આજે પણ, નરેન્દ્રનાથ દત્ત—જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા—ના જન્મનાં સો વરસ પછી પણ, વિશ્વ ઇતિહાસના પન્ને તેમનું મહત્ત્વ આંકવાનું ઘણું મુશ્કેલ છે. આ મહત્ત્વ કોઈપણ પાશ્ચાત્ય ઇતિહાસકાર કે મોટાભાગના ભારતીય ઇતિહાસકારોએ તેમના નિધન સમયે આંક્યું હોત તેનાં કરતાં તો ચોક્કસ ઘણું વધારે છે. વીતતાં જતાં વર્ષો તથા તે પછી જે કેટલાક અતિ મહત્ત્વના અને અનપેક્ષિત બનાવો બન્યા તે દર્શાવે છે કે, આગામી સદીઓમાં તેમને, ખાસ કરીને એશિયાને સંબંધ છે ત્યાં સુધી, આધુનિક વિશ્વના ઘડવૈયાઓમાંના એક તરીકે તથા ભારતીય ધર્મના સમગ્ર ઇતિહાસમાં એક અતિ મહત્ત્વની આ (મહત્ત્વ) બાબતમાં શંકર અને રામાનુજ જેવા મહાન ગુરુઓની તુલનામાં આવી શકે તેવી અને કબીર, ચૈતન્ય તથા દક્ષિણ ભારતના અનેક નાયણમાર અને આલ્વારો જેવા સ્થાનિક કે પ્રાદેશિક મહત્ત્વ ધરાવતા સંતો કરતાં તો ચોક્કસપણે વધારે મહત્ત્વ ધરાવતી વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે.

બીજી બાજુએ, હિંદુ ધર્મના સમગ્ર ઇતિહાસની દૃષ્ટિએ જોતાં, આપણે સ્વામી વિવેકાનંદને એક તદ્દન નવો જ પથ પ્રદર્શિત કરનાર તરીકે ગણી શકીએ નહીં;

શ્રી એ. એલ. બાશામ આ સદીના સૌથી મહાન ભારતવિદો(Indologist)માંના એક છે. તેમનું ‘ધી વન્ડર ધેટ વૉઝ ઈન્ડિયા’ એ પુસ્તક ભારતીય સંસ્કૃતિ ઉપરની શ્રેષ્ઠ કૃતિ તરીકે જાણીતી છે. પ્રસ્તુત લેખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ દ્વારા સંપાદિત, રામકૃષ્ણ વેદાન્ત સેન્ટર, બોર્ન એન્ડ, લંડન દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ઇસ્ટ એન્ટ વેસ્ટ’માંથી પુનર્મુદ્રિત કરવામાં આવ્યો છે. તે જ રીતે, તેમને આ સદીની શરૂઆતમાં (અન્ય રીતે ઘણા સમર્થ એવા) કેટલાક મિશનરી-પાદરી લેખકોએ ગણ્યા હતા તેવા ‘પ્રત્યાઘાતી’ તરીકે પણ માની શકાય તેમ નથી. અહીં મારા મનમાં ખાસ કરીને રેવરન્ડ જે. એન. ફર્કહાર (farquhar) છે. તેઓ તેમના સમયના હિંદુધર્મ વિષેના શ્રેષ્ઠ તજ્જ્ઞ ગણાતા અને હિંદુધર્મ પ્રત્યે (અલબત્ત, પોતાના સ્કોટીશ પ્રેસ્બીટેરિયન પંથની વિચારસરણી સાથે બની શકે તેટલા પ્રમાણમાં) સારી સહાનુભૂતિ ધરાવતા હતા. તેમણે સ્વામી વિવેકાનંદને મૂળભૂત રીતે એક રૂઢિચુસ્ત અને લુપ્ત થયેલા ભૂતકાળને પાછો લાવવાનો પ્રયત્ન કરનાર એક પ્રત્યાધાતી પરિબળ તરીકે ગણ્યા છે.

