ડિસેમ્બર ૨૦૦૭માં અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માં પ્રકાશિત લેખના લેખક સ્વામી બોધમયાનંદ ટી. નગર, ચેન્નાઈ સ્થિત રામકૃષ્ણ મિશન આશ્રમના સંન્યાસી છે. યુવા વ્યક્તિત્વ વિકાસ લક્ષી વર્કશોપ્સ, પ્રવચનો અને જ્ઞાન શિબિરોના આયોજન ક્ષેત્રમાં તેઓ સક્રિય છે. આ મૂળ અંગ્રેજી લેખનો શ્રીનવીનભાઈ સોઢાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

(ગતાંકથી આગળ…)

શ્રદ્ધાનો આદર્શ

સ્વામીજી કઠોપનિષદમાંની નચિકેતાની વાર્તાનો વારંવાર ઉલ્લેખ કરે છે. નચિકેતા યુવાન હતો ત્યારે તેના પિતાએ ક્રોધના આવેશમાં ‘તું યમ પાસે જા’ એવું કહ્યું. યમ મૃત્યુના દેવતા છે અને તે ખરેખર જ તેની પાસે જાય છે.

મૃત્યુને ભેટવાની તેની કેવી નિર્ભયતા! ઉપનિષદો પ્રમાણે આનું કારણ છે – શ્રદ્ધા, વિશ્વાસ. શ્રદ્ધાએ તેનામાં પ્રવેશ કર્યો હતો. શ્રદ્ધા એ આપણા સઘળા હકારાત્મક અભિગમોનો કુલ સમૂહ છે. શંકરાચાર્યે તેને આસ્તિક્ય બુદ્ધિ એવી સંજ્ઞા આપી છે. ખરેખર જ્યારે કોઈ આવો હકારાત્મક અભિગમ અપનાવે ત્યારે તે શક્તિના મહાન ભંડારની અને તેનામાં રહેલી અમાપ શક્યતાઓની પ્રાપ્તિ કરે છે. સ્વામી વિવેકાનંદનો સંદેશ છે :

‘દુર્ભાગ્યે ભારતમાંથી એ લગભગ અદૃશ્ય થઈ ગઈ છે, આ કારણે આપણે આપણી હાલની દશામાં આવી પડ્યા છીએ. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર તફાવત તેની આ શ્રદ્ધાને લીધે છે, બીજું કાંઈ નહીં. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૪.૨૩૧)

આત્મશ્રદ્ધા કેળવવાથી આજના યુવાનો ઘણી ભાવાત્મક સમસ્યાઓનો સામનો કરી શકે છે.

શાળા, કોલેજ કે કારકિર્દીના દરેક તબક્કાએ શ્રદ્ધાનો અભાવ પ્રવર્તે છે. જીવનમાં ભાગેડુવૃત્તિનો આશરો ન લેતાં બધાએ હિંમત અને વીરતા કેળવતાં શીખવું જોઈએ. કઠ ઉપનિષદના આ સંદેશથી આવા ગુણો કેળવવામાં ઉત્સાહ પેદા થાય છે, એ સંદેશ છે – ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત. સ્વામી વિવેકાનંદ તેનો આમ અનુવાદ કરે છે : ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો.’ સ્વામી વિવેકાનંદે ઉપનિષદના અભ્યાસની ભલામણ કરતાં કહ્યું છે કે આ મહાન શાસ્ત્રોના અભ્યાસથી પાયાના ગુણો અને મૂલ્યોની પ્રાપ્તિ થાય છે. ૧૮૯૨માં તેમના પરિભ્રમણકાળ દરમિયાન તેમણે ત્રિવેન્દ્રમમાં શ્રીસુંદરરામ ઐયર સાથે નવ દિવસ ગાળ્યા હતા. તેમનો ૧૪ વર્ષનો પુત્ર રામ સ્વામી શાસ્ત્રી સ્વામીજીના વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત થઈ ગયો. સ્વામીજીએ તેને કહ્યું, ‘તું હજુ યુવાન છે. હું આશા રાખું છું કે તું ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાનો ભક્તિભાવપૂર્વક અભ્યાસ કરે… સાથે સાથે ઇતિહાસ, ૫ુરાણ અને આગમો વિશે પણ માહિતગાર થાય.

