આજે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે?
વિશ્વમાં પ્રવર્તતી શિક્ષણ-વ્યવસ્થા તરફ એક સ્વાભાવિક નજર દોડાવીશું તો જણાશે કે પ્રધાનપણે બાહ્ય જીવનમાં વ્યક્તિગત સફળતા અને સંપત્તિના નિર્માણ માટેની સ્વાર્થી પ્રવૃત્તિ તરફ દોરી જતા ડાબા મગજના કેવળ બૌદ્ઘિક શિક્ષણનાં અંધકાર પૂર્ણ પાસાંઓની લોકોને અનુભૂતિની શરૂઆત થવા માંડી છે. ૨૦મી ડિસેમ્બર, ૧૯૯૩ના ‘ટાઈમ’ મેગેઝીને બંદુક તરફ અભિમુખ થતી અમેરિકન સંસ્કૃતિનું ભયાનક ચિત્ર બતાવ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સના ૪૮% નાગરિકો બંદૂકો ધરાવે છે અને આને પરિણામે ૧૯૯૨ના એક જ વર્ષ દરમિયાન ૬,૪૦,૦૦૦ અકસ્માતો એવા થયા છે જેમાં બંદૂકો કારણભૂત હતી, અને શોપન હોઅરના ઈશ્વર આંધળી બેવકૂફીથી બાળકોએ વર્ગખંડમાં બંદૂકો ચલાવીને વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા એવા બનાવોનો પણ સમાવેશ થાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે ‘આ બંદૂક સંસ્કૃતિ સાથે ક્યાં સુધી પ્રયાણ કરવું છે?’ પરમાત્માનું અસ્તિત્વ જ જેમણે સ્વીકાર્યું નથી એવા કહેવાતા સામ્યવાદે કેટલાક દસકાઓ સુધી જ્યાં ધાર્મિક અને નૈતિક મૂલ્યોને ક્યાં તો ઠુકરાવી દીધાં હતાં અથવા તો તેણે સદંતર મિટાવી દીધાં હતાં એવા સમાજમાં ચીનની સરકારને ગુન્હેગારોને મોતની સજાઓને વધારે તીવ્રતર બનાવવી પડી હતી. સ્વીડને પોતાના દેશને ‘ગર્ભ નિરોધક’ સમાજ તરીકે જાહેર કરવો પડ્યો હતો.
જેઓ એક યા બીજા પ્રકારના માનસિક વિકારોથી પીડાતા હતા તેવા જાપાનના ૪૪ % ટોચના અધિકારીઓની માનસશાસ્ત્રીય સારવાર માટે હજારો હોસ્પિટલો સ્થાપવાની આવશ્યકતા વિશે જાપાનની સરકારે સને ૧૯૯૨માં જાહેરાત કરી હતી. ભારતની રાષ્ટ્રિય સરકારે મંજૂર કરેલ નીતિ-નિરપેક્ષ અને તથા કથિત ધર્મ નિરપેક્ષી શિક્ષણ પદ્ઘતિનાં કડવાં ફળ ભારતમાં મળવાનાં શરૂ થઈ ગયાં છે. સને ૧૯૮૯માં ખાસ કરીને યુવા પેઢીમાં માદક પદાર્થોના એક લાખ વ્યસનીઓ સાથે દિલ્હીની આખા વિશ્વમાં વધારેમાં વધારે માદક પદાર્થોથી અસર યુક્ત શહેર તરીકે ગણના કરવામાં આવી છે. સને ૧૯૮૫ અને ૧૯૮૬માં ભારત સરકાર તરફથી પ્રસિધ્ધ થયેલા હેવાલો કબૂલ કરે છે કે, ‘પશ્ચિમના વિચારોને વધારે પડતું મહત્ત્વ આપવામાં આવે છે અને ભારતના દાર્શનિક અને માનસ શાસ્ત્રીય વિચારોનો પર્યાપ્ત પ્રભાવ પડતો નથી. (નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન, ૧૯૮૬, પૃ.૧૯૫) ‘શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં મૂલ્યોના ક્રમે ક્રમે થતા ધોવાણને અતિભયંકર પ્રગતિ તરીકે જોવામાં આવે છે.’ (ચેલેન્જ ઓફ એજ્યુકેશન, ૧૯૮૫, પૃ. ૧૫-૨૫) ૧૯૮૫ નો હેવાલ ‘લોકતાંત્રિક’ ‘નૈતિક’ ‘આધ્યાત્મિક મૂલ્યો’ વાળી મૂલ્ય પદ્ધતિ જે વૈજ્ઞાનિક પણ હોય અને સાથે સાથે આચરણમાં પણ મૂકી શકાય એવી હોય તેવી પદ્ધતિની આવશ્યકતાનું પ્રતિપાદન કરે છે. પરંતુ આજે ૧૯૯૭ સુધી આપણી ધર્મનિરપેક્ષ શિક્ષણનીતિ રાષ્ટ્રિયકક્ષાએ આ વિચારોને પરિણત કરવા માટે નિષ્ફળ નિવડી છે.
