આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્‌ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી છે, ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે, કેટલાય ગ્રહોની માહિતી ત્યાં રોકેટો મોકલીને લીધી છે, અવનવા અદ્‌ભુત વૈજ્ઞાનિક પ્રયોગા દરેક ક્ષેત્રમાં માનવ સફળતાપૂર્વક કરી રહ્યો છે, પણ તેમ છતાં એક વસ્તુની ઉણપને કારણે માનવ દુ:ખ ભોગવી રહ્યો છે અને તે છે શાંતિ. ભૌતિક ક્ષેત્રે અસાધારણ સિદ્ધિ હાંસલ કરવા છતાં માનસિક અશાંતિથી આધુનિક માનવ પીડાઈ રહ્યો છે.

રોબર્ટ ડી. રૉ પોતાના પુસ્તક ‘માઈન્ડ ઍન્ડ મેડિસિન’માં લખે છે કે પૈસાથી આજકાલ બધું ખરીદી શકાય છે, પણ ખેદની વાત છે કે મેડિકલ સ્ટોરમાં શાંતિનું પેકૅટ વેચાતું નથી મળતું. આધુનિક માનવ સાગરના ઊંડાણમાં ગોથું લગાવીને ત્યાંનું રહસ્ય જાણવા તો સમર્થ થયો છે. આકાશમાં ઊડીને ગ્રહો અને તારાઓનું રહસ્ય ભેદવામાં પણ સમર્થ થયો છે પણ તે હજુ પૃથ્વી પર એક માનવ તરીકે ચાલતાં શીખ્યો નથી.

આધુનિક સમાજની આ વિડંબના છે કે જેમ-જેમ માનવની પાસે સંપત્તિ વધતી જાય છે તેમ તેની વિપત્તિ વધતી જાય છે અને તેમ છતાં તે એમ માને છે કે પૈસો જ પરમેશ્વર છે અને પૈસા દ્વારા જ સુખ-પ્રાપ્તિ થઈ શકશે. પણ હકીકતમાં આથી ઊંધું જ છે. સંસારના વિકસિત દેશો જેવા કે અમેરિકા, જાપાન, સ્વીડન વગેરેમાં જ્યાં લોકોની સરેરાશ આવક ઘણી વધુ છે ત્યાં આત્મ-હત્યાનું પરિમાણ અને માનસિક રોગીઓનું પરિમાણ સૌથી વધુ છે. ડૅરૅફ હમ્ફ્રીસનું પુસ્તક ‘ધ ફાઈનલ ઍકસ્ટીન્ક્ટ’ (The Final Extinct) ઘણું પ્રસિદ્ધિ પામી રહ્યું છે. એમાં શું આપ્યું છે? ‘આત્મ-હત્યા’ કરવાના વિભિન્ન નુસ્ખાઓ!

આજકાલ લગભગ બધા જ માનસિક અશાંતિ ભોગવી રહ્યા છે, કોઈને પણ પૂછો – તો કહેશે ‘હમણાં ટેન્શનમાં છું.’ એક બાર વરસની નાની બાળા પણ કહેશે, ‘ટેન્શનમાં છું.’ કેમ? “મમ્મીએ કહ્યું છે, પાછલે વર્ષે પરીક્ષામાં બીજે નંબરે આવી હતી, આ વર્ષે પહેલા નંબરે આવવું પડશે.”

કેટલાય આધુનિક ઉપકરણોની શોધ થઈ ગઈ છે. કૉમ્યુનિકેશન ટૅકનિક એટલી વિકસિત થઈ ગઈ છે કે સોફામાં બેઠાં-બેઠાં I.S.D. ફોન દ્વારા આપણે ગમે તે દેશનો સંપર્ક કરીને ગમે તે વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. પણ વિડંબના એ કે એક જ સોફામાં બેઠેલા પતિ-પત્ની વચ્ચે, ભાઈ-ભાઈ વચ્ચે, સાસુ-વહુ વચ્ચે કોઈ કૉમ્યુનિકેશન નથી; મનનો મેળ નથી!

આ સંદર્ભમાં શ્રીમા શારદાદેવીનો અંતિમ ઉપદેશ અત્યંત મહત્ત્વનો છે: “જો શાંતિ ચાહતા હો તો કોઈના દોષ જોશો નહિ, દોષ જોજો પોતાના. આ સંસારમાં કોઈ પારકું નથી, બધાં પોતાના છે.” કેટલો સરળ સચોટ ઉપાય!