અલબત્ત, આ બંનેમાંથી એકપણ ચિત્ર તદ્દન સાચું નથી. ખરેખર તો, આ મહામાનવને યોગ્ય ન્યાય આપવા માટે આપણે તેમના પુરોગામીઓને પણ ન્યાય આપવો રહ્યો. આ પુરોગામીઓએ હિંદુધર્મમાં નવી ચેતના લાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી અને એ જ પ્રક્રિયા સ્વામી વિવેકાનંદ સુધી જઈને, તેમની પછી શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે જેવા ગુરુઓનાં કાર્યો દ્વારા ચાલુ રહી હતી. આપણે આ પુરોગામીઓમાં સૌથી પહેલા એવા રાજા રામમોહન રાયને યાદ કરવા જોઈએ. તેઓ તેમની પછીના મોટાભાગના સુધારકો કરતાં પાશ્ચાત્ય વિચારો, ધોરણો અને મૂલ્યો સાથે સમાધાન સાધવામાં ઘણી બધી રીતે વધારે આગળ ગયા હતા. તેમણે તર્કસંગત ઉપદેશ, એક પ્રકારના હિંદુત્ત્વયુક્ત—એકેશ્વરવાદ—નો પ્રચાર કર્યો, જેમાંની ઘણી બાબતો તેમણે પોતાના ખ્રિસ્તી-મિશનરી મિત્રો પાસેથી લીધી હતી. તે ઉપરાંત દેવેન્દ્રનાથ ટાગોર હતા, જેમણે બ્રાહ્માસમાજને વધારે રહસ્યવાદી વળાંક આપ્યો; કેશવચન્દ્ર સેન હતા, જેઓ પોતાના પુરોગામીઓ કરતાં પોતાની માન્યતાઓમાં ઘણા ઉદાર, પરંતુ વ્યવહારમાં વધારે રાષ્ટ્રવાદી હતા; તેમણે બ્રાહ્મો-આંદોલનને એક પ્રકારનું વધારે ભારતીય-લક્ષણ આપ્યું, પરંતુ તે સાથે તેમાં આંદોલનમાં તડાં પણ પડાવ્યાં, જે કદાચ તે આંદોલનની ઝડપી અવનતિનું કારણ બન્યું.

આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ જેમને જાણતા હતા, (અથવા તો જેમના વિષે જાણતા હતા), તેવા અન્ય મહાનુભાવોને પણ આપણે ગણતરીમાં લેવા જોઈએ. (આમાં) હું ખાસ તો જેમને જે. એન. ફર્કહારે સ્વામી વિવેકાનંદની જેમ પ્રત્યાઘાતી ગણ્યા હતા તે દયાનંદ સરસ્વતી વિષે વિચારું છું. વાસ્તવમાં, દયાનંદ પોતે પ્રત્યાધાતી નહીં, પરંતુ મોટા સુધારક હતા, અને તેમના સુધારાઓ હાલ પણ આર્ય સમાજમાં વિદ્યમાન છે. પરંતુ તેમણે પોતાના સિદ્ધાંતોને વેદોનાં તરંગી અર્થઘટનો ઉપર આધારિત કર્યા હતા, જે શાસ્ત્રીય વિવેચન સામે બહુ ટકે નહીં; વળી, તેમના આંદોલનની હિંદના ઉત્તરના ભાગોથી દૂર અન્ય ભાગો ઉપર બહુ અસર પડી ન હતી.

આપણે સ્વામી વિવેકાનંદના અદ્ભુત ગુરુ શ્રીરામકૃષ્ણ પરમહંસને તો યાદ કરવા જ જોઈએ. તેઓ એક ઘણા સીધા-સાદા પુરુષ હતા; તેમણે કશું લખ્યું ન હતું, પરંતુ તે સમયના બંગાળી-વિચારધારાના સમગ્ર વાતાવરણ ઉપર તેમની ભારે અસર હતી. કદાચ શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ (ગુરુ-શિષ્યની જોડી) તથા ઈસુખ્રિસ્ત અને સેન્ટ પૅાલ(ની જોડી) વચ્ચેની તુલનામાં ઘણું ઔચિત્ય છે. સ્વામી વિવેકાનંદને તેમના ઘણા સૌથી મહત્ત્વના સિદ્ધાંતો, અને ઘણી મહાન પ્રેરણાઓ તેના આ પરમગુરુ પાસેથી પ્રાપ્ત થયા હતા, તેમાં કોઈ શંકા નથી, પરંતુ સ્વામી વિવેકાનંદે તે બધાને એક આગવું અર્થઘટન આપ્યું હતું. અને તે તેમનું પોતાનું હતું.

હું માનું છું કે, મહાન સ્વામી વિવેકાનંદ વિશ્વ-ઇતિહાસમાં હંમેશાં મહત્ત્વનું સ્થાન ધરાવશે, કારણ તેમણે, તેમના સમયના ભારતના અન્ય કોઈ ગુરુ કરતાં વધારે, પોતાના દેશબાંધવોને પ્રાચીનનો અર્વાચીન સાથે કઈ રીતે મેળ બેસાડવો તે શીખવ્યું હતું.

૧૯મી સદીનાં છેલ્લાં વર્ષોમાં અને આ સદીના પ્રથમ દસકામાં ભારતની સઘળી ધાર્મિક, સાંસ્કૃતિક, કલાવિષયક અને સાહિત્યિક પરંપરાઓ ધીમેધીમે, પરંતુ ચોક્કસપણે, લુપ્ત થતી જશે તેવો ભય ઉપસ્થિત થયો હતો. વધારે ને વધારે શિક્ષિત લોકો પૂર્ણપણે પાશ્ચાત્ય વિચાર-વલણ અને પાશ્ચાત્ય જીવનપદ્ધતિની તરફેણમાં પોતાના દેશના ભૂતકાળને (કેટલીક વખત તો હેતુપૂર્વક)ભૂલવા લાગ્યા હતા.