વેદાંત દર્શન અનુસાર માનવ વ્યક્તિત્વ પાંચ સ્તરો અથવા કોષોનું બનેલું છે. આ પાંચ કોષો આ પ્રમાણે છે: (૧) અન્નમય કોષ (૨) પ્રાણમય કોષ (૩) મનોમય કોષ (૪) વિજ્ઞાનમય કોષ (૫) આનંદમય કોષ. પશ્ચિમમાં માનવીને માત્ર એક શરીર ગણવામાં આવે છે, એને આત્મા છે. ભારતમાં મૂળભૂત રીતે માનવી અશરીરી આત્મા છે, જે પ્રકટ થનાર જીવાત્માની ઇચ્છા પ્રમાણે શરીર ધારણ કરે છે. આનંદમય આત્મા અને માનવશરીર વચ્ચે અસ્તિત્વનાં ત્રણ સ્તરો આવેલાં છે. કેવળ ડાબા મગજનું શિક્ષણ પ્રથમ દર્શાવેલ ચાર કોષો સુધી વિસ્તરી શકે છે. પરંતુ છેવટના અશરીરી પારલૌકિક આત્મા, જે અનંત બ્રહ્માનંદ સ્વરૂપ છે અને જ્ઞાન સ્વરૂપ છે તેનો સ્પર્શ કરી શકતું નથી.
આથી મુંડક ઉપનિષદે આપણને બે પ્રકારની વિદ્યા શીખવી છે. પરા અને અપરા – એક બાહ્ય જીવનની પૂર્ણતા માટેની અને બીજી આંતરિક જીવનની પૂર્ણતા માટેની છે. માનવીની અંદર નિહિત થઈને રહેલી દિવ્યતાના સૂક્ષ્મ જ્ઞાન સિવાયનું આ જીવન એક આત્મઘાતી જીવન છે એમ ઈશ ઉપનિષદ કહે છે.
જે કેવળ ‘યાન’નો એટલે કે ડાબા મગજનો જ વિકાસ કરે છે તેવા શિક્ષણના આ અસંતુલિત વિકાસનું પૂર્વદર્શન સ્વામી વિવેકાનંદને એક સૈકા પહેલાં થયું હતું. આ ડાબું મગજ તર્કનો, સંચયનો , આક્રમણશીલ ગતિવાદનો અને અંગત સફળતા મેળવવા માટે અંતહીન લોભનો તથા બાહ્ય જીવનની સંપૂર્ણતા માટે પગાર, ભવિષ્ય લાભ અને તરક્કીનો જ વિચાર કરે છે. આ અપરા વિદ્યા છે. આંતરિક જીવનની પૂર્ણતા માટે, તમામ લોકોના કલ્યાણ માટે, તમામ લોકોના હિત માટે, (बहुजन सुखाय बहुजन हिताय) જીવન જીવીને સંપૂર્ણ જીવન દ્વારા સફળતા મેળવવા માટે અથવા બ્રહ્માનંદની આધ્યાત્મિક અનુભૂતિ માટે અને આત્માની અંદર રહેલી અપરિમિત શક્તિ કે જે પ્રાર્થના, ધ્યાન, યોગ અથવા નિ:સ્વાર્થ સેવા દ્વારા પ્રકટ થાય છે, તેનો પારલૌકિક અનુભવ કરવા માટે, સંપૂર્ણ ચેતનાના પાસાંને સ્પર્શ કરતાં ‘યીન’ અથવા જમણા મગજના વિકાસ માટે આપણા અભ્યાસક્રમમાં તદ્દન મામુલી અથવા તો કશી જ જોગવાઈ કરવામાં આવી નથી. પરિણામે, એરિસ્ટોટલના મત મુજબ રાજકીય પશુઓ, ફ્રોઈડના કહેવા પ્રમાણે જૈવિક પશુઓ, બેન્જામિન ફ્રેંક્લિનના મત મુજબ હથિયાર ઉત્પાદન કરનાર પશુઓ અથવા એલ્વિન ટોફ્લરના કહેવા મુજબ આર્થિક પશુઓ જેવાં પુરુષો અને સ્ત્રીઓ જન્મે છે. આપણો અભ્યાસક્રમ જેનો મુખ્ય આધાર વિજ્ઞાન અને ટેક્નોલોજીની શ્રેષ્ઠતા ઉપર છે તે પ્રતિભાશાળી અને અસાધારણ શક્તિસંપન્ન બહિર્મુખ વ્યક્તિઓ પેદા કરે છે.
એવોર્ડ જીતનારી અમેરિકન ફિલ્મના નિર્માતા પ્રા. એલીગ્રા ફૂલર સીન્ડર લખે છે: ‘રોબર્ટ ઓર્નસ્ટેને મગજના જમણા અને ડાબા ગોળાર્ધ ઉપર કરેલું કાર્ય અને કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ડો. રોજર ડબલ્યુ. સ્પેરી, જ્યારે ૧૯૮૧માં નોબેલ પારિતોષિક મેળવ્યું, તેમણે એ જ વિષય પર કરેલું વધારે મહત્ત્વનું કાર્ય સૂચવે છે કે જે જ્ઞાનનો પ્રયોગાત્મક અને જ્ઞાનેન્દ્રિય બોધાત્મક જ્ઞાનમાર્ગ છે તે જમણું મગજ માત્ર જ્ઞાનનો સંચય કરનારા ડાબા મગજ કરતાં તદ્દન જુદું જ છે અને ઉચ્ચ શિક્ષિતસમાજોમાં પણ જેનો બહુ ઓછો ઉપયોગ થાય છે એવો એ જ્ઞાનનો માર્ગ છે. પરંતુ તાજેતરમાં જ એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે જ્યારે આપણે પશ્ચિમવાસીઓ આપણા મગજની સંપૂર્ણ શક્તિના અર્ધા ભાગનો ઉપયોગ કરીને આપણું કાર્ય ચલાવીએ છીએ ત્યારે આ હકીકત આપણા માટે કયાં પ્રશ્નો ઊભા કરે છે (સ્પેસ, આઈ.જી.એન.સી.એ. – પૃ. ૪૪૩, અભિનવ પ્રકાશન, ૧૯૯૧, ન્યુ દિલ્હી), ‘બ્રેક ડાઉન ઓફ ધ બાય કેમેરલ માઈન્ડ’ નામના પુસ્તકમાં જુલિયન જેમ્સે બતાવ્યું છે તે મુજબ બે ભાગવાળું આપણું મગજ ભાંગી પડ્યું છે. અથવા જેઓ બાહ્ય વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ખૂબ શક્તિશાળી છે અને જેઓ ધન દોલતની લાલચને, ખૂનને અને આત્મહત્યાને નાથવામાં તદ્દન નબળા પુરવાર થયા છે એવા ખંડિત વ્યક્તિત્વોના નિર્માણમાં પરિણમ્યું છે.
