(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલા છે. દીર્ઘ સમયથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં મૌલિક તથા અનુવાદિત લેખો લખી રહ્યા છે. – સં.)
ઓમ સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા:
ઓમ સર્વે સુખી થાઓ, સર્વે સ્વસ્થ રહો… આ પ્રાર્થના યોગાભ્યાસ કરતા બધા જ સાધકો સમુહમાં કરે છે. સનાતન કાળથી ઋષિઓ-સાધકો આ પ્રાર્થના કરતા આવ્યા છે. “વસુધૈવ કુટુંબકમ્”ની ભાવના ઉપનિષદ કાળથી અનેક ગ્રંથોમાં ગ્રંથકારોએ રજૂ કરેલી છે, જે આપણી સંસ્કૃતિનું મૂળ, સંસ્કાર અને વિચારધારા છે. પતંજલિ યોગસૂત્ર, જેને ‘રાજયોગ’ તરીકે ઓળખવામાં આવે છે, ભારતીય તત્ત્વજ્ઞાનને વિજ્ઞાનની પરિભાષામાં રજૂ કરે છે. યોગસૂત્રોમાં ઠેકાણે ઠેકાણે આ પ્રાર્થના જુદી જુદી રીતે વ્યક્ત થાય છે.
પ્રસ્તાવના:
યોગ ભારતીય પ્રાચીન પરંપરાની જગતને મળેલી અમૂલ્ય ભેટ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વર્ષ ૨૦૧૪માં ૨૧ જૂનના રોજ ‘યોગદિવસ’ ઉજવવાની જાહેરાત થઈ. ત્યારથી દર વર્ષે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહ, ઉમંગથી થાય છે. જાહેરમાં—સમૂહમાં યોગાભ્યાસ-યોગાસનોનું આયોજન થાય છે. ભારત દ્વારા ૨૧મી જૂન સૂચવવામાં આવી હોવાનું કારણ એ છે કે ઉત્તર ગોળાર્ધમાં તે વર્ષનો લાંબામાં લાંબો દિવસ છે.
યોગનો અર્થ:
યોગ શબ્દ ‘યુજ’ ધાતુ પરથી બનેલો છે, તેનો અર્થ છે જોડવું, મેળાપ. પરમતત્ત્વ સાથે આપણને જે મેળવી આપે તે યોગ. જીવાત્માનું પરમાત્મા સાથે સંધાન—જોડાણ એટલે યોગ, પરમ ચેતના સાથે જોડાણ એટલે યોગ.
યોગનો ઇતિહાસ:
યોગનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. ઇતિહાસકારો ઋગવેદને સૌથી પ્રાચીન ગ્રંથ માને છે. યોગપ્રણાલીના મહાન આચાર્ય પતંજલિએ યોગાભ્યાસને પાતંજલ યોગસૂત્ર નામના ગ્રંથમાં સૂત્રબદ્ધ કર્યા, ત્યારથી પરંપરાગત ઋષિઓ, આચાર્યો, યોગચાર્યો, સંન્યાસીઓ ઉચ્ચકક્ષાના સાધકો તેમજ ગૃહસ્થોએ યોગની સાધના અને અભ્યાસ દ્વારા તેને જીવવાના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી અને અનિવાર્ય માન્યો છે.
રોજિંદા જીવનમાં યોગનું મહત્ત્વ:
આધુનિક જીવનશૈલી અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. ટી.વી., કોમ્પ્યૂટર, તેમજ મોબાઇલે અને હવે AIનો અંદર સમાવેશ થયો છે, માનવ સભ્યતાનો કબજો લઈ લીધો છે. સૈકાઓથી ચાલતા જીવનપ્રવાહને આ શોધખોળોએ જબરદસ્ત વળાંક આપ્યો છે. તેના વગર જીવન કલ્પી શકાતું નથી. સમગ્ર વિશ્વ તેના સપાટામાં આવી ગયું છે. આ સંજોગોમાં યોગનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. વ્યક્તિ રોજિંદા જીવનમાં સ્પર્ધા, નિષ્ફળતા, હતાશા-નિરાશા, ચિંતાગ્રસ્ત થઈને માનસિક તણાવનો ભોગ બન્યો છે. આ સંજોગોમાં યોગાભ્યાસનો નિયમિત અભ્યાસ હતાશા-નિરાશાને દૂર કરે છે, વ્યક્તિના જીવનમાં ઉત્સાહ-ઉમંગ વધારે છે, હકારાત્મક સર્જનાત્મકતાનો સંચાર મળે છે, અને ગુમાવેલી ઊર્જા પ્રાપ્ત કરે છે.
યોગના વિવિધ માર્ગો:
દર્શનશાસ્ત્રમાં યોગની મુખ્ય શાખાઓમાં રાજયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, કર્મયોગ અને હઠયોગનો સમાવેશ કરવામાં આવે છે. પ્રત્યેક યોગનું અંતિમ લક્ષ્ય—પરમધ્યેય પરમાત્માની પ્રાપ્તિ છે.
