[સ્વામી હર્ષાનંદજી રામકૃષ્ણ મઠ, બેંગ્લોરના અધ્યક્ષ છે. તેમનો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ (જાન્યુઆરી 1986, પૃ. સં. 16-17)માંથી લેવામાં આવેલ છે. ભાષાંતરકાર: પ્રો. જે. સી. દવે.]
આપણી ઘણી મોટી બહુમતીની જીવનકથા ફક્ત ત્રણ વાક્યમાં લખી શકાય: ‘તે જન્મ્યો, જીવ્યો અને મૃત્યુ પામ્યો.’ પણ સ્વામી વિવેકાનંદ, માનવો માંહેનો માનવી, આ નિંદ્ય પદ્ધતિમાં જ આપણું જીવન બંધબેસતું થઈ રહે તેમ ઇચ્છતા નથી. તેમના પ્રસિદ્ધ નિબંધ ‘પૂર્વ અને પશ્ચિમ’માં તેઓ કહે છે, “જ્યારે તમે માનવ તરીકે જન્મ્યા છો ત્યારે તમારી પાછળ ન ભુંસાય તેવું ચિહ્ન મૂકી જાઓ.” સમયની રેતી પર પોતાનાં પદચિહ્ન અંકિત કરી જવાં, તે જુવાનો માટે યથાર્થ મહત્ત્વાકાંક્ષા છે. આપણે એમ પણ કહીએ કે તે જરૂરી જ છે. વેદો તો ત્યાં સુધી હિમાયત કરે છે કે જિંદગીની પૂર્ણ અવધિ-પૂરાં સો વર્ષ અને તે પણ પૂરા જુસ્સા અને સુખથી જીવવાની ઇચ્છા માણસે પોષવી ઘટે. ‘ઈશાવાસ્ય ઉપનિષદ’ ભલામણ કરે છે કે જીવનનો આ ગાળો સામાજિક રીતે ઉપયોગી પ્રવૃત્તિઓમાં ગાળવો જોઈએ.
આપણા જુવાનો ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષા રાખતા હોય તો એ સ્વાભાવસહજ છે. ઊલટું, એ ન હોય તો એમનામાં જ કાંઈક ખામી છે.
તો મહત્ત્વાકાંક્ષા છે અને મહત્ત્વાકાંક્ષાઓ પણ છે. નાની મહત્ત્વાકાંક્ષાઓ છે અને મોટી મહત્ત્વાકાંક્ષાઓ છે. જીવનમાં બંનેનું મહત્ત્વ છે. એક નાનો સ્ક્રુ અને મોટી ધરી – આ બધાંનું એક જબરદસ્ત યંત્રમાં સ્થાન છે.
એક સાધારણ જુવાન તેના જીવનમાં કેવી મહત્ત્વાકાંક્ષા સેવે છે તે જોઈએ. એ ભલે સાધારણ હોય! પહેલું તો એનું પોતાનું શરીર એના વ્યક્તિત્વનો એક અવિભાજ્ય ભાગ છે અને મહત્ત્વાકાંક્ષા સંતોષવાનું એક અગત્યનું સાધન છે. કુદરતી રીતે જ તે ગૌરવનું સ્થાન લે છે એટલે યુવાન કે યુવતી તંદુરસ્તી, બળ, શક્તિ, કઠિન પરિસ્થિતિનો સામનો કરવાની સ્વાભાવિક શક્તિ માગે છે. અલબત્ત! ઈશ્વરે આપેલ આકૃતિ અને માનવરચિત સૌંદર્ય પ્રસાધનો તેને બનાવી શકે તેવો સુંદર દેખાવા તે ઇચ્છે છે. પોતાનો જીવનનિર્વાહ સુખે ચલાવી શકે, પરંતુ એટલું જ નહિ, સમાજમાં સારી જિંદગી જીવી શકે એ માટે સારું શિક્ષણ પણ ઇચ્છે છે. અને તે ઉપરાંત જીવનમાં અને પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર હોય એવું કશુંક સિદ્ધ કરવા ઇચ્છે છે.
માત્ર મહત્ત્વાકાંક્ષા સેવવી એ પૂરતું નથી. તેને પૂર્ણ કરવા યોગ્ય સાધનો ખોળી કાઢવાનાં હોય છે. તેને સિદ્ધ કરવા સખત પરિશ્રમ કરવો પડે છે. પહેલાં આવે છે તંદુરસ્તી અને શક્તિ. બેશક! પોષક આહાર, પીવાનું ચોખ્ખું પાણી, ચોખ્ખી હવા, કસરત, સારી ઊંઘ, આરામ અને મનોરંજન તે પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. ચિંતા અને તાણમાંથી મુક્તિ ઓછાં મહત્ત્વનાં નથી. શરીર અને મન આંતરિક રીતે જોડાયેલાં છે. જેવું મન હશે તેવું શરીર બનશે.