શ્રી આર.ડી. લેન્ગ જેઓ પ્રસિધ્ધ બ્રિટીશ માનસશાસ્ત્રી છે તેમણે આ પ્રમાણે અવલોકન કર્યું છે: ‘યુનાઈટેડ કિંગ્ડમમાં આજે જન્મેલા બાળકની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાની સંભાવના કરતા મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના દસ ગણી વધારે છે. આ હકીકત સૂચવે છે કે આપણે આપણાં બાળકોને યથાર્થ શિક્ષણ આપીએ છીએ તેના કરતાં વધારે તો તેમને પાગલ બનવા તરફ ઘસેડીએ છીએ. કદાચ, તેમને શિક્ષણ આપવાની પદ્ધતિ જ તેમને પાગલ બનાવે છે. ફ્રિટ જોફ કાપ્રા આર.ડી. લેન્ગમા વિચારો વિશે લખતાં જણાવે છે કે, ‘ડો. લેન્ગના મત મુજબ, આને બદલે આપણને જરૂર છે દિક્ષાંત વિધિની. જેના દ્વારા આંતરિક વિશ્વ સુધી પહોંચેલા અને ત્યાંથી પાછા ફરેલા લોકો દ્વારા, સંપૂર્ણ સામાજિક પ્રેરણા અને અધિકાર સહિત માનવીને આંતરિક વિશ્વની સમજ આપવામાં આવશે. (ધ ટર્નિંગ પોઇન્ટ, ડો. કાપ્રા.)
કેવળ નફાલક્ષી, ઉપયોગીતાવાદી સંસ્કૃતિને એવી શિક્ષણપદ્ધતિની જરૂર હતી જે કોઈપણ કિંમતે આગળ વધી શકે તેવા સફળ નફાખોરોને પેદા કરે. સને ૧૮૯૬માં સ્વામી વિવેકાનંદે કેવળ વ્યાપારી સંસ્કૃતિના કઠોર ભવિષ્ય સંબંધી પશ્ચિમને ચેતવણી આપી હતી, ‘અત્યારની વ્યાપારી સંસ્કૃતિ,એના ઢોંગધતૂરા અને દંભ વગેરે બધા ‘નગરશેઠ જેવા ડોળદમામ’ સહિત મોત ભેગી જ થવી જોઈએ. જગતને જેની જરૂર છે તે વ્યક્તિઓ દ્વારા વ્યક્ત થતી વિચાર શક્તિની છે.’ એમણે એવી ભવિષ્યવાણી પણ ઉચ્ચારી હતી કે, ‘ જે શારીરિક રીતે પરિમિત છે પરંતુ આધ્યાત્મિક રીતે અપરિમિત છે અને આંતરિક રીતે દિવ્ય છે તેવા માણસના વેદાંત દર્શનથી પશ્ચિમ અને ભવિષ્યનું વિશ્વ પરાજિત થશે.’ ‘પાછુ આપણા યુગમાંજ વિચારના મોજાઓનું આંદોલન શરૂ થયું છે, અને તેનો કેન્દ્રવર્તી વિચાર સર્વવ્યાપી ઈશ્વરનો છે. દરેક સ્થળે, દરેક સ્વરૂપે અને દરેક સંપ્રદાયમાં આ વિચાર પ્રગટ થઈ રહ્યો છે.’(સ્વા.વિ.ગ્રં.મા.:ભાગ ૯, પૃ. ૨૬૧,૨૫૧)
૧૮૯૭માં એટલે કે એકસો પાંચ વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે ભારતીયોને ચેતવણી આપી હતી કે, ‘રાષ્ટ્રનાં વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક શિક્ષણ ઉપર આપણો કાબુ હોવો જોઈએ. તમે એ સમજો છો? તમારે એનાજ સ્વપ્નાં સેવવા જોઈએ, તમારી વાતચીત તેના વિષેજ હોવી જોઈએ. તમારા વિચારો તે અંગેનાજ હોવા જોઈએ, અને તમારે એનો અમલ પણ કરવોજ જોઈએ. એ ન બને ત્યાં સુધી રાષ્ટ્રને માટે ઉદ્ધારની કોઈ આશા નથી.’ પશ્ચિમમાં સ્વામી વિવેકાનંદે જોયું કે, ‘જો જરાક માટીના લોંદામાંથી એકાદી ફાલતુ ચીજ ભાઈ બનાવી નાખે કે એકાદો સંચો શોધી કાઢે, તો કોઈ મોટામાં મોટી મિલ્કત કરતા પણ વધારે, છાપરે ચડીને, એના વખાણ થવાં જોઈએ.’ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘શિક્ષણને તો હજી જગતમાં આવવાનું બાકી છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.ભાગ ૪: પૃ. ૧૭૩, ૧૦) હાવર્ડ યુનિવર્સિટીના વિદ્વાનોને એમણે કહ્યું હતું : ‘માનવમાં રહેલી દિવ્યતાની અભિવ્યક્તિ એ જ સંસ્કૃતિ છે.’ (સ્વા.વિ.ગ્રં.મા.ભાગ ૮: હાર્વર્ડ યુનિવર્સિટી.)
