(આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા મેળવે એ હેતુથી અહીં આ વિશેના લેખો આપવામાં આવે છે. સૌ પ્રથમ રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓનો પરિચય કરાવે છે રાષ્ટ્રીય કક્ષાએ તેમ જ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવનાર શ્રી મનસુખલાલ મહેતા, જેઓ સામયિકના પ્રારંભકાળથી જ પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. – સં.)
યુવાનોને સંબોધીને સ્વામી વિવેકાનંદ કહે છે કે “મારાં બહાદુર બાળકો! મહાન કાર્ય કરવાને તમે સરજાયાં છો એવી શ્રદ્ધા રાખો. કૂતરાં ભસભસ કરે તેથી બીતાં નહિ, અરે! આકાશ તૂટી પડે તો પણ શું? ટટ્ટાર ખડા રહો અને કામ કરો. તમારા દેશને વીરોની જરૂર છે; મર્દ બનો. પર્વતની જેમ અડગ રહો. સત્યનો સદા જય છે. રાષ્ટ્રની નાડીઓમાં નવું ચેતન ધબકે એટલા માટે ભારતને નવીન વિદ્યુતપ્રવાહની જરૂર છે. શૂરવીર બનો, શૂ૨વીર બનો, શૂરવી બનો.” …“અત્યારે આપણા દેશને વજ્ર જેવી માંસપેશીની, પોલાદી સ્નાયુઓની જરૂર છે જેનો સામનો થઈ શકે નહિ એવી પ્રબળ ઈચ્છાશક્તિની જરૂર છે. વિશ્વનાં રહસ્યો ઉકેલી શકે અને મહાસાગરના ઊંડાણમાં મૃત્યુનો સામનો કરીને પણ અડગ રીતે પોતાનું કાર્ય સાધી શકે એવી ઈચ્છાશક્તિની જરૂર છે.” સ્વામી વિવેકાનંદના આ શબ્દો દર્શાવે છે કે યુવાનો કેટલા શ્રદ્ધેય છે, બલિષ્ઠ છે અને અવિરત કાર્યશીલ રહેનારા છે.
આપણા સ્વાતંત્ર્ય યુગના મહાન શહીદો અને દેશભક્તોની હારમાળામાં યુવાનોએ ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આ યુવાનો જ ગઈ કાલ અને આવતી કાલની વચ્ચે સેતુ બનવાની શક્તિ ધરાવે છે. આ યુવાનોને યોગ્ય દૃષ્ટિ અને દિશા મળે તો આ માનવસમાજ રૂપી જહાજને પેલે પાર લઈ જઈ શકે. આજે યુવાનોને યોગ્ય માર્ગે વાળવા, તેમનામાં રચનાત્મક દૃષ્ટિ કેળવવા અને યુવાનોમાં રહેલાં સાહસ, શૌર્ય અને શક્તિને, પ્રેમશૌર્ય અને શહાદતની ભાવનાને પ્રેરવા આપણા દેશમાં ચાલતી કેટલીક યુવા પ્રવૃત્તિઓ ૫૨ એક દૃષ્ટિ ક૨વી જરૂરી છે.
યુવાનોનું પ્રેરણાસ્રોત: N.C.C.
આપણા દેશને આઝાદી મળ્યા પછી આજના યુવાનોને ચારિત્ર્ય ઘડવામાં અને રાષ્ટ્રીય ચેતના જગાડવામાં મદદરૂપ થાય તે માટે એન. સી. સી.ની પ્રવૃત્તિ છે. ભારતવર્ષના તત્કાલીન ગવર્નર જનરલના આદેશથી ૧૬ ઍપ્રિલ, ૧૯૪૮ના રોજ એન. સી. સી.ની તાલીમની યોજના અમલમાં આવી. આ યોજના હેઠળ સમગ્ર ભારતવર્ષમાં ૧૧.૫ લાખ કેડેટ્સને તાલીમ અપાઈ રહી છે. તેમાં ૧.૩૮ લાખ બહેનોનો પણ સમાવેશ થાય છે. યુવાનોમાં શિસ્તભાવના આવે છે અને શિસ્તભરી તાલીમ પામેલા આ યુવાદળો રાષ્ટ્રની કટોકટીની પળે સૌથી વધારે ઉપયોગી થાય છે.
એન. સી. સી.ના ઉદ્દેશો:
(૧) ચારિત્રનો વિકાસ કરવો.
