ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વને સર્વશ્રેષ્ઠ ભેટ છે—ગીતાના જ્ઞાનની. આધુનિક માનવની બધી સમસ્યાઓનો ઉકેલ તેમાં મળી જાય છે.

હજારો વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ ગીતાનો સંદેશ આપણને જીવવાની કળા પણ શીખવે છે અને મરવાની કળા પણ શીખવે છે. એ અમર થવાની કળા પણ શીખવે છે. તે મોક્ષ ગ્રંથ છે. અને લોકમાન્ય તિલકના કહેવા પ્રમાણે એ આપણને કર્મયોગ પણ શીખવે છે. દેશ-વિદેશના કેટકેટલા વિદ્વાનોએ તેના પર ટીકાઓ લખી છે, ગ્રંથો લખ્યા છે. આમ હવે એ માત્ર ભારતીય શાસ્ત્રનો ગ્રંથ નથી રહ્યો, પરંતુ એ એક વૈશ્વિક ગ્રંથ બની ગયો છે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા, અણુ ગીતા, અષ્ટાવક્ર ગીતા, અવધૂત ગીતા, દેવી ગીતા, ગુરુ ગીતા, શિવ ગીતા, રામ ગીતા, ઉદ્ધવ ગીતા, ભીષ્મ ગીતા વગેરે ગીતાઓમાં શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા સૌથી વધુ પ્રખ્યાત છે. તેથી માત્ર ‘ગીતા’ શબ્દનો વ્યવહાર થાય ત્યારે તેને ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા’ સમજવી જોઈએ.

દેશ-વિદેશની લગભગ ૭૫ થી વધુ ભાષાઓમાં મૂળ સંસ્કૃત ગ્રંથનો અનુવાદ થયો છે, જેમાં અંગ્રેજી, ફ્રેંચ, જર્મન, સ્પેનિશ, ડચ, પોર્ટુગીઝ, ઇટાલીયન, રશિયન, ચાઈનીઝ, જાપાનીઝ, હિન્દી, ગુજરાતી, બંગાળી, આસામી, મરાઠી, તમીલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉર્દુ, સિંધી વગેરે સામેલ છે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા ગ્રંથ એટલો વિખ્યાત છે કે માત્ર સંસ્કૃતમાં જ ૨૨૭ ભાષ્યો ઉપલબ્ધ છે. આ ભાષ્યોમાં આદિ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય વગેરેનાં ભાષ્યો સામેલ છે. અન્ય અનેક ભાષાઓમાં આ ગ્રંથ પર ભાષ્યો, ટીકાઓ લખાઈ છે, જેમ કે મરાઠીમાં જ્ઞાનેશ્વરી. મૅનેજમેન્ટ, શિક્ષણ જેવા વિવિધ વિષયોને ગીતાથી સાંકળી લેતા અનેક ગ્રંથો પ્રકાશિત થયા છે અને થઈ રહ્યા છે. આ વાત જ આ ગ્રંથની લોકપ્રિયતાને દર્શાવે છે. આ ગ્રંથની લોકપ્રિયતાનું અન્ય પ્રમાણ છે કે તેની કરોડો પ્રતો પ્રકાશિત થઈ ચૂકી છે. માત્ર એક જ પ્રકાશક ‘ગીતાપ્રેસ, ગોરખપુર’ દ્વારા અત્યાર સુધીમાં ૨૬ કરોડ પ્રતો પ્રકાશિત થઈ ચૂકી છે.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનાં વિવિધ કેન્દ્રો દ્વારા અનેક ભાષાઓમાં આ ગ્રંથ પ્રકાશિત થયો છે. આદિ શંકરાચાર્ય, મધુસૂદન સરસ્વતી, રામાનુજાચાર્ય વગેરેનાં ભાષ્યોનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત થયો છે. અંગ્રેજીમાં સ્વામી રંગનાથાનંદજી રચિત ગ્રંથ ‘Universal Message of The Bhagavad Gita’ બહોળી ખ્યાતિ પામ્યો છે. તેના ગુજરાતી, હિન્દી, વગેરે ભાષાઓમાં અનુવાદો ઉપલબ્ધ છે. આધુનિક માનવ માટે સ્વામી આત્માનંદજી દ્વારા હિન્દીમાં રચિત ગ્રંથ ‘ગીતાતત્ત્વ ચિંતન’ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતામાં ૧૮ અધ્યાયો અને ૭૦૦ શ્લોકો છે. (કેટલાક લોકો ૭૪૫નો આંકડો આપે છે પણ તેનો નક્કર પુરાવો મળતો નથી.) મોટા ભાગના વિદ્વાનો માને છે કે આ ગ્રંથ શ્રી વેદવ્યાસ દ્વારા રચિત ‘મહાભારત’નો અંશ છે, જેની રચના લગભગ પાંચ હજાર વર્ષો પૂર્વે થઈ. એ સમયથી આ ગ્રંથ વંચાઈ રહ્યો છે, વિવિધ રીતે વિવિધ ભાષાઓમાં હજુ પણ તેનું પ્રકાશન થઈ રહ્યું છે, એ તેની લોકપ્રિયતા પુરવાર કરે છે.

