ભારતની સાધના આત્મપરિચયની છે. આત્મતત્ત્વના અધિકાધિક પરિચય વડે આપણી સંસ્કૃતિ સમૃદ્ધ થતી આવી છે. જયારે વિશ્વનો પરિચય આપણને એના આઘાતો દ્વારા થતો ગયો અને છતાં આ વિશ્વપરિચયને આપણે હજી આત્મસાત્ કરી શક્યા નથી. જે થોડો વિશ્વ-પરિચય રાષ્ટ્રને થયો છે તે પોતાને જ નવે-નવે પ્રકારે ઓળખીને.
મહાભારતના કૌરવ કોણ હતા? પાંડવ કોણ હતા? શ્રીકૃષ્ણના યાદવો આ બન્ને કરતાં કઈ બાબતમાં ભિન્ન હતા? આમાંનું કશું જ આપણે સ્પષ્ટપણે કે પૂર્ણપણે જાણતા નથી. વિશ્વકુટુંબના વિચારે આપણે આ બધાને એકબીજાના સંબંધી બનાવ્યા અને એ જ દૃષ્ટિએ એમની તરફ જોયું. મહાભારતના ભીષણ સંઘર્ષ પછી હસ્તિનાપુરમાં એકછત્રી સામ્રાજ્ય સ્થપાયું. આપણો મયાસુર પાડોશના ચીનમાંથી સ્થાપત્યકલા લઈ આવ્યો. શ્રીકૃષ્ણની સમન્વયી દૃષ્ટિ કામ કરવા લાગી પણ આપણી આંતરિક ક્ષીણતા કાંઈ દૂર ન થઈ શકી. આત્મપરિચય કરવા માટે આપણને પાંચસો અથવા હજાર વરસ વાટ જોતાં બેસવું પડ્યું. આખરે બુદ્ધ-મહાવીર જેવા જ્ઞાની-ધ્યાની કર્મયોગીઓએ સંસ્કૃતિવ્યાપી આત્મપરિચય કર્યો. ભારતીય યુદ્ધને પરિણામે ભગવાન મહાવીરની ‘અહિંસા’ અને ભગવાન બુદ્ધનો ‘અવેર’- આ બે તત્ત્વો ભારતીય આત્માને પસંદ પડ્યાં. ભગવાન મહાવીરે તપસ્યાનો માર્ગ સ્વીકાર્યો અને ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગની પરિવ્રજ્યા ધારણ કરી. ભગવાન બુદ્ધે પોતે મગધ-કોશલમાં અને ઉત્તર ભારતમાં વિહાર કર્યો પણ એમના ભિખ્ખુ શિષ્યોએ ‘દેવાનામ્ પ્રિય પ્રિયદર્શી’ અશોકની પ્રેરણાથી પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર – બધી દિશાઓમાં સંચાર કર્યો. આનો પ્રભાવ આખા એશિયા ખંડ પર પડ્યો અને હવે પશ્ચિમના મનીષીઓ પર પણ પડવા લાગ્યો છે.
અશોક પછી ફરી એકવાર આપણે ત્યાં ગ્લાનિ ફેલાઈ. આપણે પહેલાં દેશ-વિદેશના પ્રવાસે જતા હતા. હવે દેશ-વિદેશના વિજયી લોકો આપણે ત્યાં આવવા લાગ્યા છે. સિકંદર આવ્યો, મહમ્મદ બિનકાસીમ આવ્યો, પઠાણ આવ્યા, મોગલ આવ્યા અને એમણે પોતાની જબરદસ્તીથી અરબસ્તાનની ધર્મજાગૃતિનો અને ઈરાનની સંસ્કૃતિ-સમૃદ્ધિનો પરિચય આપણને કરાવ્યો પણ આપણા સંતોએ જ્યારે સગુણ-નિર્ગુણ ભક્તિમાર્ગ મારફતે આત્મપરિચયની સાધના આપણને શીખવી ત્યાર પછી જ (એ પરિચયથી જ) આપણે ઈસ્લામી સંસ્કૃતિનો લાભ ખરેખર ઉઠાવી શક્યા.