(૨) હિંમત, સાહસ, ભ્રાતૃભાવના, શિસ્ત, નેતૃત્વ, બિનસાંપ્રદાયિક દૃષ્ટિકોણ કેળવવા માટે આ તાલીમ અત્યંત આવશ્યક છે. સાચા રમતવીર બનવા, સાહસવીર બનવા, સ્વાશ્રયની ભાવના કેળવવા અને રાષ્ટ્રને ઉપયોગી થાય તેવા નાગરિક બનવાનું શિક્ષણ પણ આ તાલીમથી મળી રહે છે.
(૩) માનવ સંસાધનનો વિકાસ ક૨વા સુવ્યવસ્થિત તાલીમ અને કાર્યનિષ્ઠાની ભાવનાવાળા યુવાનો આ તાલીમથી મળી રહે છે. આ યુવાનો જીવનના દરેક ક્ષેત્રમાં નેતૃત્વ લઈ શકે તેવી શક્તિવાળા બને છે, એટલું જ નહિ પણ કેટલાય યુવાનો ભારતના લશ્કરમાં જોડાઈને રાષ્ટ્રસેવા બજાવે છે.
એન. સી. સી.ની તાલીમ દ્વારા શારીરિક – માનસિક સ્વસ્થતા અને મક્કમતા, વ્યક્તિત્વનો વિકાસ, સહકાર, આત્મવિશ્વાસ, સ્વાવલંબન જેવા ઉદ્દાત્ત ગુણોનો વિકાસ થાય છે. તદુપરાંત દેશના વિવિધ પ્રાંતોના રીતિરિવાજ, સભ્યતા, સંસ્કૃતિનો પરિચય પણ એમને મળી રહે છે અને ભાવાત્મક એકતાની વૃદ્ધિ થાય છે. પર્વતારોહણ, ગ્લાઈડીંગ, ટ્રૅકીંગ જેવાં સાહસભર્યાં કાર્યો કરવાનો અવસ૨ પણ યુવાનોને મળી રહે છે. Youth Exchange Programme માં પસંદગી પામેલા યુવાનો વિદેશની સફરે પણ જઈ શકે છે. આર્મી, નૅવી અને ઍરફોર્સમાં જોડાવા માગતા યુવાનો માટે એક બારી પણ આ તાલીમ ખુલ્લી કરી આપે છે. વારંવાર યોજાતા N.C.C. ના કૅમ્પ સહજીવનનું એક મોટું ભાથું પૂરું પાડે છે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે N.C.C.ના પસંદગી પામેલા શ્રેષ્ઠ કેડેટને દિલ્હીમાં જવાનો અને સલામી આપવાનો અવસર મળે છે.
આમ N.C.C.માં જોડાઈને વિદ્યાર્થીઓ જીવન જીવવા જરૂરી આ ચાર ગુણસૂત્રો જીવનમાં ઊતારી શકે છે.
૧ હસતાં મુખે આજ્ઞાપાલન કરો.
૨ નિયમિત બનો.
૩ ભય અને નિષ્ફળતાને દૂર રાખીને સખત પુરુષાર્થ કરો.
૪ કોઈ પણ પરિસ્થિતિ માટે બહાનાં ન કાઢો અને અસત્ય ન બોલો.
રાષ્ટ્રીય સેવા યોજના N.S.S. અને યુવાનો:
વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવી, સમાજના વાસ્તવિક પ્રશ્નો અને પરિસ્થિતિઓથી સભાન બનાવવા, વિદ્યાર્થીઓ પોતાના અવકાશનો સમય રાષ્ટ્ર અને સમાજ સેવામાં અર્પે તે રીતે સુસંકલિત અને સુઆયોજિત પ્રવૃત્તિઓ યોજીને યુવાનોને આવાં સુકાર્યો માટે એન. એસ. એસ. સારી તકો પૂરી પાડે છે.