શારીરિક સોંદર્ય એ જુવાનની મહત્ત્વાકાંક્ષાનો બીજો મુદ્દો છે. યુવાનો તેમના શારીરિક દેખાવ માટે વિશેષ જાગૃત હોય છે. તે ચપળ, સુંદર અને આકર્ષક દેખાવા માગે છે અને સૌંદર્ય પ્રસાધનોનું સમગ્ર બજાર, જો તેની પાસે ખર્ચવાના પૂરતા પૈસા હોય તો, તે ઇચ્છે ત્યારે સેવા કરવા તૈયાર છે. ઘણી વાર, તંદુરસ્તી આપનાર સારી ચીજોને ભોગે પણ તેઓ આવો ખર્ચ કરે છે. પણ તેમણે એક વસ્તુની નોંધ લેવી ઘટે કે, સસ્મિત અને સ્વસ્થ ચહેરો એ સૌથી મોટું પ્રસાધન છે. ચહેરો એ મનનું દર્પણ છે. મન જ્યાં સુધી સ્વસ્થ અને આનંદી ન હોય ત્યાં સુધી ચહેરો આનંદી અને સ્વસ્થ ન હોય. એટલે શારીરિક સૌંદર્ય પ્રાપ્ત કરતા પહેલાં મનને શાંત અને આનંદી રાખવું જરૂરી છે.
તે પછી ત્રીજો મુદ્દો આવે છે સારી કેળવણી. જો કે રોટલો રળાવી આપનાર શિક્ષણ તરફનું વલણ કે એ માટેના સાધન તરીકે કાગળ પરની પદવીએ કેળવણીના ક્ષેત્રમાં ઘૂસણખોરી કરી છે. પણ સાચી દિશા મળે ત્યારે યુવાનો યોગ્ય પ્રતિભાવ આપી શકે છે. યુવાન જે ધંધો પસંદ કરે કે સ્વીકારે તેમાં કહેવાતું શિક્ષણ પ્રાવીણ્ય આપે તે પૂરતું નથી. પણ તેમને શાણપણ, કુશળતા, સંસ્કાર, નક્કર મૂલ્ય પર આધારિત પદ્ધતિની સુઘડતા-ભદ્રતા આપે. જે અંતે તેમને મજબૂત પાયા પર સ્થિર રાખી શકે.
એ તો ઉઘાડું છે કે કેળવણીમાં સર્વોત્તમ મહત્ત્વ માનસિક સંસ્કારનું છે. એ જરૂરી છે કે ધ્યાન, સ્મૃતિ અને મનોબળ સુધારવાનાં સાધન અને પદ્ધતિ શોધી કાઢવામાં શિક્ષણે યુવાનને મદદ કરવી જોઈએ. યુવાનમાં જ્યારે જ્ઞાનની ખરેખર ભૂખ હોય ત્યારે જ એ શક્ય બને. ‘विद्यार्थी’ (વિદ્યા માટે જેને લગન છે તે) શબ્દ દ્વારા એ સૂચિત છે.
ધ્યાન કેન્દ્રિત કરવા વિશેષ સ્મરણશક્તિ અને મનોબળ વધારવા અહીં કેટલાંક સૂચનો કરીએ તો તે અસ્થાને નથી. એક કહેવત છે કે, ‘યત્ન માનવીને પૂર્ણ બનાવે છે.’ ધ્યાન કેન્દ્રિત કરવાના ક્ષેત્રમાં તે ઘણી મહત્ત્વની છે. આમાં બાધારૂપ બાબતોને જેટલી વધુ શક્ય અને વ્યવહારું હોય તેટલી વધુ તજવી, તે પહેલું પગથિયું છે. ધ્યાન કેન્દ્રિત કરવા પર અવિરામ અને સતત પ્રયત્ન કરવો તે બીજું પગથિયું છે. રસ અને ધ્યાન એકસાથે ચાલે છે. એટલે પોતાના અભ્યાસમાં પૂરતો રસ લેવાની તજવીજ કરવી. અભ્યાસમાં મન નહિ ચોટવાની ફરિયાદ કરનાર યુવાનો એક પળની નોટિસથી રમાતી ક્રિકેટ મેચ કે રૂપેરી પરદાના અભિનેતાને લગતા હેરતભર્યા આંકડા બોલી જાય છે. ધ્યાનમાં થતો સુધારો આપોઆપ સ્મરણશક્તિ પણ વધારે છે. ફરી ફરીને રટવું, યાદ કરવું એ બધું આમાં મદદ કરે તે બીજી પદ્ધતિ છે. કેટલાંક અણછાજતાં નહિ, પણ અણગમતાં કાર્ય કરવાનું નક્કી કરીને યુવાન પોતાના મનોબળને મજબૂત બનાવી શકે છે. જેમકે, સવારે વહેલા ઊઠવું. દર અઠવાડિયે સમય પાંચ-દસ મિનિટ પાછળ કરીને તે વહેલા ઊઠવું શક્ય અને વ્યવહારું બની શકે છે.