છેક ૧૯મી સદીના લગભગ અંત ભાગ સુધી એમ વ્યાપકપણે મનાતું હતું, અને એમ માનનારાઓમાં ખુદ ભારતવાસીઓ પણ હતા, કે એકાદ પેઢીના સમયગાળામાં સમગ્ર ભારત ખ્રિસ્તી (એક યા બીજા ખ્રિસ્તી સંપ્રદાયમાં) બની જશે. ને પછી એ સ્પષ્ટ થયું કે ભારત કદાચ ખ્રિસ્તી નહીં બને; તેમ છતાં, ઓછામાં ઓછું, ભારતનો સમગ્ર શિક્ષિત વર્ગ તો નાસ્તિક અને ભૌતિકવાદી બની જ જશે, તેમ લાગતું હતું. એ ભય (જો કે કેટલાક તેને ભયને બદલે સારી બાબત તરીકે પણ માનતા હોય !) આજે પણ મોજુદ છે.

(આવા સંજોગોમાં) સ્વામી વિવેકાનંદે જ, તેમની પેઢીના અન્ય કોઈપણ ગુરુ કરતાં વધારે, ભારતને સ્વાભિમાનનો બોધ કરાવ્યો, તેમણે જ પોતાના દેશવાસીઓને તેમની પોતાની પરંપરાગત સભ્યતા, તેમનાં પોતાનાં પરંપરાગત મૂલ્યો અને તેમની પોતાની પરંપરાગત જીવનપદ્ધતિ અપનાવવાની પ્રેરણા આપી. પરંતુ આ બધાંને જેમના તેમ સ્વીકારવાને બદલે, જરૂર લાગે તે પ્રમાણેના આકાર આપીને, તથા તેમાં આવશ્યક પરિવર્તન લાવીને સ્વીકારવાના હતા; વૃક્ષનાં સડેલાં ડાંખળો દૂર કરવાના હતા, અને નવાંનો વિકાસ કરવાનો હતો, તથા પશ્ચિમમાંથી કે અન્ય સ્રોતોમાંથી ઊછીના લીધેલા વિચારોની અહીં-તહીં કલમ પણ ચડાવવાની હતી, પરંતુ (સંસ્કૃતિના) મૂળ વૃક્ષને તો જીવંત અને ફુલ્યું-ફાલ્યું જ રાખવાનું હતું, આ (પ્રેરણા કે ઉપદેશ માટે ભારત તે સમયની અન્ય કોઈ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદનું ૠણી છે અને જે મહાન નેતાઓએ તેમનું (સ્વામી વિવેકાનંદનું) કાર્ય જુદી જુદી રીતે ચાલુ રાખ્યું. તેઓ—ખાસ કરીને હું માનું છું કે મહાત્મા ગાંધી, જેમણે પણ (સ્વામી વિવેકાનંદની જેમ) હિંદુધર્મના પ્રાચીન મૂળ દેહમાં નૂતન વિચારોને આત્મસાત્‌ કરવામાં અને (તેમ કરીને) તે વિચારોને અનુકૂલિત દેખાવ અર્પવામાં અનોખી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં હતાં તેઓ – પણ મહદ્અંશે પોતાની આ પ્રેરણા માટે પ્રત્યક્ષ કે પરોક્ષપણે વિવેકાનંદના ૠણી છે.

સ્વામી વિવેકાનંદે તેમના દેશબંધુઓને તેમના ધાર્મિક-વારસા માટે શરમ અનુભવવાનું કે “અમારો ધર્મ તો ઘણી હીનકક્ષાનો છે! જુઓ (અમારી) સતી પ્રથા, જુઓ કાલી માતાને ધરાવાતો ભોગ!” વગેરે વગેરે કહેવાને બદલે પોતાના આ વારસા માટે ગૌરવ અનુભવવાનું શીખવ્યું; પરંતુ તે સાથે તેમણે તેમને ભવિષ્ય માટે આશાવાદી બનવાનો, દૂરદૂરના ભૂતકાળ તરફ કે દંતકથા સમાન બની ગયેલા કૃતયુગ તરફ પાછળ જોવાને બદલે તેના (ભૂતકાળના) શક્ય પુનરુત્થાન માટે આગળ નજર માંડવાનો અને પોતાના હંગામી માલિકો (અંગ્રેજો)નું અધમ અનુકરણ કરવાને બદલે તેમની પાસેથી જે કંઈ સારું લાગે તે સ્વીકારવાનો અને જ્યાં જરૂરી લાગે ત્યાં શીખી લેવાનો પણ ઉપદેશ આપ્યો.

