પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે?

ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું છે. પણ દેવળમાં મરવું ખરાબ છે.” એક કહેવત છે, ‘રિવાજના કૂવામાં તરવું સારું છે, ડૂબી જવું સારું નથી.’ સંપ્રદાય, કુટુંબ, નાતજાત, વગેરે માનવીના વિકાસ માટે શરૂઆતમાં જરૂરી છે પણ વિકાસ થઈ ગયા પછી તો આવી મર્યાદાઓને આપણે ઓળંગી જ જવી જોઈએ, ઝાડનો વિકાસ ન થયો હોય, ત્યાં સુધી તેની આસપાસ બાંધેલી લોઢાની કે પથ્થરની વાડ જરૂરી ખરી, પણ ઝાડ મોટું થઈ જાય, વિકસિત થઈ જાય પછી એ વાડની જરૂર નથી; પછી તો મોટા મોટા હાથીઓ પણ એને થડે બાંધી શકાય છે. એટલે આવી કોઈ મર્યાદાઓ તરફ તિરસ્કારથી જોવું નહિ, પણ આપણે પોતે વિશાળ મનના થતા રહેવું, આપણો પોતાનો વિકાસ કરતા રહેવું, આપણા માનવતાભિમુખી વલણને વિકસાવતા રહેવું અને બધા જ સંપ્રદાયો તેમ જ બધી નાતજાતો પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ દાખવતા રહેવું. બધી જ જાતિઓ અને બધા જ સંપ્રદાયો પ્રત્યેનો આપણો આવો બંધુભાવ જ ખુદ નાતજાતના અને સંપ્રદાયોના ભેદભાવોને નિર્મૂળ કરવામાં ઘણે અંશે મદદ કરશે. એટલે યુવા વર્ગે પહેલાં તો આવા વિશાળ મનના અભિગમને કેળવવો જોઈએ અને તેમણે આવા વિશાળ દૃષ્ટિકોણનો બધે ઠેકાણે ફેલાવો કરવો જોઈએ.

પ્રશ્ન :- સમાજમાં આજે યુવાવર્ગ અને ઘરડેરાઓ વચ્ચે પેઢી-અંતર દેખાય છે. વૃદ્ધોનાં મનના સંકુચિત ખ્યાલોનો સામનો આજનો યુવા વર્ગ કેવી રીતે કરી શકે?

ઉત્તર : આ કોઈ નવી સમસ્યા નથી. વ્યાસ અને વાલ્મીકિના સમયથી પણ આ પેઢી અંતરની સમસ્યા ચાલતી જ આવી છે. સાચી વાત તો એ છે કે, આ પેઢી અંતરની સમસ્યા સદંતર નિર્મૂળ તો થઈ શકે તેમ નથી. હા, બાળકો અને એનાં માબાપો એકીસાથે જન્મતાં હોત, તો આ સમસ્યા ન હોત! કારણ કે સમાજનું તો અવિરત પરિવર્તન, અવિરત વિકાસ થયા જ કરે છે અને એટલે તો યુવા વર્ગના વિચારો વૃદ્ધોના વિચારો કરતાં જુદા પડવા એ તદ્દન સ્વાભાવિક પણ છે. અને એ જરૂરી પણ છે. આમ હોવાથી યુવા વર્ગ અને વડીલોએ બંનેએ પરસ્પર એકબીજાના વિચારોને ધૈર્યપૂર્વક સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અને વડીલોએ પણ એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જોઈએ કે, આજના યુવકો અને યુવતીઓ સ્વતંત્ર ભારતમાં જન્મેલા છે એટલે સ્વાભાવિક રીતે જ તેમનામાં સ્વાતંત્ર્યનું સત્ત્વ ભરેલું જ હોય. આજનાં યુવક-યુવતીઓ વધારે બુદ્ધિશાળી છે. એટલે વૃદ્ધો તેઓને જે કોઈ સૂચન આપે, ત્યારે તેની પાછળની બુદ્ધિગમ્યતા દર્શાવવાનો, તેમને ગળે ઉતારવાનો તેમણે પ્રયત્ન કરવો જોઈએ અને યુવા વર્ગે પણ વડીલો તરફ માનભરી નજરે જોવું જોઈએ. કારણ કે વડીલો પાસે તેઓના કરતાં અનુભવનું ભાથું ખૂબ મોટું હોય છે. વડીલોએ આપેલી સલાહને અવગણવાને બદલે યુવક-યુવતીઓએ એનો પ્રયોગ કરી લેવો જોઈએ. આ રીતે, અરસપરસની ધૈર્યપૂર્વકની સમજણ અને સહકારથી જ આ સમસ્યાનો હલ નીકળી શકે છે.

