માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય અને અંત :પ્રકૃતિ આપણને સર્વદા નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે અને આપણે તે પ્રકૃતિ પર વિજય મેળવવા નિરંતર સંઘર્ષ કરીએ છીએ. બાહ્ય અને અંત :પ્રકૃતિ મનુષ્યની ચેતના પર વિજય પ્રાપ્ત કરવા ઇચ્છે છે, પરંતુ મનુષ્યની ચેતના નિરંતર તેનો પ્રતિરોધ કરે છે અને પોતાના પ્રભુત્વને પ્રકૃતિ પર સ્થાપિત કરવા તેની સાથે સંઘર્ષ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા પ્રકૃતિ પર વિજય મેળવવા ઇચ્છે છે, પરંતુ જ્યાં સુધી આત્મા બાહ્ય અને અંત :પ્રકૃતિને વશમાં ન કરી લે ત્યાં સુધી એ શક્ય બનતું નથી.
આ આત્મા પ્રકૃતિ સાથે કેવી રીતે લડે છે ? આપણો અનુભવ કહે છે કે પ્રકૃતિના આવેગોની અવગણના આત્માને શક્તિ આપી શકે છે. વાસ્તવમાં આત્મા પોતે જ અનંતશક્તિ છે, પરંતુ સંસારના દૈનંદિન જીવનમાં, સામાન્ય પરિસ્થિતિઓમાં આત્માની અનંતશક્તિ શિથિલ અને સુષુપ્ત રહે છે. દુર્ભાગ્યવશ અજ્ઞાનને કારણે માણસ વિચારે છે અને એ એવો વિશ્વાસ પણ રાખે છે કે તે દુર્બળ છે અને પ્રકૃતિ તેનાથી વધારે સબળ અને શક્તિવાન છે. આ વિચાર તેને પોતાની શક્તિ અને આવેગોનો દાસ બનાવવા સમર્થ છે. આવાં વિચાર અને શ્રદ્ધા મનુષ્યને દુર્બળ અને દાસ બનાવી દે છે. બીજી બાજુએ સત્સંગથી, પ્રેરણાદાયી તેમજ ઉત્સાહવર્ધક ગ્રંથોના અધ્યયનથી મનુષ્ય એવું વિચારતો થાય અને એવી શ્રદ્ધા ધરાવતો થાય છે કે બાહ્ય અને અંત :પ્રકૃતિ વિરુદ્ધ લડવાની તેનામાં શક્તિ અને ક્ષમતા છે. સાથે ને સાથે પ્રકૃતિની શક્તિઓ અને તેના આવેગોનો દાસ બનવામાં તે વિવશ બનતો નથી. આવું બને ત્યારે ધીમે ધીમે તેની ભીતર સૂતેલો સિંહ જાગ્રત થવા લાગે છે અને એક સમય એવો આવે છે કે પોતાની ભીતર અદમ્ય અને અજેય શક્તિ છે, તેનો તે પોતે અનુભવ કરે છે. એને લીધે તે બાહ્ય અને અંત :પ્રકૃતિને જીતી શકે છે, તે પોતે જ પોતાનો અને પ્રકૃતિનો સ્વામી બની શકે છે. બાહ્ય અને અંત :પ્રકૃતિ પરનો વિજય એટલે ‘ચારિત્ર્ય.’ ચારિત્ર્યની શક્તિથી માણસ પોતાના સાચા સ્વરૂપનો અનુભવ કરે છે. તે પોતે પોતાનો અજેય સ્વામી બની જાય છે. અંતે તો ચારિત્ર્ય જ વિજયી બને છે.
બીજા શબ્દોમાં કહીએ તો મનુષ્યમાં રહેલી દૈવીશક્તિઓની અભિવ્યક્તિ અને તેનો વિકાસ થવો એ જ ચારિત્ર્ય. આ દૈવીશક્તિ પ્રત્યેક મનુષ્યના હૃદયમાં શિથિલ અને સુષુપ્ત અવસ્થામાં રહે છે. જ્યાં સુધી એને જાગ્રત કરીને મનુષ્ય-ચારિત્ર્ય-વિકાસ માટે તેનો બરાબર ઉપયોગ ન થાય ત્યાં સુધી એ સુષુપ્ત, જડવત્ અને વ્યર્થ જ રહે છે. અંતે મનુષ્ય પોતાના ચારિત્ર્યનો વિકાસ કર્યા વિના જ મૃત્યુ પામે છે. લાખો લોકોનું એ દુર્ભાગ્ય છે કે તેઓ પોતાના ચારિત્ર્યનિર્માણ પર ધ્યાન આપતા નથી અને સુખી તેમજ સાર્થક જીવન જીવવામાં આગળ વધી શકતા નથી.