સ્વામી વિવેકાનંદના ઉપદેશનું એક બીજું અત્યંત મહત્ત્વનું લક્ષણ એ હતું કે, તેમણે ગરીબો અને દુખિયારાંઓની સેવાને મનુષ્યની સૌથી આવશ્યક ધાર્મિક ફરજોમાંની એક તરીકે ગણવાનું શીખવ્યું. આ બાબતમાં તેમણે એક લગભગ નવો જ પથ પ્રદર્શિત કર્યો હતો – જો કે તેમની પહેલાં આ દિશામાં ચૈતન્ય અને કેશવચંદ્ર સેને થોડાંક પગલાં ભર્યાં હતા તેમ કહી શકાય. હિંદુ-ધાર્મિક સાહિત્યમાં વ્યક્તિ પોતાના માનવબંધુઓ પ્રત્યે પ્રેમ દાખવીને તેમને સહાયરૂપ બને તે બાબતને કશું મહત્ત્વ આપવામાં આવ્યું નથી તેમ કહેવાનું તો સદંતર જુદું જ છે. તે સાહિત્ય ચોક્કસ તેમ કરે (મહત્ત્વ આપે) જ છે. પ્રાચીન ભારતીય અને ખાસ કરીને દક્ષિણ ભારતના, ધાર્મિક ગ્રંથોમાંથી આ સદ્ગુણ ઉપર ખૂબ જ ભાર મૂકતા ઘણા ફકરાઓ ટાંકી શકાય તેમ છે. આ ફકરાઓ આ જ પ્રકારનો બોધ આપતા ખ્રિસ્તી સુવાર્તા (Gospel)માંના ઘણા વિખ્યાત ફકરાઓની તુલનામાં આવી શકે તેવા છે. પરંતુ આમાં (ખાસ કરીને) સ્વામી વિવેકાનંદ જ દીન-દુ:ખિયાંઓના કલ્યાણ માટેની રચનાત્મક સહાય-પ્રવૃત્તિઓ પ્રયોજવાને કારણે ભારતમાં મહાત્મા ગાંધીના સૌથી આગળ પડતા પુરોગામી બની ગયા છે.

હું એમ પણ માનું છું કે, સ્વામી વિવેકાનંદને, જેમણે જેને ડૉ. સી. ઈ. એમ. જોડે (Joad) એક વખત “પૂર્વ તરફથી પ્રતિ-આક્રમણ” કહ્યું હતું તેની વાસ્તવિક રીતે શરૂઆત કરી હતી, તે કારણે વિશ્વ-ઇતિહાસમાં કાયમ યાદ કરવામાં આવશે. હજાર કરતાં પણ વધારે વર્ષો પહેલાં ભારતીય ધર્મપ્રચારકોએ બૌદ્ધધર્મ અને હિંદુધર્મનો પ્રચાર કરવા માટે અગ્નિ એશિયા અને ચીનનો પ્રવાસ ખેડેલો; તે પછી ભારતની બહાર જેમણે પોતાની છાપ મૂકી હોય તેવા પ્રથમ ભારતીય ધર્મોપદેશક સ્વામી વિવેકાનંદ જ હતા. જો કે આમાં કેશવચંદ્ર સેનની બાબતમાં એક નાનકડો અપવાદ છે. તેમણે લંડન તથા અન્ય સ્થળોએ થોડાં વ્યાખ્યાનો આપેલા, પરંતુ તેમની અસર તદૃન નગણ્ય હતી. પશ્ચિમમાં હિંદુ ધર્મ વિષે કંઈક સમજણ ધરાવતા, તથા તેની ખૂબી અને મૂલ્ય વિષે ઊંચો અભિપ્રાય ધરાવતા લોકો તો હતા જ; પરંતુ અહીં સ્વામી વિવેકાનંદની બાબતમાં, આધુનિક વિશ્વના ઇતિહાસમાં પહેલી જ વખત એક ભારતવાસીએ ભારતની સરહદોની પેલેપાર જઈને ઉપદેશ આપ્યો હતો તથા પોતાના વ્યક્તિગત આકર્ષણ, ઊંડી ધાર્મિક અનુભૂતિ અને અદ્ભુત વક્તૃત્વશક્તિને કારણે તેઓ પાશ્ચાત્ય લોકોને પોતાની સાથે, પોતાના અનુયાયી તરીકે પોતાના કાર્યમાં જોડાઈ જવા માટે ભારત (તરફ) પાછા લાવી શક્યા હતા.