પ્રશ્ન :- રાષ્ટ્રના વિકાસ માટે મહિલાઓ શું કરી શકે?

ઉત્તર :- સૌ પહેલાં તો આપણે સૌએ એ ખ્યાલ રાખવો જોઈએ કે, સ્ત્રી કે પુરુષ તરીકે જન્મ પામવો એ એક આકસ્મિક બાબત છે. જીવ પોતાના પ્રારબ્ધ કર્મને લીધે સ્ત્રી અથવા પુરુષનું શરીર ધારણ કરે છે. સ્ત્રીઓ પુરુષો કરતાં કોઈ અંશે ઊતરતી નથી. અને બીજી વાત એ ધ્યાનમાં રાખવી ઘટે કે, સ્ત્રી અને પુરુષના સહજ સ્વભાવ તેમ જ શક્તિઓમાં કેટલોક મૂળભૂત ભેદ રહેલો છે. ડૉ. એલેક્સિસ કેરેલ પોતાના “મેન ધ અનનોન” નામના પુસ્તકમાં કહે છે કે, પુરુષ સ્ત્રી કરતાં ફક્ત ભૌતિક સ્તરે જ જુદો પડતો નથી, પણ ચૈતનિક સ્તરે પણ જુદો પડે છે. સમાજ પ્રત્યે સ્ત્રીઓનું એક વિશિષ્ટ દાયિત્વ રહેલું છે. તેમને ખાસ પ્રકારની લાક્ષણિકતાઓ અને ખાસ પ્રકારની શક્તિઓની બક્ષિસ મળેલી છે. એ બધાનો તેમણે પૂરેપૂરો સદુપયોગ કરવો જોઈએ અને એ રીતે રાષ્ટ્રના વિકાસમાં પુરુષો સાથે ખભેખભો મિલાવીને સહકારથી કામે લાગી જવું જોઈએ.

પ્રશ્ન : ભ્રષ્ટાચારથી ભરેલા સમાજમાં ઉચ્ચ આદર્શોનું પાલન અને એની જાળવણી કેવી રીતે શક્ય બને?

ઉત્તર :- એ સાચું છે કે, સમાજમાં ભ્રષ્ટાચાર જ્યાં-ત્યાં નજરે પડે જ છે પણ એનો અર્થ અવશ્યપણે એવો તો થઈ શકે નહિ કે, આપણે આપણા આદર્શો સાથે કશી બાંધછોડ કરી લેવી જોઈએ. ધારો કે, આપણે કોઈક હૉસ્પિટલમાં દાખલ થયાં છીએ અને ત્યાં ચારે બાજુ માંદા માણસો જ છે ત્યારે આપણે એમ તો કહેતાં નથી જ કે, આપણે માંદગીમાંથી સાજા ન બનીએ! આપણે તો દવાદારૂ લઈને માંદગીમાંથી ઝટ સાજા થઈ જવાનો જ પ્રયત્ન કરીએ છીએ- ને? તો બસ, આ જ રીતે આપણે જેટલે અંશે શક્ય હોય તેટલે અંશે, આવા સંજોગોથી ભરેલા સમાજમાં પણ આપણા આદર્શોને અનુસરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા, એટલું ખરું કે, આપણે એકાએક જ કંઈ સત્યવાદી હરિશ્ચન્દ્ર તો બની શકીએ નહિ. પણ આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ પગલું ભરવું જોઈએ. હતાશ થવાની જરા પણ જરૂર નથી. જો તમે રોજના દસ સૂર્યનમસ્કાર કરતા હો અને એકદમ જ એની સંખ્યા સો સુધી વધારી મૂકો, તો તો તમારું શરીર ભાંગી જ જશે. એવી જ રીતે, આપણે આપણા આદર્શોને શક્ય તેટલા પ્રમાણમાં અને ધીરેધીરે વધુ આગળ વધારતા જઈને અનુસરવા જોઈએ અને ધીરે ધીરે આપણે આપણને વિશુદ્ધ કરતાં રહેવું જોઈએ.

