(સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ ‘Eternal Values For a Changing Society’ ગ્રંથમાંથી ગ્રંથકારની પરવાનગીથી પ્રકાશિત કરી રહ્યા છીએ.)

(ગતાંકથી ચાલુ)

૫. માનવશક્તિઓ પર પ્રક્રિયા કરવાની કળા

થોડા મહિના પહેલાં કૃષ્ણા નદી પર આવેલા આંધ્રપ્રદેશના શ્રી શૈલમમાં ગયો હતો, એ ભારતમાં એક મોટી જલવિદ્યુત અને નહેર યોજના છે. તેમજ, ભારતના એક મોટા બંધ અને નહેરયોજના મથક નાગાર્જુન સાગર ૫૨ હું ગયો હતો. વળી પ્રાચીન કાળથી જ્યોતિર્લિંગના તથા માતાજીનાં મંદિર પણ ત્યાં છે. એ બંને સ્થળોએ આપેલાં પ્રવચનોમાં, એ પ્રકલ્પોમાં રોકાયેલા લોકોને મેં કહ્યું કે, ‘મંદિરોમાં થતી પૂજામાંથી પ્રેરણા લઈને નિપુણતાથી અને સમર્પણની ભાવનાથી તમે કામ કરો, વિવેકાનંદે પ્રબોધ્યા પ્રમાણે વ્યવહારુ વેદાંતને અપનાવો અને આ વિકાસ પ્રકલ્પો દ્વારા લાખો લોકોની સેવા કરો.’ થોડાં અઠવાડિયાં પહેલાં અરુણાચલ પ્રદેશથી ડિબ્રુગઢના વિમાન મથકે હું જતો હતો ત્યારે, આસામમાં વચ્ચે આવતાં દુલિયાજાનમાં મારે રોકાવું પડ્યું હતું. દેશના હિત માટે લાખો ટન ક્રૂડ, કાચું તેલ પેદા કરતા દુલિયાજાનના અફસરોએ તેમને સંબોધન કરવા મને રોક્યો હતો. એ કામ માટે મારી પાસે ભાગ્યે જ વીસ મિનિટ હતી, કારણ મારે વિમાન મથકે પહોંચવું હતું. એ સભામાં ઘણા ટેકનિશ્યનો અને અફસરો હાજર હતા. તત્કાલ સ્ફૂરેલો એક વિષય મેં બોલવા માટે લીધો. ‘ધ આર્ટ ઓફ પ્રોસેસિંગ એક્સપીરિયન્સ.’ (અનુભવને પ્રક્રિયામાંથી પસાર કરવાની કળા) ધરતીમાંથી આપણે કાચું તેલ (ફ્રૂડ) બહાર કાઢીએ છીએ અને એના પર પ્રક્રિયા કરીએ છીએ પછી એમાંથી સૂક્ષ્મ અને ઘણી ઉપયોગી પેટ્રોલિયમ પેદાશો આપણને મળે છે. એ પ્રમાણે જ, મનુષ્ય જીવનમાં, આ પ્રચંડ ચૈતસિક-દૈહિક શક્તિના સમગ્ર તંત્રને એવી પ્રક્રિયાત્મક ટૅક્નોલોજીમાંથી પસાર કરવાની જરૂર છે. પ્રાકૃતિક યુવકશક્તિનું શુદ્ધીકરણ કરીને, અનુભવ પ્રક્રિયાની અનુપમ કલા દ્વારા, રચનાત્મક, સર્જનાત્મક શક્તિ પ્રગટાવવાની છે.