હજુ પણ એશિયા તરફથી આ ‘પ્રતિ-આક્રમણ’એક યા બીજી રીતે ચાલુ જ છે અને તે ગણનાપાત્ર અસર પણ ધરાવે છે. જો કે અપેક્ષા પ્રમાણે જ તે ઘણું મૈત્રીપૂર્ણ અને બિનઆક્રમક ‘પ્રતિ આક્રમણ’ છે; (પરિણામે) હિંદુવિચારો અથવા તો ભારતીય-લાક્ષણિકતાઓવાળા વિચારો પ્રત્યે ધર્મશ્રદ્ધાળુ (પોતાના ધર્મ પ્રત્યે) અને દેખીતી રીતે જ રૂઢિચુસ્ત એવા ખ્રિસ્તીઓ, યહૂદીઓતથા જેમને ધર્મ જેવું કશું નથી હોતું તેવા નાસ્તિકો પણ ધીરે-ધીરે, છતાં ચોક્કસપણે ધ્યાન આપવા લાગ્યા છે. તે જ રીતે ખ્રિસ્તીધર્મના કે ખ્રિસ્તીધર્મની અસર પામેલા વિચારો તરફ હિન્દુઓ પણ ધ્યાન આપવા લાગ્યા છે. આ બે બાજુનો વ્યવહાર છે. એક સમયે જેના દ્વારો બીજા માટે બંધ જ રહેતાં તેવા (પ્રતિબંધક – Exclusive) યહુદી અને ખ્રિસ્તી જેવા પાશ્ચાત્ય ધર્મો (જેમનો પાયો જ મોઝેઝે યેહોવા પાસેથી સાંભળેલી આ વાણી હતો કે, “તને મારા સિવાય અન્ય કોઈ દેવ નહીં હોય”) તથા કેટલેક અંશે ઈસ્લામ પણ હવે અન્યને સમાવા આતુર (Inclusive) એવા ધર્મો બનવા લાગ્યા છે. અહીં મેં ખ્રિસ્તી-બાઈબલના એક ભાગ એવા ‘જ્યુઈશ બુક ઑફ એક્ઝોડસ’માંથી વાક્ય ટાંક્યું છે. આપણે તેને ‘ભગવદ્ગીતા’માંની “તું કોઈપણ દેવને ભજે, તારી પ્રાર્થનાનો જવાબ તો હું જ આપું છું.” – એ પંક્તિ સાથે સરખાવી શકીએ.

આજે વિશ્વ અથવા તો છેવટે તેનો ધાર્મિક વિભાગ, વધારે ને વધારે સમજતો જાય છે કે, બીજા ધર્મોના લોકો જેને પારસીઓ પ્રકાશ અને અંધકાર વચ્ચેનો સંગ્રામ કહે છે તેવો સંગ્રામ પોતપોતાની રીતે અને પોતપોતાની પદ્ધતિઓ વડે લડી રહ્યા છે. ધાર્મિક વ્યક્તિના જીવનની એક સૈનિકના જીવન સાથેની આ તુલના ખ્રિસ્તી, હિંદુ, બૌદ્ધ અને વિશ્વના મોટાભાગના સૈદ્ધાંતિક રીતે શાંતિપ્રિય એવા ધર્મોમાં જોવા મળે છે, અને તે (તુલના) ઘણી રીતે ઉચિત પણ છે. હવે, આ સામ્યને આગળ લઈ જઈએ તો, હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય ધર્મોના લોકો, સ્વાભાવિક રીતે જ, પોતપોતાના લશ્કરની પદ્ધતિ શ્રેષ્ઠ હોવાનું માનવા છતાં અન્ય ધર્મોના લોકોને પોતાના દુશ્મન માનવાને બદલે તેમને (આ સંઘર્ષમાં) વધારે ને વધારે પોતાના સહાયક તરીકે અપનાવવા તૈયાર થતા જાય છે. તેમના દુશ્મનો તો સ્વાર્થપરાયણતા, નાસ્તિકતા અને સૅન્ટ પૉલના શબ્દોમાં કહીએ તો તો “ઉચ્ચસ્થાનોમાં રહેલી આધ્યાત્મિક દુષ્ટતા”છે. હજારો વર્ષોથી દરેક ધર્મ અંધકારનાં પરિબળો સામે પોતાની અંગત લડાઈ લડતો આવ્યો છે અને (છતાં) ઘણી વખત તેના નેતાઓએ એ જ દુશ્મનો સામે પોતાની જેમ જ લડતા (અન્ય ધર્મના) લોકો ઉપર આક્રમણ કરવા માટે પોતાના મુખ્ય જંગને એક બાજુએ રાખી દીધો છે. આમ (આવા સંજોગોમાં) વિવિધ ધર્મો અને સંપ્રદાયો વચ્ચે મૈત્રી સાધવાના સ્વામી વિવેકાનંદના અગ્રગણ્ય પ્રયત્નો માટે વિશ્વ તેમનું ભારે ૠણી બને છે.

સ્વામી વિવેકાનંદનો સંદેશ તેમના પોતાના જ લખાણોમાંથી થોડાક ફકરાઓ ટાંકવાથી કદાચ વધારે સારી રીતે સમજી શકાશે.

ભારતના મારા પ્રવાસો દરમિયાન તથા મારા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ સાથેની વાતચીત દરમિયાન મને કેટલીક વખત સ્વામી વિવેકાનંદ વિષેના વિલક્ષણ (કે ઉટપટાંગ) કહી શકાય તેવાં અર્થઘટનો સાંભળવા મળ્યા છે.“સ્વામી વિવેકાનંદ માનવતાવાદી હતા. માનવજાતિ જ તેમને મન ઈશ્વર હતી. આપણે બીજાઓનું ભલું કરવું જોઈએ અને ગરીબોને મદદ કરવી જોઈએ અને (અહંભાવ છોડીને) નમ્ર બનવું જોઈએ, તેમ તેમણે શીખવ્યું હતું. તેઓ આજે જીવંત હોત તો કદાચ સામ્યવાદી કે સમાજવાદી હોત. રામકૃષ્ણ મિશને ગૂઢવાદ અને ધ્યાન ઉપર ભાર મૂકીને તેમના (સ્વામી વિવેકાનંદના) સિદ્ધાંતોને વિકૃત કર્યા છે.” આવા વિચારો ભારતના નવયુવાનો પાસેથી વારંવાર સાંભળવા મળે છે. આ યુવાનો એ મહાન પુરુષના ઉપદેશને પૂરેપૂરો મૂલવ્યા વિના જ તેમને માન આપતા હોય છે.