ભદ્ર સમાજનાં સંસ્કાર અને વિવેક પ્રાપ્ત કરવા માટેનાં સર્વોત્તમ સાધન છે: પવિત્ર ગ્રંથો, આદર્શ આચાર્યો અને મહામાનવના જીવનનો અભ્યાસ. તે આપણને માત્ર વિવેક નથી શીખવતા પણ પ્રેરણાય આપે છે. મૂર્ખાઓની ભૂલમાંથી પણ ડાહ્યા માણસો શીખે છે. જગતને કાળજીથી જોતાં અને જોયેલ સત્ય પર મનન કરતાં માનવીના ડહાપણ ભંડારમાં જરૂર ઉમેરો થાય. કેળવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે અને સાચો વિદ્યાર્થી શીખતાં કદી અટકતો નથી. જીવનલીલા-ભાગ્યપરિવર્તન માણસને ઘણા પાઠ શીખવે છે.
અને છેલ્લે, જીવનમાં અને ખાસ કરીને પોતાના કાર્યપ્રદેશમાં કાંઈક મૂલ્યવાન પ્રાપ્ત કરવાની ઇચ્છા. જો શરીર-સૌષ્ઠવ અને માનસ-સુધારણાનાં ચરિત્ર-પાસાં પર પૂરતું ધ્યાન અપાયું હોય તો આ કામ વધુ સરળ થાય છે. તેમ છતાં તેની પોતાની આગવી ટૅકનિક અને પદ્ધતિ છે. તેનો પાયો છે યોગ્ય આયોજન અને સખ્ત પરિશ્રમ. એના વિના સફળતા કદી મળે નહિ. બેશક, સદ્ભાગ્ય કે ઈશ્વરકૃપા અંતિમ સફળતા માટે આ પ્રયત્નમાં જરૂરી છે. “જે પોતાને મદદ કરે, તેને ઈશ્વર મદદ કરે છે.” યોગ્ય આયોજન, અગમબુદ્ધિ, જ્ઞાન અને કુશળતા આયોજકના પક્ષે, સખ્ત પરિશ્રમ અને દૃઢ મનોબળ, નમી પડવાની નહિ, પણ સ્પર્ધા-હરીફાઈ કરવાની – ભાવના ફરી આપણને એ જ સ્રોત-મન અને તેના વિકાસની જરૂર તરફ લઈ જાય છે. મન – જેને અંતઃકરણ કહેવામાં આવે છે, તેમાં મહાન શક્તિ છે. આ શક્તિ આપણા સૌમાં સુષુપ્ત સ્થિતિમાં છે. મનને પવિત્ર કરી એને જાગૃત કરી શકાય છે. પ્રાર્થના, ઈશ્વર ધ્યાન, જપ કે પવિત્ર નામનું રટણ મનને નિર્મળ કરે છે. અને તે એ રીતે કે આ શક્તિ પૂરેપૂરી જાગૃત થતાં જીવનમાં મહાન વસ્તુ સિદ્ધ કરવા તેને શક્તિમાન બનાવે છે.
એટલે જે જીવનમાં ઉચ્ચ મહત્ત્વાકાંક્ષા સેવે છે – ખાસ કરીને યુવાન – તેણે માનસિક સંસ્કાર પર સૌથી વધુ ધ્યાન આપવું ઘટે. “તમે તમારા મનને સંભાળો. બદલામાં મન તમને સંભાળશે,” એ જીવનમાં વધુમાં વધુ લાભ આપનાર સૂત્ર છે.
Your Content Goes Here




