એક વા૨ શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરમાં પોતાના ઓરડામાં બેઠા હતા ત્યારે લક્ષ્મીનારાયણ નામના એક મારવાડી શેઠ ત્યાં આવ્યા. બિછાના પરની મેલી ચાદર જોઈને તેમણે કહ્યું, ‘‘અહીં બંગાળમાં લોકો સાધુ- સેવાનું મહત્ત્વ સમજતા નથી એટલે આ મેલી ચાદર રાખેલ છે. અમારા દેશમાં તો અમે લોકો સાધુ-સેવા માટે કાયમી વ્યવસ્થા કરીએ છીએ. મેં નક્કી કર્યું છે, આપના નામે દસ હજાર રૂપિયા જમા કરાવી દઈશ. આથી દર મહિને લગભગ ચાલીસ રૂપિયા વ્યાજ મળ્યા કરશે અને આપની સેવા સારી રીતે થઈ શકે તેની કાયમી વ્યવસ્થા થઈ જશે.” આ વાત સાંભળતાં જ શ્રીરામકૃષ્ણદેવ જાણે માથા પર લાકડીનો ફટકો પડ્યો હોય તેમ બેશુદ્ધ થઈ ગયા! ભાનમાં આવતાંની સાથે તેમણે શેઠજીને કહ્યું, ‘‘એવી વાત જો હવે ફરીથી બોલવી હોય તો આવશો મા. મારાથી રૂપિયાને અડી શકાતું નથી, તેમ પાસેય રાખી શકતો નથી.” શેઠજી કુશાગ્ર બુદ્ધિવાળા હતા. તેમણે કહ્યું, ‘‘ત્યારે તો હજીય આપને ત્યાજ્ય ગ્રાહ્ય છે. ત્યારે આપને પૂર્ણ જ્ઞાન થયું નથી.” શ્રીરામકૃષ્ણદેવે હાથ જોડી કહ્યું, ‘‘બાપુ, હું હજીય એટલે લાંબે પહોંચ્યો નથી.”

શેઠજીએ પછી એ રૂપિયા હૃદયરામ (શ્રીરામકૃષ્ણદેવના ભાણેજ અને સેવક)ના નામથી રાખવાનું કહ્યું. શ્રીરામકૃષ્ણદેવે આ વાતનો અસ્વીકાર કરતાં કહ્યું, ‘‘તોય મારે એને કહેવું પડે કે ‘આને દે, પેલાને દે,’ ને એ મુજબ એ ન આપે તો મને ગુસ્સો ચડે. માટે એ બનવાનું જ નથી. રૂપિયા પાસે હોય એય ખરાબ!”

શેઠજી તે દિવસે તો પોતાના પ્રયત્નમાં નિષ્ફળ થઈ પાછા ફર્યા. પણ હવે તેમણે નવી તરકીબ અજમાવી. અન્ય એક દિવસે એક કોથળીમાં દસ હજાર રૂપિયા ભરીને શ્રીરામકૃષ્ણદેવ પાસે આવી પહોંચ્યા અને રૂપિયા રાખી લેવા માટે વિનવણી કરી. શ્રીરામકૃષ્ણદેવે ફરી અસ્વીકાર કર્યો, ત્યારે શેઠજીએ પ્રસ્તાવ મૂક્યો કે આ રૂપિયા તેમની ધર્મપત્ની-શ્રીમા શારદાદેવીને દેવામાં આવે. શ્રીરામકૃષ્ણદેવ મા શારદાદેવીની પરીક્ષા લેવાના ઈરાદાથી શેઠજીને સાથે લઈ નૌબતખાનામાં તેમની પાસે ગયા અને કહેવા લાગ્યા, ‘આ શેઠજી દસ હજાર રૂપિયા આપવા આવ્યા છે. મેં લેવાની ના પાડી છે, પણ તમારે રાખવા હોય તો રાખી શકો છો, સરસ મજાના ઘરેણા કરાવી શકશો.” શ્રીમાએ અંદરથી જ જવાબ આપ્યો, ‘‘મારે ઘરેણાં વગેરે કાંઈ નથી જોઈતાં. હું જો આ રૂપિયા રાખીશ, તો તમારી જ સેવામાં લાગશે. મારું ગ્રહણ કરવું એ તમે ગ્રહણ કર્યા બરાબર જ લેખાશે. તમે જ્યારે આ રૂપિયાનો અસ્વીકાર કર્યો તો હું કેવી રીતે સ્વીકાર કરી શકું?” શેઠજી વીલે મોઢે શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં પાછા ફર્યા. સાધુને દાન કરવાના સંકલ્પ સાથે લાવેલા રૂપિયાની કોથળી પાછી લઈ જતાં તેમને સંકોચ થયો એટલે તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘‘આ રૂપિયા હું દાન કરવાના ઉદ્દેશથી લાવ્યો છું, માટે મારાથી પાછા લઈ જવાય નહીં. આ કોથળી ભલે અહીં રહી.” આ સાંભળતાં જ શ્રીરામકૃષ્ણદેવ પોક મૂકીને રડવા માંડ્યા અને જગન્માતાને પ્રાર્થના કરવા લાગ્યા, ‘‘મા, આવા લોકોને અહીં કેમ લાવે છે? મને પ્રલોભનમાં નાખી તારાથી અલગ કરી દેવા માગે છે, એ તો મારા શત્રુ છે!” આટલું કહેતાં કહેતાં તેઓ સમાધિસ્થ થઈ ગયા. શેઠજી તો હતપ્રભ થઈ ગયા. શ્રીરામકૃષ્ણદેવને જ્યારે બાહ્યજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેઓ બે હાથ જોડી વિનવવા લાગ્યા, “મહારાજ, અપરાધ માટે ક્ષમા કરો. મારો ઉદ્દેશ આપને પ્રલોભનમાં નાખવાનો નહોતો. હવે આવું કદી નહિ કરું.” આમ કહી રડવા લાગ્યા. શ્રીરામકૃષ્ણદેવે આશ્વાસન આપી તેમને શાંત કર્યા.