મિ. કૅનૅથ વૉકરે (Kenneth Walker) એક ઘણી ધ્યાન ખેંચે તેવી ઉક્તિ રચી છે- “માનવતાવાદી એટલે ઠંડું, નિરુત્સાહી પ્રાણી.” સ્વામી વિવેકાનંદ અલબત્ત આપણે બધા છીએ તેવા જ માનવતાવાદી હતા, પરંતુ તેઓ તેનાં કરતાં ઘણું વધારે પણ હતા. આપણે બધા માનવતામાં માનીએ છીએ, અને આપણે માનવજાતિ માટે ભલું કરવામાં પણ માનીએ છીએ, અને એ અર્થમાં કોઈપણ સભ્ય માનવી માનવતાવાદી જ હોય છે; પરંતુ આપણે જયારે માનવતા પાસે અટકી જઈએ છીએ અને માનવજાતિને તેના ભૌતિક પાસામાં જ મદદ કરીએ છીએ. ત્યારે આપણે સ્વામીજીએ જે કર્યું છે તેના કરતાં કંઈક ઊણા ઉતરીએ છીએ અને તેથી આપણે ધાર્યાં હોય તેના કરતાં કદાચ ઘણા જુદાં જ પરિણામો પ્રાપ્ત કરીએ છીએ. યુરોપ અને અમેરિકામાં ઘણાં મોટાં અનિષ્ટો દૂર કરવામાં આવ્યાં છે, ચેપી રોગચાળાને અંકુશ નીચે લાવવામાં આવ્યો છે, (ત્યાં) લોકો ભાગ્યે જ ભૂખમરાથી મૃત્યુ પામે છે. દરેક વ્યક્તિ શિક્ષિત છે અને અમુક દેશોમાં તો લગભગ દરેક ઘરમાં કાર, ટેલીફોન, ટેલીવિઝન અને રેફ્રીજરેટર હોય છે. પરંતુ તે સાથે પાશ્ચાત્ય વિશ્વ, અગાઉ કદી હતું તે કરતાં પણ વધારે, લગભગ સંપૂર્ણ કહી શકાય તેવા વિનાશના ભય નીચે જીવી રહ્યું છે અને જેટલા પ્રમાણમાં શારીરિક રોગ ઘટ્યા છે, તેટલા પ્રમાણમાં માનસિક રોગ વધ્યા છે. આથી વીસમી સદીના યુરોપ અને અમેરિકાને જે રુસોના સમયથી એક યા બીજા સ્વરૂપે તેમની (પાશ્ચાત્ય દેશોની) સૌથી અગત્યની વિચારધારા તરીકે રહ્યો છે તેવા માનવવાદ માટેની જાહેરાત સમાન ગણી ન શકાય.

આમ છતાં આપણને સ્વામી વિવેકાનંદના લખાણોમાંથી એવા ફકરાઓ મળી આવે ખરા કે જો તેમને તેમના સંદર્ભની બહાર વાંચવામાં આવે તો, સ્વામી વિવેકાનંદને લગભગ એક સામ્યવાદી તરીકે ચિતરતા હોવાનું માની શકાય. ઉદાહરણ તરીકે,

“આપણને માનવીનું સર્જન કરે તેવા ધર્મની જરૂર છે… આપણને માનવીનું સર્જન કરે તેવા વ્યાપક શિક્ષણની જરૂર છે; આપણને માનવીનું સર્જન કરે તેવા સિદ્ધાંતોની જરૂર છે અને સત્યની કસોટી આ રહી – જે કંઈ તમને શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે નિર્બળ બનાવે તેને ઝેર ગણીને ફેંકી દો. તેમાં કોઈ ચેતન નથી. તે સત્ય હોઈ શકે નહીં. સત્ય એટલે બળવાન બનાવવું, સત્ય એટલે શુદ્ધતા, સત્ય એટલે સર્વાંગી-જ્ઞાન; સત્ય બળવાન બનાવતું હોવું જોઈએ, સત્ય પ્રકાશ (જ્ઞાન) આપતું હોવું જોઈએ, સત્ય શક્તિ અને ઉત્સાહ આપતું હોવું જોઈએ…આ નિર્બળ બનાવતાગૂઢવાદો ત્યજી દો અને બળવાન બનો… વિશ્વભરમાં સાદામાં સાદી બાબતો – તમારા પોતાના અસ્તિત્વ જેવી જ સાદી – એ જ મોટામાં મોટાં સત્યો હોય છે”1

અથવા

“આવતાં પચાસ વર્ષો સુધી આપણા મનમાંથી બીજા બધા નકામા દેવોને અદૃશ્ય થઈ જવા દો. માત્ર એક જ દેવ જાગતો છે – અને તે છે આપણી પોતાની મનુષ્યજાતિ. બધી જ જગ્યાએ તેના હાથ છે, બધી જ જગ્યાએ તેના પગ છે, બધી જ જગ્યાએ તેના કાન છે, તે બધાંને (પોતાનામાં) સમાવી લે છે. બાકીના બધા દેવો ઊંઘે છે. આપણે જેને આપણી ચોતરફ જોઈ રહ્યા છીએ તે દેવની તો પૂજા કરી શકતા નથી અને આવા કેવા નિરર્થક દેવોની પાછળ દોડીશું…?”

