપડી જ હતી. મંદિરની આજની ઈમારતની લંબાઈ પહોળાઈ બરાબર જૂની ઝુંપડીના માપ જેવી જ છે. આ મંદિરમાં રઘુવીરના શાલીગ્રામ ઉપરાંત, શીતલાદેવીની પ્રતિનિધિરૂપ માટીની બરણી, રામેશ્વરનું શિવલિંગ, ગોપાલની મૂર્તિ તથા નારાયણના શાલીગ્રામ રાખવામાં આવ્યા છે અને રોજ આ બધાની પૂજા અર્ચના થાય છે. ગોપાલની મૂર્તિ તથા નારાયણના શાલીગ્રામની પૂજા શ્રી શ્રીઠાકુરનાં ભત્રીજી કરતાં. શ્રી શ્રીઠાકુર પૂજા કરતા હતા ત્યારે આ મૂર્તિઓ ત્યાં નહોતી. શ્રીરામકૃષ્ણ દેવના જીવનચરિત્રનો જેમણે અભ્યાસ કર્યો હોય તેમને આ રઘુવીરના શાલીગ્રામની મૂર્તિ કેવી રીતે મળી હતી એની બધી વિગતો, આ મૂર્તિઓનાં દર્શન કરતાં યાદ આવી જાય એ સ્વાભાવિક છે.
(૩) શ્રીરામકૃષ્ણ દેવનો રહેવાનો ઓરડો :
શ્રી રઘુવીરના મંદિરની ઉત્તર દિશામાં અને શ્રીરામકૃષ્ણદેવના મંદિરથી વાયવ્ય ખૂણા તરફ જતાં દક્ષિણ તરફના પ્રવેશદ્વા૨વાળી એક માટીની ઝુંપડી જોવા મળે છે. શ્રી શ્રીઠાકુર કામારપુકુરમાં જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી એમનો આ રહેવાનો ઓરડો હતો. જન્મથી સોળ વરસ સુધી અને ૨૨મા વર્ષથી ૪૪માં વર્ષ સુધીમાં છ વખત આ ઓરડામાં તેઓ રહ્યા હતા. આ ઓરડો દેવમંદિરનો એક ભાગ જ છે અને અસંખ્ય ભક્તો આ પવિત્ર જગ્યાએ દંડવત્ પ્રણામ કરીને અને ક્ષણભર ત્યાં બેસીને પોતાને પાવન થયેલા માને છે તથા એમના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણા મેળવે છે.
(૪) અન્ય :
શ્રીરામકૃષ્ણદેવના ઓરડાની પૂર્વ બાજુમાં અને મંદિરના પાછલા ભાગમાં દક્ષિણ તરફના પ્રવેશદ્વારવાળું બે માળનું એક મકાન આવેલું છે. આ મકાનનું ભોંયતળિયું શ્રીરામકૃષ્ણદેવના જીવન દરમ્યાન નિવાસ સ્થાનના એક ભાગ તરીકે વાપરવામાં આવતું હતું. ઉપરનો માળ શ્રીરામકૃષ્ણ દેવના નિર્વાણ બાદ એમના ભત્રીજા શ્રીરામલાલે શ્રીશ્રીમા શારદાદેવીની આર્થિક મદદથી બંધાવ્યો હતો. આ મકાન હવે મંદિરના સ્ટોર્સ તરીકે વપરાય છે. ત્યાં એક બેઠક છે, જ્યાં શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને અને મુલાકાતીઓને મળતા હતા. આ મકાનની ઉત્તર બાજુએ રસ્તો છે અને સામે જુગી મહાદેવનું શિવમંદિર તથા યાત્રાળુઓ માટેનાં આરામગૃહો છે. જુગી મહાદેવનું શિવમંદિર શ્રીરામકૃષ્ણદેવના જન્મ સાથે સંકળાયેલું હોવાથી તે ખૂબ પ્રસિદ્ધ છે. ત્યાં પૂજા કરી તે મંદિરની સામે જ્યારે માતા