ધર્મનિરપેક્ષ અને આધ્યાત્મિક કેળવણીનો આ અર્થ છે. રાજકીય સ્વાતંત્ર્ય પછી આ કાર્ય કર્યું નહીં તે આપણું દુર્ભાગ્ય છે. કાચી માનવશક્તિને આપણે કાચી અને પ્રાકૃતિક જ રહેવા દીધી અને આપણા બૌદ્ધિક શિક્ષણ દ્વારા એને વધારે પ્રાકૃતિક બનાવ્યું છે. આજે, કુદરતી શક્તિઓને નિયમનમાં રાખીને, અંકુશમાં રાખીને અને વાળીને, રાષ્ટ્રના હિત માટે આપણી ભૌતિક સમૃદ્ધિ સર્જવાની અને વધારવાની એક અગત્યની કામગીરી આપણે ક૨વાની છે. તે સાથે બીજું જે કામ છે તે ઘણું વધારે અગત્યનું છે, હાલ ઉકરડે જતી કે, નકારાત્મક અને વિનાશાત્મક માર્ગોમાં વળતી કે, કેવળ પોતાની આત્મકેન્દ્રી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે વપરાતી આપણા દેશની અમાપ યુવાશક્તિને તાલીમ આપવાનું અને નિયમનમાં રાખવાનું. આવા બધા લોકોએ વિવેકાનંદના શબ્દો સાંભળવા જોઈએ (‘ધ કમ્પ્લીટ વર્કસ, વૉ. ૪, પૃ. ૩૬૩, આઠમી આવૃત્તિ):

‘‘જિંદગી ટૂંકી છે, તેનાં તુચ્છ મોજશોખ ક્ષણિક છે. પણ, બીજાઓ માટે જે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના સૌ જીવતાં કરતાં વધારે મરેલાં છે.’’

પ્રકૃતિની શક્તિઓને કામે લગાડવા માટે જેટલો પ્રયત્ન કરીએ છીએ તેટલો આ શક્તિ માટે કરતા નથી. યુવશક્તિ આ રહી પણ એને નિયમનમાં રાખવા અને તાલીમ આપવા કશું થતું નથી. ધરતીમાંથી ક્રૂડ તેલ કાઢીએ અને એની ઉપર કશી પ્રક્રિયાઓ કરીએ નહીં તો, એ કાચો રગડો જ રહે છે એ જ રીતે, કાચી માનવશક્તિ કે કાચી યુવશક્તિ પર પ્રક્રિયા કરી તેનું રચનાત્મક, સર્જનાત્મક શક્તિમાં પરિવર્તન કરવામાં આવશે નહીં તો, એ કાચો રગડો જ રહેશે.

અહીં, ધર્મનું મહાન વિજ્ઞાન, ઉપનિષદોની અઘ્યાત્મ વિદ્યા ચિત્રમાં આવે છે. ધર્મ વિજ્ઞાનનું સૌથી મોટું પ્રદાન ચારિત્ર્ય ઘડતરનું છે. નોંધી રાખો શબ્દો: ધર્મનું વિજ્ઞાન ધર્મના જાતીય પરિમાણમાંથી જન્મતી એ માત્ર નિષ્ક્રિય લાગણી નથી. કારણ, આ નિષ્ક્રિય લાગણી વડે માણસ અને પશુ પર ગમે એટલી દુષ્ટતા વરસાવી શકીએ છીએ. પણ, ધર્મનું વિજ્ઞાન હોય છે ત્યારે, નિષ્ક્રિય લાગણીને સ્થાને ગતિશીલ અધ્યાત્મ આવે છે; એ આધ્યાત્મિક વિકાસ અને ચારિત્ર્ય ઘડતર છે; જેમાં કાચી યુવશક્તિનું રૂપાન્તર પ્રેમ અને કરુણામાં, સમર્પણની અને સેવાની ભાવનામાં થાય છે: આ સર્વ ઉચ્ચ ચારિત્ર્યશક્તિમાં રૂપાન્તરિત થયેલી કાચી ચૈતસિક દૈહિક શક્તિ છે. આપણી કાચી માનવશક્તિ પરની પ્રક્રિયાથી જન્મતું આ પરિવર્તન છે.