જો આપણે આપણા જીવનનું વિશ્લેષણ કરીએ તો ખબર પડશે કે આપણી માનસિક અશાંતિનું કારણ છે – આપણે હંમેશાં અન્ય લોકોના દોષો-દુર્ગુણોનો વિચાર કરીએ છીએ. સાસુ અને વહુ, પ્રબંધક અને મજૂર સંઘ, ઑફિસર અને ચતુર્થ-શ્રેણીના કર્મચારી, શિક્ષક અને વિદ્યાર્થી, માતા-પિતા અને બાળકો વચ્ચે પરસ્પર દોષારોપણ જાણીતી વાત છે. સવારથી રાત સુધીનો આપણો મોટાભાગનો સમય – ટીકા કરવામાં, નિંદા કરવામાં જ જાય છે. છાપાવાળો મોડો આવ્યો તો તેની ટીકા, દૂધવાળો મોડો આવ્યો તો તેની ટીકા, કામવાળી મોડી આવે તો તેની ટીકા. પછી છાપું વાચતાં-વાચતાં શૈક્ષણિક સંસ્થાઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર માટે – તેઓની ટીકા, વિદ્યાલયોમાં બગડતી જતી સ્થિતિ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ટીકા, ભેળસેળ કરવા માટે વેપારીઓની ટીકા, વિભિન્ન કૌભાંડો માટે નેતાઓની ટીકા, આમ સવારથી નિંદા કરવાનો કાર્યક્રમ શરૂ થાય છે તે રાતના સુવા જઈએ ત્યાં સુધી ચાલે છે. આમ વારંવાર અન્યના દોષોના વિચારો કરવાથી આપણું પોતાનું મન આ દોષોથી ભરપૂર થઈ જાય છે, કલુષિત થઈ જાય છે, આવા કલુષિત મનમાં શાંતિ ક્યાંથી આવે?

‘આપણે જે કાંઈ દુ:ખ ભોગવીએ છીએ એ માટે આપણે પોતે જવાબદાર છીએ આ વાત યાદ રાખવાથી મોટા ભાગની અશાંતિ દૂર થઈ જશે. પણ આપણે તો સદા દોષોનો ટોપલો બીજાને માથે ઢોળવા માટે જ તત્પર હોઈએ છીએ. છેવટે કાંઈ નહિ તો ‘સરકાર’ તો છે જ. “આ સરકાર જ વાહિયાત છે એટલે જ આટલી બધી ગરબડ છે” આમ કહીએ છીએ. પણ સરકાર બનાવી કોણે? આપણે પોતે જ ને? અસફળતા મળે ત્યારે ઘણીવાર આપણે નસીબનો દોષ દઈએ છીએ. પણ આ ‘નસીબ’ – ‘ભાગ્ય’નું નિર્માણ કોણે કર્યું? શનિદેવતા નારાજ કેમ થયા? વેદાંતના મત પ્રમાણે આપણે પોતે જ પોતાના ભાગ્યવિધાતા છીએ “જેવાં કર્મ તેવાં ફળ”. જો આજનું પ્રારબ્ધ ગઈકાલના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું હોય તો આવતીકાલનું પ્રારબ્ધ આજના પુરુષાર્થ દ્વારા નિર્માણ થશે જ. માટે નર્સીબને દોષ દઈ બેઠા રહેવાને બદલે સખત પરિશ્રમમાં લાગી જવું એ જ હિતાવહ છે.

અન્યના દોષો જોતા રહેવાથી, પીઠ પાછળ નિંદા-ટીકા કરતા રહેવાથી લાભ શું થાય છે? સરકાર તો એવી ને એવી રહી, ડૉક્ટરો, એન્જિનિયરો એવા ને એવા રહ્યા, વેપારીઓ, અમલદારો એવા ને એવા રહ્યા. લાભમાં એટલું જ થયું કે આપણા મનની અશાંતિ વધી, દવાની ટીકડીઓ ખાવી પડી!