શિક્ષણ ખૂબ વિસ્તર્યું છે. વીલ ડ્યૂરાં એના ‘લેસન્સ ઓફ હિસ્ટ્રી’ નામના પુસ્તકમાં લખે છે કે, ‘એક જમાનો હતો જ્યારે કોલેજોમાં જવું એ મોજશોખની વસ્તુ ગણાતી, અને જાણે કે આરામપ્રિય વર્ગોના પુરુષો પૂરતી જ સીમિત હતી. આજે યુનિવર્સિટીઓ એટલી અગણિત સંખ્યામાં વધી ગઈ છે કે જે એમાં પ્રવેશ મેળવે છે તે પી.એચ.ડી. થઈ જાય છે. પ્રાચીન સમયની ઉત્કૃષ્ટ પ્રતિભાઓ કરતાં આપણે વધારે શ્રેષ્ઠ ભલે ન બન્યા હોઈએ, પરંતુ આપણે ઇતિહાસના કોઈપણ યુગથી પણ વધારે જ્ઞાનના સ્તર અને સરેરાશને ઊંચુ આણ્યું છે. તેમ છતાં યુ.એસ.એ., જાપાન, સ્વીડનમાં યુવાન પેઢીના થતા મૃત્યુના ૫૫ % મૃત્યુ આત્મહત્યાને કારણે અથવા પૂર્વ નિર્ધારિત કાર અકસ્માતોને લીધે થાય છે.’
જાપાનની અગ્રગણ્ય શિક્ષણ સંસ્થા મત્સુહિતા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ગવર્નમેન્ટ સ્વીકારે છે કે, ‘અમારી ભૌતિકસમૃદ્ધિની પાછળ નૈતિકતાનાં અને સામાજિક મૂલ્યોનાં ક્ષેત્રોમાં અમારી પરિસ્થિતિ મૂંઝવણ ભરેલી છે. આજે સંપૂર્ણ ગુણવત્તાવાળી મેનેજમેન્ટ (Total Quality Management : TQM) અથવા ક્ષતિશૂન્ય (Zero Defect Management) જેનું જાપાન સમર્થન કરે છે. તેનો ઉદ્દેશ સાધનો, પદ્ધતિઓ, મશીનો અને માણસને સંપૂર્ણ બનાવવા તરફનો છે. જો કે પ્રથમ ત્રણને ડાબા- મગજના ટેક્નોલોજીકલ શિક્ષણથી સંપૂર્ણ બનાવી શકાય છે. પરંતુ આંતરિક માનવ મનની સંપૂર્ણતા મુખ્યત્વે જમણા મગજના આધ્યાત્મિક શિક્ષણ ઉપર અવલંબે છે. એમ.આર. થિયેસન લખે છે કે આથી ટી.ક્યુ.એમ.ને બદલીને તેનું સ્થાન Total Care Management (T.C.M.)ને અપાવું જોઈએ, જ્યાં આંતરિક વિકાસ, વ્યક્તિગત કાર્યશક્તિનું, વિશ્વની સંભાળ, તથા અન્ય માટેની લાગણીમાં રૂપાંતર વગેરે બાબતોનું પદ્ધતિસરનું શિક્ષણ આપવું જોઈએ. હકીકતમાં થિયેસન કહે છે કે મેનેજમેન્ટ શિક્ષણમાંના ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો પ્રયોગ ટૂંકા સમયના લાભ માટે જ કરવા કરતાં, પશ્ચિમ એનો ગંભીર રીતે અમલ કરવાનું વિચારે છે.
કેવળ ધર્મ નિરપેક્ષ શિક્ષણ નિષ્ફળ ગયું છે એનું કારણ એ છે કે એ શિક્ષણ વિદ્યાર્થીઓને સંસ્કૃતિના વિપરીત દર્શનની અને માનવ જીવનનાં અનુચિત લક્ષ્યોની પ્રેરણા આપે છે. ગ્રીસ અને રોમ જેવી સંસ્કૃતિઓ જે સંપત્તિ નિર્માણ તથા રુધિર અને સંહાર દ્વારા વિજયના પર્યાયરૂપ બની ગઈ હતી, તેણે વેદાંતની ભાષામાં કહીએ તો, ઈશ્વરનો ખોફ નહિ પરંતુ ઇતિહાસનો ખોફ વહોરી લીધો અને ફરી કદી ઊભી ન થઈ શકે એવી રીતે વિનાશ પામી. સ્વામી વિવેકાનંદે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સને ૧૮૯૫માં ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘માનવની અંદર રહેલી દિવ્યતાનું પ્રકટીકરણ એ જ સંસ્કૃતિ છે.’ લંડનમાં તેઓએ ઘોષણા કરી કે, ‘જે સંસ્કૃતિએ વધારેમાં વધારે ક્રાઈસ્ટો અને બુદ્ઘો પેદા કર્યા છે તે સંસ્કૃતિ સૌથી મહાન છે.’ ગરીબીથી પીડાતા અને ગુલામ ભારતના પ્રભાવશાળી પ્રતીક તરીકે એમણે વિશ્વને સ્મરણ કરાવ્યું કે આધ્યાત્મિક સર્વોપરિતા માટે સ્વીકારેલી ભૌતિક ગરીબીએ જ ક્રાઈસ્ટ, બુદ્ઘ અને સેંટ ફ્રાન્સિસ, અથવા શ્રીરામકૃષ્ણ અને શ્રીશંકરાચાર્ય જેવા આધ્યાત્મિક વિરલાઓને જન્મ આપ્યો, જેમણે આખા વિશ્વમાં પરિભ્રમણ કરીને નવી સંસ્કૃતિનું સર્જન કર્યું. જ્યારે એનાથી ઊલટું, ભૌતિક શ્રેષ્ઠતાએ માનવ શ્રેષ્ઠતાને ભોગે, પશુ જેવા મનુષ્યો પેદા કર્યા અને સંસ્કૃતિનો વિનાશ વેર્યો. એમણે સને ૧૮૯૩ની ૨૧મી સપ્ટેમ્બરે એક આધ્યાત્મિક વીરપુરુષની તેજસ્વિતાથી ઘોષણા કરી કે, ‘હું એવા સાધુઓમાંનો એક છું જેને લોકો ભિક્ષુક તરીકે વર્ણવે છે. એ જ તો મારા જીવનનું ગૌરવ છે. (તાળીઓ) એ દૃષ્ટિએ ક્રાઈસ્ટ જેવા થવાનું મને ગૌરવ છે.’ (C.W. Vol.9 Pg.433)
વ્યક્તિગત લાભાલાભ, સંપત્તિ નિર્માણ, સત્તાની લૂંટ અને ઇન્દ્રિયજન્ય સુખોપભોગની પેલે પાર જીવનનાં ઉચ્ચતર લક્ષ્યો તરફ આજના વિદ્યાર્થીઓની બિલકુલ દૃષ્ટિ જ નથી. વાલીઓ તેમના પુત્રો અને પુત્રીઓને સખ્ત સ્પર્ધા દ્વારા વ્યક્તિગત લાભ અને સફળતા મેળવવા માટે જ પ્રેરણા આપે છે. શિક્ષકો તેમજ તાલીમ આપનાર સંસ્થાઓ પણ આવા ઘણી સારી રીતે સફળ બનેલા વ્યક્તિલક્ષી સ્વાર્થી અસુરો પેદા કરવામાં મદદ કરે છે. જેઓને અન્ય લોકો માટે અથવા ઉચ્ચતર મૂલ્યો માટે કશી જ પરવા નથી.જ્યારે સંપત્તિ મળી જાય છે ત્યારે શિક્ષણનું લક્ષ્ય પૂરું થઈ જાય છે. અને સમાજમાં સંપત્તિ અને ઇન્દ્રિયજન્ય સુખોપભોગો છેવટેના લક્ષ્ય તરીકે કાયમ થઈ જાય છે તેમજ સમાજના મોભા માટે નિર્ણાયક બની જાય છે, તેવા ઉચ્ચ સ્પર્ધાત્મક સમાજમાં સ્વાર્થી અસુરો એક બીજાને છેતરવાનું શરૂ કરે છે. હોલેન્ડ સ્થિત મેનેજમેન્ટના ગુરુ એવા એમ.આર. થિયેસન એમના પુસ્તક ‘રિધમ ઓફ મેનેજિંગ’માં જણાવે છે કે અર્થશાસ્ત્રીય મૂલ્ય હ્રાસ સુખવાદીતાના વિરોધાભાસમાં પરિણમે છે. (Economic reductionism ends in Hedonistic Paradox) જ્યાં વારંવારના ઇન્દ્રિયજન્ય આનંદો પછી પણ શાંતિ પકડમાં આવતી નથી,અને ત્યારે શરૂ થાય છે નિરાશાપણાની અને ઉદ્દેશ્યહીનતાની લાગણી અને જ્યારે ડાબા મગજનું શિક્ષણ પામેલી વ્યક્તિની ‘ન્યુજિન ન્યુરોસિસ’ના ભોગ બનવાની શરૂઆત થાય છે. એટલે કે પોતાના પાશવી મનોરંજનો તથા પોતાના લક્ષ્યો સિદ્ધ કરવા આચરેલી છેતરામણીઓ માટે ગુન્હાની ભાવનાથી એ પીડાય છે. અને ત્યારે ટોફ્લર દર્શાવે છે તે મુજબ, ‘ ‘નવી સંસ્કૃતિ’ અથવા તો ‘તૃતીય વિશ્વસંસ્કૃતિ’નો પ્રારંભ જીવનની સુવ્યવસ્થા અને પ્રયોજન માટેની સ્પષ્ટ રૂપરેખાથી થવો જોઈએ.’ અમેરિકન માનસશાસ્ત્રી રોલો મે લખે છે કે, ‘જ્યારે માણસ કાયમી નિરાશાપણાની લાગણીથી પીડાય છે ત્યારે યુવાન વ્યક્તિ હેરોઈનના માદક સેવન તરફ પ્રેરાય છે, જે આવા યુવાન માણસને જીવન જીવવા માટેનો એક કામ ચલાઉ માર્ગ બતાવે છે.’ કેલિફોર્નિયા યુનિવર્સિટીના માનસશાસ્ત્રી જેમ્સ સી. કોલમેન એમના ‘એબનોર્મલ સાયકોલોજી એન્ડ મોડર્ન લાઈફ’ નામના પુસ્તકમાં લખે છે કે, ‘પશ્ચિમના વિદ્યાર્થીઓમાં અસાધારણતાનું કારણ એ છે કે – આપણી પાસે માનવીય આચરણનો કોઈ આદર્શ નમુનો નથી.’ (ઇન્ડિયન એડિશન, ૧૯૮૬, પૃ. ૧૪) આર. ડી. લેન્ગ લખે છે કે, ‘ ‘એમોસ’ની ભવિષ્યવાણી પ્રમાણે એક એવો સમય આવશે જ્યારે સમસ્ત વિશ્વમાં અન્નનો અથવા પાણીનો નહિ પરંતુ પરમાત્માના શબ્દો સાંભળવાનો દુષ્કાળ પડશે. આવો સમય આવી રહ્યો છે. એ આજનો યુગ જ છે.’ એક ચાઈનીઝ કહેવતમાં બતાવ્યું છે કે, ‘ જ્યારે ‘યાન’ પોતાની ચરમ સીમાએ પહોંચે છે ત્યારે ત્યાંથી તે ‘યીન’ના લાભમાં પીછેહઠ કરે છે.’