ગીતા વિશે દેશ-વિદેશના અનેક વિદ્વાનોએ ગીતાના સંદેશના માહાત્મ્ય વિશે પોતાનાં મંતવ્યો આપ્યાં છે—ગાંધીજી, બાળ ગંગાધર ટિળક, શ્રી અરવિંદ, શ્રી વિનોબા ભાવે, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, ડૉ. આલ્બર્ટ સ્વાટ્‌ઝર, રાલ્ફ વાલ્ડો ઇમર્સન, હેનરી ડેવિડ, લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ, રોબર્ટ ઓપનહેમર, આલ્ડસ હક્સ્લે, સર એડવિન આર્નોલ્ડ વગેરે.

ગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ સર ચાર્લ્સ વિલ્કીન્સને કર્યો અને ભારતના પહેલા બ્રિટીશ ગવર્નર જનરલ વોરન હેસ્ટીંગ્ઝની પ્રસ્તાવના સાથે બ્રિટીશ ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ પ્રકાશિત કર્યો હતો. એમાં વોરન હેસ્ટીંગ્ઝે અગમવાણી ભાખતું વાક્ય લખ્યું છે, “ભારતમાંથી બ્રિટીશ સત્તા અસ્ત પામી હશે અને એ સત્તાને સમૃદ્ધિ અને સામર્થ્ય બક્ષતા સ્રોતો સ્મૃતિલોપ પામ્યા હશે, ત્યારે પણ ભારતીય દર્શનના લેખકો ટકી રહ્યા હશે.” એ ભવિષ્યવાણી સાચી પડી છે. વિદેશોમાં પણ હવે ભગવદ્ ગીતાને હાથમાં રાખી શપથવિધિ કરવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદજીએ ગીતા વિશે કહ્યું છે, ગીતામાં અપાયેલો શ્રીકૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જાણ્યો હોય તેવો બધામાં સર્વોત્તમ છે. જેણે તે અદ્‌ભુત કાવ્ય રચ્યું તે એક એવા આત્માઓ માંહેનો હતો કે જેમનાં જીવન જગતભરમાં નવજીવનના તરંગો ઉત્પન્ન કરે. ગીતા જેણે રચી તેના જેવું મગજ માનવજાત ફરીથી કદાપિ નહીં જુએ.’ આનાથી વધુ ગીતાની મહત્તા વિશે વધુ કોણ બોલી શકે?

આજે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સંદેશ જેટલો મહત્ત્વનો છે, જેટલો પ્રાસંગિક છે, એટલો પહેલાં ક્યારેય ન હતો. કેમ ? કારણ કે અત્યારે હતાશાનો સમય છે, આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે. વિકાસશીલ દેશો કરતાં વિકસિત દેશોમાં માનસિક રોગોના દરદીઓ વધી રહ્યા છે. ડિપ્રેશન એક મોટો રોગ બની રહ્યો છે, જે લોકોને મૃત્યુના મુખમાં પહોંચાડી રહ્યો છે. સુખ-શાંતિ મેળવવાનો ઉદ્યોગ ચોથો સૌથી મોટો ઉદ્યોગ બની ગયો છે. બધાને હવે સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. બધા શાંતિની શોધમાં છે.

આધુનિક માનવ અર્જુનની જેમ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. ક્યારેક તે હિંમત હારી જાય છે, કાયરતા અને દુર્બળતાનો શિકાર બની જાય છે અને પલાયનવાદનો આશરો લે છે. વિદ્યાર્થી હોય તો પરીક્ષામાં ‘ડ્રોપ’ લે છે, ગૃહસ્થ હોય તો સંસારધર્મ છોડી વનમાં જવાનો વિચાર કરે છે. (જો કે આ સ્મશાન-વૈરાગ્ય વધુ સમય ટકતો નથી) તો વળી કોઈ વિવિધ પ્રકારનાં વ્યસનોનો આશરો લઈ સમસ્યાઓને ભૂલવાનો પ્રયાસ કરે છે. કોઈ કોઈ તો આત્મહત્યાનો પ્રયત્ન કરે છે, ક્યારેક આત્મહત્યા કરી પણ બેસે છે. આવા સમયે ગીતાનો સંદેશ આધુનિક માનવ માટે માનસિક ટોનિકનું કામ કરે છે.