ચંદ્રાદેવી ઊભાં હતાં અને ધની સાથે વાત કરતાં હતાં ત્યાં તો સામેની શિવલિંગમાંથી એક વિશાળ જ્યોતિ નીકળી અને આખું મંદિર તેજોમય થઈ ગયું. એ એની સામે જોતાં જ હતાં ત્યાં તો એકદમ મોટા મોજાના રૂપમાં એ જ્યોતિ બહાર આવી અને એઓ ધનીને કાંઈ કહેવા જાય તે પહેલાં જ એ જ્યોતિએ એમને આખે આખાં ઢાંકી દીધાં. પ્રબળ વેગથી એમના ઉદ૨માં એ જ્યોતિ પ્રવેશી ગઈ અને ત્યાર પછી એમને દિવ્ય દર્શનો થવા લાગ્યાં. મંદિરના જ પરિસરમાં આંબાનું વૃક્ષ છે. આ વૃક્ષ શ્રી શ્રીઠાકુરે પોતાના જ સ્વહસ્તે વાવેલું એટલે ભક્તો માટે એ ખૂબ પવિત્ર છે અને એને માટે પૂજ્યભાવ ધરાવે છે. આ આંબાના વૃક્ષનાં પાંદડાંઓએ દેશવિદેશના હજારો ભાવિક ભક્તોના પૂજા ઘરમાં આદરણીય સ્થાન મેળવ્યું છે. આ વૃક્ષ પાસે ઊભા રહીને ઘણાયે ભક્તો ધ્યાનસ્થ થાય છે અને જાણે કે શ્રી શ્રીઠાકુરને પ્રત્યક્ષ જોતા હોય એવો અનુભવ કરે છે.
શ્રી શ્રીઠાકુરની બાળલીલા અને બાલ્યાવસ્થાની રમતો સાથે સંકળાયેલી અન્ય જગ્યાઓ પણ કામારપુકુર અને એની આસપાસમાં છે, જ્યાં યાત્રાળુઓ ભક્તિભાવપૂર્વક અવશ્ય જાય છે અને દર્શન કરે છે. એમાં મુખ્ય છે
(૧) હલદારપુકુર તળાવ જેમાં શ્રી શ્રીઠાકુર સ્નાન કરતા અને મિત્રમંડળ સાથે પાણી ઉડાડી ગમ્મત કરતા
(૨) લાહાનું મકાન. આ મકાનના માલિક શ્રી ધર્મદાસ લાહા શ્રી શ્રીઠાકુરના પિતાશ્રી ખુદીરામના ગાઢ મિત્ર હતા અને શ્રી લાહના પુત્ર શ્રી ગયાવિષ્ણુ ગદાઘર (શ્રી શ્રીઠાકુરનું બાલ્યાવસ્થાનું નામ)ના અત્યંત વિશ્વાસુ ભાઈબંધ હતા. આ મકાન સાથે શ્રી શ્રીઠાકુરની બાલ્યાવસ્થાની ઘણી બધી યાદગીરી સંકળાયેલી છે.
(૩) લાહાના મકાન પાસેના સભામંડપમાં બેસતી પ્રાથમિક શાળા જ્યાં શ્રી શ્રીઠાકુરને પાંચમે વર્ષે દાખલ કરવામાં આવ્યા હતા અને જ્યાં થોડો સમય તેઓ ભણવા માટે જતા હતા.
(૪) બે સ્મશાનો : બુધઈમોરલ અને ભૂતિર ખાલ – શ્રી શ્રી ઠાકુર આ સ્મશાનોનો પોતાની સાધનાભૂમિ તરીકે ઉપયોગ કરતા. ઘણી વાર આખો દિવસ અને રાત્રિનો મોટો ભાગ તેઓ પૂજા તથા ધ્યાનમાં ગાળવા માટે ત્યાં જતા
(૫) માણિકરાજાનું આંબાવાડિયું : શ્રી શ્રીઠાકુરનું આ પ્રિય સ્થાન હતું. પોતાના મિત્રોમાંથી એક નાટક મંડળી ઊભી કરી હતી. રામાયણ – મહાભારતમાંથી અનેક પ્રસંગો આ મંડળી ભજવતી અને દરેક પ્રસંગે મુખ્ય નાયક તો ગદાધર જ હોય! આંબાવાડિયું ઘણી વાર મિત્રમંડળીનાં સમૂહગાનથી ગાજી ઊઠતું.