આ ઘટનાના લગભગ પાંચ વર્ષ પછી કાશીપુરના બગીચામાં જ્યારે શ્રીરામકૃષ્ણદેવ ગળાના કૅન્સરની બીમારીની સારવાર લઈ રહ્યા હતા અને જ્યારે ભક્તો વચ્ચે ગેરસમજ ઊભી થવાથી આર્થિક મુશ્કેલી ઊભી થઈ હતી ત્યારે આ જ શેઠજી ઘણા રૂપિયા રાખી ગયા. જો કે, આ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ હોવાથી આ રૂપિયા પણ પાછા મોકલવામાં આવ્યા હતા.

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી તેમના સંન્યાસી શિષ્યો-સ્વામી વિવેકાનંદજી, સ્વામી અખંડાનંદજી વગેરે પરિવ્રાજક રૂપે ભ્રમણ કરવા લાગ્યા. ૧૮૯૧ની વાત છે. સ્વામી અખંડાનંદજી કેદાર-બદરીના દર્શન માટે હિમાલયના પંથે દિલ્હી પહોંચ્યા. એક સવારે ત્યાંના એક બગીચાની એક બેંચ પર બેઠા હતા ત્યારે એક શેઠજીએ તેમને પ્રણામ કર્યાં અને ભેટરૂપે તેમના ચરણોમાં થોડા પૈસા મૂક્યા. સ્વામી અખંડાનંદજીએ પૈસાનો અસ્વીકાર કરતાં કહ્યું, ‘‘મેં વ્રત લીધું છે, પૈસાનો સ્પર્શ કર્યા વગર જ ભ્રમણ કરીશ. મારા ગુરુદેવ પૈસાનો સ્પર્શ કે ધાતુનો સ્પર્શ કરી શકતા નહિ.” શેઠજીએ ઉત્સુકતાથી પૂછ્યું, ‘‘કોણ છે આપના ગુરુ?” સ્વામી અખંડાનંદજીએ કહ્યું, ‘‘શ્રીરામકૃષ્ણ પરમહંસ. એક વાર એક મારવાડી શેઠ દસ હજાર રૂપિયા તેમને દેવા આવ્યા હતા, પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો.’’ શેઠજી આનંદમાં આવી ગયા અને ફરી તેમને પ્રણામ કરતાં કહ્યું, ‘‘વાહ, વાહ, જૈસા ગુરુ વૈસા ચેલા! હું જ એ લક્ષ્મીનારાયણ છું. ત્યારે બળજબરીથી તેમને રૂપિયા આપવા જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.” સ્વામી અખંડાનંદજી પણ અહીં દિલ્હીમાં અજાણી જગ્યાએ શ્રીરામકૃષ્ણદેવના ભક્તને મળીને આનંદિત થયા. શેઠજી તેમને વાતો કરતાં કરતાં પોતાને ઘેર લઈ ગયા અને અતિથિ સત્કાર કર્યો.

