એલેક્ઝાંડરે હિન્દુસ્તાનનાં વનોમાં રહેતાં ઋષિઓ વિષે ઘણું સાંભળ્યું હતું. નાનપણમાં પ્રખર વિદ્યાનિધિ એરિસ્ટોટલે તેને ભણાવ્યો હતો. આથી તેને આવા કોઈક સાધુને મળવાનું મન હતું. એક સંન્યાસી-ડિનના જ્ઞાન વિષે એણે ખૂબ સાંભળ્યું હતું. એટલે પોતના એક સરદારને મોકલ્યો. સરદારે જઈને જોયું તો દંડિન એક ઝાડ નીચે પાંદડાની પથારી કરી કૌપીનભર સૂતો હતો. એણે પ્રણામ કરી કહ્યું : ‘દેવપુત્ર એલેક્ઝાંડરે તમને તેડાવ્યા છે. જો તમે આવશો તો તમને ભારે ભેટ આપશે; પણ જો તમે નહિ આવો તો તમારું માથું ઉડાવી દેશે.’

દંડિને રમૂજભર્યું હસતાં આ સાંભળ્યું ને પાંદડાંની પથારીમાંથી જ સૂતાં સૂતાં કહ્યું : ‘જે વિશ્વેશ્વર સૌનો ધણી છે, ને અન્યાયનો કર્તા નથી, પણ પ્રકાશ ને શાંતિનો સર્જક ને સાધુઓનો સંરક્ષક છે, તે જ મારી પૂજાનો અધિકારી છે, જે યુદ્ધ ઊભાં કરતો નથી ને ખૂનખરાબાને ધિક્કારે છે. એલેક્ઝાંડર દેવ નથી પણ મર્ત્ય જ છે. જો એને એના રાજ્યથી ધરવ ન હોય તો તે ગંગા પાર કરે. ત્યાંના અમારા પ્રદેશના લોકો તેને અટકાવી નહિ શકે તો આગળ મુકાબલો કરનારા મળશે, પણ આટલું સમજી લે. એલેક્ઝાંડર મને જે આપે છે કે આપવાનું કહે છે, તે મારે મન સાવ નિરર્થક છે. જે વસ્તુનો મને ખપ છે. અને જે ખરેખર મારે મનથી મૂલ્યવાન છે; તે તો છે આ વૃક્ષો – જે મને આશરો આપે છે. આ ખીલેલાં ફળફૂલો – જે મને ખોરાક આપે છે, ને આ વહેણો – જે મને પાણી આપે છે. આ સિવાયની બધી સંપત્તિ જે ખૂબ ઉજાગરા કરીને એકઠી કરીએ છીએ, તે તેનો સંઘરો કરનારને દુઃખ અને શોક સિવાય કશું આપતી નથી. ને દુઃખ ને શોક તો દરેક મર્ત્ય પાસે અમસ્તાં પણ પૂરતાં છે. હું તો આ પાંદડાની પથારી પર સૂઉં છું ને અભંગ-શાંત નિદ્રા લઉં છું. જો મારી પાસે સોનું હોત તો આવી ઊંઘ મારી પાસે ફૂંકત પણ ખરી? મા જેમ એના સંતાનને બધું આપે છે, તેમ આ ધરતીમાતા મારી જરૂરિયાતો આપી રહે છે; એલેક્ઝાંડર મારું માથું ઉડાડી દે તો પણ મારા આત્માને મારી શકવાનો નથી, મારું માથું અહીં રહેશે, પણ આત્મા તો ફાટેલ વસ્ત્ર જેવા આ દેહને મૂકી એના માલિક પાસે ચાલ્યો જવાનો. દેહના પાંજરાને મૂકી આત્મરૂપે હું, આ ધરતી પર એને વફાદાર રહ્યો છું કે નહિ તે જોનાર ઈશ્વર પાસે પહોંચી જવાનો. તે જરૂર મારી પાસેથી મારાં કાર્યોનો હિસાબ માંગશે. કારણ કે તે આપણા સઘળા અભિમાનભર્યા અન્યાયોને તોળવા બેઠો છે. ને તે વખતે પીડિતોના ધ્રુસકા તેના પીડકોને સજા અપાવે છે. એટલે એલેક્ઝાંડર તેમને ધમકી આપીને બિવરાવે, કે જેને મૃત્યુની બીક છે, ને જેને સોનું ને સંપત્તિ વહાલાં છે. અમારા જેવાની સામે એ બંને શાસ્ત્રો નકામાં છે. કારણ બ્રાહ્મણોને નથી સોનાનો લોભ કે નથી મોતનો ભય. એટલે જાઓ, એલેક્ઝાંડરને કહો કે દંડિનને તમારી પાસે છે તેમાંની એકે વસ્તુની જરૂર નથી, એટલે આવશે નહિ. પણ તમારે કઈ દંડિન પાસેથી જોઈતું હોય તો ખુશીથી એની પાસે આવો.’