“બધી પૂજાઓમાં સૌ પહેલી પૂજા તો… આપણી ચોતરફ જે છે તેની કરવાની છે… આ બધાં માનવીઓ અને પ્રાણીઓ એ આપણા દેવ છે અને આપણે જે પહેલા દેવની પૂજા કરવાની છે તે દેવ આપણા પોતાના જ દેશવાસીઓ છે.”2

સમગ્ર માનવજાતિ માટે ખરેખર આ એક ભારે શરમની બાબત છે કે, એક રીતે આજે પણ આ શબ્દો જયારે સ્વામીજીએ ઉચ્ચાર્યા હતા ત્યારે હતા એટલા જ સાચા અને એટલા જ ઉચિત છે. સ્વામી વિવેકાનંદે માનવજાતિના પુનર્નિર્માણ માટે, ગરીબોના ઉદ્ધાર માટે, માનવજાતિના સૌથી વધારે નજરે ચડે તેવા દુ:ખ-દર્દો ઓછા કરવા માટે, જે પચાસ વર્ષો આપ્યાં હતાં, તે તો વીતી ગયાં અને છતાં આજે વિશ્વમાં માનવજાતિનાં દુ:ખો અને યાતનાઓ તેમના સમયમાં હતા લગભગ તેટલાં જ (જો કે મોટે ભાગે જુદા પ્રકારના) પ્રમાણમાં હયાત છે. પરંતુ જો આપણે એ ફકરાઓને તેમના બાકીના ઉપદેશના સંદર્ભમાં વાંચીએ તો, એ તદ્દન સ્પષ્ટ થાય તેમ છે કે, પોતાના માનવ-બંધુની સેવા એ જ માત્ર વ્યક્તિના સંપૂર્ણ આધ્યાત્મિક જીવન માટે પર્યાપ્ત નથી. તેનો અંતિમ ઉદ્દેશ તો એ ન જ હોવો જોઈએ.“પત્ની પ્રિય છે તે પત્ની પરના પ્રેમને કારણે નહીં, પરંતુ ‘સ્વ’ પરના પ્રેમને કારણે છે,”જેને આપણે આસ્તિકવાદની પરિભાષામાં “ઈશ્વર પરના પ્રેમને કારણે”કહી શકીએ, કારણ, ઋષિ યાજ્ઞવલ્કયે જયારે ‘બૃહદારણ્યક ઉપનિષદ્’માં આ પ્રખ્યાત પંક્તિઓ ઉચ્ચારી, ત્યારે તેમને આ ‘આધ્યાત્મિક સ્વ’નો જ અર્થ અભિપ્રેત હતો.

સ્વામી વિવેકાનંદ ગરીબો અને નિમ્ન કોટિના લોકોના ઉત્થાનમાં, આમજનતાની કેળવણીમાં, વૈદકીય સારવારના વિકાસમાં, ભારતના નવયુવાનો પોતાના પગ ઉપર ઊભા રહીને પોતાની સ્વતંત્રતા માટે તથા વધારે સારી બાબતો માટે સંઘર્ષ કરે તેમાં માનતા હતા. તે બાબતમાં કોઈ શંકા નથી. પરંતુ તે સાથે તેઓ આધ્યાત્મિક જીવનમાં પણ માનતા હતા, અને અત્યંત મક્કમપણે માનતા હતા. તેથી હું સ્વામીજીના પોતાના જ થોડા વધારે શબ્દો ઉતારું છું:

આપણે જોઈએ છીએ કે ધર્મની આ બધી જ વિવિધ પદ્ધતિઓ અંતે તો એક જ બિન્દુ- સંપૂર્ણ સાયુજ્યના બિન્દુ – ઉપર વળે છે. આપણે હંમેશાં દ્વૈતવાદી તરીકે આરંભ કરીએ છીએ, કે ઈશ્વર એક અલગ હસ્તી છે. અને હું પણ એક અલગ હસ્તી છું. તેમાં વચ્ચે પ્રેમ પ્રવેશે છે અને માનવી ઇશ્વર તરફ આગળ વધવાની શરૂઆત કરે છેઅને ઈશ્વર જાણે કે માનવી તરફ. માનવી જીવનના બધા વિવિધ સંબંધોને – પિતા તરીકેના, માતા તરીકેના, મિત્ર તરીકેના કે પ્રેમી તરીકેના સ્વીકારે છે તે આ બધા તરીકે (પણ) અસ્તિત્વ ધરાવતો રહે છે, અને (એમ કરતાં) જયારે તે પોતાની આરાધનાના પાત્ર સાથે એકાકાર બની જાય છે ત્યારે પેલું અંતિમ બિન્દુ આવે છે. હું એ તું છે, અને તું એ હું છું, અને તને ભજવામાં હું મારી જાતને જ ભજું છું, અને મારી જાતને ભજવામાં તને ભજું છું. અહીં આપણને માનવીએ જે વિચાર સાથે શરૂઆત કરી હતી તે (વિચાર)ની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં જે પ્રેમ હતો તે ‘સ્વ’માટે હતો, પરંતુ પોતાના નાનકડા ‘સ્વ’ માટેની જરૂરિયાતોએ એ પ્રેમને સ્વાર્થી બનાવી દીધો હતો. અંતમાં જયારે એ ‘સ્વ’ અનંત બની ગયો, ત્યારે પૂર્ણ પ્રકાશનો પુંજ રેલાયો. જ્યાં આપણે શરૂઆત કરીએ છીએ, ત્યાં જ આપણે અંત આણીએ છીએ. એ ઈશ્વર જે પ્રારંભમાં ક્યાંક અસ્તિત્વધરાવતો હતો, તે જાણે કે અનંત પ્રેમમાં રૂપાંતર પામ્યો. માનવી પોતે પણ પરિવર્તન પામ્યો. તે જ્યારે ઈશ્વર તરફ આગળ વધતો હતો, ત્યારે અગાઉ પોતે જે નકામી ઇચ્છાઓથી ભરેલો હતો તે સઘળી ઇચ્છાઓને ફેંકતો જતો હતો; આ ઇચ્છાઓની સાથે સ્વાર્થીપણું પણ અદૃશ્ય થયું અને તેણે ટોચ ઉપર પહોંચીને જોયું કે પ્રેમ, પ્રેમી અને પ્રેમિકા – એ ત્રણેય એક જ હતાં.”3

હું સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ પરિષદ સમક્ષ આપેલા અંતિમ પ્રવચનમાંથી એ પ્રખ્યાત અને હચમચાવી મૂકે તેવા શબ્દો, જેણે તેમને એક આંતરરાષ્ટ્રીય વ્યક્તિ બનાવ્યા હતા તે શબ્દો, સાથે સમાપન કરું છું:

“હિંદુઓના જે બ્રહ્મ છે, પારસીઓના અહૂરમઝ્દ છે, બૌદ્ધોના જે બુદ્ધ છે, યહૂદીઓના યહોવા છે અને ખ્રિસ્તીઓના સ્વર્ગમાં રહેલા જે પરમપિતા છે, તે આપને બળ અર્પો… કોઈ ખ્રિસ્તી હિંદુ કે બૌદ્ધ બનવાના નથી, તેમ કોઈ હિંદુ કે બૌદ્ધ ખ્રિસ્તી બનવાના નથી. પરંતુ દરેકે બીજાઓની ભાવનાને આત્મસાત્ કરવી જોઈએ અને છતાં પોતાનું વ્યક્તિત્વ જાળવી રાખવું જોઈએ અને પોતાના વિકાસના સિદ્ધાંતો અનુસાર વિકાસ સાધવો જોઈએ. વિશ્વમાં પવિત્રતા, શુદ્ધતા અને ઉદારતા એ કોઈ દેવળની પોતાની એકલાની આગવી સંપત્તિ નથી અને દરેક પદ્ધતિએ અત્યંત ઉમદા પ્રકારનાં સ્ત્રી-પુરુષો પેદા કર્યાં છે…દરેક ધર્મના ધ્વજ ઉપર… પ્રતિકાર થશે તો પણ, ટૂંક સમયમાં જ એ લખાશે કે, “મદદ કરો, લડો નહીં”, “આત્મસાત કરો, વિનાશ નહીં”, “સંવાદિતા અને શાંતિ, વિવાદ નહી.”

અનુ. પ્રો. દેવેન્દ્ર વૃ. ભટ્ટ

૧ ‘લૅક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોરા’ – પૃ. ૧૨૨ – ૩, ૭મી આવૃત્તિ, અદ્વૈત આશ્રમ, કલકત્તા, ૧૯૬૩

૨ ‘લૅક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોરા’ – પૃ. ૧૯૮-૯

૩. ‘ધી રિલિજિયન ઑફ લવ’ – પૃ. ૧૩૯-૪૦, ૯મી આવૃત્તિ, ઉદ્બોધન ઑફિસ કલકત્તા, ૧૯૬૦

૪ ‘રોમાં રોલાં : ધી લાઈફ ઑફ વિવેકાનંદ એન્ડ ધી યુનિવર્સલ ગોસ્પેલ’, પૃ. ૩૯-૪૦ ૬ઠ્ઠી ભારતીય આવૃત્તિ, અદ્વૈત આશ્રમ, કલકત્તા, ૧૯૬૦.

Total Views: 123

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.