આજથી એક સો વર્ષો પૂર્વે દસ હજાર રૂપિયાની કિંમત ઓછામાં ઓછી દસ લાખ રૂપિયા હશે. પણ આવડી મોટી રકમનો શ્રીરામકૃષ્ણદેવે તણખલાની જેમ ત્યાગ કરી દીધો! એવું નથી કે શ્રીરામકૃષ્ણદેવને આર્થિક તંગી નહોતી. કાલીમંદિરના પૂજારીના કાર્ય માટે તેમને મહિને માત્ર સાત રૂપિયાનું વેતન મળતું. (જો કે તેમણે ક્યારેય આ પગાર માટે હસ્તાક્ષર કર્યા નહોતા.) ક્યારેક તો દૂધના પૈસા પણ દેવાના બાકી રહી જતા. એક વાર સિંચિના મહેન્દ્ર વૈદ્ય રામલાલદાદાને પાંચ રૂપિયા આપી ગયેલા. રામલાલદાદાએ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને આ વાત કરી ત્યારે તેમણે પૂછ્યું, ‘‘કોને માટે આપ્યા છે?’’ તેમણે કહ્યું, ‘‘અહીં ને માટે.” શ્રીરામકૃષ્ણદેવે પાછળથી આ વિશે કહ્યું હતું, ‘‘પહેલાં તો મેં ધાર્યું કે દૂધના દેવાના બાકી છે તે દેવાઈ જશે. પણ વોય મા! અર્ધી રાતે જાગી ઊઠ્યો. છાતીમાં જાણે બિલાડી નહોર મારી રહી છે! એટલે રામલાલની પાસે જઈને મેં વળી પાછું પૂછ્યું કે ‘એ પૈસા તારી કાકી (શ્રીમા શારદાદેવી)ને તો નથી આપી ગયો ને?” તેણે કહ્યું, ‘ના’ – ત્યારે મેં તેને કહ્યું, ‘તું અત્યારે ને અત્યારે એ પાછા આપી આવ!’ ત્યાર પછી રામલાલ એ રૂપિયા પાછા દઈ આવ્યો, ત્યારે મને શાંતિ થઈ.’’

શ્રીરામકૃષ્ણદેવ ગંગા કાંઠે બેસીને એક હાથમાં પૈસા અને બીજા હાથમાં માટી લઈ બન્નેને ભેળવી ‘માટી એ જ પૈસા’ ‘પૈસા એ જ માટી’ એમ બોલતાં બોલતાં ગંગામાં નાખી દેતા. ધીરે ધીરે તેમના મનમાં, ત્યાં સુધી કે શરીરના સ્નાયુઓમાં આ ભાવ એટલો દૃઢ થઈ ગયો કે તેમની નિદ્રાવસ્થામાં પણ જો તેમના શરીરના કોઈ ભાગને સિક્કો અડકાડવામાં આવતો તો તેમનો આખો હાથ જ વાંકો થઈ જતો અને શરીર આખું લક્વો થયો હોય તેમ લગભગ ખોટું પડી જતું. એક અવસ્થા એવી આવી કે તેઓ ધાતુનો સ્પર્શ પણ સહન કરી શકતા નહિ, માટીના વાસણમાં અને કેળાના પાન દ્વારા ખાવા-પીવાનો વ્યવહાર ચાલતો.

કૉલેજના વિદ્યાર્થી નરેન્દ્રનાથે (જેઓ પાછળથી સ્વામી વિવેકાનંદ બન્યા) જ્યારે આ વાત સાંભળી કે શ્રીરામકૃષ્ણદેવ ધાતુનો સ્પર્શ સહન કરી શકતા નથી ત્યારે તેમને આ વાત હાસ્યાસ્પદ લાગી. એક વાર જ્યારે શ્રીરામકૃષ્ણદેવ બહાર ગયા હતા ત્યારે કસોટી કરવા માટે નરેન્દ્રનાથે પથારી નીચે એક સિક્કો સંતાડી દીધો. થોડી વાર પછી શ્રીરામકૃષ્ણદેવ ઓરડામાં પાછા ફર્યા અને પાટ પર પાથરેલી પથારી પર બેઠા. પણ બેસવાની સાથે જ જાણે વીંછીનો ડંખ લાગ્યો હોય તેવી વેદના થવાથી તરત જ ઊભા થઈ ગયા. વીંછીને શોધવા માટે ભક્તોએ પથારી ખંખેરી, તો ખનનન….કરતો એક સિક્કો નીચે પડ્યો. ભક્તો વિચારવા લાગ્યા કે આ સિક્કો અહીં ક્યાંથી આવ્યો. શ્રીરામકૃષ્ણદેવે જોયું કે નરેન્દ્રનાથ એક ખૂણામાં નીચું મસ્તક કરી ઊભા છે. તેઓ તરત જ સમજી ગયા કે શિષ્યે ગુરુની પરીક્ષા લીધી છે. તેઓ નારાજ ન થયા બલ્કે હસતાં હસતાં કહેવા લાગ્યા, ‘‘ઠીક કર્યું દીકરા, ગુરુની પરીક્ષા કરીને પછી ગુરુને સ્વીકારવા.”

