ઈશ આવીને આજ કહે કે
માગ તે આપું;
હૃદય, તને બાંધતાં સકળ
બંધન કાપું;
દેવતાના દરબારમાં ઊંચે
આસને સ્થાપું.
મૂરખ મારું કાળજું છતાં
કાંઈ ન માને:
હઠ કરીને બેસતું એ તો
એક જ ધ્યાને.
સોરઠની રૂડી ભોમમાં નાના
ગામની સીમે;
પાય પખાળતી જાય વહી જ્યાં
નાવલી ધીમે.
મર્માળાં મારાં માનવીની ત્યાં
સાંભળું વાણી;
સુખદુ:ખોની સાથે અમારે
થાય ઉજાણી;
એવા રે કાંઈ ઓરતા મનને
કરતા જાદુ;
હોય કૃપા તો એટલું આપજો
સપનું સાદું;
ભોમકામાં એવી આયખું દેજો
ઈશ, એકાદું.
Your Content Goes Here