‘લર્નિંગ ટુ બી’ના શિર્ષક હેઠળ પ્રસિદ્ધ થયેલા યુનોસ્કોના ૧૯૮૨ના છેલ્લા હેવાલમાં શિક્ષણના નવા આદર્શની ઉત્કંઠાનો પડઘો પડે છે. ઘણા દશકાઓ પહેલાં જે શિક્ષણનો ‘લર્નિંગ ટુ ડુ’ તરીકે પ્રારંભ થયો હતો તે બેંજામિન ફ્રેંક્લિન કહે છે તેમ વિદ્યાર્થીના ‘ટુલ મેકિંગ એનિમલ’ (સાધનો બનાવનારા પશુ)ના રૂપમાં અથવા તો એરિસ્ટોટલ મનુષ્ય માટે જે ચાહતો હતો એવા ‘સમ-રાજનીતિજ્ઞ’માં પરિણમ્યું છે. હેવાલ જણાવે છે કે, ‘સમકાલિન વિજ્ઞાને દર્શાવ્યું છે કે માણસ જૈવિક રીતે અધૂરો છે અને એનું અસ્તિત્વ પૂર્ણાવસ્થા અને જ્ઞાનની અવિરત પ્રક્રિયા સમું છે.’ આજના શિક્ષણનું લક્ષ્ય છે માણસને ‘સંપૂર્ણ માનવ’ બનાવવાનું. સર જુલિયન હક્સલીને ટાંકીને હેવાલ વધુમાં જણાવે છે કે આ વિશ્વમાં જે વિકાસાત્મક પ્રક્રિયા ચાલે છે તેના નેતાની ભૂમિકા આજના માનવીએ ભજવવાની છે. સારાંશરૂપે હેવાલ વધુમાં જણાવે છે કે આજનું શિક્ષણ ‘સંપૂર્ણ માનવ’ બનાવવા માટેનો પ્રયાસ કરવા માટેનું છે. ભૌતિક, બૌદ્ધિક, ભાવનાત્મક અને નૈતિક વ્યક્તિનું સંપૂર્ણ માનવીમાં એકીકરણ કરવું એ જ શિક્ષણના મૂળભૂત ઉદ્દેશ્યની વિશાળ વ્યાખ્યા છે.
સ્વામી વિવેકાનંદે લગભગ એકસો પાંચ વર્ષ પહેલાં તેમના જ્ઞાનયોગના વ્યાખ્યાનમાં આવો જ વિચાર આપ્યો હતો, ‘ઈશ્વરને અભીષ્ટ હતું તે પ્રમાણે તમામ માનવોની રચના એવા પ્રકારની કરવામાં આવી કે દર્શન રહસ્યવાદ, લાગણી અને કાર્ય વગેરે બધાં તત્ત્વો તેમના મગજમાં સંપૂર્ણપણે અખંડ રીતે વિદ્યમાન હતાં.! અને એ જ મારો સંપૂર્ણ માનવનો આદર્શ છે.’ યુનેસ્કોનો હેવાલ પણ સ્પષ્ટ પણે દર્શાવે છે કે, ‘યુવા વર્ગની બેચેની મુખ્યત્વે એમના વડીલોને કારણે જ છે, જેઓ, યુવાનો જે નૈતિક મૂલ્યોનું પોતાના હૃદયમાં સેવન કરે છે, તે મૂલ્યોની રોજેરોજ અવજ્ઞા કરે છે.’ હેવાલ એ પણ સ્વીકારે છે કે યુવાન વર્ગમાં દેખાતી ઉદાસીનવૃત્તિ અને નિરાશાપણું એ ‘મનુષ્ય અને બ્રહ્માંડના વિકૃત દર્શન’ને કારણે છે. પશ્ચિમના દૃષ્ટિકોણનું પ્રભાવી લક્ષણ એ છે કે મનુષ્ય ‘પાપી અથવા પશુ’ તરીકે જ જન્મ્યો છે અને જીવન ઇન્દ્રિયજન્ય સુખોપભોગ માટે જ છે. પૂર્વનો દૃષ્ટિકોણ એ છે કે માનવ ‘ઈશ્વર’ તરીકે જન્મ્યો છે અને એના જીવનની તમામ પ્રવૃત્તિઓ પોતાની આંતરિક સંપૂર્ણતા અને દિવ્યતાના પ્રકટીકરણમાં અથવા જેમ ઝેન ગુરુઓ કહે છે તે પ્રમાણે ‘ઝેતોરી’ અને ‘બુદ્ધત્વ’ પ્રાપ્ત કરવામાં મદદરૂપ નીવડવી જોઈએ.