ગ્રીક ઈતિહાસકાર કહે છે : ‘વાતચીતનો આ અહેવાલ સાંભળીને એલેક્ઝાંડરને દંડિનને મળવાની તીવ્ર ઇચ્છા થઈ. વિજેતા એલેક્ઝાંડરે સ્વીકાર્યું કે દંડિન નિર્વસ્ત્ર હતો, પણ એની વિજયયાત્રામાં એનો આ એક જ અણનમ હરીફ મળ્યો હતો.’

શ્રીકૃષ્ણના જીવનને વ્યક્ત કરતો એક સુંદર કિસ્સો વ્યાસે મહાભારતમાં મૂક્યો છે. કુરુક્ષેત્રમાં મૂક્યો છે. કુરુક્ષેત્રના મેદાન પર અઢાર અક્ષૌહિણી સેના ખડી થઈને ઊભી છે. હાથી સામે હાથી, થોડા સામે ઘોડા, રથી સામે રથી, પદાતિ સામે પદાતિ – એમ સૌ થઈને શંખધ્વનિની રાહ જોતા ઊભા છે. એ વખતે શ્રીકૃષ્ણે જોયું તો એમના રથના પૈડા પાસે એક ટિટોડી હાંફળીફાંફળી ઘૂમે છે. એની વ્યાકુળતા જોઈ શ્રીકૃષ્ણે પુછ્યું : ‘તું અહીં કેમ દોડાદોડ કરે છે? અહીં ભયાનક યુદ્ધ મંડાવાનું છે તેની ખબર નથી?’ 

‘મને મોડી ખબર પડી; મારાં બચ્ચાં અને ઈંડા અહીં પડ્યાં છે. તેને હવે કેમ બચાવીશ? એ બધાં આ હાથીના પગ નીચે કચરાઈ જશે. મને રસ્તો સૂઝતો નથી.’

શ્રીકૃષ્ણ કહે : ‘તું હમણાં ઊડી જા. હું સાંજે તારાં ઈંડાં લઈને યુદ્ધભૂમિના છેડા પર આવીશ.’ કહી તેમણે એક હાથીના ગળામાં લટકતો મોટો ઘંટ છોડી પેલાં ઈંડાં પર ઢાંકી દીધો.

યુદ્ધ શરૂ થયું. સાંજ સુધી ઘોર કાપાકાપી ચાલી. સાંજે યુદ્ધ અટક્યું એટલે બધાં કામ થંભાવી શ્રીકૃષ્ણ શબોથી છવાયેલી યુદ્ધભૂમિ પર પેલી ટિટોડીનાં ઈંડાં શોધવા નીકળ્યા. ઈંડાં લઈ મેદાનને છેવાડે ચિંતાથી ફડફડતી પેલી ટિટોડી પાસે જઈને સોંપી દીધાં!

