સ્વામી આત્મદીપાનંદ રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ છે. – સં.
(આ લેખનો એક અંશ દિપોત્સવી અંકમાં છપાઈ ચૂક્યો છે.)
સ્વામી વિવેકાનંદ કહેતા, ‘મારાં બાળકો ! અન્ય માટે લાગણી રાખતાં શીખો.’ ગરીબ, અજ્ઞાની અને સમાજના કચડાયેલા વર્ગાે માટે હૃદય દ્રવિત થવું જોઈએ. તેમની બાળ અવસ્થાથી જ દીનદુ :ખીઓ માટે સ્વામીજીના હૃદયમાં કેટલી ભાવના હતી ! તેઓ જાતે જ ભીખારીઓ માટે ઘરની બારીઓમાંથી વસ્તુઓ ફેંકી દેતા. જો તેમને ઘરમાં બંધ કરી દે તો ઉપરના રૂમમાંથી નીચે વસ્તુઓ ફેંકતા. તેમનો આ દયાભાવ આપણે તેમના પૂરા જીવન દરમિયાન જોઈએ છીએ. તેથી જ તેમનું હૃદય ગરીબો માટે દ્રવતું. તેઓ કહેતા કે ‘ભારતના લાખો ગરીબોનાં દુ :ખોની યાતનાઓ જોઈ કેટલા લોકો હૃદયપૂર્વક રડે છે ? શું આપણે મનુષ્યો છીએ ? સાચું રાષ્ટ્ર તો ઝૂંપડીઓમાં જ વસે છે. પરંતુ અફસોસ ! કોઈએ પણ આ ઝૂંપડાવાસીઓ માટે કશું કર્યું નથી.’
આજકાલ તો સ્કૂલના વિદ્યાર્થીઓના ગજવાનો ખર્ચ પણ ખૂબ મોટો હોય છે. પિતાજી પાસેથી લીધેલ આ પૈસામાંથી તેમની જ સ્કૂલમાં ભણતા સહપાઠીને થોડા થોડા આપી મદદ કરી શકે છે. ગરીબ વિદ્યાર્થીઓ કદાચ મોબાઈલ ફોન ન વાપરી શકે, પણ તેમના મિત્રો પાસેથી નાની મોટી ભણવાની વસ્તુઓ માટે સહાય મેળવે તો તેમને ભણવાનું આકરું ન લાગે. આજકાલ વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં નાપાસ થતાં જ ભણવાનું છોડી દે છે. આવા વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત પગલું કેટલું ફાયદાકારક બની શકે છે ! આજના સાધારણ વિદ્યાર્થીવર્ગમાં તેમના મિત્રોને મદદ કરવાની ભાવના તો છે, પણ તેને નિ :સ્વાર્થરૂપે આગળ વધવામાં વાલીઓ તથા બીજા મિત્રો પાસેથી મદદ નથી મળતી.
હું એક સ્કૂલમાં લગભગ ૧૨ વર્ષ હતો. મને યાદ છે કે જ્યારે વિદ્યાર્થીને પૂછતો કે તમે તમારા મિત્રોને તમારી ટ્યૂશનની નોટ શા માટે બતાવતા નથી? તો ઘણાનો જવાબ હતો કે વાલીઓ કહે છે કે એમ કરવાથી તે વિદ્યાર્થી તારાથી આગળ નીકળી જશે. આવા વિદ્યાર્થીઓને વિદ્યાના દાનનું મહત્ત્વ સમજાવી બીજા મિત્રોને મદદ કરવા તૈયાર કર્યા હતા.
ક્યારેક તો વાલીઓ આવીને મને કહેતા, ‘સ્વામીજી, અમે અમારા પુત્ર પાછળ પ્રાઈવેટ ટ્યૂશનનો ખર્ચ કરીએ અને તમે આવું કરો તો અમારો પુત્ર પાછળ રહી જાય છે.’ બાળકોમાં તો મિત્રો પ્રત્યે લાગણી છે, પણ વડીલ-વાલીઓ જ તેમને તેમ કરતાં અટકાવે છે. સ્વામીજીના નિ :સ્વાર્થભાવે સેવા કરવાના ભાવને દરેક સ્કૂલના આચાર્ય, શિક્ષકોએ વેગ આપવો જરૂરી છે, જેથી બાળવયથી જ બાળકોમાં નિ :સ્વાર્થભાવે સેવા કરવાનો ભાવ જાગે અને મિત્રોને મદદરૂપ થઈ શકે.
આમ સ્વામી વિવેકાનંદના આદર્શાેનું વિદ્યાર્થીઓએ જીવનમાં રોપણ કરીને દેશ માટે સમર્પિત થવું જોઈએ.
Your Content Goes Here




