‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે – आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ – એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે, સ્વામી વિવેકાનંદજી કહેતા, ‘ધર્મ તો જગતની સૌથી વધુ આનંદપૂર્ણ વસ્તુ હોવી જોઈએ, કારણ કે તે સર્વોત્તમ છે.’ એટલા માટે અમે આ સ્તંભ પ્રારંભ કર્યો છે. આશા છે વાચકોને આ નવો સ્તંભ ગમશે. – સં.
એક પારસીએ આકાશમાં પ્રકાશનો ચમકારો જોયો અને સીધો જ દસ્તૂર પાસે પહોંચી ગયો અને કહ્યું. ‘હવે મને ઈશ્વરમાં શ્રદ્ધા બેઠી છે. હવે હું આતશ-બહેરામમાં પ્રાર્થના માટે નિયમિત આવીશ.’
દસ્તૂરે કહ્યું, ‘મને તો સાંભળીને આનંદ થયો, પણ એટલું યાદ રાખો કે જેમ પોલ્ટ્રી ફાર્મમાં જઈને તમે ચિકન બની જતા નથી તેમ માત્ર અગિયારીમાં જવાથી જ તમે સાચા પારસી બની જતા નથી.’
હું ઈંગ્લેન્ડમાં સર્જરીની તાલીમ લઈ રહ્યો હતો. એક દિવસ એક રસપ્રદ બનાવ બન્યો, ત્યારે અમારા સર્જન ડૉ. વૉટ્સ, રેસિડેન્ટ ડૉક્ટર અને હું (જે ત્યારે તો ઈન્ટર્ન જ હતો), એમ ત્રણે જણા સવારે હૉસ્પિટલના દર્દીઓને મળવા માટેનું ચક્કર મારતા હતા ત્યારે વૉર્ડની હેડ-નર્સ પણ અમારી સાથે હતી. આ ચક્કર મારતાં મારતાં અમે સૌ એક ૯૦ વર્ષની ઉંમરના મૂત્રાશયના દરદીના ઓરડા પર આવ્યા જે આમ પણ બહુ ઓછું સાંભળતો હતો.
આવેલા મોટા સર્જનને કેસની છેલ્લામાં છેલ્લી વિગત જણાવતાં હેડ-નર્સે કહ્યું, ‘ડૉ. વૉટ્સ, મિ. સ્મીથ ગઈ સાંજથી બહુ મૂંઝાયેલા જણાય છે,’
ડૉ. વૉટ્સને જાણવું હતું કે દરદી કેટલા મૂંઝાયેલા છે. તેથી દરદીની પાસે જઈ તેના કાન નજીક મોં રાખીને તેઓએ મોટે અવાજે તેને ત્રણ પ્રશ્નો પૂછ્યા :
‘આજે ક્યો વાર છે?
‘ઇંગ્લંડની રાણી હવે કોણ છે?
‘તમે અત્યારે કઈ હૉસ્પિટલમાં છો?’
દરદીએ આ બધા જ પ્રશ્નોના ઉત્તર તદ્દન વિચિત્ર આપ્યા. ડૉ. વૉટ્સને લાગ્યું કે ખરેખર એ દરદી તો ઘણો જ મૂંઝાયેલો છે. હું છેલ્લે ઓરડાની બહાર નીકળતો હતો ત્યારે દરદીએ મને ઈશારો કરીને નજીક આવવા કહ્યું. જ્યારે હું તેની પાસે ગયો, ત્યારે તેણે કહ્યું, ‘જે માણસ હમણાં મારી સાથે વાતચીત કરતો હતો તે ખરેખર પાગલ હોવો જોઈએ!! એણે તો મને ‘ઈંગ્લૅન્ડની રાણી કોણ છે’ જેવા ફાલતુ પ્રશ્નો પૂછ્યા!’
જ્યારે મેં ડૉ. વૉટ્સને એ દરદીએ શું કહ્યું તેની વાત કરી ત્યારે એક મિનિટ વિચાર કરીને ડૉ. વૉટ્સ બોલ્યા, ‘ઓહ! તો તો પછી એ દરદી કંઈ મૂંઝાયેલો તો નથી જ ખરું?’
ડૉ. કિડૂર ભટ, શેચેલ્ટ, કેનેડા
Your Content Goes Here





