પ્રવર્તમાન જગતમાં ‘યોગ’નો છીછરો જો કોઈ અર્થ હોય તો તે આ છે કે માનવી થોડાં આસનો કરે, પ્રાણાયામ કરે અને એમાં એની કુંડલિની જાગૃત કરી જગત ઉપર સત્તા મેળવે. એ ઇચ્છે એનો રોગ મટી જાય, એ ઇચ્છે એને રોગ થાય. સચરાસર સૃષ્ટિને અંકુશમાં રાખવાની સત્તા આવી જાય એનું નામ ‘યોગ’.

પરંતુ યોગની આ વ્યાખ્યા ગીતાના યોગની વ્યાખ્યા કરતાં તદ્દન ઊલટી છે. ગીતાનો યોગ સત્તા અપાવે છે, પોતાની ઉપર, સચરાચર સૃષ્ટિ ઉપર નહિ! મનુષ્ય પોતે મનુષ્યરૂપ રહી શકતો નથી. ઘડીમાં એ ગુસ્સારૂપ બને છે, બીજી ઘડીએ એ અસત્યરૂપ બને છે, ત્રીજી ઘડીએ એ કામરૂપ બને છે. કામ, ક્રોધ, લોભ, મોહ એ બધી વૃત્તિઓ માનવીને તેમના તરફ ખેંચી, માણસનું પોતાનું ખોવડાવે છે. એ વૃત્તિઓને દૂર કરી માનવી મનુષ્ય બને એનું નામ છે ‘યોગ’.

સંસ્કૃતમાં એક શબ્દ છે, યુજ્. યુજ્ એટલે જોડવું. યુક્ત એટલે જોડાયેલું. યોગ એટલે જે ક્રિયા દ્વારા માનવીનું મન ઈશ્વર સાથે યુક્ત થઈ શકે તે. આ વ્યાખ્યાના શબ્દે શબ્દની ચર્ચા થઈ છે. ઈશ્વર એટલે કોણ? ઈશ્વરની સાથે જોડાવું એટલે શું? આનો જવાબ ગીતાએ આપ્યો છે, ‘અમે તને જ ઈશ્વર કહીએ છીએ અને જે ક્રિયા દ્વારા તારું મન તારી સાથે જોડાઈ શકે, તે ક્રિયાનું નામ યોગ.’

ગીતામાં ‘યોગ’ શબ્દવાળાં થોડાં વાક્યો છે. योगः कर्मसु कौशलम् । समत्वं योगम् उच्यते । વગેરે. યોગ: કર્મસુ કૌશલ – એટલે કર્મમાં કુશળતા, કૌશલ્ય એ જ યોગ છે. પણ કર્મમાં કેવા પ્રકારનું કૌશલ્ય? કર્મ કરવા છતાં, જીવનમાં સહુની સાથે પ્રવૃત્તિમય રહેવા છતાં એવી કુશળતા રાખો કે પ્રવૃત્તિ આપણને ખાઈ જાય નહિ. સમત્વ યોગં ઉચ્ચતે – એટલે સમભાવ તે યોગ કહેવાય. આપણામાં સમત્વ, સમભાવ છે? જીવનમાં આપણે રોજ રોજ નવા નવા અનુભવો કરતા હોઈએ છીએ. છતાં, આપણું મન એક જ તરફનો વિચાર કરતું હોય છે. હકીકતમાં આપણે વસ્તુને વસ્તુલક્ષી ધર્મે તપાસતા નથી. આપણને વસ્તુ ગમે એટલે એ સ્વીકાર્ય બને છે. એનાથી ફાયદો થાય નહિ એવું લાગે તો એ અસ્વીકાર્ય બને છે.

