યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ સુધારવા, વ્યક્તિત્વ બાંધવા, બધાંને ખુશ કરતાં શીખવા અને જીવન છે એથી સારું, શુદ્ધ ઉન્નત બનાવવા કોઈ અનુરોધ કરે છે. ને યુવાન માણસ ઉત્સાહમાં આવી જાય છે અને એ પ્રમાણે તરત ને તરત કરી નાખવા કમર કસે છે.
પણ ત્યારે એનું મન મુદત માગે છે : ‘એ બધું જરૂર કરીશું, પણ હમણાં નહિ, જરા વાર રહીને કરીશું, થોડા દિવસ પછી કરીશું. હાલ તો અભ્યાસનો બોજો છે, પરીક્ષાની ચિંતા છે, સંસારમાં રસ્તો કાઢવાની જવાબદારી છે. જરા મોકળાશ થવા દો એટલે બધું જોઇ લેવાશે. ખોટી ઉતાવળ કરવા જઇશું તો આખું કામ બગડશે. ધીરજનાં ફળ મીઠાં…’
અને ધીરજ ધરી ધરીને સંકલ્પ સંકલ્પને ઠેકાણે રહે છે, દિલના મનસૂબા કલ્પનાના તરંગો બની જાય છે, અડગ નિશ્ચય સ્વપ્નામાં ઓગળી જાય છે.
શુદ્ધ થવું છે, પણ હમણાં નહીં.
પ્રગતિ કરવી છે, પણ ‘ઉતાવળ’ નથી.
જીવન સુધારવું છે, પણ આગળ ઉપર સુધારવું છે.
વચન અપાય છે, પ્રયત્ન થાય છે, પ્રાર્થના કરાય છે –
પણ બધામાં શરત છે, આનાકાની છે, દુવિધા છે.
હા અને ના.
જરૂર, પણ આજે નહીં.
કરીશું, પણ કાલે કરીશું.
અને કાલ એટલે મૃત્યુ.
યુવાન માણસને માટે ‘આજ’ એટલે યુવાની, અને ‘કાલ’ એટલે વૃદ્ધાવસ્થા. માટે યુવાન માણસે યુવાનીનો જ લાભ લેવાનો છે. યુવાનીનું બલિદાન આપવાનું છે, યુવાનીનો યજ્ઞ કરવાનો છે. મોડું કરશે તો એ જીવનનું મૂરત ચૂકી જશે.
ખલાસી ભરતીની તક લઇને હોડી પાણીમાં તરતી મૂકે છે. આજની ભરતી ચૂક્યો તો પૂરા ચોવીશ કલાકની ઢીલ પડી.
અવકાશવૈજ્ઞાનિકો નક્ષત્રોનો યોગ જોઇને યાનને અંતરીક્ષમાં ચડાવે છે. આજનો યોગ ચૂક્યો તો મહિનાઓ ને વર્ષો સુધી એવો બીજો યોગ ન આવે.
યુવાન જીવનવીર આજનો અમોલ પ્રસંગ લઇને સાધના શરૂ કરવા કમર કસે છે.
આજના મુહૂર્ત જેવું મંગલ મુહૂર્ત જીવનમાં બીજું એકેય નથી.
(સમાજઘડતર, પૃ. ૭૮ થી ૮૨.)
Your Content Goes Here





