આજ આનંદ મારા અંગમાં ઊપજ્યો,
પરિબ્રહ્મની મુંને ભાળ લાંધી;
ગૂંગાની સાનમાં સામો સમજે નહિ,
અદબદ મૂઠડી રહી રે બાંધી.
કોઈ તીરથ અડસઠ કરે, દેવદેરાં ફરે,
ખટ મારગમાં રે જોગ સાધી;
તે રે વહાલો મુજ પાસથી પ્રગટ્યો;
સદ્દગુરુ શબ્દની ચોટ લાગી.
કોઈ કહે જીવ છે, કોઈ કહે શિવ છે.
થાપ ઉથાપમાં કોઈ ન સીધ્યો:
આપ તે આપનો અમીરસ ઘૂંટવા,
શિવે તે જીવનો વેશ લીધો.
હાથથી નાખીને દૂર લેવા ગયો,
જાણે શું વસ્તુ નવ હોય આઘી;
આવી અજ્ઞાનની આડ ઊભો રહ્યો,
તારે માટે તું જોને જાગી.
હું ટળ્યો, તું ઠર્યો કરતાર કરુણા કરી
સુખદુ:ખ વૃક્ષની મૂળી દાઝી,
સુપન સમાઈ ગયું, જયમ હતું ત્યમ થયું,
અખો આ લખી સૂતો સુખની ગાદી
Your Content Goes Here