પ્રશ્ન :- આજનો યુવા વર્ગ ધર્મથી વિમુખ કેમ બનતો જાય છે? આજનો યુવા વર્ગ ધર્મનો સ્વીકાર કરશે ખરો?

ઉતર :- આજનો યુવા વર્ગ શા માટે ધર્માભિમુખ બનતો જાય છે, એનું કારણ તો સાવ સીધું-સાદું છે : સમાજમાં આજે જે ધર્મ આચરાય છે, એ કર્મકાંડ અને વિધિવિધાનોના પાયા ઉપર ઊભેલો ધર્મ છે. એટલે એ આજના બુદ્ધિપ્રધાન અને વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા યુવા વર્ગને દંભ જ દેખાય છે. દાખલા તરીકે, કોઈ એક વેપારી સવારના પહોરમાં એક કલાક સુધી ભગવાનનાં પૂજા – પાઠ કરે છે અને પછીના આખાય દિવસ દરમ્યાન તો વેપારમાં છેતરપિંડી જ કર્યા કરે છે! આજનો યુવા વર્ગ સ્વાભાવિક રીતે જ વિચારે છે કે, આવા ધર્મનો શો અર્થ છે? આવો દાંભિક ધર્મ આજના યુવા વર્ગને સંતોષી શકે જ નહિ. સ્વામી વિવેકાનંદના કહેવા પ્રમાણે સાચો ધર્મ તો એક અનુભૂતિ છે, સાક્ષાત્કાર છે, ચારિત્ર્યનિર્માણકારી છે. આજના યુવા વર્ગ સમક્ષ જો આવો વૈજ્ઞાનિક પાયા પર ખડો થયેલો ધર્મ મૂકવામાં આવે, તો અવશ્ય જ તેઓ તેને સ્વીકારશે.

પ્રશ્ન:- દેશની સામે આજે જ્યારે કેટલાય સળગતા સવાલો ખડા છે, ત્યારે યુવા વર્ગની શી ફરજ બની રહે છે?

ઉત્તર : પહેલી વાત તો બસો અને ટ્રેઈનો સળગાવવી બંધ કરો! (બધાંનું હાસ્ય). યુવા વર્ગે સૌ પ્રથમ આટલું કરવું જોઈએ-હાથે કરીને વધારે સમસ્યાઓ પેદા ન કરવી જોઈએ. હા, આપણે ત્યાં બેરોજગારી, ગરીબી, વગેરે અનેક સમસ્યાઓ છે જ. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, દેશની આર્થિક નીતિ વધુ અસરકારક નીવડી શકી નથી. આવી પરિસ્થિતિમાં યુવા વર્ગે કોઈ પણ રીતે સરકાર ઉપર આધાર બેરોજગારીની સમસ્યા રાખ્યા કરતાં હલ કરવા માટે સ્વરોજગાર તરફ વળવું જોઈએ. દાખલા તરીકે, આજના સમયે કારીગરોની જબરી માંગ છે, પણ શિક્ષિત યુવાનો કારીગર બનવા ઇચ્છતા નથી. કારણ કે તેઓ પરિશ્રમનો મહિમા જ સમજતા નથી. બીજા દેશોમાં આવું નથી. અમારા શિકાગો કેન્દ્રમાં અમારા બ્રહ્મચારીઓએ બહારના કોઈ જ માણસની કશી જ મદદ લીધા વગર છ મકાનો બાંધ્યાં છે. આ બ્રહ્મચારીઓ ખૂબ ઊંચું શિક્ષણ પામેલા હોવા છતાં એ મકાનોના પાયામાંથી માંડીને ઠેઠ રાચરચીલાની ગોઠવણી વગેરે સુધીનું બધું જ કામ તેમણે જાતે જ કર્યું છે. એટલે આપણા યુવાનો જો હાથપગથી શ્રમ કરવાનો અણગમો છોડી દે તો તેઓ આજીવિકાનાં અનેકાનેક દ્વારો ખોલી શકે છે.