અર્જુન મહાભારતના યુદ્ધ માટે પૂરી તૈયારી સાથે મેદાનમાં આવે છે. પણ જ્યારે તેના કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણ સારથિરૂપે તેના રથને બે સેનાઓની વચ્ચે સ્થાપિત કરે છે ત્યારે સામેની વિશાળ સેના તથા મહારથીઓને જોઈ ભયભીત થઈ જાય છે અને પોતાની કાયરતા, નામર્દાઈ અને નિર્બળતાને ઢાંકવા ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધનાં વિષમ પરિણામો વિશે લાંબું ભાષણ આપે છે અને “હું યુદ્ધ નહીં કરું” એમ કહી પોતાના ધનુષ્યને નીચે મૂકી દઈ રથની પાછળ બેસી જાય છે. અર્જુનને આશા હતી કે ભગવાન શ્રીકૃષ્ણ તેનો વાંસો થાબડશે અને કહેશે, “અર્જુન, તેં સારું કામ કર્યું છે. તું ઉદારચરિત છે, તને સૌ પર કરુણા છે, તું કોઈને હણવા નથી માગતો, યોદ્ધા થવાને બદલે તું ભિખારી થવાનું પસંદ કરે છે.” પણ ભગવાન શ્રીકૃષ્ણ તો મહાન મનોવૈજ્ઞાનિક છે. એ જાણી જાય છે, કે અર્જુનના આ ઉદ્‌ગારોનું કારણ તેનો મનોરોગ, તેની કાયરતા છે. આ મનોરોગીઓ માટે આઘાત-ચિકિત્સા (shock treatment)ની આવશ્યકતા હોય છે. માટે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે-

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥२.३॥

“હે પાર્થ, આ નામર્દાઈને વશ ન થા, આ તને શોભતું નથી. હે પરંતપ! હૃદયની આ તુચ્છ દુર્બળતાનો ત્યાગ કરી ઊભો થઈ જા (અને યુદ્ધ કર).”

સ્વામી વિવેકાનંદ કહેતા, “જો તમે સંદેશને વિશ્વમાં પ્રસરાવી દેશો—क्लैब्यं मा स्म गमः पार्थતો બધા રોગ, શોક, પાપ, અને દુઃખ ત્રણ દિવસની અંદર પૃથ્વીમાંથી અદૃશ્ય થઈ જશે. બધા નિર્બળતાના વિચારો ક્યાંય નહીં રહે.” તેમણે એવું પણ કહ્યું હતું, “જો કોઈ એક શ્લોકનો પાઠ કરે તો તેને સમસ્ત ગીતાના પાઠનું પુણ્ય મળી જશે, કારણ કે એક શ્લોકમાં ગીતાનો સંપૂર્ણ સંદેશો નિહિત છે.”

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે—“क्लैब्यं मा स्म गमः पार्थ—હે પાર્થ, નામર્દાઈને પ્રાપ્ત ન થા” કોઈ પણ મર્દ માટે, પુરુષ માટે આ કઠોર શબ્દ છે, આઘાતજનક છે. શા માટે ભગવાન શ્રીકૃષ્ણ આવો આઘાતાજનક શબ્દ વાપરે છે? કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ એક મનોવૈજ્ઞાનિકની જેમ અર્જુનની યુદ્ધમાંથી પીછેહઠ કરવા પાછળની નિર્બળતાને પારખી લે છે. અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને છેતરી શકે તેમ નથી. જાણે કે ઇરાદાપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણ એક કુશળ મનોવૈજ્ઞાનિકની જેમ આઘાત-ચિકિત્સા (shock therapy) આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણનાં શબ્દરૂપી તીર બરાબર અર્જુનના હૃદયમાં લાગે છે અને તે સ્વીકાર કરે છે કે તેનામાં દૈન્યનો દોષ આવી ગયો છે. તે કહે છે-

कार्पण्यदोषोपहतस्वभावः
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः।
यच्छ्रेयः स्यानिश्चितं ब्रूहि तन्मे
शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम्॥ २.७॥