(૬) ગામના અગ્નિખૂણામાં જગન્નાથપુરી જવાના રસ્તા ઉપર જમીનદાર લાહાબાબુએ બંધાવેલી ધર્મશાળા : જ્યાં સાચા સાધુસંતોને શ્રી શ્રીઠાકુર પીવાનું પાણી ભરી આપવું, રસોઈ માટે લાકડાં – બળતણ આપવું વગેરે નાના કામોમાં મદદ કરતા. સાધુ સંતો પ્રસન્ન થઈને એમને ભજનો શીખવતા, સદુપદેશ આપતા તથા પોતાની ભિક્ષામાંથી પ્રસાદી પણ આપતા, શ્રી શ્રીઠાકુર કોઈ દિવસે આખે શરીરે ભસ્મ ચોળીને કોઈ દિવસે તિલક કરીને, તો કોઈ દિવસે પોતાની ઘોતલી ફાડીને સાધુની માફક કૌપીન પહેરીને ઉપર કપડું ઓઢીને ઘેર આવતા.
(૭) કામારપુકુરથી ત્રણેક કિલોમીટર પર આનૂર ગામે આવેલું વિશાલાક્ષીનું મંદિર. ગામની સ્ત્રીઓ સાથે આ દેવીનાં દર્શને જતાં જતાં રસ્તામાં દેવીનાં કીર્તન, કથા વગેરે સાંભળતા ગદાધર બેશુદ્ધ થઈ ગયા હતા. પણ તે સ્ત્રી મંડળમાં અતિપવિત્ર હૃદયની ધર્મદાસ લાહાની પ્રસન્નમયીએ તેમના કાનમાં દેવીના નામનું ઉચ્ચારણ કર્યુ. એટલે થોડી વાર પછી ગદાધર ભાનમાં આવ્યા હતા. કામારપુકુરની પવિત્ર જગ્યાઓના ખૂબ ભાવપૂર્વક દર્શન કરીને ત્યાં મંદિરમાં પ્રસાદ લઈને ખૂબ પ્રેરણા પ્રાપ્ત કરીને અમે જયરામવાટી ગયાં.
જયરામવાટી
શ્રી શ્રીમા શારદાદેવી શ્રીરામકૃષ્ણ દેવનાં પ્રથમ શિષ્યા હતાં. બાંકુરા અને હુગલી જીલ્લાનો જે જગ્યાએ સંગમ થાય છે ત્યાં કામારપુકુરની પશ્ચિમે ત્રણ કિલોમીટર દૂર આ તીર્થસ્થાન આવેલું છે. શ્રી રામચંદ્ર મુખોપાધ્યાય અને શ્રી શ્યામાસુંદરીદેવીને ત્યાં પુત્રીનો જન્મ થયો એ જ આ સ્થાન. શ્રી શ્રીમાનાં લગ્ન છ વર્ષની ઉંમરે આ જ ગામમાં દિવ્ય પુરુષ શ્રીરામકૃષ્ણદેવ સાથે થયાં હતાં. શ્રી શ્રીઠાકુરનાં સહધર્મચારિણીના ખરેખરા અર્થમાં એમણે એમનો દિવ્ય સંદેશ જગતમાં ફેલાવ્યો. જે સ્થળે શ્રી શ્રીમાનું દિવ્ય અવતરણ થયું હતું તે જગ્યાએ શ્રીમાના ભક્તોએ એક ભવ્ય મંદિર બંધાવ્યું છે. અક્ષયતૃતીયાને દિવસે આ મંદિરની સ્થાપના અને પ્રતિષ્ઠા થઈ ત્યારથી તે આજ સુધી એ દિવસે વિશેષ પૂજા અને હવન કરવામાં આવે છે. શ્રી શ્રીમાની જન્મ શતાબ્દી વખતે એટલે કે ૧૯૫૩-૫૪માં આ મંદિરને વધારે વિશાળ બનાવવામાં આવ્યું અને ૮મી એપ્રિલ ૧૯૫૪ના