આપણે જાણીએ છીએ કે, કામવૃત્તિ અતિ દુષ્કર છે. એ વૃત્તિ એવી છે કે બધું ભાન ભુલાવી દે છે. આપણે જરા દશરથનો દાખલો લઈએ. રાજા દશરથને દેવતાઓ અને ઇન્દ્ર પણ શત્રુ સામે લડવા આમંત્રણ આપે છે. જેનાથી બધા કંપે છે. એ રાજા દશરથ પોતાની રાણી કૈકેયીથી કંપે છે, એ ધ્રૂજે છે. કારણ, કૈકેયી એની કામવૃત્તિનું પ્રતીક છે. એ જો ગુસ્સે થાય તો એની કામવૃત્તિનો સંતોષ ન થાય. આવો મહાન રાજા એક નાનકડી છોકરી પાસે ગુલામ થઈ જાય છે. કૈકેયી કહે છે, ‘ભરતને રાજગાદી આપો, રામને વનવાસ આપો.’ દશરથને રામ પર અનન્ય પ્રીતિ છે અને કૈકેયી પર પણ પ્રીતિ છે. જો કે એ પ્રીતિ રામ પર છે એવી તો નથી જ. પરંતુ કૈકેયી એની જે કામવૃત્તિને પોષે છે તેના પર પ્રીતિ છે-કામવૃત્તિ પર પ્રીતિ છે. એટલે જ એ કૈકેયી સામે નથી બોલી શકતો. એ રુએ છે, કલ્પાંત કરે છે. કામ કેટલો ભયંકર છે એ આના પરથી સમજાય છે.

દશરથની વાત કરવી સહેલી છે પણ આપણે પોતે જ દશરથ છીએ અને આપણા રામને દગો દઈએ છીએ. કામથી જ્યારે મનુષ્ય મુગ્ધ બને છે ત્યારે એ યોગસ્થ નથી રહી શકતો.

કર્મ કરવા છતાં એવી કુશળતા રાખવી કે પ્રવૃત્તિ આપણને ખાઈ જાય નહિ પરંતુ પ્રવૃત્તિને કેળવવી એ અતિ મુશ્કેલ વસ્તુ છે.

જ્યારે અર્જુન કહે છે કે, ‘હે કૃષ્ણ! મારું મન સ્થિર નથી રહેતું’, ત્યારે કૃષ્ણ કહે છે: ‘હે પાર્થ, હું માનું છું કે તારી આ વાત તદ્દન સાચી છે. કારણ કે મારો પણ એ જ અનુભવ છે છતાં પણ તેને તું સ્થિર રાખ!’ તો એ કેવી રીતે બને? અહીં ગીતા રસ્તો બતાવે છે કે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते (૬-૩૫) અભ્યાસથી અને વૈરાગ્યથી મનને સ્થિર રાખવાનું છે.

અભ્યાસ એટલે શું? વૈરાગ્ય એટલે શું? અભ્યાસ अभि + आस्. अभि = તરફ. आस् એટલે આસન. કોઈ વસ્તુ તરફ બેસવું એનું નામ અભ્યાસ. મારે ઈશ્વરની ભક્તિ કેળવવી છે તો ઈશ્વર તરફ ધ્યાન ધરી બેસવું એ ‘અભ્યાસ’. જે વસ્તુની સામે બેસીએ તે સિવાયની બીજી બધી વસ્તુઓને પીઠ દઈ દઈએ એનું નામ ‘વૈરાગ્ય’. આમ, અભ્યાસ અને વૈરાગ્ય એક જ વસ્તુનાં બે નામ છે.

આવો અભ્યાસ કેવી રીતે કેળવાય? સત્સંગથી. સત્સંગમાં એકબીજાને હોંશ આપે છે, પ્રોત્સાહન આપે છે, હું મારા અનુભવો તમને કહું, તમે તમારા અનુભવો કહો અને સાથે બેસીને પ્રયત્ન કરીએ એ સત્સંગ. આવા સત્સંગને તુલસીદાસજીએ સુંદર રીતે વર્ણવ્યો છે: ‘બિન સતસંગ બિબેક ન હોઈ, રામકૃપા બિનુ સુલભ ન સો હી.’ પરંતુ આવો સત્સંગ રામની કૃપા વગર, રામ એટલે કે સચ્ચિદાનંદ જે તમારામાં છે, મારામાં છે, સર્વમાં છે, તેની કૃપા વગર મળતો નથી. આવા સત્સંગનો મુખ્ય હેતુ શો છે? અભ્યાસ અને વૈરાગ્ય, અને અભ્યાસ તથા વૈરાગ્ય શા માટે? યોગ માટે.