નૂતન શિક્ષણ અંગે સ્વામી વિવેકાનંદનું દર્શન
સ્વામી વિવેકાનંદનું દર્શન એ વેદાંતનું દર્શન છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે, ‘દરેક આત્મા અપ્રગટપણે દિવ્ય છે’ અને ‘મનુષ્યમાં અંતર્નિહિત થઈને રહેલી પૂર્ણતાનું પ્રકટીકરણ એ જ શિક્ષણ છે.’ અને મનુષ્ય અંતર્નિહિત થઈને રહેલી સંપૂર્ણતા અને દિવ્યતાની મૂળભૂત સંકલ્પના એ જ વેદાંતિક કે શિક્ષણનો પાયો છે. કોઈ પણ શિક્ષક બાળકને શિખવી શકતો નથી. સ્વામી વિવેકાનંદ દલીલ કરીને કહે છે કે જેમ એક માળી એક વૃક્ષને બળપૂર્વક ઉગાડી દેવા માટે એને ખેંચી કાઢતો નથી તેવી જ રીતે એક શિક્ષક વિદ્યાર્થીને તેના અજ્ઞાનના આવરણને તથા આનુષંગિક વિષમતાઓના અવરોધોને દૂર કરીને એનું પોતાનું અનંત આંતરિક સામર્થ્ય પ્રકટ થાય તે માટે મદદ કરે છે. મનુષ્યનું ‘સમ- રહસ્યવાદી’ તરીકેનું દર્શન એ પ્રતિપક્ષી સંસ્કૃતિનો અવાજ છે. થિયોડોર રોઝક ‘ધ મેકિંગ ઓફ કાઉન્ટર કલ્ચર’ નામના પુસ્તકમાં જણાવે છે તે મુજબ એ સંસ્કૃતિના સભ્યોએ બાબતનો આગ્રહ રાખે છે કે જે સંસ્કૃતિ દાર્શનિક અનુભૂતિઓને નકારે છે, એને ઉતરતી કક્ષાની ગણે છે અથવા તો એનો અનાદર કરે છે તે આપણા અસ્તિત્વનો હ્રાસ કરવાનું પાપ કરે છે. ટી.એસ.ઈલિયટે સ્પષ્ટ વ્યાખ્યા કરી છે કે બાહ્ય સંપૂર્ણત્વને વધારે પડતું મહત્ત્વ આપવાને કારણે શિક્ષણે ‘ખોખલો માનવી’ પેદા કર્યો છે. આજે શિક્ષણમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવામાં આવી છે અને અંગત ફાયદો તથા વ્યક્તિગત લાભ એ આજના શિક્ષણના પ્રાથમિક હેતુ બની ગયા છે. તમામ જીવોની એકતાની વેદાંતની કલ્પના જ નીતિશાસ્ત્રનો એક માત્ર પાયો છે.
ઈશ્વરે જ્યારે કેઈનને (Cain) પૂછ્યું કે એણે એના ભાઈનું ખૂન કેમ કર્યું ત્યારે કેઈનનો જવાબ એ હતો કે, ‘ શું હું કાંઈ મારા ભાઈનો રક્ષક છું?’ કેઈને જે પ્રશ્ન કર્યો તેમાં જ એનો પ્રત્યુત્તર સમાઈ જાય છે. ખરેખર, તો બીજાઓની જેમ એ એના ભાઈનો રક્ષક છે જ. ‘તમે સ્વયં પોતાને જે રીતે તમે તમારા પાડોશીને ચાહો.’ સ્વામી વિવેકાનંદ કહે છે તેમ નીતિશાસ્ત્ર એ જ ઐક્યતા છે. એનો પાયો પ્રેમ છે. તમામ જીવોની તાત્ત્વિક એકતાના પાયા ઉપર જ બધા કાયદાઓ અને નીતિનિયમો ઘડાયેલા છે. જે કોઈ વસ્તુ આ એકતાને અલગ કરે અથવા તો એનું ઉલ્લંઘન કરે એ અનૈતિક છે અને તેથી લાંબા ગાળે આત્મઘાતી છે. મેક્બેથે નિદ્રામાં રહેલા એના અતિથિ મિત્રનું ખૂન કર્યું ત્યારે એને પોતાને ભાન થયું કે એણે એની પોતાની નિદ્રાનું જ ખૂન કર્યું છે.
આધુનિક વિજ્ઞાનમાં ‘એક સંપૂર્ણ બ્રહ્માંડ’ની ખોજ ઈરવિન શ્રોડિંજર, વર્નર હેઈન્સબર્ગ અને જ્યોર્જ વાલ્ડ અને બીજાઓ જેવા નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકોએ કરી તે ઉપનિષદના ઋષિઓએ જે બે આધ્યાત્મિક સભ્યોની ખોજ કરી તેનું સમર્થન કરે છે એની ભારતના કેટલા વિદ્યાર્થીઓને ખબર હશે?
(૧) આત્મા – બ્રહ્મ : પ્રત્યેક મનુષ્ય સ્વયં પોતાની અંદર અપરિમિત જ્ઞાન, અનંત સામર્થ્ય, અસીમ આનંદ અને શાશ્વત ચેતનાની અંત: શક્તિ ધરાવે છે. આપણા સૌની અંદર જે સદાસર્વદા વિદ્યમાન અનંત આત્મા અથવા પરમાત્મા નિહિત છે તેમાંથી જ તમામ સામર્થ્ય, પ્રતિભા શક્તિ, શુચિતા, પરમાનંદ, જ્ઞાન અને શાંતિ પ્રકાશમાં લાવી શકાય છે. સામર્થ્ય આપણી અંદર રહેલા આત્મામાંથી આવે છે. (માઈન્ડ એન્ડ મેટર – ઈરવિન શ્રોડિંજર, કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ) आत्मना विन्दते वीर्यम् (કેન ઉપનિષદ કહે છે કે આત્મા દ્વારા યથાર્થ સામર્થ્યની પ્રાપ્તિ થાય છે.)