રાજયોગ:
મહર્ષિ પતંજલિએ પાતંજલ યોગસૂત્રમાં દર્શાવ્યા મુજબ આઠ સોપાનો દ્વારા સમાધિ પ્રાપ્ત થાય છે—પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ આઠ સોપાનો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ ક્રમશ: પાર કરતાં કરતાં અંતિમ લક્ષ્ય સાંપડે છે. એકાગ્રતા, ધ્યાન અને પ્રાણાયામ તેના મુખ્ય વિષયો છે.
ભક્તિયોગ:
પરમાત્મા પ્રત્યે અનન્ય પ્રેમ, પ્રાર્થના અને ભક્તિ દ્વારા અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ એ ભક્તિયોગ છે. શરણાગતિ, નિર્ભયતા અને આતુરતા તેના મુખ્ય વિષયો છે.
જ્ઞાનયોગ:
પોતાના સ્વરૂપનું ચિંતન, બ્રહ્મનું ચિંતન, નિત્ય-અનિત્યના અભ્યાસ દ્વારા અંતિમ લક્ષ્યે પહોંચવું એ જ્ઞાનયોગ. શરીર અને આત્માનો ભેદ, માયાના પ્રપંચનો અભ્યાસ, ચિંતન-ધ્યાન એ તેના મુખ્ય વિષયો છે.
કર્મયોગ:
ભગવદ્ ગીતામાં દર્શાવેલ પ્રમાણે નિષ્કામભાવે કરેલું કર્મ પૂજામાં પરિણત થાય છે, તેમ કરતાં કરતાં અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. અન્યને માટે કરેલું કાર્ય, ફળની આશા વગર કરેલું કર્મ, કર્મને ખાતર કરેલું કર્મ—એ તેના મુખ્ય વિષયો છે.
હઠયોગ:
યોગશાસ્ત્રના આ વિભાગમાં વિવિધ સાધનો દ્વારા શારીરિક વિકાસ સાધવો, નિરોગી રહેવું, શરીરને વજ્ર જેવું મજબૂત કરવું. શરીરની મદદથી મન પર કાબૂ મેળવવો અને અંતિમ લક્ષ્ય પાર પાડવું. શરીર તેનો મુખ્ય વિષય છે.
યોગ વિશે ગેરસમજણો:
યોગ વિશે કેટલીક ગેરસમજણો પણ પ્રચલિત છે, જે બિનપાયાદાર છે અને ગેરમાર્ગે દોરે છે. આ ગેરમાન્યતાઓ વ્યક્તિને, સમાજને ‘બહુજન હિતાય, બહુજન સુખાય’થી દૂર રાખે છે. કેટલીક ગેરસમજણો આ પ્રમાણે છે.
યોગ સામાન્ય લોકો માટે નથી…
યોગ એટલે એક પ્રકારની કસરત.
યોગ અલૌકિક વિષય છે.
યોગ ધાર્મિક વિધિ-વિધાન—અનુષ્ઠાન છે.
યોગ એટલે માત્ર યોગાસનો, પ્રાણાયામ, ષટ્કર્મો, ચિકિત્સાપદ્ધતિ વગેરે. આ ઉપરાંત પણ ઘણી બધી ગેરસમજણો સમાજમાં પ્રચલિત છે, જેના લીધે વ્યક્તિ અને સમાજને માત્ર નુકસાન થાય છે, યોગથી મળતા લાભોથી તે વંચિત રહે છે.
યોગને એક સંપૂર્ણ જીવનશૈલીની જેમ અપનાવવાથી જીવન ઉચ્ચકોટિનું બને છે અને અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરવા સક્ષમ બને છે. રોજબરોજના જીવનમાં પણ તે અત્યંત ઉપયોગી નીવડે છે. જેમ કે,
યોગ એ માનસિક, શારીરિક, આધ્યાત્મિક અભ્યાસ છે, જે આપણાં શરીર અને મનને સ્વસ્થ રાખે છે.
યોગ આત્માને પરમાત્મા સાથે જોડે છે.
નિયમિત યોગાસનો કરવાથી શરીર સ્ફૂર્તિલું અને સ્વસ્થ રહે છે. યોગ આપણને આધ્યાત્મિક, નૈતિક, બૌદ્ધિક, ભાવનાત્મક રીતે સંપૂર્ણ સ્વાસ્થ્ય બક્ષે છે અને ઉચ્ચજીવન જીવવા પ્રેરકબળ બને છે.
ઉપસંહાર:
યોગના અભ્યાસથી દરેક વ્યક્તિ આંતરિક શાંતિ, સંતોષ, જીવનમાં પરિપૂર્ણતા અનુભવે છે. તેનાથી વ્યક્તિગત તેમજ વૈશ્વિક સ્વાસ્થ્યમાં સકારાત્મક સુખાકારી મળે છે. સ્વામી વિવેકાનંદે દર્શાવેલ ચારેય યોગોનો સમન્વય વ્યક્તિગત ચેતનાને સાર્વત્રિક ચેતના સાથે જોડવામાં ખૂબ જ સુસંગત છે. સદીઓથી “સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા:” અને “વસુધૈવ કુટુંબકમ્”ની વિભાવના ભારતીય સંસ્કૃતિનો—તત્ત્વચિંતનનો ભાગ છે. તેને યોગના અભ્યાસથી ચરિતાર્થ કરીએ અને તેમાં પરમતત્ત્વ આપણને સૌને સહાય કરે એ જ પ્રાર્થના.
Your Content Goes Here