તો આ બંને પ્રકારનું કાર્ય ભારતમાં આજે સમાંતર ચાલવું જોઈએ: પ્રાકૃતિક શક્તિઓને ભૌતિક વિદ્યા દ્વારા કામે લગાડીને માનવ ઉત્કર્ષ માટે વા૫૨વી. આ અદ્ભુત છે. પણ આટલું જ બસ નથી. બીજા પ્રકારના કાર્યની પણ જરૂર છે. કાચી યુવશક્તિને નિયમનમાં રાખી અને પ્રક્રિયા વડે તેને ઉત્કૃષ્ટ ચારિત્ર્ય શક્તિમાં રૂપાંતરિત કરવી. આ ક્ષેત્રમાં, આપણા દેશ પાસે આપણા લોકોના તેમજ જગતના અન્ય લોકોના હિતાર્થે વેદાંત અને એની અધ્યાત્મ વિદ્યા છે.

૬. યુવશક્તિનું નિયમન

આપણી અમાપ યુવશક્તિનું નિયમન આપણે કેવી રીતે કરશું? ‘નિયમન’ ની વાત કરીએ છીએ ત્યારે, ઘણી વાર હાથમાં સોટીવાળા શાળાના મહેતાજીનો કે સિપાઈનો વિચાર આપણને આવે છે. અહીં એની વિવક્ષા નથી. એક વ્યક્તિ બીજીને નિયમનમાં રાખે તેવી વાત અહીં નથી. આ આત્મનિયમન છે. મારી શક્તિઓને વશમાં રાખીને તેમને ઉચ્ચ ચારિત્ર્યશક્તિમાં પરિવર્તિત ક૨વી એ મારો અધિકાર છે, મારો આનંદ છે. જેના વડે હું રેલગાડીઓ પર પથરા ફેંકી શકું છું; આસપાસનાં મકાનોના કાચ ફોડી શકું છું – તે મારી ભયાનક યુવશક્તિનું રૂપાંતર રચનાત્મક, સર્જનાત્મક શક્તિમાં થઈ શકે છે; મારે વિશે તેમ જ બીજા સૌના ગુણાત્મક માનવીય વિકાસ માટે ઉપયોગમાં લઈ શકાય છે. વરસોવરસ કેટલો પાક અને કેટલાં ઘરનો વિનાશ સર્જતી નદીઓની કાચી શક્તિના જેવું આ છે. પણ એ જ શક્તિઓને આપણે અંકુશમાં લઈ માનવીના મિત્ર અને સેવકમાં પરિવર્તિત કરીએ છીએ.

આપણી યુવશક્તિ બાબત આપણે શા માટે તેમ નથી કરતા? માનવીનું ભાવિ સુખમય અને પરિતૃપ્ત હોય, શાંતિમય અને કલ્યાણમય એ ભાવિ હોય તો આ તાલીમ, અને પ્રક્રિયાની તાતી જરૂર છે. સમગ્ર ભારત દેશમાં પ્રચંડ યુવશક્તિનું દર્શન મને પ્રસન્ન કરે છે. પણ જરા ઝીણવટથી જોઉં છું તો મને એમાંની ઘણી સાવ કાચી જણાય છે; એનું શુદ્ધીકરણ થયું નથી; એના પર કશી પ્રક્રિયા થઈ નથી અને દુઃખની વાત તો એ છે કે આ કાચી શક્તિનું અદ્ભુત માનવશક્તિમાં પરિવર્તનની પ્રક્રિયા મોટા ભાગના લોકો જાણતા નથી. પરંતુ, આ પ્રક્રિયા સમજતા અને એ કરતા કેટલાક માણસોને હું જોઉં છું. એમણે પોતાની જિંદગીમાં ગુણાત્મક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, માધુર્ય મેળવ્યું છે, એમનું ઉત્કૃષ્ટ ચારિત્ર્ય વિશુદ્ધ થયું છે. આ બતાવે છે કે આ શક્તિનું પણ પરિવર્તન થઈ શકે છે. અલ્પસંખ્યક લોકો કરી શકે તો, બધાં જ કરી શકે. ઉદાહરણ તરીકે ભારત માટે તો આપણા લોકો પ્રત્યેનો પ્રેમ લો. જો આપણી બધી યુવશક્તિ આ ભાવનાથી જાગૃત થાય તો એ યુવશક્તિમાં વિરાટ પરિવર્તન આવશે. એ નિર્મળ થશે અને એનું શુદ્ધીકરણ થશે. રચનાત્મક, સર્જનાત્મક દેશભક્તિ મહાન મૂલ્ય છે, જેની ભાવના અને નિષ્ઠા નીચેના શબ્દોમાં વ્યક્ત થાય છે:

