સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ છે. – સં.
વિદ્યાર્થી જીવન એટલે ઉત્સાહનો ફુવારો, થનગનતો આનંદ. યુવા અવસ્થા એટલે કેટલુંય કરવાની ભાવના, કેટલુંય દેખાડવાની ભાવના, ચંચળતા, તરવરાટ અને આવું કેટલુંય આપણે કહી શકીએ. આમ જુઓ તો વિદ્યાર્થીકાળમાં આળસને ક્યાંય સ્થાન નથી. વિદ્યાર્થીનું જીવન એટલે શિક્ષક, મિત્રો, પ્રવાસ, ફરવું, શેરીઓ ખૂંદવી, પર્વત ચડવા, નદી પાર કરવી, બસ આવી કંઈક ઘેલછા રહેલી હોય છે. એ અવસ્થામાં વળી કેટલાક હોય પુસ્તકિયા કીડા અને હા, કેટલાકને યુગોપયોગી સિનેમા જોવાની અને ઈન્ટરનેટ, મોબાઈલ, ટેબલેટ, લેપટોપ વાપરવાની ઘેલછા. જાણે સવારથી જ બસ સમય નથી. સથવારો છે ઉપરની બધી વસ્તુઓનો. સમય ક્યાંય નીકળી જાય છે, સાંજ ધસમસતી આવીને ઊભી રહી જાય છે; દિવસ નવો શરૂ થાય છે, સેમિસ્ટર પૂરું, પરીક્ષાના ડંકા, વર્ષ પૂરું અને ફરી પાછું એ જ રૂટિન. આજનો વિદ્યાર્થી અજ્ઞાની નથી. હા, દિશાહીન જરૂર છે, આદર્શહીન જરૂર છે, પણ તેને જ્ઞાનની ભૂખ છે. જો અવળી લતે ન ચડે તો તેનું જીવન ઠીક ઠીક રેલવે લાઈનની જેમ સુચારુ રીતે ચાલે છે પણ યુગની લતે એ ચઢે તો પછી ક્યારેક જીવનની દોરી ટુંકાવી પણ નાખે છે. કારણ કે દિશાહીન મનુષ્યને ખબર નથી તે ક્યાં જવાનો છે, તેને શું કરવાનું છે, કંઈક કરવું છે એટલી જ ખબર છે. આવા દિશાહીન યુવાન વિદ્યાર્થીઓની દીવાદાંડી એટલે, ધ્રુવ તારો એટલે હંમેશ યુવા અને થનગનતી મહાન વ્યક્તિ વિવેકાનંદ. દરેક યુવા વિદ્યાર્થીએ સ્વામી વિવેકાનંદની વિદ્યાર્થી અવસ્થા સમયનો અભ્યાસ કરવો જરૂરી છે. બાળપણ જ દર્શાવે છે કે તે યુવાન વયે કેવો થશે ! સ્વામીજીના કેટલાક મહત્ત્વના સંદેશ જે ખરેખર તો તેઓએ વિદ્યાર્થીકાળમાં જ અપનાવેલ, તેવા સંદેશો આજના દિશાહીન વિદ્યાર્થીઓના જીવનનાં પાસાં પલટી શકે છે.
સ્વામીજીનો વિદ્યાર્થીકાળ યશસ્વી હતો તે આપણે સૌ જાણીએ છીએ. જ્યારે તેમના તરફ જોઈએ ત્યારે જ ખ્યાલ આવે કે કેવું ખડતલ, આકર્ષક વ્યક્તિત્વ ! આજનો યુવાન જીમ્નેશીયમમાં જાય છે. શરીર તો ખડતલ આકર્ષક બનાવે છે પણ તેમની પાછળનો હેતુ નબળો હોય છે. શરીરની ખડતલતા, સ્નાયુબદ્ધતા કંઈ બીજાને દેખાડવા માટે નથી. આવું લોહમય સુદ્રઢ શરીર, તેમાં રહેલું વજ્ર જેવું મન, કોમળ હૃદય ગીતાના વિચારોને પચાવી, દ્રઢીભૂત કરીને સમાજના ઉત્કર્ષ માટે વાપરવાના છે. ફૂટબોલ રમતા ખડતલ પંજા, પગ એ સમાજને આધ્યાત્મિકતાના ઉન્નત વારસા માટે છે, પણ આજનો યુવાન કેવળ દેખાડવા માટે જ, અમસ્તી નાની નાની સિદ્ધિઓ માટે જ તેને વાપરે છે.
આજનો વિદ્યાર્થી સ્વામીજીએ કહેલી એકાગ્રતા તો કેળવે છે, પણ આ એકાગ્રતા કેવળ જ્ઞાનની પિપાસા ન બનીને સમાજનાં જુદાં જુદાં દૂષણો તરફ ફંટાઈ જાય છે અને અંતે મનની શક્તિઓ જુદી જ દિશામાં વહી જવાથી વિદ્યાર્થીજીવન હતાશામય થઈ જાય છે અને અંતે કાં તો નાની ઉંમરે નાસીપાસ જીવન અથવા આત્મઘાત જેવાં ભયંકર પગલાં ભરી લે છે. સ્વામીજીએ કહેલી એકાગ્રતા જો જીવનને દિવ્ય ન બનાવી શકે તો પછી શું કામની ? આ એકાગ્રતાને જો ઠીક ઠીક દિશા મળે તો શક્તિના ધોધ વહેવડાવી શકે છે, વિદ્યાર્થીનો જીવનકાળ દિવ્ય બની જાય છે અને એ સુંદર જીવનમાં સફળતાઓ પ્રાપ્ત થાય છે, યશ મળે છે, સમાજમાં કદર પણ થાય છે.