આપણે ભારતની બહાર જતા હતા ત્યાં સુધી આપણી શક્તિ વધતી હતી, આપણી તાજગી વધતી હતી; પણ આત્મશુદ્ધિને નામે, ‘બીજશુદ્ધિ’નો સંકુચિત આદર્શ આપણે સ્વીકાર્યો અને કૂપમંડુક બનીને રહેવાનું પસંદ કર્યું. ‘અટક’ની અટક નિર્માણ કરી તેમાં જ આપણે અટકી ગયા અને પછી સમુદ્રમાર્ગે આક્રમણકારી લોકોને અહીં મોકલી ભગવાને બળજબરીથી આપણને વિશ્વપરિચય કરાવ્યો. આ પ્રક્રિયા ઈ.સ. ૧૮૫૭ સુધી ચાલી. આપણે ત્યાં ફિરંગી આવ્યા, વલંદા આવ્યા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને અંગ્રેજ પણ આવ્યા. જોતજોતાંમાં આપણે ત્યાં ‘ટોપીવાળા’ઓનું રાજ્ય શરૂ થયું. આપણે ત્યાં પશ્ચિમની વિદ્યા શીખવનારાં વિશ્વવિદ્યાલયો સ્થપાયાં અને આપણે આત્મવિશ્વાસ ખોઈ કિંકર્તવ્યમૂઢ બન્યા. આપણને પશ્ચિમનો પરિચય થયો ખરો, પણ તેનાથી આપણે અંજાઈ ગયા.
આવે વખતે અંતર્મુખ થઈને, આપણને આત્મપરિચય કરાવી આપવાનું કામ જે મનીષીઓએ કર્યું છે તેમાંના બેનું આપણને વિશેષ સ્મરણ થાય છે: એક રાજા રામમોહન રૉયનું અને બીજું સ્વામી વિવેકાનંદનું. બન્નેની સાધના સરખી હતી – ‘અંતર્મુખ થઈને આપણા આધ્યાત્મિક વારસાનો જીવતો પરિચય મેળવી લેવો અને પશ્ચિમ તરફ જઈને પોતાનો આંતરિક આત્મવિશ્વાસ પ્રગટ કરવો.’
અધ્યાત્મ વગર ધર્મ નિષ્પ્રાણ થાય છે એમ સ્વામી વિવેકાનંદે ઓળખ્યું. એમણે એમ પણ જોયું કે ગુફામાં બેસીને અધ્યાત્મનું ચિંતન કરવાથી પરલોકની સાધના થઈ શકતી હોય કદાચ. પણ ધર્મજાગૃતિનું કામ જો કરવું હોય તો તે લોકો સાથે હીન-દીન, પતિત અને પરિત્યક્ત દરિદ્રનારાયણો સાથે – એકરૂપ થઈને જ, તેમની સેવા કરીને જ, કરી શકાય.
સ્વામી વિવેકાનંદની પૂર્વતૈયારીમાં આપણને ત્રણ આધાર દેખાય છે
૧. પશ્ચિમ તરફથી અંગ્રેજી વિદ્યા;
૨. સનાતન ધર્મ પર થયેલા બ્રહ્મસમાજના સામાન્ય સંસ્કાર; અને
૩. સંગીત વિશે અસાધારણ અનુરાગ.
