આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ બધા સ્વીકારે છે; પરંતુ સમાજમાં રહેતા, પોતાની દૈનંદિન પ્રવૃત્તિઓમાં મથતા રહેતા, એવા લોકો માટે પણ આધ્યાત્મિક અને વ્યાવહારિક જીવનપાથેય આપણને ઉપનિષદોમાં રાજર્ષિઓએ આપેલ અનન્ય અને ભિન્ન ભિન્ન પ્રકારની ઉપાસના પદ્ધતિઓ દ્વારા મળે છે. બ્રાહ્મણો તો ઋષિ બનીને આધ્યાત્મિક ઉપાસના અને તપોમય જીવન ગાળતા, પરંતુ રાજા-મહારાજાઓ તો પોતપોતાના રાજકારભારને, પ્રજાજનોને સાચવતા સંભાળતા; એમની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ કરતા; અને રાજર્ષિ રૂપે તેમણે આવી વ્યવહારુ આધ્યાત્મિકતાની વાતો ઉપનિષદો દ્વારા સ્વાભાવિક ભાવે કરી છે, એટલે જ એ દૈનંદિન જીવનમાં સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે.

બ્રહ્મર્ષિ ગૌતમનો પુત્ર શ્વેતકેતુ પંચાલ પ્રદેશના રાજા પ્રવાહણને મળવા ગયા. રાજાએ તેને પૂછ્યું: ‘તમારા પિતાએ તમને પૂરેપૂરું જ્ઞાન આપ્યું છે ને?’ ‘હા’માં પ્રત્યુત્તર મળતાં રાજર્ષિ પ્રવહણે પાંચ પ્રશ્નો પૂછ્યા. આ પ્રશ્નનો ઉત્તર શ્વેતકેતુ આપી શક્યો નહિ. શ્વેતકેતુ પોતાના પિતા પાસે વિલાયેલા મુખે પાછો ફરે છે. બધી વાત સાંભળીને ગૌતમે કહ્યું કે મેં તો મારી પાસે જે કંઈ હતું તે બધું જ્ઞાન આપી દીધું છે. ચાલ, હવે આપણે એ રાજર્ષિ પ્રવહણ પાસે જઈએ. પરંતુ શ્વેતકેતુ તૈયાર ન થતાં પિતા ગૌતમ એ રાજર્ષિ પાસે જ્ઞાનની ઉપાસનામાં વૃદ્ધિ કરવા વિનમ્ર બ્રાહ્મણ રૂપે ગયા. રાજા પ્રવહણે ગૌતમઋષિનું ભાવભર્યું સન્માન કર્યું. 

इयं विद्येत: पूर्वं न कस्मिंश्चा ब्राह्मण उवास; तां त्वहं तुभ्यं वक्ष्यामि, को हि त्वैवं ब्रुवन्तमर्हति प्रत्याख्यातुमिति ॥ (बृहदारण्यक उप. : ६.२.८)

આ જ્ઞાન બ્રાહ્મણો પાસે હતું નહિ. પરંતુ હું તમને એ શીખવીશ. તમારી આ વિવેકપૂર્ણ અને જ્ઞાનપિપાસુ વાણી સાંભળીને તમને હું શીખવીશ. આપ જેવાને હું કેવી રીતે ના પાડી શકું?

છાંદોગ્ય ઉપનિષદમાં પણ આ જ વાર્તા આવે છે અને એ જ રાજર્ષિ પ્રવહણ ગૌતમને કહે છે:

र्तं ह चिरं वसेत्याज्ञापयाञ्चकार र्तं होवाच यथा मा त्वं गौतमावदो यथेयं न प्राक् त्वत्तः पुरा विद्या ब्राह्मणान्गच्छति तस्मादु सर्वेषु लोकेषु क्षत्रस्यैव प्रशासनमभूदिति तस्मै होवाच ॥ (छांदोग्य उप. : ५.३.७)

અહીં ‘ચિરકાળ રહો’ એવી આજ્ઞા આપી અને કહ્યું: ‘હે ગૌતમ, જે રીતે તમે મને કહ્યું છે (એનાથી એ જાણી લો કે) પૂર્વકાળમાં તમારાથી પહેલાં આ વિદ્યા બ્રાહ્મણો પાસે ન ગઈ. એનાથી સંપૂર્ણ લોકોમાં (આ વિદ્યા દ્વારા) ક્ષત્રિયોનું જ (શિષ્યો પ્રત્યે) શિક્ષકત્વ-અનુશાસન હતું. 