“દૈન્યના દોષથી મારી જન્મજાત પ્રકૃતિ દબાઈ ગઈ છે અને મારા ધર્મ અને ફરજ વિશે હું મૂંઝવણ અનુભવું છું; માટે હું તમને પૂછું છું કે મારું શ્રેય શામાં છે તે સ્પષ્ટ કહો, હું તમારો શિષ્ય છું, તમારી શરણે આવેલા એવા મને બોધ આપો.” અર્જુન ભગવાન શ્રીકૃષ્ણની શરણમાં ગયો અને તેમની આજ્ઞાનું પાલન કર્યું તેથી અંતમાં તેને વિજય મળ્યો, ઐશ્વર્ય મળ્યું અને શાંતિ મળી.

ગીતાનો આ સંદેશ—“क्लैब्यं मा स्म गमः पार्थ” આધુનિક માનવ માટે ખરેખર ટોનિક જેવો છે.

ભગવાન કહે છે કે સમસ્યાઓનો બહાદુરીપૂર્વક સામનો કરવો જોઈએ. આ માત્ર કહેવાની વાત નથી. આપણે જાણીએ છીએ કે ભગવાન શ્રીકૃષ્ણના પોતાના જીવનમાં પણ અનેક સમસ્યાઓ આવી હતી. જેલમાં જન્મ; જેલના લોખંડના સાત દ્વારો વટાવીને વસુદેવનું કૃષ્ણ સાથે યમુનાપાર ગોકુલમાં જવું; દ્વારપાળો; યમુનાના પૂર; પૂતના, તૃણાવર્ત, શકટાસુર, બકાસુર, યમલાર્જુન, વત્સાસુર, અઘાસુર, કાલીયનાગ વગેરેના જુલમો; ઇન્દ્રના કોપને કારણે ગોવર્ધનને ધારણ કરી વ્રજવાસીઓની રક્ષા; પછી વૃંદાવનની લીલા; મથુરામાં બલરામ દ્વારા ચાણૂરનો વધ અને પોતે કરેલ મામા કંસનો વધ; શિશુપાલનો વધ; જરાસંધનો વધ વગેરે ઘટનાઓથી જાણ થાય છે કે અનેક સમસ્યાઓ તેમના જીવનમાં પણ આવી હતી. પણ તેમણે બધી સમસ્યાઓનો બહાદુરીપૂર્વક સામનો કર્યો.

અનેક વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ખેલાડીઓ, વિદ્યાર્થીઓ વગેરે ફળની ચિંતાને લીધે તણાવ (સ્ટ્રેસ) અનુભવે છે. તેઓના માટે ભગવાન શ્રીકૃષ્ણ રામબાણ ઉપાય આપે છે—Do your best and leave the rest (ફળની ચિંતા કર્યા વગર કામ કરો.)

બીજા અધ્યાયમાં તેઓ કહે છે:

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥२.४७॥

“તારો અધિકાર કર્મ કરવામાં જ છે, તેનાં ફળોમાં ક્યારેય પણ નહીં. તું કર્મફળ-પ્રાપ્તિનું કારણ ન બન અને તારી પ્રવૃત્તિ કર્મ ન કરવામાં ન હો.”

કર્મના સિદ્ધાંત મુજબ ફળ તો અનિવાર્યપણે મળશે જ. એટલે ફળની ચિંતા છોડી કામ કરવામાં લાગી જવું જોઈએ. એકાગ્રતાપૂર્વક કામ કરશું તો જ યોગ્ય ફળ મળશે. ફળની ચિંતા કર્યા કરવાથી ક્યારેય કામ સારી રીતે ન થઈ શકે. આપણે આથી ઉલટું કરીએ છીએ. ફળની ચિંતા અને કામ ગૌણ. ફળના કારણો છે—પ્રારબ્ધ, ઈશ્વરની કૃપા, પૂર્વજન્મનાં કર્મો. માત્ર આપણે એટલું જ કરી શકીએ કે આપણાથી થતું કાર્ય યોગ્ય રીતે કરીએ, પુરુષાર્થ કરીએ. જે ફળ મળે તેનો સ્વીકાર કરીએ. અને બીજી વખત વધુ સારું કામ કરવાનો પ્રયત્ન કરીએ. તણાવમુક્તિ માટેનો આ સોનેરી મંત્ર છે.

