લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી. પાતળિયાના કાંઠા પરના ઊંચા દરવાજા પર હોવાથી સ્થળની દૃષ્ટિએ પણ આકર્ષક હતી. ત્યાં છાપાં વાંચવા મળતાં, પણ પુસ્તકો માટે તો ફી ભરવી જોઈએ. તે ક્યાંથી કાઢું? પરીક્ષા વખતે એક બે છોકરાઓને ભણાવવાનું માથે લીધું. ટ્યુશનનો જબ્બર દ૨! મહિને આઠ આના! બે ત્રણ મહિના આમ કરી વર્ષ આખાનું લવાજમ ભર્યું.
પણ આ પુસ્તકાલય લુણસર જેવું મારે માટે નિર્દોષ ન નીવડ્યું. તેમાં પુસ્તકાલયનો વાંક પણ ન ગણાય. તે મોટાઓ માટે હતું. માત્ર કિશોરો માટે ન હતું. એટલે એવું પણ સાહિત્ય મારા હાથમાં અને આખરે તો હૃદયમાં પેઠું કે જે મીઠા ઝે૨ જેવું નીવડ્યું. કિશોરવયે તો સાહસ, તરવરાટ, ઊથલપાથલ ગમે. તે વખતે તો એવું સાહિત્ય ઝાઝું નહોતું. અને મને તો વાંચવાનું – અખંડ વાંચવાનું બંધાણ થઈ ગયું હતું; એટલે તે એક-બે વર્ષમાં મેં કેટલીયે અનર્થકારી નવલકથાઓ વાંચી – ‘વસંતવિજય યાને ચડતી-પડતીના ચમત્કાર’, ‘લતા અને લલિતા’, ‘સૈનિકની સુંદરી’, ‘મહાકાળીની મૂર્તિ’, ‘રત્નગઢની રંભા’, ‘અરેબિયન નાઈટ્સ’ કાંઈ કેટલીયે વાંચી. આ નવલકથાઓએ મને તરંગો – દિવાસ્વપ્નોની દુનિયામાં મૂકી દીધો. કોઈ કોઈ વાર તો આખી રાત આવી વાર્તાઓ વાંચવામાં વીતી જતી. સંધ્યા અને ઉષા બંનેનાં કિરણો અખંડ ઉજાગરે જોવાનું બનતું. જે ઉંમરે સ્ત્રીઓ વિશે કામભાવે વિચારવાનું સહજ ન ગણાય તે ઉંમરે આ નવલકથાઓના વાચને મને કાલ્પનિક સહવાસો ભોગવતો કર્યો, અને આમાંથી જ લાંબા કાળ સુધી સ્વપ્નદોષનો ભોગ બન્યો. શરૂમાં તેની ગંભીરતા મને નહોતી સમજાઈ; ને સમજાઈ ત્યારે આ માનસિક દુર્બળતામાંથી દૂર થવાનું ઘણું મુશ્કેલ બન્યું. આગળ હું વર્ણવીશ કે એ પણ સાહિત્યના વાચનથી જ કેમ બની શક્યું.
પણ આજેય જ્યારે કોઈ કિશો૨ કે યુવકના હાથમાં વાસનાને ગલગલિયાં કરનારું આવું સાહિત્ય જોઉં છું ત્યારે નિસાસો નંખાઈ જાય છે. વાંચનારની નિર્દોષ વય, તેનામાં રહેલું ઉજ્જ્વળ અંતઃકરણ ને તેના હાથમાં રહેલું વિષારી સાહિત્ય જોઈ મારી તે વયે મને થયેલું નુકસાન યાદ આવી જાય છે. સંકલ્પશક્તિ, મેધા અને આરોગ્ય ત્રણે માટે અમુક ઉંમર સુધી વીર્યસંગ્રહ અત્યંત ઉપકા૨ક છે. તે ઉંમરે તે શક્તિનો ઉપયોગ નવાં સાહસો, નવા આદર્શો સેવવામાં કરવો તે જ હિતાવહ છે, પણ અકાળે કામવૃત્તિને ઉદ્દીપ્ત કરનારું સાહિત્ય વાંચી કિશોર કે યુવક અજાણ્યે આત્મક્ષય તરફ ધકેલાય છે.
આજે પ્રમાણમાં કિશોરો અને યુવકો માટેનું સાહિત્ય વધ્યું છે, ને મેં વાચ્યું હતું તેવું ઓછું લખાય છે. પણ તે કાળે સિનેમા અને તેને લગતાં સામયિકો નહોતાં; આજના કિશોરોએ તે વિશે પણ સાવધતા રાખવી પડે તેવું છે. કોઈ વાર એવું થાય છે ખરું કે દૂધમાં ભેળસેળ ન થાય; પાણી જંતુઓ વિનાનું મળે તે માટે નગ૨પાલિકાઓ જાગૃત થઈ છે – અને તે અંગે નિયમનો કર્યાં છે, પણ પોતાની ઊગતી પ્રજાના મનમાં કુવાચન દ્વારા રોગનાં જીવાણુઓ ન પેસે તે વિશે તેઓ ક્યારે જાગશે? કિશોરો અને કુમારો માટેનાં યોગ્ય પુસ્તકો આવે, તે વાંચવા માટે દો૨વણી મળે તેમ નહિ કરે? તેવું જ ફિલ્મો વિશે પણ વિચારવું ઘટશે.
આપણી પ્રજાએ પણ ભેદ ક૨વો પડશે કે પ્રેમ અને વિલાસ એક ચીજ નથી. દ્રાક્ષને નામેં દારૂ વેચાય કે વહેંચાય તેનું નામ સ્વતંત્રતા નથી મૂર્ખતા છે.
(‘મારી વાચનકથા’માંથી સાભાર સંકલિત)
Your Content Goes Here