આવા વ્યવહાર પક્ષને સાથે રાખતા રાજર્ષિઓનું સ્પષ્ટપણે માનવું હતું કે ધર્મ, આધ્યાત્મિક તત્ત્વો કે જ્ઞાનની વાતો કે આપણા શાસ્ત્રો જો આપણા સૌના દૈનંદિન જીવનમાં પણ ઉપયોગી ન થતા હોય એટલે કે વ્યવહારુ સ્વરૂપે તેઓ આપણી સૌની સમાસ્યાઓનું યોગ્ય નિરાકરણ કરી ન શકતા હોય તો એનું કોઈ પ્રયોજન રહેતું નથી. એટલે આપણાં ઉપનિષદો માત્ર વિધિવિધાનોની આજ્ઞા-અવજ્ઞા ન બની જતાં એક અત્યંત ઉદાર મતવાદી, સહજ, સરળ અને વ્યવહારુ તત્ત્વજ્ઞાનવાળાં બની રહ્યાં. આ બધી વ્યવહાર જ્ઞાનની વાતો એમણે વિવિધ સચોટ ઉદાહરણ, દૃષ્ટાંત કથાઓ દ્વારા આધ્યાત્મિક જીવનનાં ગહનતમ તત્ત્વોને પણ સ્પષ્ટ રીતે આપણી સમક્ષ મૂક્યાં છે. જો કે આપણાં પુરાણોએ પણ થોડી વધુ રસમય રીતે વાર્તાકથાઓ દ્વારા આવાં જ તત્ત્વોની વાત આપણી સમક્ષ કરી છે પણ એમાં રહેલાં ઉદાહરણોના કથાતત્ત્વમાં લોકો એટલો બધો રસ લેતાં થઈ ગયા કે મૂળ તત્ત્વોની વાત છોડીને તેઓ વાર્તારસમાં જ સંતોષ માનવા લાગ્યા. પરંતુ આની સરખામણીએ ઉપનિષદોમાં આ સૂક્ષ્મજ્ઞાનના તત્ત્વો અને સત્યોની વાત વધારે પ્રત્યક્ષ અને સ્પષ્ટ ભાષામાં કરી છે. ક્યારેક આવી અતિસ્પષ્ટ વાત પણ ગળે ઉતારવી સામાન્ય જન માટે મુશ્કેલ બની ગઈ; સામાન્ય જનોને રૂપક કથા કે ઉદાહરણ કથામાં વધારે રસ રહે એ સ્વાભાવિક છે.

સ્વામી વિવેકાનંદ માનતા હતા કે આપણે આપણી અવ્યવહારુ અને બિનજરૂરી તર્કાતર્કની બુદ્ધિથી પર રહીને એટલે કે અનાદિકાળથી ચાલી આવતી અનેક ટીકાટિપ્પણીની ઝંઝાળમાંથી મુક્ત રહીને એક નવા અને તરોતાજા અભિગમથી એ ઉપનિષદોનાં સત્યોને આપણી ભીતર ઊતરી જાય તે રીતે આ ઉપનિષદોનો અભ્યાસ કરવો જોઈએ. તદુપરાંત તેમણે પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના જીવનમાં આ ઉપનિષદોનાં સત્યોને મૂર્તિમંત થતાં નિહાળ્યાં હતાં. એમના મતે શ્રીરામકૃષ્ણનું આધ્યાત્મિક જીવન અને એમનો ઉપદેશ આજના યુગ માટે આ ઉપનિષદોનાં સત્યોના વ્યવહારુપણાનાં અનન્ય ઉદાહરણ છે. સ્વામીજીનું ક્ષાત્રવીર્ય અને બ્રહ્મતેજથી છલકતું જીવન આપણને ઉપનિષદકાળના રાજર્ષિઓની યાદ અપાવે છે. ઉપનિષદોમાં રાજર્ષિઓએ ઉચ્ચારેલાં એ મહાન સત્યો, આધુનિક માનવ માટે અને એમાંય ખાસ કરીને પાશ્ચાત્ય કેળવણી પામનારા માટે સહજ-સરળ અને સચોટ ભાષામાં સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળામાં આપણને મળે છે.