આધુનિક માનવનો એક મોટો પ્રશ્ન છે કે મન ચંચળ છે, એકાગ્ર થતું નથી. ગીતાના છઠ્ઠા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણને આ જ પ્રશ્ન પૂછે છે—

चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्‌ दृढम्।
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम्॥६.३४॥

“હે કૃષ્ણ, મન ખૂબ જ અશાંત, મજબૂત અને હઠીલું છે. મને લાગે છે કે તેને નિયંત્રિત કરવું પવન કરતાં પણ વધુ મુશ્કેલ છે.”

શ્રીભગવાન તેના ઉત્તરમાં કહે છે—

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम्।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते॥६.३५॥

“હે કુંતીના મહાપરાક્રમી પુત્ર, તું જે કહે છે તે સાચું છે; મનને રોકવું ખરેખર ખૂબ મુશ્કેલ છે. પરંતુ અભ્યાસ અને અનાસક્તિ (આસક્તિનો ત્યાગ) દ્વારા, તેને નિયંત્રિત કરી શકાય છે.” પાતંજલ યોગસૂત્રમાં પણ કહ્યું છે, “अभ्यासवैराग्याभ्यां तन्निरोधः”—‘અભ્યાસ અને અનાસક્તિ (સંસારથી અલગતા) દ્વારા મનની વૃત્તિઓ શાંત થાય છે.’

મથુરાના ચાર પંડાની એક વાર્તા છે. ચારે પંડાઓએ રાતે ખૂબ ભાંગ ખાધી. નશો ચડ્યો. એમાં વળી તે લોકોને નૌકામાં વિહાર કરવાની ઇચ્છા થઈ. હોડીમાં બેઠા અને વાતો કરતાં કરતાં વારાફરતી બધા હલેસાં મારવા લાગ્યા. બધાના બાવડાં દુખી ગયાં. અંતે કિનારો દેખાયો અને બધાને હાશકારો થયો. પણ કિનારે આવીને જુએ છે તો જ્યાંથી વિહાર શરુ કર્યો હતો, ત્યાંના ત્યાં જ હતા. તપાસ કરી ત્યારે ખબર પડી કે ભાંગના નશામાં લંગર ઉપાડવાનું જ ભૂલી ગયા હતા. આ જ રીતે આસક્તિરૂપી લંગર ન ઉપડે તો ગમે તેટલા અભ્યાસનું ફળ ન મળે.

છેલ્લે અઢારમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે આપણને આશ્વાસન આપ્યું છે, આશાની વાણી આપી છે—

ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति।
भ्रामयन्सर्वभूतानि यन्त्रारूढानि मायया॥६१॥

तमेव शरणं गच्छ सर्वभावेन भारत।
तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम्॥६२॥

હે અર્જુન! સંસારયંત્ર પર પડેલાં સર્વ પ્રાણીઓને માયા વડે ઘુમાવતો ઈશ્વર બધા પ્રાણીઓના હૃદયમાં છે. હે ભરતવંશી! તું બધી ભાવનાઓથી એને (ઈશ્વરને) જ શરણે જા; એની કૃપાદૃષ્ટિથી તું પરમશાંતિ અને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરીશ.

જ્યારે સંકટ આવે અને સંકટમાંથી બચવાનાં બધાં બારી-બારણાં બંધ થઈ ગયાં હોય એમ લાગે ત્યારે આપણે યાદ રાખીએ કે બધાં બારી-બારણાં બંધ થાય છે ત્યારે કૃપાનું દ્વાર ઈશ્વર સ્વયં ખોલી દે છે.

એ વખતે ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ આપણી સાથે છે—

सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज।
अहं त्वं सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच:॥१८.६६॥

“બધા પ્રકારના ધર્મોનો ત્યાગ કરો અને ફક્ત મારામાં જ શરણ લો. હું તમને બધા પાપોથી મુક્ત કરીશ; ડરશો નહીં.”

કેટલી મોટી અભયની વાણી! ઈશ્વર પોતે આપણો બધો ભાર લેવા તૈયાર છે ત્યારે ચિંતા શેની? ચાલો, બધાં પ્રકારનાં કર્તવ્ય-કર્મોનો ત્યાગ કરી તેમની શરણે જઈ ભયમુક્ત થઈ જઈએ.

અંતમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ! અમારા પર કૃપા કરો, જેથી આપનો સંદેશ અમે પોતાના જીવનમાં જીવી સુખ-શાંતિ મેળવી શકીએ, આપના ચરણોમાં ભક્તિ મેળવી શકીએ અને માનવ-જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.