“હું ભારતીય છું. હું માત્ર ભારત નથી, પણ ભારતનો છું અને ભારત માટે છું. મારું અસ્તિત્વ ભારત માટે છે. મારા દેશબંધુઓને હું ચાહું છું. મારા સ્વાધીન દેશનો હું સ્વાધીન નાગરિક છું. મારી શક્તિ મારા દેશના હિત માટે હું સમર્પિત ક૨વા ચાહું છું.’’

આ પ્રકારની સ્વદેશનિષ્ઠા, પોતાનામાં રહેલી શક્તિને નિર્મળ કરવા અને શુદ્ધ કરવાને માર્ગે કોઈ પણ યુવકને વાળવા પૂરતી છે.

છોકરાઓ અને છોકરીઓમાં ભરપૂર યુવશક્તિ છે, ખરી રીતે તો, આરંભના ગાળામાં, દેશી ભાષામાં કહીએ તો, એ કેવળ “પાશવી શક્તિ” છે. દરેક પાસે આ પાશવી શક્તિ ખૂબ છે. બળદને જોઈ આપણે એની પ્રશંસા કરીએ છીએ. એની ભયંકર શક્તિથી આપણે પ્રભાવિત થઈએ છીએ. આપણા સાહિત્યમાં અનેક સ્થાને, બળવાન પુરુષોને બળદ સાથે સરખાવાયા છે. ગીતામાં શ્રીકૃષ્ણને અર્જુનને “ભરતર્ષભ” કહેતા આપણને જોવા મળે છે – “ભરતર્ષભ” એટલે ભરતકુળમાંનો ઋષભ (બળદ). આ નામનો ખાસ અર્થ છે. એ અર્થ છે અતુલ શક્તિનો – પણ નિયમન કરેલી, નિર્મળ, શોધિત, રચનાત્મક તથા સર્જનાત્મક કરેલી શક્તિ. બળદ ઉપર આરુઢ શિવના પ્રતીકનો પણ આ જ અર્થ છે. એ રીતે જ મનુષ્યનું ભાવિ મહાન ભાવિ બની શકે છે. આપણે જીવન અને વધારે જીવન કે મૃત્યુને વધારે મૃત્યુ પ્રાપ્ત કરી શકીએ છીએ. નિયમિત કરેલી અને વિશુદ્ધ કરેલી શક્તિ આપણને વધારે ને વધારે જીવન ભણી લઈ જાય છે; નિરંકુશ શક્તિ આપણને મૃત્યુ અને વધારે મૃત્યુ તરફ લઈ જાય છે. આજે, ભારતમાં આ બોધની જરૂર છે.