શ્રીરામકૃષ્ણદેવના કાંચન ત્યાગની જેમ તેમના કામત્યાગની કસોટી પણ ઘણાએ કરી હતી. એક વાર એક યુવક યોગીન્દ્રે (પાછળથી જેઓ સ્વામી યોગાનંદ બન્યા) શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં જ રાત વીતાવી. રાતના બીજા પહોર પછી શ્રીરામકૃષ્ણદેવને દિશાએ જવાની ઈચ્છા થઈ. યોગીન્દ્રને ઉંઘમાં ખલેલ પહોંચાડવાની ઈચ્છા ન હોવાથી તેમને બોલાવ્યા વગર એકલા જ પંચવટી થઈને ઝાઉતળાએ ચાલ્યા ગયા. થોડી વાર પછી જ યોગીન્દ્રની ઊંઘ ઊડી ગઈ. ઓરડાનું બારણું ખુલ્લું પડેલું જોઈને તેમણે વિચાર કર્યો કે શ્રીરામકૃષ્ણદેવ કદાચ બહાર ટહેલતા હશે. બહાર ચાંદનીના અજવાળામાં ચારે તરફ જોયું પણ ક્યાંય તેમનો પત્તો ન લાગવાથી એક ભયાનક સંશય તેમને આવ્યો – ‘‘તો પછી શું ઠાકુર નોબતખાને પોતાની પત્ની પાસે સૂવા ગયા છે? તો પછી તેઓ પણ શું મોઢેથી જે બોલે છે, એનાથી ઊલટું જ આચરણ કરે છે?” યોગીન્દ્ર કહેતા કે, ‘‘એવો વિચાર ઊઠતાંની સાથે જ શંકા ભય વગેરે અનેક જાતના ભાવો એકી સાથે ઊભરાઈ આવવાથી વિવશ થઈ ગયો. પછી નક્કી કર્યુ કે, અત્યંત કઠોર અને સુરુચિની વિરુદ્ધ હોય તો પણ સત્ય શું છે તે તો જાણવું જ પડશે. એટલે પછી પાસેના એક ઠેકાણે નોબતખાનાના બારણા પર નજર માંડીને ઊભો રહ્યો. એમ કરતાં થોડીક જ વાર ગઈ ના ગઈ ત્યાં તો પંચવટીની દિશાએથી સપાટનો ચટાક ચટાક અવાજ સંભળાયો અને જરાક વારમાં ઠાકુર આવીને ઊભા રહ્યા. મને જોઈને બોલ્યા કે, ‘કેમ રે, તું અહીંયા કેમ ઊભો રહ્યો છે?’ એમના ઉપર મિથ્યા સંદેહ મેં આણ્યો તેથી શરમ અને બીકથી કોકડું થઈને નીચા મોઢે ઊભો રહ્યો, એમના સવાલનો કશો જવાબ ન આપી શક્યો. ઠાકુર મારું મોઢું જોઈને જ બધી વાત સમજી ગયા અને મારો અપરાધ મનમાં આણવાને બદલે દિલાસો દેતાં બોલ્યા, ‘ભલે, ભલે, સાધુને દિવસે જોવો, રાતે જોવો અને ત્યાર પછી વિશ્વાસ મૂકવો.’ …એ રાતે મને પછી ઊંઘ આવી નહિ.’’

પંડિત વૈષ્ણવચરણે પણ કાછીબાગના અખાડામાં શ્રીરામકૃષ્ણદેવના કામત્યાગની પરીક્ષા કરી હતી. રાણી રાસમણિના જમાઈ મથુરબાબુ તેમ જ અન્ય લોકોએ કેટલીક વાર શ્રીરામકૃષ્ણદેવને કામવાસનાથી પ્રલોભિત કરવાના પ્રયત્નો કર્યા હતા. પણ બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા કારણકે શ્રીરામકૃષ્ણદેવ તો દરેક નારીમાં ત્યાં સુધી કે વેશ્યાઓમાં પણ જગન્માતાની મૂર્તિ જ નિહાળતા.