આ ત્રિવિધ તૈયારી સાથે નિયતિએ એમને ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસ પાસે મોકલી દીધા. પરમહંસ જેવા આત્મસાક્ષાત્કારી સત્પુરુષના સંપર્ક વગર નરેન્દ્રનાથ દત્તની વિભૂતિ પૂર્ણપણે જાગ્રત થઈ શકી ન હોત. પરમહંસ સાથેનો એમનો સંબંધ વિચિત્ર હતો. મનમાં શ્રદ્ધા પણ હતી અને વિરોધ પણ હતો. અનેક રીતે એમણે ગુરુમહારાજની કસોટી કરી જોઈ, પોતાની અશ્રદ્ધાને પણ એમણે પૂરી છૂટ આપી; અને એમ પણ કહી શકાય કે ગુરુમહારાજે પણ પોતાના શિષ્યોત્તમને ઓળખી એની જ દ્વારા પોતે પોતાનું યુગકાર્ય કરવાનું છે એ તેઓ જાણી ગયા હતા. તેથી તેમણે નરેન્દ્રનાથને દોર્યા. સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક તૈયારી તો ગુરુમહારાજના સહવાસમાં પૂર્ણ થઈ. પણ તેમના યુગકાર્ય માટે – ‘મિશન’ માટે – આટલું બસ ન હતું.
એ સમયે એક અજાણ્યા સંન્યાસી રૂપે એમને સંપૂર્ણ ભારતની યાત્રા કરી માન-અપમાન સહન કર્યાં. ગરીબોના ઘરના રોટલા ખાધા. હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી આવો કોઈ જાતનો ભેદભાવ મનમાં રાખ્યો નહીં અને ભારતમાતાના હૃદયનો તથા ભારતના ભવિતવ્યનો સાક્ષાત્કાર કરી લીધો.
આટલી તૈયારી પછી જ ભારતના ભાગ્યે એમને અમેરિકા મોકલી આપ્યા. જ્યાં સુધી અમેરિકાએ એમનો સ્વીકાર કર્યો ન હતો ત્યાં સુધી દુર્ભાગી ભારત પર એમની પૂરી અસર થઈ શકે એમ હતું નહીં. રવીન્દ્રનાથ વિષે પણ એવું જ બન્યું. એમને નોબેલ ઈનામ પ્રદાન કરીને પશ્ચિમના દેશોએ એમની પ્રતિભાની કદર કરી ત્યારે જ વર્તમાન ભારતે એ વિશ્વકવિમાં પોતાનું ગૌરવ જોયું. ગાંધીજીને પણ, આત્મશક્તિનો પરિચય પોતે કરવા માટે અને જગતને એની ખાતરી કરાવવા માટે દક્ષિણ આફ્રિકા જવું પડ્યું. સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ માટે અમેરિકા ગયા ત્યારે એમની ઉંમર માંડ ત્રીસ વરસની હતી. આ ઉંમરે તેઓ એકાએક દુનિયા આગળ ઝળક્યા અને ત્યાર પછી માંડ નવ વરસમાં જ એમણે પોતાનું જીવનકાર્ય પૂરું કર્યું. જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ આદિગ્રંથો દ્વારા અને પોતાના જીવનના ઉત્કટ કર્મયોગ દ્વારા એમણે સ્વદેશને તેમ જ પશ્ચિમના દેશોને પ્રભાવિત કર્યા અને પોતાનું ઉત્કટ હૃદય વ્યક્ત કરનારા પત્રો દ્વારા તેમણે ભારતના અનેક તરુણોને જાગૃત કર્યા. યુરોપ-અમેરિકાથી તેઓ ઝાઝું ધન આણી ન