૭. ભારત: સદા વૃદ્ધ થતું પણ કદી ઘરડું નહીં

આજે ભારતની પ્રજામાં ઘણી યુવશક્તિ પ્રગટ થઈ રહી છે. વાસ્તવિક રીતે, આપણો દેશ ખૂબ નાનો ગણાય છે. એ કેવો સુખદ વિરોધાભાસ છે. સૌથી વૃદ્ધ રાષ્ટ્ર સૌથી નાનું છે! વસતિની દૃષ્ટિએ પણ, આપણે ખૂબ યુવાન રાષ્ટ્ર છીએ. ૧૬થી ૩૫ વચ્ચેની વયની વસતિ ભારતની પ્રજામાં બહુમતી છે. ઘણા દેશોમાં, ૪૦ વર્ષથી મોટી વયના લોકોની બહુમતી છે. ઐતિહાસિક દૃષ્ટિએ આપણે ખૂબ પ્રાચીન છીએ ખૂબ જ અને છતાંયે, પ્રજા તરીકે આજે આપણે ખૂબ જુવાન છીએ. ભારતનું આ યૌવન મોટી મૂડી છે. અર્વાચીન ભારતના એક મહાન બૌદ્ધિક હતા સર બ્રજેન્દ્રનાથ શીલ, કલકત્તાના વિવેકાનંદના કૉલેજના સહાધ્યાયી. એ માઈસોર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર થયા હતા. માત્ર ધર્મ અને ફિલસૂફીના ક્ષેત્રોમાં નહીં પણ, ભૌતિક, ઔષધિ, વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ઇ.માં પ્રવાચીન ભારતે કરેલા પ્રદાન વિશે તેમણે એક પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું: “ધ પોઝિટીવ સાયન્સિસ ઑફ ધ એન્શિયંટ ઈન્ડિયા”. ભારતને વર્ણવવા માટે તેમણે એક સુંદર ઉક્તિ પ્રયોજી હતી: ‘નિત્ય વૃદ્ધિગત પણ કદી વૃદ્ધ નહીં’. સંસ્કૃત શબ્દ ‘પુરાણ’નો પણ એ જ અર્થ છે કોશ એનો અર્થ આપે છે: ‘પ્રાચીન’, ‘જૂનું’, ‘જૂના સમયનું’, સંસ્કૃત સાહિત્યના અમુક ગ્રંથો ‘પુરાણો’ તરીકે ઓળખાય છે.

પણ ‘પુરાણ’ શબ્દનો ઊંડેરો અર્થ ‘ગીતા’ (૨.૨૦) પર પોતાના ભાષ્યમાં શંકરાચાર્યે આપ્યો છે, જ્યાં મનુષ્યના અનંત આત્માને ‘પુરાણ’ કહેવામાં આવ્યો છે. એ સંદર્ભમાં ‘પુરાણ’ શબ્દને શંકરાચાર્ય કેવી રીતે સમજાવે છે! ‘પુરા અપિ, નવ એવેતિ, પુરાણઃ’ (જૂનો હોવા છતાં જે હંમેશાં નવીન છે તે). આત્માની માફક એ અર્થમાં ભારત પણ ‘પુરાણ’ છે, નિત્ય વૃદ્ધ થતો છતાં કદી ઘરડો ન થતો. આ વાત આજે આપણે વીસમી સદીમાં જોઈ શકીએ છીએ. યૌવનત્વ, ચેતન-આજના ભારતનું આ લક્ષણ છે. પણ, ભૌતિક, વિજ્ઞાન અને ટૅક્નોલોજી વડે આપણી બાહ્ય પ્રકૃતિને નાથવા બાબતમાં આપણે સંતુષ્ટ નથી તેમ, યુવાનો અને મોટેરાંઓની માનવીય શક્તિઓને અધ્યાત્મનાં શાસ્ત્ર અને કળા વડે પ્રક્રિયાઓમાંથી પસાર કરી એમની સિદ્ધિઓની પ્રાપ્તિ બાબત પણ આપણે સંતુષ્ટ નથી. આ વિરાટ શક્તિ વેડફાય છે. કારણ, એ પરસ્પરની વિરુદ્ધ દિશાઓમાં ખેંચે છે, પોતાનો જ છેદ ઉડાડે છે અને આગળ ધપવાનું જોર એ કદી ઉત્પન્ન નથી કરી શકતી. બધા શાસ્ત્રીય માર્ગદર્શનની અને મદદની જરૂર આપણને અહીં છે; મને કહેતાં આનંદ થાય છે કે, માનવ વિકાસના પોતાના ગહન દર્શન, વેદાંત દ્વારા આપણો દેશ આ માર્ગદર્શન અને મદદ પૂરાં પાડી શકે છે. આ વેદાંતને સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, એ માનવ શક્યતાનું વિજ્ઞાન છે, એ આપણા બધા યુવાનોને પોતાની શક્તિઓને નિયમવર્તી રાખી યોગ્ય દિશામાં વાળવામાં મદદરૂપ થઈ શકે છે.

(ક્રમશઃ)

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.