પ્રશ્ન:- યુવાનોએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ ખરો કે? આપનો શો અભિપ્રાય છે?

ઉત્તર :- મારી સલાહ એવી છે કે, તમે જ્યાં સુધી વિદ્યાર્થી અવસ્થામાં છો, ત્યાં સુધી તમારે પોતાને રાજકારણથી દૂર રાખવા જોઈએ. પણ એનો અર્થ એવો નથી જ કે, તમારે આપણા રાષ્ટ્રમાં બનતા બનાવોમાં રસ જ ન લેવો. આપણા રાષ્ટ્રની સામે ખડી થયેલી સમસ્યાઓને સમજવાની કોશિશ કરો. આપણો ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, સભ્યતા અને વિવિધ પરિવર્તનો અને વિકાસો – જે જે આપણા દેશમાં સ્થાન પામી રહ્યાં હોય, તેને સમજવા પ્રયત્ન કરો. તમે આ બધાંથી ભલે પૂરા માહિતગાર બનો પણ સક્રિય રાજકારણમાં આ તકે પડવું નહિ. આપણા રાષ્ટ્રની સમસ્યાઓને સમજવાની આ રીતે પરિપક્વતા પ્રાપ્ત કરતાં કરતાં સાથોસાથ જ તમારા ચારિત્ર્યનો વિકાસ કરતા રહો અને આ રીતે તમારી શિક્ષા-દીક્ષા પૂર્ણ થયા પછી તમે અવશ્ય સક્રિય રાજકારણમાં પ્રવેશી શકો છો. આમ ન થાય તો તમે પોતાનું ચારિત્ર્ય ઘડતર પણ નહિ કરી શકો કે તમારી શૈક્ષણિક યોગ્યતા પણ કેળવી નહિ શકો.

આપણા એક પ્રોફેસર યુ.એસ.એ. ગયા. તેમને ત્યાંની કોઈ યુનિવર્સિટીમાં ભગવદ્‌ગીતાનો એક વર્ગ લેવાનું કહેવામાં આવ્યું. જ્યારે તેઓએ યુનિવર્સિટીમાં પહોંચ્યા, તો તેમણે ઉદ્વેગપૂર્વક જોયું કે, એ સમયે ચાલી રહેલા વિયેટનામ યુદ્ધનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓ જોરશોરથી સૂત્રો પોકારી રહ્યા હતા. પ્રોફેસરને લાગ્યું કે, હવે તેમને માટે વર્ગ લેવાનું શક્ય બનશે નહિ. પણ ત્યારે તે યુનિવર્સિટીના પ્રોફેસરે આપણા પ્રોફેસરને કહ્યું કે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. એણે જણાવ્યું કે, વિશ્રાન્તિનો સમય પૂરો થઈ જતાંવેત બધું જ સમુંસૂતર થઈ જશે અને પછી પાંચેક મિનિટમાં ઘંટ વાગ્યો અને ભારતીય પ્રોફેસરે ખૂબ આશ્ચર્યપૂર્વક જોયું કે, બધે જ શાંતિ પથરાઈ ગઈ હતી! આપણા દેશના વિદ્યાર્થીઓ અને તે દેશના વિદ્યાર્થીઓ વચ્ચે બસ, આ જ તો મોટો તફાવત છે!

અહીં આપણે આપણી શૈક્ષણિક કારકિર્દીનો વિનાશ થઈ જાય, એની કશી જ પરવા કરતા નથી. પરંતુ એ દેશમાં વિદ્યાર્થીઓ પોતાની શૈક્ષણિક કારકિર્દીનો કોઈ પણ સંજોગોમાં નાશ થવા દેશે નહિ. આપણે પણ આપણા શિક્ષણમાં ઊભા થતા કોઈ પણ અવરોધને સાંખી લેવો જોઈએ નહિ. આપણા વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ ભણવું જોઈએ અને પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવવી જોઈએ. કારકિર્દીનો નાશ થતો બચાવવો જ જોઈએ.

Total Views: 418

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.