શક્યા, પણ ત્યાં તેમને નિષ્ઠાવાન શિષ્યો સારી સંખ્યામાં મળ્યા, આનું પણ પરિણામ ભારતના લોકમાનસ પર વિશેષ થયું. જ્યાં ગોરા લોકો આપણા માલિક, શેઠ અથવા ગુરુજી બની બેઠા હતા ત્યાં તેમને શિષ્યભાવનાથી ભારતની શુશ્રુષા કરતા જોઈ ભારતનો ન્યૂનગંડ (inferiority complex) દૂર થયો. આ પણ એક ઘણી મોટી જ સિદ્ધિ હતી. મિશનરી લોકોએ અહીંના ધર્મગ્રંથોમાંથી અને સમાજમાંથી નાના-મોટા, ખરા-ખોટા બધા દોષો શોધી શોધીને એમની તરફ આંગળી ચીંધીને, આપણો તેજોવધ ચલાવ્યો હતો. અને આપણા ‘ઉદ્ધાર’ માટે આપણને ખ્રિસ્તી બનાવવાનું કાર્ય જોશપૂર્વક ચલાવ્યું હતું. ૧૮૫૭થી ૧૮૯૭ સુધીનાં ચાળીસ વરસના અરસામાં અંગ્રેજોએ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં ભારતને પૂર્ણ રીતે જીતી લીધું હતું, એની સામે સ્વામીજીએ જ, સર્વપ્રથમ ૧૮૯૩માં અમેરિકા જઈને અવાજ ઉઠાવ્યો અને ત્યાર પછી જાણે પશ્ચિમનું પૂર પાછું કાઢવા માટે એમણે હિન્દુ વેદાન્ત ધર્મનો પ્રચાર કરનારા અદ્વૈત આશ્રમો અમેરિકામાં સ્થાપ્યા. આ કામ ઘણું ખરું પ્રતીકાત્મક જ હતું. એની અસર પશ્ચિમના દેશો ૫૨ તો થઈ જ પણ ક્ષીણ થયેલા ભારતના આત્મવિશ્વાસ પર એની વધારે અસર થઈ.
હું જ્યારે મારા બાલ્યકાળનો અને યૌવનકાળનો વિચાર કરું છું ત્યારે અમારા હૃદય પર સ્વામી વિવેકાનંદે કેવી જાદુ જેવી અસર કરી હતી એના સ્મરણથી આજે પણ ગદ્ગદ થાઉં છું. અમારા નાનપણમાં શ્રદ્ધા અને બુદ્ધિવાદ વચ્ચે સંઘર્ષ ચાલ્યો હતો. પશ્ચિમની સંસ્કૃતિને પ્રાધાન્ય આપનારા ‘સુધારક’ અને પશ્ચિમનો આંધળો વિરોધ કરી જૂનો કાળ ફરી જીવતો કરવાનો વૃથા પ્રયત્ન કરનારા સનાતની ‘ઉદ્ધારકો’ વચ્ચે દારુણ સંઘર્ષ ચાલ્યો હતો. આ સંઘર્ષ ખાસ તો બંગાળમાં અને મહારાષ્ટ્રમાં વધુ તીવ્રતાથી ચાલ્યો. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ઝઘડો તો હતો જ. તે સિવાય બ્રહ્મસમાજ, આર્યસમાજ અને થિયૉસૉફી પોતપોતાની રીતે ધર્મજાગૃતિનું કામ કરતા હતા. આ બધી પ્રવૃત્તિઓમાંથી ભવિષ્યકાળ માટેનાં પોષક તત્ત્વો એકત્ર કરીને અદ્વૈતનું સમન્વયકાર્ય સ્વામી વિવેકાનંદે ચલાવ્યું. સ્વામીજીનું અદ્વૈત માત્ર દાર્શનિક અદ્વૈત ન હતું. એમણે સર્વસમન્વયકારી અદ્વૈતનો દાર્શનિક અને સામાજિક પુરસ્કાર કર્યો. એમના હિન્દુ ધર્મને ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ વિશે પણ આદર જ હતો.