કેવું મર્મસ્પર્શી ચિત્ર છે! હજારો લાખો લોકો કપાવાના છે. ભાઈ ભાઈને કાપવાનો છે, કોણ મરશે ને કોણ જીવશે તેનો હિસાબ નથી. તે વખતે આને એક ક્ષુદ્ર ટિટોડીની ચીસ આ બધાય કરતાં મહત્ત્વની લાગે છે! એક બાજુથી લડવાને માટે અનુત્સુક અર્જુનને કાયર કહી લડવા પિતામહ ગુરુ સીને હણવા આજ્ઞા આપે છે, ને બીજી બાજુ એ જ રણક્ષેત્ર પર એક ક્ષુદ્ર ટિટોડીનાં ઈંડાં ન દબાઈ જાય તેની માતાથીએ વિશેષ સંભાળ લે છે! સકારણ, (ધર્મની રક્ષા ખાતર) સંધિની બધી વિનંતી કર્યા પછી જો સમગ્ર સૃષ્ટિનો સંહાર કરવો પડે તો તેમને થડકાર નથી. કારણ કે, એ તો સ્વેચ્છાપૂર્વક મરવા આવ્યા છે. તે ભલે બધા કપાઈ જતા, – કપાઈ જવા જોઈએ. પણ તેમની પાગલ ને બેવકૂફ અથડામણમાં આ નાની એવી નિર્દોષ ટિટોડીનો સર્વનાશ શા સારું થવો જોઈએ?

આવી સૂક્ષ્મ નિષ્પક્ષ વિચારણાના શ્રીકૃષ્ણ પ્રતિનિધિ છે.

ધર્મ એ ફળના રસની જેમ સમાજનાં એકેએક ઘટકમાં વ્યાપી રહેવો જોઈએ. મહાભારતમાં આ વાતને સ્ફુટ કરતી બે સુંદર આખ્યાયિકાઓ છે. એક છે તુલાધાર-જાજલિ સંવાદ, ને બીજી છે ધર્મવ્યાધકથા. જાજલિ નામનો બ્રાહ્મણ જ્ઞાન લેવા તુલાધાર નામના વૈશ્ય પાસે જાય છે, ને તુલાધાર એને સબુદ્ધિનો ઉપદેશ આપતાં કહે છે : ‘મેં તો આ ત્રાજવાની દાંડી સમ રાખતો રાખતાં સમબુદ્ધિ કેળવી છે. કર્મ ને ધર્મ કોઈ અલગ વસ્તુ નથી. આ વસ્તુ ધર્મવ્યાધની કથામાં એથીયે વિશેષ સ્પષ્ટ કરી છે.

કૌશિક નામનો એક બ્રાહ્મણ યુવક હતો. વૃદ્ધ માબાપનો એકનો એક દીકરો. આંખના રતન જેવી. પણ એને તપ કરવાની બહુ લગની હતી. માબાપ, દુનિયા, બધું માયા છે, એમ સમજી એક દહાડો તે વનમાં ચાલ્યો જાય છે ને કઠોર તપ કરવા માંડે છે. આ બાજુ વૃદ્ધ માબાપ કૌશિકનું નામ જપતાં રડીરડીને આંખો ખુએ છે.

એક દહાડો આ કૌશિક નાહીધોઈ સંધ્યા કરવા એક ઝાડ નીચે બેઠો હતો, ત્યાં ઝાડ પર બેઠેલી એક બગલી એની જટામાં ચરકી, બસ, કૌશિકનો પિત્તો ગયો! ક્રોધભરી નજરે એણે બગલી સામે જોયું. બિચારી બગલી આ તપસ્વીની ક્રોધઝાળને કેમ સહન કરી શકે? બળીને ખાખ થઈ ગઈ! કૌશિકને થયું, હાં, હવે તપની કાંઈ સિદ્ધિ મળી. આટલાં વર્ષ કાંઈ એળે નથી ગયાં. આથી પણ વિશેષ તપ કરીશ, ને વિશેષ સિદ્ધિ મેળવીશ. આવો વિચાર કરતો સ્નાન કરી પડખેના ગામમાં ભિક્ષા માગવા ગયો. પહેલી જ પોળમાં એક બ્રાહ્મણનું ઘર. ‘ભવિત ભિક્ષાં દેહિ’ કહીને ઊભો રહ્યો. સ્ત્રી ‘આ આવી મહારાજ’ કહી ઘરમાં ભિક્ષા લેવા માટે ગઈ. ભિક્ષા લઈને આવતી હતી. ત્યાં એનો પતિ આવ્યો, એટલે ભિક્ષા દેવાનું ભૂલી એને હાથપગ ધોવા પાણી આપ્યું. પાટલો ઢાળી, થાળી પીરસી, થાકેલા પતિની પડખે બેસી પંખો નાખવા લાગી, પતિને પીરસવામાં ને જમાડવામાં એ ભૂલી જ ગઈ કે બહાર તપસ્વી અતિથિ તડકે રાહ જોતો ઊભો છે! 