તેમાં રહેલ સંદેશાઓ તને દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે. દરેક વસ્તુ ક્યાંથી, શા માટે ઉત્પન્ન થઈ તથા તે ક્યાં જાય અને તેનું શું થાય છે ? આ જાણવાની જિજ્ઞાસાવૃત્તિ સર્વપ્રાણીઓ પૈકી માત્ર મનુષ્યમાં જ છે. ચાવીરૂપ આ ચાર શબ્દો હંમેશાં યાદ રાખજે – ‘‘અભય (નિર્ભયતા); અહિંસા (કોઈને ઈજા ન પહોંચાડવી); અસંગ (નિર્મોહીપણું) અને આનંદ (પરમ આનંદ).’’ આપણા પવિત્ર ગ્રંથોનો આ સાર છે. તેના ગૂઢાર્થાે તને આગળ જતાં સ્પષ્ટ થશે. (રેમિનિસન્સ : ૧૦૧)

તપસ્યાની આવશ્યકતા

ઉપનિષદોનો એક બીજો મહાન સંદેશ છે સ્વ-નિયંત્રણનો – આ સંદેશ યુવાનો માટે ખૂબ સહાયકારક છે. જે વ્યક્તિ તેની અંતર્નિહિત શક્તિની ઓળખ મેળવવા ઇચ્છે છે તેણે આત્મ-નિયંત્રણ અને શક્તિ-નિયંત્રણનો અભ્યાસ કરવો જોઈએ. આવા આત્મ-નિયંત્રણનો સંસ્કૃત પર્યાયવાચી શબ્દ છે – તપ. તપ અથવા તપસ્યા વિશે ઘણી નકારાત્મક માન્યતા છે. તપ કે તપસ્યા એ માત્ર ઇચ્છાઓને દબાવવી અથવા સ્વેચ્છાએ અમુક મુશ્કેલીઓ અને અગવડોને આવકારવી તેવો નથી. પરંતુ આ તપ દ્વારા આંતરિક શક્તિ વિકસે છે. એક રમતવીર તેની ક્ષમતા વધારવા સખત અભ્યાસ કરે છે, તે આ બાબતનું ઉદાહરણ છે. વિદ્યાર્થી વાંચન અને લેખન કાર્યમાં એકાગ્રચિત્તે ઘણો સમય વ્યસ્ત રહે છે, તે એક બીજું ઉદાહરણ છે. નિશ્ચિત કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે સ્વેચ્છાએ કરેલ દરેક કાર્ય તપ છે.

સ્વ-નિયંત્રણ યુવાનોને ત્રણ પ્રકારે સહાયભૂત બને છે :

૧. પોતાની ક્ષમતાઓને સજ્જ કરીને, નિશ્ચિત કરેલા ધ્યેય પ્રતિ એકાગ્રતા કેળવવામાં.

૨. પોતાની જાતથી પરિચિત થવામાં અને સ્વયં ઉપર કાબૂ મેળવવામાં.

૩. ઉચ્ચ સ્તરના વિચારનો વિકાસ સાધવામાં.

કોઈકે સાચું જ કહ્યું છે કે આપણે યુવાનો માટે ભવિષ્યનું નિર્માણ ન કરી શકીએ, પરંતુ યુવાનોને ભવિષ્ય માટે ચોક્કસ સજ્જ કરી શકીએ. યુવાનોના વ્યક્તિત્વ વિકાસને સાધવાનો તપથી વધુ શ્રેયસ્કર માર્ગ શો હોઈ શકે ? તપ દ્વારા પ્રાપ્ત કરેલા સામર્થ્યવાળો યુવાન કોઈ પણ ધોરણથી જોતાં એક મજબૂત વ્યક્તિત્વનો સ્વામી બને છે. તપ વ્યક્તિત્વને નવયૌવન પ્રાપ્ત મનુષ્ય બનાવે છે, તપથી વ્યક્તિમાં એક નવીન સ્રોતનો સંચાર થાય છે. આવા આ તપ વિશે ઉપનિષદોએ આપેલા ઉપદેશો વિશે થોડું ચિંતન કરીએ.

૧. તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ; તપો બ્રહ્મેતિ. – ‘તપથી બ્રહ્મને જાણો. તપ સ્વયં બ્રહ્મ (અંતિમ સત્ય) છે.’

૨. તસ્ય જ્ઞાનમયં તપ : —- જેનું તપ વૈચારિક જ્ઞાનમાં સમાયેલું છે.’

૩. તપાંસિ સર્વાણિ ચ યત્ વદન્તિ – ‘જે બધાં નૈતિક મૂલ્યોનું મૂલ્ય છે, જે આત્મા અથવા બ્રહ્મ છે, તેની કીર્તિને તપ પોતે જ વર્ણવે છે.’