સમન્વં યોગં ઉચ્યતે – સમભાવ, સમતા એ કેટલી મુશ્કેલ છે? મને ફૂલ ગમે છે પરંતુ એની સાથેના કાંટા લાગે છે કે ચીસ પાડી ઊઠું છું. મોટા મોટા યોગીઓ પણ ચીસ પાડી ઊઠે છે. ભગવાન ઈસુની વાત કરીએ. એ ઘણા મોટા યોગી હતા. એમને જ્યારે, ક્રૂસ પર જોડવા માટે લઈ જાય છે ત્યારે સમભાવ હોવાથી કંઈ બોલતા નથી. એમના પર કોરડા વિંઝાયા, લોકો એમના પર થૂંક્યા, અને કાંટાનો તાજ પહેરાવ્યો, એમની પાસે ક્રૂસ ઉપડાવ્યો. આટઆટલા અત્યાચારો કરતાં પણ વધારે એમની ક્રૂર મશ્કરી કરી કે ‘તું તારી જાતને ભગવાનનો પુત્ર કહેવડાવે છે તો હવે તું કાંઈ કર ને!’ ઈસુ કશું જ બોલતા નથી. પરંતુ જ્યારે તેમને ક્રૂસ પર ખીલા વડે જડ્યા ત્યારે ઘડીભર એમના હૃદયમાં વિષાદ આવી ગયો. ‘ભગવાન! તેં મને સાવ છોડી દીધો!’ આ શબ્દો છે ક્રૂસ પર ચડેલા માણસના. મારાં એવાં ક્યાં પાપ છે કે દુનિયા જોઈ શકે એમ મને છોડી દીધો? પણ બીજી જ ક્ષણે એને થયું કે, મારાથી આવી નિર્બળતા ન લવાય. આવી નિર્બળતા મને શોભે નહિ. ભગવાને મને છોડ્યો નથી, પરંતુ ગ્રહણ કર્યો છે.

મહાયોગીઓને પણ એક ક્ષણ તો લાગી આવે, તો સાધકોને તો વારંવાર લાગી આવે. આ માટે ભગવાને કહ્યું, ‘અર્જુન, મન અતિ ચલાયમાન છે છતાં અભ્યાસ અને વૈરાગ્ય વડે એને પકડવું પડશે, કબજે કરવું પડશે અને આવી રીતે કબજે કરેલા મનને જ્યાં જોડવું હશે ત્યાં જોડી શકાશે. આટલું સમજાવીને કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે तमेव शरणं गच्छ सर्वभावेन भारत (૧૮-૬૧) ‘હે અર્જુન, ઈશ્વર તારા હૃદયમાં રહેલો છે, हृद्देशेडर्जुन तिष्ठति – તેને શરણે સંપૂર્ણરૂપે તું જા. તું અને એ એક બનો.’

મહાભારતમાં પણ સૌથી મોટો પ્રસંગ આવો જ છે. ઉપપ્લવ્યમાં પાંડવોની છાવણી છે. ત્યાં ધૃતરાષ્ટ્ર સંજયને મોકલે છે. “સંજય, તારી પાસે જે દૃષ્ટિ છે એ વડે તું ત્યાં જઈને તપાસ કરી લાવ કે ફત્તેહ કોની થશે?”

સંજય ત્યાં ગયો અને પાછો આવ્યો. ત્યાં જોયું તે સઘળું વર્ણન કરીને પછી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ સર્વની મને એટલી અસર ન પડી જેટલી એક દૃશ્ય જોઈને થઈ. એને કારણે હું કહી શકું છું, હે મહારાજ ધૃતરાષ્ટ્ર! કે તમારો પરાજય અને નાશ નિશ્ચિત છે.”

‘એવું તે શું જોયું?’

“एकासन गतौ कृष्णौ” – સંજયે કહ્યું કે, “મેં બે કૃષ્ણને-કૃષ્ણ અને અર્જુનને એક આસન પર જોયા. જ્યાં બે કૃષ્ણ એક આસન પર છે ત્યાં હંમેશાં તેમની જીત છે, આ મારો નિશ્ચિત મત છે.”

સંજય શું કહેવા માગે છે? આપણામાં પણ બે કૃષ્ણ છે, હું અને મારો ભગવાન એનો યોગ થાય, મારા હૃદયના સિંહાસન પર હું અને મારો ભગવાન સાથે બેઠા હોઈએ, એક આસન પર, તો મારો વિજય નિશ્ચિત છે. ગીતામાં પણ સંજયે આ જ વાત આ રીતે કહી છે :

यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवाः नीतिर्मतिर्मम ॥

(૧૮-૭૮)

બધું તમારામાં છે. આ દેહની અંદર દેહ અને દેહી જ્યાં એક જ છે, એ જ યોગ છે, એ જ જીવન છે.

સંકલનકર્તા : શ્રી અમૃતલાલ યાજ્ઞિક

Total Views: 345

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.