‘મૂળ ક્રોધી છેક,
તેમાં અવિવેક, ગૃહિણીનો ભળ્યો
પ્રગટયો અનલ,
તેમાં બની તેલ પ્રતિ પળ પળ વિલંબની પડે.’

પતિ જમી રહ્યો એટલે બાઈને ઓસાણ આવ્યું કે બહાર તો પેલો અતિથિ ઊભો છે! વીલી વીલી થઈ એ દોડી આવી, ‘માફ કરજો મુનિ, પતિ ઘેર આવ્યા એની સેવામાં તમને ભિક્ષા દેવાનું ભૂલી ગઈ!’

પણ સ્ત્રીએ જેમ ગરવાઈ બતાવી, જેમ નમ્રતા બતાવી, તેમ આ જુવાન તપસ્વીનો ક્રોધ વધતો ચાલ્યો. બ્રાહ્મણ સ્ત્રીએ બહુ બહુ વિનંતિ કરી છતાં જ્યારે કૌશિક ન માન્યો, ઊલટો ક્રોધમાં આંખો ફાડવા માંડ્યો ત્યારે માતા જેમ તોફાની બાળકને સ્નેહથી કહે, તેમ બાઈએ કહ્યું : ‘મુનિ, મને કાંઈ પેલી બગલી ધારી, કે આંખો ફાડી એટલે હું બળી જાઉં?’

કૌશિક તો ટાઢો રસ થઈ ગયો! શું બોલે? જંગલના એકાંતમાં પેલી બગલી બળી હતી. ત્યાં કોઈ હતું નહિ. આ બાઈને કર્યાંથી ખબર? ને આવી સર્વજ્ઞ બાઈને એણે ધમકાવીને અપમાની હતી. એ પગમાં પડીને કહે : ‘મા, મને માફ કરો.’

બાઈએ એને હેતે જમાડ્યો. થોડી શીખ આપી. એટલે કૌશિક નમ્ર થઈને કહે, ‘આટલું બધું જ્ઞાન તમે ક્યાંથી મેળવ્યું? વર્ષોથી વનમાં તપ કરવા છતાં મને તો એ પુરું મળ્યું નથી.’ ત્યારે બાઈ કહે : ‘મથુરા શહેરમાં ધર્મવ્યાપ નામનો એક કસાઈ રહે છે તેની પાસે જાઓ. તે તમને આનો જવાબ આપશે.’

કૌશિક તો બાઈના ગુણ ગાતો મથુરા ભણી ઊપડ્યો. કસાઈવાડામાં જઈને જુએ છે, તો ધર્મવ્યાધ ભજનના તાલે તાલે માંસ કાપી રહ્યો છે. કોઈ ભિખારી આવે છે તો દાન દે છે.

બ્રાહ્મણને છેટેથી જોઈ પ્રણામ કરી તેણે કહ્યું : “તમને પેલી બ્રાહ્મણ સતીએ મોકલ્યા છે ને? આ આવ્યો.’ ઘેર લઈ જઈ તુલસીક્યારા પાસે એને બેસાડી પોતાનાં અંધ માતાપિતાને નવરાવી ખવરાવી કૌશિક પાસે આવ્યો. કૌશિકે પહેલો જ સવાલ કર્યો :

‘તમને આ જ્ઞાન ક્યાથી થયું?’

‘હું કાંઈ શાસ્ત્ર ભણ્યો નથી, મારું શાસ્ત્ર કહો કે તપ કહો, તે આ મારાં માબાપની સેવા છે. તે જ મારાં ઈશ્વર, તે જ મારો ધર્મ, એમ સમજી એમની સેવા જાગૃતિથી-તનમન ને ધનથી કરું છું. તેમાંથી જ મારા મનમાં અજવાળું થતું જાય છે. પેલી બાઈ ને પણ એના પતિની એવી નિર્વ્યાજ સેવામાંથી જ જે કાંઈ જ્ઞાન છે, તે મળ્યું છે. બધે જ ઈશ્વર છે. તમે અમે સૌ, એનાં સ્વરૂપો છીએ, તો આઘે શા સારું દોડવું? સૂર્યને જોવા જંગલમાં જવાની કે અગાશીએ ચડવાની શી જરૂર છે? તે સર્વવ્યાપી છે. ઘટઘટમાં રમે છે. મને ઝાઝું કહેવું ન શોભે. જાઓ, જઈ ને એમને સેવો.’