વિદ્યાર્થીઓનાં જ્ઞાન, શક્તિ અને આવડતનો ઉપયોગ કરીને તેમનામાં સમાજસેવા, પરિશ્રમ અને જવાબદારીની ભાવના કેળવવા આ પ્રવૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તંદુરસ્ત સમાજ જીવન માટે વિદ્યાર્થીઓમાં નૈતિક હિંમત, નિયમિતતા, પ્રામાણિકતા જેવા ગુણોનો વિકાસ કરે છે અને રાષ્ટ્રને જવાબદાર બને એવા નાગરિકનું ઘડતર કાર્ય પણ આ પ્રવૃત્તિ દ્વારા થાય છે. આ પ્રવૃત્તિ યુવાશક્તિનો રચનાત્મક માર્ગે ઉપયોગ કરીને યુવાનોને યોગ્ય માર્ગે વાળે છે. ગ્રામનિર્માણ, ગ્રામોદ્ધારનાં કાર્યો પણ કરે છે. જાહેર આરોગ્ય, બાળ આરોગ્ય, રોગ નિદાન જેવાં કાર્યોમાં યુવાનોને રસ લેતા કરે છે. પ્રૌઢ શિક્ષણ, સ્ત્રી શિક્ષણ, વૃક્ષારોપણ જેવાં સુકાર્યોમાં યુવાનોને યોજે છે. રસ્તાઓ રીપેર કરવા, ઉકરડાની સફાઈ, ગ્રામ સફાઈ, કુટુંબ કલ્યાણ, વસ્તી શિક્ષણનું કાર્ય, આદિવાસી અને પછાત વિસ્તારમાં શિબિર, પરિસંવાદ, ગોષ્ઠિનું આયોજન કરીને આજના યુવાનોને ‘સર્વજન હિતાય – સર્વજન સુખાય’ કાર્ય કરતા કરે છે અને એવું જીવન જીવતાં શીખવે છે. શોષ ખાડા, નિર્ધૂમ ચૂલા, જાહે૨ મૂતરડી, નાના બસ સ્ટેન્ડનું બાંધકામ, ઢોરોના પાણીના હવાડા તૈયા૨ ક૨વા અને સાફ કરવાનું કાર્ય પણ આ પ્રવૃત્તિ દ્વારા થાય છે. ખેત, ધીરાણની માહિતી, નશાબંધી, પશુચિકિત્સા માટેના કેમ્પોનું આયોજન, વ્યસન મુક્તિ જેવી ઉમદા પ્રવૃત્તિઓ પણ આ યોજના દ્વારા યુવાનો હાથ ધરે છે અને રાષ્ટ્ર તથા રાજ્યના સર્વાંગી વિકાસમાં પોતાનો નાનો પણ અત્યંત મહત્ત્વનો ફાળો આપે છે. એટલું જ નહિ પણ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના આદર્શ “શિવ ભાવે જીવ સેવા કે જન સેવા”ને જીવનમાં ઉતારવાનો આજના યુવાનો પ્રયાસ કરે છે.
નહેરું યુવક કેન્દ્ર:
૧૯૭૨ની ૧૪મી નવેમ્બરથી શાળા મહાશાળા સિવાયનાં યુવા ભાઈ બહેનો માટે આવાં કેન્દ્રોની શરૂઆત થઈ. આવા યુવાનો સ્વ-અભિવ્યક્તિ કરી શકે, આત્મવિકાસ સાધે, આપણી સાંસ્કૃતિક બાબતોથી સુપરિચિત થાય, સમાજજીવન જીવવા તાલીમ મેળવે અને કાર્યશીલ બને, સામાજિક અને નાગરિકતાની ભાવના વિકસાવવા સક્ષમ બને, ભ્રાતૃભાવના અને સ્વદેશપ્રેમની ભાવના કેળવે, સાંસ્કૃતિક પરંપરાઓ અને સંસ્કાર માટે દૃષ્ટિ કેળવે, સાથે સંસ્કારી માનવ બને, રાષ્ટ્ર અને સમાજના વિકાસની યોજનામાં પોતાનો હાથ લંબાવે તેવા ઉદાત્ત હેતુથી આ યોજનાનો ભારતભરના યુવાનો માટે પ્રારંભ થયો. ગ્રામ્ય શહે૨ના શાળા-કૉલેજ સાથે ન જોડાયેલા યુવાનોના સાર્વત્રિક વિકાસના કાર્યક્રમો યોજવા એ કેન્દ્રનો મુખ્ય હેતુ છે. આવાં કેન્દ્રો ઉપર્યુક્ત પ્રવૃત્તિઓ ઉપરાંત ટ્રેકીંગ, હાઈકીંગ, માઉન્ટેનિયરીંગ, દરિયાકિનારાના પ્રદેશોનાં યાત્રા પ્રવાસ જેવી સાહસિક પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે અને યુવા ભાઈ-બહેનોની સાહસવૃત્તિને સંતોષે છે. યુવા-નેતા તાલીમ, કાર્યશિબિર, યુવક મંડળ, મહિલા મંડળ, રમત-ગમત, રાષ્ટ્રીય યુવાદિન – યુવા સપ્તાહ, વ્યાવસાયિક તાલીમ, જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા આજના યુવાનોને રચનાત્મક કાર્યો તરફ વાળવામાં આવે છે.