દિવસે તેમાં શ્રી શ્રીમાની આરસની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. જયરામવાટીમાં આ મંદિર ઉપરાંત શ્રી શ્રીમાનું જૂનું ઘર જેમાં એઓ ૧૮૬૩થી ૧૯૧૫ સુધી એટલે કે પચાસ વર્ષ રહ્યાં, શ્રી શ્રીમાનું નવું ઘર જે શ્રી શ્રીમાના ઉપયોગ માટે સને ૧૯૧૫-૧૬માં સ્વામી શ્રી શારદાનંદે બંધાવેલું તે, ગામના ઉત્તર તરફના છેડે આવેલી આમોદર નદીનો સ્નાન ઘાટ કે જેમાં શ્રી શ્રીમા નિત્ય સ્નાન કરતાં તે તથા સિંહવાહિની માતાનું મંદિર કે જ્યાં શ્રી શ્રીમાએ ઉપવાસનું વ્રત આદર્યું હતું અને મરડામાંથી મુક્તિ મેળવી હતી એ બધી જગ્યાઓ પણ દર્શનીય સ્થાનો છે. આ મંદિરની સાથે ભક્તોને રહેવા માટેનું અતિથિગૃહ પણ છે અને સંન્યાસીઓને રહેવા માટેનાં મકાનો પણ છે. શ્રી શ્રીમાના મંદિરમાં ખૂબ ભાવપૂર્વક દર્શન કરી માને હૃદયથી વંદન કરી થોડી વાર ધ્યાનસ્થ થઈ અમે પ્રસાદ લઈને જયરામવાટીથી થોડે આગળ જતાં કોઆલપાડા નામનું એક ગામ છે, ત્યાંના પ્રસિદ્ધ જગદંબા આશ્રમમાં ગયાં. આ આશ્રમ તો એક ઝૂંપડી જ છે, પરંતુ ત્યાં શ્રી શ્રીમાને શ્રી શ્રીઠાકુરની મહાસમાધિ બાદ તેમનાં સાક્ષાત્ દર્શન થયાં હતાં. આ જગ્યાએ મૌન રાખી અડધો કલાક અથવા કલાક એક ચિત્તે જાપ કરવામાં આવે તો અવર્ણનીય અનુભવ ભક્તોને થાય છે. અમને પણ અદ્ભુત અનુભવ થયો જે શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. શ્રી શ્રીમાના જન્મ સાથે સંકળાયેલા આ પવિત્ર ગામમાં અને બે દિવસ રહ્યાં તે દરમિયાન અમે ખૂબ શાંતિ તથા આનંદનો અનુભવ કર્યો. ત્યાંથી હાવરા પરત આવી અમે જગન્નાથપુરી, ભુવનેશ્વર થઈને હાવરા પાછા આવી વડોદરા તરફ રવાના થયાં અને ત્યાં થોડા દિવસ રોકાઈને પાછા રાજકોટ આવી પહોંચ્યા.
શ્રી શ્રીઠાકુર તથા શ્રી શ્રીમાની જીવનલીલા સાથે સંકળાયેલાં આ બધાં પવિત્ર પુણ્યતીર્થોની અમારી યાત્રાએ અમને ખૂબ પ્રેરણા આપી અને જીવનમાં કૃતકૃત્યતા અને ધન્યતાનો અનુભવ થયો.
(આ લેખ તૈયાર કરવામાં સ્વામી બોધસ્વરૂપાનંદના ‘The Ramkrishna Leelasthanas – Pilgrim Centres of Modern India’ પુસ્તકની સહાય લીધી છે.)
Your Content Goes Here