(૨) અંશ પૂર્ણ સાથે સંયોજીત છે : એ સંપૂર્ણ વિશ્વ છે જ્યાં સમાન સૂક્ષ્મ અંશો અનંત અંતરથી વિખૂટા પડેલા હોવા છતાં ક્ષણવારમાં સંકળાઈ જાય છે. હેઈન્સ બર્ગ, ડેવિડ બોમ્હ અને બીજાઓએ કરેલ સંશોધનમાંથી આવિર્ભાવ પામતું આ સત્ય છે. અને તેથી જ આપણી સંપત્તિ અથવા જ્ઞાનને અન્યને તથા આપણી આસપાસના લાખો લોકોને વહેંચવાથી આપણી પરિતૃપ્તિ થાય છે અને જીવનનો આનંદ પ્રાપ્ત થાય છે. भूमा एव सुखम् (છાન્દોગ્ય ઉપનિષદ કહે છે કે સર્વના કલ્યાણ માટે વૈશ્વિક જીવન જીવવાથી સુખની પ્રાપ્તિ થાય છે.)
આ બે વૈશ્વિક સત્યો છે અને એ બધા જ જીવોને અને બધી જ સંસ્કૃતિઓને લાગુ પાડી શકાય છે. આ કાંઈ માત્ર ધર્મતત્ત્વ વિષયક માન્યતાઓ જ નથી. માન્યતાઓ માનવતાને વિભક્ત કરે છે પરંતુ સત્ય એને એક કરે છે.
વ્યવહારિક વેદાંત : આજના વિદ્યાર્થીની આવશ્યકતા
વેદાંતના આ બે સિદ્ઘાંતો – પરિમિત મનુષ્યની તાત્ત્વિક અપરિમિતતા अयम् आत्मा ब्रह्म (આ વ્યક્તિગત આત્મા વૈશ્વિક આત્મા સાથે એકત્વ ધરાવે છે – બૃહદારણ્યક ઉપનિષદ) સર્વ જીવોની એકાત્મતા – स खलु अक्षरे ओतश्च प्रोतश्च (ઓ ગાર્ગી એ અવિનાશી આત્મા સમસ્ત વિશ્વમાં તમામ વસ્તુઓ દ્વારા વ્યાપ્ત થઈને રહેલો છે – બૃહદારણ્યક ઉપનિષદ) તનાવ વચ્ચે માનવજાતિમાં શક્તિનો સંચાર કરવાના હેતુથી સ્વામી વિવેકાનંદ રાજાઓ તથા સામાન્યજનોના રોજબરોજના જીવનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતોમાં આ બે સિદ્ધાંતોનો વિનિમય કરવા માગતા હતા.એમનાં શિષ્ય ભગિની નિવેદિતાએ સને ૧૯૦૦ના જાન્યુઆરીની સત્તાવીસમી તારીખે નોંધ્યુ હતું કે, ‘સ્વામીજીએ આજે કહ્યું કે માનવજાતિની આવશ્યકતાઓને તેઓ તદ્દન જુદા જ દૃષ્ટિકોણથી નિહાળવાનો પ્રારંભ કરી રહ્યા છે. એ માટેના જે જે સિદ્ધાંતો એમને સહાયકર્તા નિવડવાના છે તે બાબતમાં તેઓ ખૂબ ચોક્કસ છે. પરંતુ પદ્ધતિઓના ઉકેલ માટે તેઓ દરરોજ કલાકોના કલાકો ગાળે છે. એમણે અત્યાર સુધી જે જાણ્યું હતું તે જરા પણ ખલેલ વગર ગુફામાં એકલા રહેતા માણસો માટે હતું પરંતુ હવે તેઓ માનવતાને એવું પ્રદાન કરશે જે રોજબરોજનાં જીવનમાં આવતા તનાવોમાં તેમનામાં શક્તિનો સંચાર કરશે.’
માનવ જીવન આવતા સો વર્ષાની અંદર કેવા સંઘર્ષો અને ઉપદ્રવોથી ઘેરાઈ જશે એનું વર્ણન યુરોપમાં સને ૧૯૦૦માં સ્વામી વિવેકાનંદે એક પયંગબરની દુરંદેશીથી યુરોપમાં જાુલિય બોય્સને કર્યું હતું. હવે પછીના દિવસોમાં આવનારે જાતિ સંઘર્ષો અને ગળા-કાપ હરિફાઈઓનું પૂર્વદર્શન સ્વામીજીને થયું હતું. સ્વયં એમને પોતે જ આવા આક્રમણોના ઝંઝાવાતી દિવસોમાંથી પસાર થવું પડ્યું હતું. અને પશ્ચિમમાં એમના પ્રથમના થોડા વર્ષો દરમ્યાન એ બધાની સાથે એમને લડવું પડ્યું હતું; અને એમને અનુભૂતિ થઈ હતી કે આધ્યાત્મિક સંસ્કૃતિ એટલે કે વેદાંતને રોજબરોજના પ્રશ્નોમાં લાગુ પડવાથી અડધી પૃથ્વીના સાંપ્રત વિશ્વના વિચારોમાં, નવ વર્ષના ગાળામાં આમૂલ પરિવર્તન લાવવાનું એમને બળ મળ્યું હતું. એમણે કહ્યું હતું કે, ‘જો વિદ્યાર્થી એમ વિચારે કે તે પોતે આત્મા છે તો એ વધારે સારો વિદ્યાર્થી થશે.’
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘સ્વયં પોતાને પ્રશિક્ષિત કરો, દરેકને એના પોતાના સ્વરૂપ વિશે શીખવો, સૂતેલા આત્માને જગાડો, એ કેવી રીતે જાગે છે એનું નિરીક્ષણ કરો અને જ્યારે એ સૂતેલા આત્માને આત્મ ચેતનાની ક્રિયાશીલતાથી સતેજ કરશો ત્યારે શક્તિની ઉપલબ્ધિ થશે, ઐશ્વર્ય સાંપડશે, પવિત્રતા આવશે અને જે જે વસ્તુ શ્રેષ્ઠ છે તે આવી મળશે.’
અનુવાદક : શ્રી વાલ્મીકભાઈ દેસાઈ
Your Content Goes Here