NSVS – રાષ્ટ્ર અને સમાજસેવા માટે સેવાભાવી કાર્યકર યોજના:
આ ઉપરાંત ૧૯૭૭-૭૮ના વર્ષથી અમલમાં આવેલી નૅશનલ સર્વિસ વૉલન્ટરીઅર્સ સ્કીમ – NSVS – પણ યુવા સેવાનું અને યુવા કાર્યક્રમનું મહત્ત્વનું આયોજન કરે છે. આ યોજના પ્રથમ વખત ડિગ્રી ધારણ કરતા વિદ્યાર્થીઓ તેમ જ અનુસૂચિત જાતિ અને જનજાતિના ધો. ૧૨માં સફળ થનાર વિદ્યાર્થીઓ માટે છે. રાષ્ટ્ર ઘડતરના કાર્યમાં પૂર્ણ સમય આપીને કાર્ય અને સેવા કરવાં એ તેમનો ઉદ્દેશ છે. સમાજ અને વાસ્તવિક જીવનની સમસ્યાઓને ઓળખીને આ યુવાનો પોતાનાં જ્ઞાન અને કૌશલ્યના આધારે આ સમસ્યાઓનું નિરાકરણ કરે છે. સામાજિક પરિવર્તન, સમાજના આર્થિક – સામાજિક પાસાંઓનું પરિવર્તન, ગરીબી અને નિરક્ષરતા સામેની ઝૂંબેશ, સમાજનાં અનિષ્ટો, ગ્રામ્ય વિસ્તારનાં દરિદ્રજનોની સેવા અને ગંદી વસ્તીના વિસ્તારમાં રહેતા લોકોની સેવા, પૂર્ણ સમયની સેવા તે એમનો મુખ્ય હેતુ છે.
આવી અનેકવિધ પ્રવૃત્તિઓ કેન્દ્ર સરકાર તેમજ રાજ્યસરકાર દ્વારા ચાલે છે. કેટલાક સેવાભાવી મહાજનો, સેવાભાવી મંડળો દ્વારા પણ યુવાનોને રચનાત્મક માર્ગે વાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગ્રામ્યવિસ્તારમાં ચાલતા કેટલાંક યુવા મંડળો, ભજન – મંડળો અને સેવા સમિતિઓ જે રીતે કામ કરે છે તે જોઈને આપણને એમ લાગ્યા વગર રહેતું નથી કે “પુણ્ય સલિલા સત્કાર્યગંગાના નીર હજુ ડૂકી ગયાં નથી એ દૃષ્ટ અદૃષ્ટ રૂપે સતત વહેતાં રહે છે.’’ અને એટલે જ પશ્ચિમી સંસ્કૃતિના અંધાધૂંધ આક્રમણ છતાંય આપણો દેશ, આપણી પ્રજા અને આપણા આજના યુવાનો ભારતવર્ષની ઉદાત્ત પરંપરાઓને જીવાડવાનો પ્રયત્ન કરે છે. અંતે આત્મશ્રદ્ધાને જગાડે તેવા આજના યુવાનો સમક્ષ સ્વામીજીનો આ સંદેશ રાખવાનો વિચાર થઈ આવે છે:
“હિંમતવાન બનો. સૌથી પહેલી વાત તો એ છે કે મારાં બાળકોએ સાહસિક બનવું. કોઈ પણ કારણસર સત્યનો ત્યાગ કરો નહિ. ચોતરફ ઉત્તમોત્તમ સત્યનો ત્યાગ કરો નહિ. તમારું માન જશે અથવા વિકટ અથડામણો ઊભી થશે તેની બીક રાખો નહિ. સત્યનો ત્યાગ કરાવે એવાં પ્રલોભનોનો સામનો કરી, જો તમે સત્યની સેવા કરશો, તો ખાતરી રાખજો કે, તમારામાં એવું દિવ્ય બળ આવશે કે તેની સમક્ષ માણસો અસત્ય ઉચ્ચારતાં કંપી ઊઠશે. જો તમે જરા પણ ડગ્યા વિના ચૌદ વર્ષો સુધી એકધારા સત્યપરાયણ રહી શકો, તો તમે જે કહેશો તે બધું લોકો ખાતરીપૂર્વક માનશે જ.”
સંદર્ભ:
1 Article on National Development Through Youth Programmes by Dr. D. S. Tiwari.
2 Article on Introduction To The National Cadet Corps by Shri V. K. Matta, N.C.C. Officer
૩ યુવાનોને: સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