ઉપનિષદોનાં સત્યો, ઉપાસના પદ્ધતિઓ, રૂપક કથાઓનું વિવરણ શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ તેમજ અન્ય અંતરંગ શિષ્યોના જીવન-સંદેશની વાતો દ્વારા હવે પછીના લેખોમાં કરીશું. જો આપણે આવાં જીવંત ઉદાહરણોના આલોકમાં ઉપનિષદોને સમજવાનો પ્રયત્ન નહિ કરીએ તો એ સૌ કોઈ માટે પુસ્તકમાં રહેલાં શુષ્કજ્ઞાનનાં નિરર્થક સત્યો બની રહેશે. માત્ર પુસ્તકીયાજ્ઞાન વિશે શ્રીરામકૃષ્ણદેવ એક સરસમજાની દૃષ્ટાંત કથા દ્વારા આપણને સાચી સમજણ આપે છે :

‘ધર્મગ્રંથો વાંચીને પ્રભુપ્રેમ પ્રાપ્ત કરી શકાય છે? પંચાંગમાં લખ્યું હોય છે કે અમુક દિવસે આટલો વરસાદ વરસશે પણ પંચાંગને નીચોવો તો એક ટીપુંયે પડવાનું નથી! એ જ રીતે, ધર્મગ્રંથોમાં ઘણાં સુવાક્યો લખેલાં હોય છે પણ, એના માત્ર વાચનથી ધાર્મિક બનાતું નથી. આવા ગ્રંથોમાં પ્રબોધેલા ગુણો પ્રમાણે આચરણ કરવાથી ઈશ્વરને પામી શકાય.’ શ્વેતાશ્વતર ઉપનિષદ (૩.૧૬)માં કહેવામાં આવ્યું છે : 

सर्वतः पाणिपादं तत्सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ॥

‘જેમના હાથ અને પગ સર્વત: છે, સર્વત: આંખ, મસ્તક અને મુખ છે, સર્વત: કાન છે; સમગ્ર બ્રહ્માંડને આવરી લઈને તેઓ ઊભા છે.’ આ અનુભૂતિ આપણે શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં એક પ્રસંગ દ્વારા જોઈએ : શ્રીરામકૃષ્ણદેવના ગળાનું કેન્સર થયું છે. આ રોગની સારવાર માટે તેમને કાશીપુરના ઉદ્યાનગૃહમાં લાવવામાં આવ્યા છે. દિનબદિન એમનું આરોગ્ય ખરાબ અને ખરાબ થતું જાય છે. નરેન્દ્રનાથને સમજાઈ ગયું કે હવે શ્રીઠાકુરના દેહને ટકાવવો અતિ મુશ્કેલ છે. પરંતુ શ્રીઠાકુરને છોડીને રહેવું કેમ? કોઈ પણ ઉપાયથી એમને સાજા કરવા જ રહ્યા. એવામાં એક પંડિત શ્રીરામકૃષ્ણદેવને જોવા આવ્યા હતા. તેમણે કહ્યું: ‘તમે જો તમારા દેહ પર થોડુંક ધ્યાન આપશો તો આ રોગ મટી જશે. યોગીઓ ઇચ્છામાત્રથી જ પોતાના દેહના અનારોગ્યને દૂર કરી શકે છે.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા : ‘એ વાત સાચી; પણ જે મન એક વખત ભગવાનનાં શ્રીચરણકમળમાં અર્પિત કરી દીધું હોય ત્યાંથી એને પાછું વાળીને હાડમાંસના પિંજરા પરની ધારણામાં કેવી રીતે લગાડવું? આ શરીરને આટલા દિવસ સુધી તુચ્છ ગણીને ચાલ્યો છું.’ પંડિતનો અનુરોધ નિષ્ફળ ગયો. નરેન્દ્રનાથ ત્યાં બેઠાં બેઠાં બધું સાંભળતા હતા. એમને એક ઉપાય સૂઝી આવ્યો: ‘શ્રીમા કાલી શ્રીરામકૃષ્ણદેવની બધી વાત સાંભળે છે. નરેન્દ્રનાથે એનું પ્રમાણ પોતે જ અનુભવ્યું હતું. જગન્માતાને કહીને આ રોગનું નિવારણ શોધવું પડશે.’ આ વાતનો વિચાર કરતાં કરતાં નરેન્દ્રનાથ શ્રીઠાકુરના ઓરડામાં ગયા અને કહેવા લાગ્યા: ‘મહાશય, શ્રીમા કાલીને કહીને તમારા ગળાના રોગને દૂર કરો.’ શ્રીરામકૃષ્ણે એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું: ‘તારી વાત તો સાચી. પણ હું માને કહેવા જાઉં છું ત્યાં જ વાત મોંમાંથી બહાર આવતી નથી. આ રોગ દૂર કરો એમ તો મેં માને ક્યારેય કહ્યું નથી. આ તુચ્છ શરીરની ક્ષુદ્ર વાત શ્રીમાને કેવી રીતે કહું?’ છતાંય નરેન્દ્રનાથે એમને ન છોડ્યા અને આગ્રહ કરીને કહ્યું: ‘મહાશય, હું એ કંઈ જાણતો નથી. પોતાના માટે ભલે તમે ના કહો પણ અમારા મોં સામું જોઈને એક વાર તો શ્રીમાને કહેવું જ પડશે.’ શ્રીરામકૃષ્ણદેવને નરેન્દ્ર માટે અનહદ પ્રેમ હતો. એટલે એની હૃદયની વિનંતીને તેઓ અવગણી ન શક્યા. તેઓ જાણતા હતા કે આ દેહ જવાથી આ છોકરાઓને ઘણું કષ્ટ વેઠવું પડશે. એટલે તેઓ બોલ્યા: ‘સારુ, હું પ્રયત્ન કરી જોઈશ, જો શક્ય બનશે તો માને વિનંતી કરીશ.’ થોડીવાર પછી નરેન્દ્રનાથ પાછા શ્રીઠાકુરના ઓરડામાં આવ્યા અને પૂછ્યું: ‘શું માને પૂછ્યું?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપતાં કહ્યું: ‘હા, માને પૂછ્યું હતું.’ મેં પૂછ્યું: ‘મા, ગળાના આ દરદથી મારાથી કંઈ ખવાતું નથી. થોડું ખાઈ શકું એવી વ્યવસ્થા કરી દે, મા.’ આ સાંભળીને માએ તમને બધાને બતાવીને કહ્યું: ‘કેમ રે! આટલા બધા મોંએથી તો ખા છો.’ એ સાંભળીને શરમનો માર્યો હું ઝૂકી ગયો. તારી વાત સાંભળીને આવું શા માટે કહેવા ગયો? એમ હું વિચારવા લાગ્યો. આ પ્રસંગ પર વિચાર કરીને જોઈએ તો શ્રીરામકૃષ્ણ કેટલા સહજસરળ અને સ્પષ્ટભાવે પોતાને સર્વમાં પ્રત્યક્ષ રૂપે જોતા. આ અનુભૂતિ ભલે થોડીક ક્ષણની હોય પરંતુ એ એટલી બધી ગહન અને સ્પષ્ટ હતી કે જ્યારે માએ એમને ઠપકો આપતાં કહ્યું: ‘કેમ રે! આટલા બધા મોંએથી તો ખા છો.’ આ સાંભળતાં વાતનો મર્મ તો સમજાઈ ગયો પણ સાથે ને સાથે બધાના મુખે પોતે ખાતાં હોય એવી અનુભૂતિ કરીને તેઓ શરમથી ઝૂકી ગયા. આ સ્થિતિમાં બ્રહ્મજ્ઞાનીની જે અવસ્થા હોય છે અને એને જેવી અનુભૂતિ થાય છે તેની વાત ગીતા (૬.૩૨)માં આ શબ્દોમાં કહી છે.

आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन ।
सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः ॥

‘હે અર્જુન, જે મનુષ્ય સર્વે પ્રાણીઓમાં પોતાની જ પેઠે સુખ કે દુ:ખને સમાન ગણે છે, તેને ઉત્તમ યોગી માનવામાં આવ્યો છે.’ આ અનુભૂતિ એક ઉચ્ચયોગ અવસ્થાનું પરિણામ છે. ઉપર્યુક્ત અધ્યાયના ૨૯મા શ્લોકમાં એક આત્મસ્થ યોગીની વાત કરતાં શ્રીકૃષ્ણ કહે છે:

सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ।
ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥

‘યોગયુક્ત મનવાળો અને સર્વત્ર સમાન દૃષ્ટિવાળો (યોગી) પોતાનામાં બધાં પ્રાણીઓને અને બધાં પ્રાણીઓમાં પોતાને જુએ છે.’ 

ઉદ્દાલક આરુણિ એટલે કે ગૌતમ ઋષિ પાસે કેટલાક વિદ્વાન ગૃહસ્થ બ્રાહ્મણો સર્વવ્યાપી આત્મા વિશે જાણવા ગયા ત્યારે એમણે કહ્યું કે આ વિશે હું બહું જાણતો નથી, એટલે આપણે અશ્વપતિ કૈકેય નામના રાજર્ષિ પાસે જઈએ. તેઓ એક મહાન બ્રહ્મવિદ્‌ અને એક મહાન રાજા પણ છે. છાંદોગ્ય ઉપનિષદમાં અશ્વપતિ કૈકેય કહે છે :

एते वै खलु यूयं पृथगिवेममात्मानं वैश्वानरं विद्वांसोऽन्नमत्थ यस्त्वेतमेवं प्रादेशमात्रमभिविमानमात्मानं वैश्वानरमुपास्ते स सर्वेषु लोकेषु सर्वेषु भूतेषु सर्वेष्वात्मस्वन्नमत्ति ॥ (छांदोग्य उप. : ५.१८.१)

‘તમે લોકો એ વૈશ્વાનર આત્માને તમારાથી ભિન્ન અને અનેક ગણીને અન્ન વગેરે ખાઓ છો. જે કોઈ વ્યક્તિ ‘આ હું જ છું’ એ પ્રકારના અહંભાવથી વૈશ્વાનર આત્માની ઉપાસના કરે છે તે સમગ્ર લોકો દ્વારા, સમગ્ર પ્રાણીઓ વડે અને સમગ્ર આત્માઓથી અન્નભક્ષણ કરે છે.’

આ વાત થઈ શ્રીરામકૃષ્ણદેવે પોતાના જીવન દ્વારા સર્વભૂતોમાં પોતાને નિહાળવાની અને સર્વના મુખે પોતાના ખાવાની અનુભૂતિની વાત. પરંતુ આ અનુભૂતિ મેળવવા માટે સાધનાની જરૂર છે. છાંદોગ્ય ઉપનિષદ (૫.૧૯ થી ૨૪)માં આ અનુભૂતિ પ્રાપ્ત કરવા માટેની સાધનાનો ઉલ્લેખ જોવા મળે છે. પોતાનામાં રહેલ વિશ્વાત્માને ‘પ્રાણાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા,’ કહીને દેહમાં રહેલ વિશ્વવ્યાપી પંચપ્રાણને આહુતિ આપવાનું સૂચન કર્યું છે. આ બધી ઉપાસના વિદ્યા જે ઉપનિષદ કાળમાં સત્યના જિજ્ઞાસુઓ અને ઉપાસકો રાજર્ષિઓ પાસેથી મેળવતા હતા, એવી જ સાધના કે ઉપાસના શું આપણને શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશ દ્વારા પ્રાપ્ત થાય છે ખરી? પ્રાચીન કાળથી આ ઉપનિષદોની ઉપાસના પદ્ધતિઓની પ્રણાલી પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે આપણા વિધિવિધાનો દ્વારા અત્યાર સુધી આપણને સાંપડી રહી છે. જો આપણે સૌ એના મર્મને જાણ્યા વિના કે શ્રદ્ધા વિના એનું અનુશીલન કરીએ તો એનું ફળ મળતું નથી. શ્રીરામકૃષ્ણદેવ પણ પોતાના જીવનની સાધનાઓમાં, પ્રભુની વિવિધ ભાવે પૂજા કરવામાં સાચી શ્રદ્ધા સાથેનું વિધિવિધાનોનું અનુશીલન કરતા. એમના મોટાભાઈ શ્રીરામકુમાર પાસેથી એમણે પૂજાપદ્ધતિ તેમજ મંત્રોચ્ચારણ અને વિધિવિધાનોનું જ્ઞાન મેળવી લીધું હતું. આ બધું તેઓ એક બાળક સહજ ભાવથી અને પૂર્ણ શ્રદ્ધા સાથે એકાગ્ર ચિત્તે કરતા. આમ જોઈએ તો નિરક્ષર જેવા શ્રીરામકૃષ્ણદેવ આ બધાનો મર્મ કેવી રીતે સમજી શક્યા એવો પ્રશ્ન ઊભો થાય. પરંતુ શાસ્ત્રોનાં વિધિવિધાનના મર્મની બુદ્ધિપૂર્વકની જાણ કરતાં એનું શ્રદ્ધાપૂર્વકનું આચરણ વધારે ફળદાયી નીવડે છે, એ સાક્ષાત્કારના પથે દોરી જાય છે. આ શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પ્રત્યક્ષ રૂપે જોવા મળે છે. મા કાલીની પૂજા વખતે એમને હાલતાં-ચાલતાં, પૂજાનૈવેદ્ય ગ્રહણ કરતાં, વાતચીત કરતાં જોઈએ છીએ. એટલે શાસ્ત્રોના એ મંત્રો માત્ર શબ્દો ન રહ્યા પણ સતત થતી અનુભૂતિ બની ગયા.

(ક્રમશ:)

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.