એક વાર શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણદેવને પૂછ્યું, ‘‘તમે મને કંઈ દૃષ્ટિથી જુઓ છા?” શ્રીરામકૃષ્ણદેવે કહ્યું, “જે મા ત્યાં મંદિરમાં છે, તે જ મા (ચંદ્રામણિ દેવી-તેમની ગર્ભધારિણી માતા) નૌબતખાનામાં ઉપર રહે છે, તે જ મા હમણા મારી સામે બેઠાં છે. ખરું કહું છું, તમારામાં અને જગન્માતામાં હું કાંઈ ભેદ જોતો નથી.” શ્રીરામકૃષ્ણદેવ આમ ફકત મોઢેથી બોલ્યા એટલું જ નહિ ફલહારિણિ કાળી પૂજાની રાતે પોતાની પત્ની મા શારદાદેવીની શ્રીષોંડષી મહાવિદ્યાના રૂપમાં પૂજા કરી. સમસ્ત જીવન તેમની સાથે પવિત્ર સંબંધ રાખ્યો.

વિશ્વના ઈતિહાસમાં ક્યાંય કામ-કાંચનનો આવો અદ્ભુત ત્યાગ જોવા નથી મળતો. તેઓ ખરેખર ત્યાગીઓના બાદશાહ હતા. એટલે જ સ્વામી વિવેકાનંદજી શ્રીરામકૃષ્ણ આરાત્રિકમની અગિયારમી અને બારમી પંક્તિમાં કહે છે:-

વંચન કામ કાંચન, અતિ-નિન્દિત ઈન્દ્રિય રાગ,

ત્યાગીશ્વર હે નરવર! દેહો પદે અનુરાગ.

“તમે અતિનિંદિત ઈન્દ્રિયાસક્તિ અને કામ-કાંચનનો ત્યાગ કર્યો છે, હે ત્યાગી શ્રેષ્ઠ નરદેવ! મને તમારા શ્રીચરણોમાં ભક્તિ આપો.”

આજે સમાજમાં જ્યારે ભોગવાદ પોતાની ચરમ અવસ્થામાં પહોંચ્યો છે, લોકો ધન પાછળ, કીર્તિ પાછળ, આંધળી દોટ મૂકી રહ્યા છે, ચોતરફ અનૈતિકતા, ઉચ્છ્રંખલતા અને હિંસાનું સામ્રાજ્ય છે, લોકો એમ માની બેઠા છે કે ‘પૈસો જ પરમેશ્વર છે, પૈસા વગર એક ડગલું આગળ ન ભરાય’, ત્યારે એક એવા આદર્શ ચરિત્રની આવશ્યક્તા છે જે પોતાના જીવન દ્વારા પ્રદર્શિત કરે કે આજના યુગમાં પણ પૈસાની સ્પૃહા વગર જીવી શકાય છે, દૈહિક સંબંધો બાંધ્યા વગર પ્રેમ કરી શકાય છે, કીર્તિની લાલસા છોડી શકાય છે અને એટલે જ આપણા આ યુગમાં શ્રીરામકૃષ્ણદેવનો આવિર્ભાવ થયો છે, તેમના જીવન – કવનનું પાલન કરવાથી આ ભોગવાદી સમાજ ફરી એ વિરલ વસ્તુને પ્રાપ્ત કરી શકશે, જેની આજે બધા શોધ કરી રહ્યા છે – પણ જડતી નથી અને એ છે ‘શાંતિ.’ શ્રીરામકૃષ્ણદેવે કહ્યું હતું, ‘મેં સોળ આના કર્યું છે, તમે લોકો એક આનો કરો.’ હવે તો આનાને બદલે પૈસા આવ્યા છે. એક પૈસા જેટલું આચરણ કરીશું તો પણ ધન્ય થઈ જશે. તો આવો, શ્રીરામકૃષ્ણદેવને પ્રાર્થીએ, “પ્રભુ, આપે શાંતિનો માર્ગ દેખાડ્યો છે, પોતાના જીવન દ્વારા અદ્ભુત ત્યાગનો સંદેશ આપ્યો છે, પણ અમે તે ત્યાગના આદર્શના એકસોમા ભાગનું પણ પાલન કરી શકતા નથી. આપ જ અમને શક્તિ આપો જેથી આપના ઉપદેશનું પાલન કરી માનવ જીવન સાર્થક કરી શકીએ.”

Total Views: 161

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.