જો આપણે પોતાની આસપાસની વ્યક્તિઓનું અને પોતાનું પણ નિરીક્ષણ કરીએ તો આપણને જોવા મળશે કે આપણાં દૈનિક જીવન અને આચરણનો સર્વાધિક સમય સ્વયં પ્રકૃતિ દ્વારા જ નિયંત્રિત અને નિર્દેશિત થાય છે. આપણે પ્રાય : અચેતનાથી કાર્ય કરતા રહીએ છીએ. આપણે શું કરીએ છીએ અને કોના માટે કરીએ છીએ, એ પણ નથી જાણતા. આપણે મશીન કે રોબોટની જેમ, અંધની જેમ પ્રકૃતિની અંધશક્તિઓને અધીન થઈને કાર્ય કરીએ છીએ. આ જ કારણે આપણને સમાજમાં ઓછા પ્રમાણમાં ચારિત્ર્યવાન માણસો જોવા મળે છે.
માનવશિશુ જન્મની સાથે જ સંપૂર્ણ વિકસિત નથી હોતો, તે અપૂર્ણ રહે છે. તે થોડા પ્રસુપ્ત ગુણો અને શક્તિઓ સાથે જન્મે છે; સમય આવ્યે બાળકને ચારિત્ર્યવાન બનાવવા અને તેના જીવનને સાર્થક કરવા એ શક્તિઓને ક્રિયાન્વિત અને વિકસિત કરવી પડે છે.ચારિત્ર્યનિર્માણ એક સચેતન અને નિરંતર ચાલનારી પ્રક્રિયા છે. એનાથી તે જાણે છે, પ્રબુદ્ધ બને છે અને પોતાની સુષુપ્ત શક્તિઓને ઉન્નત કરે છે તેમજ પોતાના જીવનના સાર્થક હેતુ એમને અભિવ્યક્ત કરે છે અને એને લીધે તે ઉદ્દેશપૂર્ણ જીવન જીવે છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાની સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરીને તેમનો સદુપયોગ નથી કરી લેતો ત્યાં સુધી તેનું જીવન સાર્થક થતું નથી.
૧. માનવનું ઉત્તરદાયિત્વ
ચારિત્ર્ય કેવી રીતે વિજયી બને છે, એને સમજવા આપણે પોતે માનવના વ્યક્તિત્વનું સંક્ષેપમાં નિરીક્ષણ કરવું પડે. આપણે માનવના વ્યક્તિત્વને બધાં વ્યાવહારિક પ્રયોજનો માટે, તેને સરળતાથી સમજવા અને હિતકારી બનાવવા બે વિભાગમાં વહેંચી શકીએ. આપણે કહી શકીએ કે આપણા વ્યક્તિત્વના બે ભાગ છે. એક બાહ્ય અને બીજો આંતરિક. આપણું શારીરિક બાહ્યરૂપ અને બાહ્ય આચરણ માનવના વ્યક્તિત્વનાં બાહ્યરૂપ છે. આપણાં વિચાર, ભાવ, સંવેદનાઓ એ આપણા વ્યક્તિત્વનું આંતરિક રૂપ છે. વાસ્તવમાં કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વનું આંતરિક રૂપ જ તેનું સાચું વ્યક્તિત્વ છે. જો આપણે પોતાના ક્રિયાકલાપોનું ધ્યાનથી નિરીક્ષણ કરીએ, તો આપણને જોવા મળશે કે આપણા બધા ક્રિયાકલાપોનું મૂળ આપણા વિચાર જ છે.આપણે જે કંઈ પણ ભૌતિક ક્રિયાઓ કરીએ છીએ તેમનું ઉદ્ગમ સ્થાન આપણું મન જ છે અને ત્યારબાદ જ તે કાર્યરૂપમાં પરિણત થાય છે. જ્યારે આપણી ક્રિયાઓ વારંવાર દીર્ઘકાળ સુધી પર્યાપ્ત માત્રામાં ફરી ફરીને થાય છે, ત્યારે તે આદત બની જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આપણી આદતોનો સરવાળો એ જ આપણું ચારિત્ર્ય છે, એને વ્યક્તિ પોતે જ નિર્મિત અને સંસ્કારિત કરે છે.
Your Content Goes Here