સ્વામીજીએ વિદ્યાર્થીકાળ દરમિયાન પવિત્રતાની જરૂરિયાત પણ અત્યંત છે તેવું કહેલ છે. પવિત્ર જીવન એક જ્યોત જેવું છે અને આ પવિત્ર જ્યોત બીજી કેટલીય જ્યોતને પ્રગટાવે છે. પવિત્ર જીવન એક મહાન ચરિત્ર ગઠન કરે છે, મનુષ્ય બનાવે છે. પવિત્ર જીવન જ સંઘર્ષો સામે લડી લેવાની શક્તિ બક્ષે છે. દેશ માટે અને સમાજ માટે ખપી જવાની ખુમારી આપે છે, દિવ્ય જીવન આપે છે અને આ પવિત્રતાથી જ વિદ્યાર્થીજીવનનું યશસ્વી અને ઉજ્જવળ ભવિષ્ય નિર્મિત થાય છે.
વિદ્યાર્થીજીવન દરમિયાન એક મહત્ત્વનો સંદેશ કે જે સ્વામીજીએ આપેલ તે છે સાચી શ્રદ્ધા; પોતાનામાં, ત્યાર પછી બીજામાં. આ સંદેશ એટલે બીજી વ્યક્તિ, ઈશ્વર કે કોઈ પર પણ સાચી શ્રદ્ધા કેળવવી. સ્વામીજી દરેક યુવાનમાં, કઠોપનિષદમાં વર્ણવેલી નચિકેતાની શ્રદ્ધા જેવી શ્રદ્ધાના હિમાયતી હતા. નચિકેતાની કેવી મહાન શ્રદ્ધા કે પોતે કદાચ પ્રથમ અથવા મધ્યમ છે પણ કનિષ્ઠ તો ક્યારેય નથી. સાક્ષાત્ યમરાજા પાસે પણ ભયરહિત થઈને પોતાને જે જરૂર છે તે આત્મવિદ્યા, અગ્નિવિદ્યાનો ઉપદેશ મેળવ્યો. પોતાના પિતામાં ફરી પાછી ભક્તિ અને શ્રદ્ધા આવે તેવું વરદાન પણ મેળવ્યું. દરેક વિદ્યાર્થી આ સાચી શ્રદ્ધા જરૂર કેળવી શકે છે અને એના માટે આવશ્યક છે આત્મવિશ્વાસ. જેમ જેમ એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરશે તેમ તેમ તેનામાં આત્મવિશ્વાસ આવતો જશે અને તેના દ્વારા પોતાના પરની શ્રદ્ધા મજબૂત થશે. ત્યારબાદ જ આ શ્રદ્ધા ઈશ્વર તરફ વળશે અને જીવન આધ્યાત્મિક બનશ્ો.
વિદ્યાર્થી અવસ્થા દરમિયાન વિદ્યાર્થીઓએ કેળવવા જેવો ખાસ ગુણ કે જે સ્વામી વિવેકાનંદ કહેતા તે છે : ‘સેવાભાવ, ત્યાગની ભાવના.’ આજકાલ વિદ્યાર્થી જીવનમાં સેવાની ભાવના, ત્યાગની વૃત્તિ બહુ જ ઓછી જોવા મળે છે. વિદ્યાર્થી વિદ્યાર્થી વચ્ચેનો પ્રેમ કેવળ આ ભાવનાથી જ જળવાઈ શકે છે. પોતાના મિત્ર માટેની કંઈક કરી છૂટવાની ભાવના કેવળ ત્યાગની વૃત્તિથી જ કેળવાય છે. તો જ ગરીબ વિદ્યાર્થીઓ તેમના પૈસાદાર વિદ્યાર્થીઓ પાસેથી યોગ્ય સહાય મેળવી તેમનો અભ્યાસ પૂરો કરી શકે છે. સક્ષમ વિદ્યાર્થી તેના ક્લાસના જ મિત્ર માટે પુસ્તકો, નોટબુક વગેરે ખરીદીને મિત્રતાની ભેટ આપી શકે છે. આજકાલ આવું બધું બહુ જ ઓછું બને છે. વિદ્યાર્થીઓ સમાજ પાસેથી કેવળ સ્વાર્થની ભાવના જ રાખે તો મહાન ન બની શકે. તે માટે નિ :સ્વાર્થતા કેળવવી જરૂરી છે. નાનપણમાં કરેલી આવી મદદ જ્યારે મોટા થાય ત્યારે કેટલી આનંદદાયક હોય તે તો જેને અનુભવ હોય તે જ જાણી શકે છે.
Your Content Goes Here




