યોગાભ્યાસ પહેલાંનાં થોડાં સૂચનો : વાલી અને શિક્ષકો કાળજીપૂર્વક અભ્યાસ કરે અને પછી પોતાનાં સંતાનોને સહાયભૂત થાય. યોગશિક્ષકનું માર્ગદર્શન મેળવવું. એકથી ચાર ધોરણનાં બાળકો યોગાસનો શીખી લીધા પછી એકલાં ન કરે પણ વાલી કે શિક્ષકની હાજરીમાં કરે. અહીં એકથી દસ ધોરણનો અભ્યાસક્રમ છે. વય વધે તેમ યોગાભ્યાસમાં પ્રગતિ અને પરિવર્તન આવશે. આ એક સર્વાંગી જીવનશિક્ષણ છે. માસિકધર્મ વખતે બાળાઓએ યોગાભ્યાસ કરવો કે નહીં તે તેના પર આધારિત છે. કષ્ટ વિના સરળતાથી થઈ શકે તો ચાલુ રાખી શકે. યોગાભ્યાસ વખતે પુરુષ બાળકનું ગુપ્તાંગ બે પગ વચ્ચે કે પગ અને જમીન વચ્ચે દબાય નહીં એ જોવું. આટલાં સંક્ષિપ્ત સૂચનો પછી આપણે ધોરણ ૧, ઉંમર વર્ષ ૬નાં બાળકો માટે એક પછી એક ક્રમશ : દર મહિને એક આસન શીખીશું. વાલી અને શિક્ષકો એમાં બરાબર રસ લે એ હિતાવહ છે.
આસન – ૧. બાલ ધ્રુવાસન : આ આસન પ્રમાણમાં ઘણું સરળ છે.
પાથરેલ આસન પર સીધા ઊભા રહો. બન્ને પગ ભેગા અને બન્ને હાથ બાજુમાં રાખો.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જમણા પગને
ઢીંચણથી વાળો, બન્ને હાથથી જમણા પગને પકડીને તેને સાથળના સાંધા પાસે ગોઠવો. જમણા પગની એડી પેડુ પાસે ગોઠવો અને ફણો ડાબા સાથળના સાંધા પાસે ગોઠવો. જમણા પગનું તળિયું ઉપરની દિશામાં રહે તેમ ગોઠવો.
* બન્ને હાથ કોણીથી વાળીને કમર પર ગોઠવો.
* સામે નજર રાખો, સ્થિર ઊભા રહો.
* થોડી વાર આ અવસ્થામાં રહો. પછી હાથની મદદ લઈને વિપરીત ક્રમે પાછા આવો.
* થોડો વિશ્રામ લઈને પછી તે જ પદ્ધતિથી ડાબો પગ વાળીને જમણી બાજુ આવું આસન ધારણ કરો.
* બન્ને બાજુએ બેથી ત્રણ વાર અભ્યાસ કરો.
Your Content Goes Here