સ્વામી વિવેકાનંદજી જ્યારે અમેરિકાથી પાછા ફર્યા ત્યારે એક યુવક તેમને કલકત્તામાં મળ્યો. તેણે કહ્યું કે ઘણા ઉપાયો કર્યા છતાં તેને મનની શાંતિ નથી મળતી. સ્વામીજીએ પૂછ્યું, “મનની શાંતિ મેળવવા માટે શું કરે છે? તેણે જવાબ આપ્યો, “હું ઓરડાનાં બારી-બારણાં બંધ કરી દઉં છું. પછી આંખો બંધ કરી ધ્યાનમાં બેસીને મનને ખાલી કરવાનો પ્રયત્ન કરું છું. પણ તો ય મનની શાંતિ મળતી નથી. સ્વામીજીએ કહ્યું: “વત્સ, પહેલાં તો ઓરડાનાં બારી-બારણાં ખોલી દે. પછી આંખો ખોલીને જો કે કણ-કણ દુ:ખી છે. પછી પાડોશમાં ભૂખ્યાં, ગરીબ, નિરાધાર, લોકોની સેવા કરવાનું પ્રારંભ કરી દે, અવશ્ય મનની શાંતિ મળશે.” સ્વામીજીએ આમ મનની શાંતિ માટે ‘શિવજ્ઞાનથી જીવસેવા’નો સરળતમ માર્ગ પ્રસ્તુત કર્યો છે. આપણી માનસિક અશાંતિનું એક મુખ્ય કારણ છે, આપણી અહંકારિતા. નિ:સ્વાર્થ સેવા દ્વારા અને અન્યને માટે પ્રાર્થના કરવાથી ધીરેધીરે આપણી અહંકારિતા ઓછી થશે. દ્વેષબુદ્ધિ, ઈર્ષ્યાવૃત્તિ વગેરે ઓછી થશે અને મનની શાંતિ પ્રાપ્ત થશે. રાજયોગમાં સ્વામી વિવેકાનંદજી શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રાર્થનાનું રહસ્ય સુંદર રીતે સમજાવે છે – સીધા ટટ્ટાર બેસો અને સૌથી પહેલું કાર્ય સમસ્ત સૃષ્ટિમાં પવિત્ર ભાવનાનો પ્રવાહ મોકલવાનું કરો. મનમાં બોલો, ‘સૌ સુખી થાઓ, સૌ નીરોગી રહો, સૌ શાંતિ પામો, સૌનું કલ્યાણ થાઓ.’ એ પ્રમાણે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર દિશાઓમાં એ ભાવના મોકલો. એ ભાવના તમે જેમ વધારે કરશો, તેમ તમને વધુ ફાયદો થશે. આખરે તમને જણાશે કે આપણને પોતાને તંદુરસ્ત બનાવવાનો સહેલામાં સહેલો રસ્તો બીજા નીરોગી રહે એવી ભાવના સેવવાનો છે અને પોતાની જાતને સુખી કરવાનો સહેલામાં સહેલો રસ્તો બીજાઓ સુખી થાય એ જોવાનો છે.” શાંતિ પામવા માટેનો સરળ માર્ગ છે અન્યને શાંતિ મળે તેવી પ્રાર્થના કરવી. અન્યના દુ:ખો માટે લાગણી અનુભવવાથી આપણા પોતાના દુ:ખો ઓછા થઈ જશે. અન્યની શાંતિ માટે પ્રયત્નો કરવાથી આપણને પોતાને માનસિક શાંતિ મળે છે આ એક અદ્‌ભુત મનોવૈજ્ઞાનિક સત્ય છે.

ક્યારેક વ્યક્તિના મનની અશાંતિ એટલી બધી વધી જાય છે કે વ્યક્તિ ધૈર્ય ગુમાવી બેસે છે ત્યારે એ આત્મ-હત્યાનો વિચાર કરવા લાગે છે. પણ આ કાંઈ સમસ્યાનું સમાધાન નથી. કારણ કે પ્રારબ્ધ પ્રમાણે કર્મનું ફળ તો ભોગવવું જ પડશે, આ યોનિમાં નહીં તો અન્ય યોનિમાં. તો પછી ઉપાય શો? જ્યારે અશાંતિની ચરમ સીમા આવી જાય છે ત્યારે એક સચોટ ઉપાય છે પ્રાર્થના. વ્યાકુળતાપૂર્વક સતત પ્રાર્થના કરવાથી અશાંતિનાં ઘેરાં વાદળો ધીરે-ધીરે અવશ્ય દૂર થશે. શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયા નંદજી મહારાજ એક સુંદર ઉપાય દર્શાવે છે – “વ્યાકુળતાપૂર્વક સતત પ્રાર્થના દ્વારા ઈશ્વરની શાંતિને હણી લો!” આપણી સતત પ્રાર્થના દ્વારા ઈશ્વર અશાંત થઈ જશે, ત્યારે અંતે ન છૂટકે પોતાની શાંતિ માટે થઈને પણ આપણને શાંતિ અર્પશે!

(ક્રમશઃ)

Total Views: 358

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.