ઉપનિષદો વિશે એક રસપ્રદ હકીકત એ છે કે તેમાંના ઘણા ઋષિઓ યુવાન હતા. આનો અર્થ એ થાય છે કે કોઈ પણ વ્યક્તિ સાચા અર્થમાં તપનો અભ્યાસ કરે અને આત્મ-પરિવર્તનનો સાચો આદર્શ સેવે તો તે પણ ઋષિ બની શકે છે. ક્ષેત્ર વિજ્ઞાન કે ટેક્નોલોજીનું હોય, સંગીત કે કલાનું હોય અથવા રમત-ગમતનું હોય; સઘળું રહસ્ય શ્રદ્ધા અને સ્વ-નિયંત્રણમાં સમાયેલું છે.

સંજોગો ભલે ગમે તેટલા નિરાશજનક હોય, તપ અને શ્રદ્ધાના બળથી બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. આવા જ ભાવને વ્યક્ત કરતાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે :

‘તમારી આ દેહયષ્ટિની પાછળથી કેટલી શક્તિ, કેટલી સિદ્ધિઓ, કેટલાં બળો હજી પણ ડોકિયાં કરી રહ્યાં છે તેની તમને ખબર છે ? માનવમાં રહેલું બધું ક્યા વૈજ્ઞાનિકે જાણી લીધું છે ? આ પૃથ્વી પર માનવ પ્રથમ આવ્યો તેને લાખો વરસો થઈ ગયાં છે; છતાં હજી તો તેની શક્તિઓનો માત્ર એક પરમાણુુ ભાગ જેટલો જ હિસ્સો પ્રગટ થયો છે. માટે, એમ ન કહો કે તમે દુર્બળ છો. સપાટી પર દેખાતા અધ :પતન તળે શી શી શક્યતાઓ પડેલી છે, તે તમે ક્યાંથી જાણો ? તમે તો તમારામાં જે રહેલું છે તેનો માત્ર થોડોક જ અંશ જાણો છો; તમારી પાછળ તો અનંત શક્તિ અને કલ્યાણનો મહાસાગર પડેલાં છે.’ (સ્વા. વિ. ગ્રંથમાળા : ૨.૪૪૯)

ઉપસંહાર

ઉપનિષદોમાંના એક ‘પ્રશ્ન ઉપનિષદ’માં એક વાર્તા છે : ‘છ ખંતીલા સત્યસાધકો પૂજ્ય અને જ્ઞાની ઋષિ પિપલાદ પાસે જાય છે અને તેમને સૃષ્ટિના સર્જન, તેના કારણરૂપ રહેલાં શક્તિ અને ચૈતન્ય વિશેના અનુત્તર રહેલા પ્રશ્નોનું સમાધાન કરવા યાચના કરે છે. ઋષિ તેમની જિજ્ઞાસાને સંતોષે છે.’ યુવાનો આવી જ જિજ્ઞાસા અને સન્માનથી જો ઉપનિષદોના અભ્યાસનો આરંભ કરે તો ઉપનિષદો તેમાં સમાવિષ્ટ રહસ્યો ખુલ્લાં મૂકી દે છે. આવો, આપણે અહીં ‘બૃહદ્ આરણ્યક’ ઉપનિષદમાંની એક પ્રાર્થનાનું સ્મરણ કરીએ ‘અસતો મા સદ્ગમય’નું સ્મરણ કરીએ અને સાચા હૃદયથી આત્માના આવિષ્કાર માટે તત્પર બનીએ. કહેવાતા આત્માની પાછળ ભયભીત બની છુપાઈ રહેવાનું ઉપનિષદો કદી નથી કહેતાં. પરંતુ તેઓના હૃદયમાં વિલસી રહેલા સનાતન તત્ત્વ એવા આત્માનો સાક્ષાત્કાર કરવા માટે કટિબદ્ધ થવાની પ્રેરણા આપે છે. મનુષ્ય કોઈ ભૌતિક પદાર્થ નથી, મૃત્યુને આધીન નથી. તે સ્વયં અસીમ ચૈતન્ય છે. બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાને બ્રહ્મ વિશે ઉપદેશ આપીને યાજ્ઞવલ્ક્ય તેમને આવા વિધાનની ખાતરી કરાવે છે : ‘તેં એ પદ પ્રાપ્ત કર્યું છે જ્યાં ભયને કોઈ સ્થાન નથી.’ આવાં નિશ્ચયાત્મક વિધાનોથી અને સહુના હૃદયમાં સ્થિત આત્માના જ્ઞાનથી સભર ઉપનિષદોના અનુસરણથી યુવાનો અપાર શ્રદ્ધા અને નિર્ભયતા પ્રાપ્ત કરી શકે છે. (ક્રમશ 🙂

Total Views: 395

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.