ભારતભ્રમણ દરમ્યાન એમણે જે દેશનિરીક્ષણ કર્યું, ભારતના ઇતિહાસનું જે રહસ્ય એમણે સમજી લીધું અને સામાજિક આત્માની જે ઓળખાણ એમના મનમાં ઠસી ગઈ એના આધાર પર એમણે સંન્યાસ-આશ્રમને એક નવું જ રૂપ આપ્યું અને દેશમાં અનેક અદ્વૈત-આશ્રમોની અને સેવાશ્રમોની સ્થાપના કરી સાંસ્કૃતિક ઉત્થાનના રચનાત્મક કામનો પાયો નાખ્યો. સ્વામીજી વધુ જીવ્યા હોત તો એમણે ‘વેદાન્તનાં વિશ્વવિદ્યાલયો’ પણ સ્થાપ્યાં હોત. એમનો બધો પ્રયત્ન વ્યાપક શિક્ષણ મારફતે જીવન-પરિવર્તન કરાવવાની અને સંસ્કૃતિક સંવર્ધન કરવાની દિશાએ ચાલ્યો હતો. એમનાં કાર્યનાં આ પાસાંનો વિકાસ કાંઈક અંશે એમની શિષ્યા ભગિની નિવેદિતાએ કર્યો.
હું તો એમ જ માનું છું કે શ્રીરામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતા – આ ત્રણ વિભૂતિઓનો ત્રિવેણીસંગમ જ પ્રબુદ્ધ ભારતનું તીર્થોત્તમ પ્રયાગરાજ છે. ભગિની નિવેદિતાની ઐતિહાસિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક સેવા દ્વારા સ્વામી વિવેકાનંદના યુગકાર્યને રાષ્ટ્રીય રૂપ આપવામાં ઘણી મદદ થઈ છે. કવીન્દ્ર રવીન્દ્રનાથ, યોગીરાજ શ્રી અરવિંદ અને મહાત્મા ગાંધી – આ ત્રણેયની જીવનદૃષ્ટિ પર અને એમનાં યુગકાર્ય પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ સ્પષ્ટ દેખાઈ આવે છે. આથી પણ આગળ જઈને હું કહીશ કે સ્વામી વિવેકાનંદની અસર આજે પણ કેટલી ઊંડી છે તે જોવું હોય તો બે નેતાઓના બે નાના નિબંધો જોઈ લો – એક રાજાજીનો “Religion of the Future” અને બીજો ડૉ. રાધાકૃષ્ણન્નો “Religion we Need.”
હિન્દુ ધર્મ તથા હિન્દુ સંસ્કૃતિએ કાયાકલ્પ કરી નવું અને ઉજ્જ્વલતર રૂપ ધારણ કર્યું જ છે. આ હિન્દુ સંસ્કૃતિનો એક વિભાગ તે એનો સંન્યાસાશ્રામ. ઇતિહાસમાં આ આશ્રમનાં ઉત્થાન અને પતનનાં અનેક પાસાં જડી આવે છે. ભારતીય સંસ્કૃતિનો કોઈ પ્રતિભાવાન ઇતિહાસકાર જયારે સંન્યાસાશ્રમનો આમૂલાગ્ર ઇતિહાસ લખવા બેસશે ત્યારે આપણા પૂર્વજોએ જીવનમાં ક્યાં-ક્યાં પ્રયોગો કર્યા હતા અને સામાજિક જીવનનું આધ્યાત્મિક સંગઠન કરવા માટે એમણે ક્યાં-ક્યાં તત્ત્વોનું અનુશીલન કર્યું – આ બધી વાતો પર નવો જ પ્રકાશ પડશે. આપણે ત્યાં સંન્યાસના કેટલાય પ્રકારો ઉદ્ભવ્યા. શુકમુનિનો સંન્યાસ એક પ્રકારનો; તો યાજ્ઞવલ્ક્યનો બીજી જ જાતનો. બુદ્ધ-મહાવીરનો સંન્યાસ રૂઢિવિનાશક તો શંકરાચાર્યનો સંન્યાસ બધી રૂઢિઓનો પચાવી નવી રૂઢિ નિર્માણ કરનારો અને નવું સંગઠન કરનારો.
(કાકા કાલેલકર ગ્રંથાવલિ-૮, પૃ. ૫૩૩-૫૩૭, નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી)
Your Content Goes Here