મહાભારતકાર આર્ષદૃષ્ટા છે. ક્યાં એક બ્રાહ્મણી; જેને મધ્યયુગમાં પશુ સાથે સરખાવવામાં આવી છે, ને કાં એક કસાઈ – બંને તપસ્વી બ્રાહ્મણનાં ગુરુ થયાં! આમાં કોણ ઊંચ ને કોણ નીચ!

ભગવાન કપિલવસ્તુ ગયેલા. રાહુલને દીક્ષા આપી પાછા આવ્યા પછી તેમનો એક કુટુંબી અનિરૂદ્ધ તેના પિતાની પાસે સંન્યાસ લેવાની રજા લેવા ગયો. પિતાએ કહ્યું, ‘જો આપણા પ્રમુખ ભદ્ર તારી જોડે સંન્યાસ લે, તો મારી સંમતિ છે.’ એને એમ કે પ્રમુખપદ મૂકી એ સંન્યાસ નહિ લે. પણ ભદ્રે એ સાંભળ્યું કે તરત જ સંન્યાસ લેવાની તૈયારી બતાવી, બીજા ત્રણચાર શાક્ય જુવાનો સાથે એ ભગવાન પાસે દીક્ષા લેવા નીકળ્યા. થોડે સુધી એમના હજામ ઉપાલિને કાંઈક ઊંચકવા સાથે લીધો. સરહદે પહોંચી પોતાના વસ્ત્રો, ઘરેણાં, મુગટ વગેરે ઉપાલિને આપીને કહે : ‘તું પાછો જઈ અમારાં ઘરનાંને ખબર આપજે. ને આ ધન તું રાખજે; તારા આયુષ્ય માટે તે પૂરતું છે.’ ઉપાલિ હજામ હતો, પણ કપિલવસ્તુમાં ભગવાનની વાણી શું એણે નહોતી સાંભળી? અમરધામના દરવાજા શું એને માટે પણ ખુલ્લા નહોતા થયા? શું ત્યાં પણ આ કુલપુત્રો જ આગળ નીકળી જશે? એણે ઘેર જવાની ના પાડી, ને આ શાક્યપુત્રો સાથે ચાલી નીકળ્યો. ને ખરે જ ઉપાલિ હજામ એ સંઘનો પ્રમુખ સ્થવિર-મોવડી થયો. બુદ્ધના અવસાન પછી એણે વડાનું સ્થાન શોભાવ્યું. ભગવાનની વાણી ક્યાં ક્યાં પહોંચી હતી? આમ્રપાલિ ગણિકા હતી, પણ સમદૃષ્ટિના અવતાર સમા ભગવાનને સંઘ સાથે જમવા આવવાનું નોતરું દેવા ગઈ હતી. જતી વખતે તો સંકોચ થતો હતો, પણ ભગવાને એ સ્વીકાર્યુ, એટલે તો એનો આનંદ સમાતો નહોતો. આનંદમાં એ રથ દોડાવ્યે જતી હતી. એનાં પૈડાં લિચ્છવીગણના મુખીઓના રથનાં પૈડાં સાથે ભટકાઈ રહ્યાં છે તેનું પણ એને ભાન નથી. ‘અરે પાલિ, જોતી નથી તારા રથના પૈડાં અમારા રથ સાથે ભટકાય છે? પણ આમ્રપાલિને એની ક્યાં પડી છે? ભગવાને એનું – નર્તિકાનું નોતરું સ્વીકાર્યુ છે, એની બધી સામાજિક હીનતા પર જાણે તથાગતે સ્વહસ્તે છેકો મારી, એ હીનતાને ધોઈ નાખી છે. એ કહે:

‘આર્યપુત્રા, ભગવાન તથાગતે મારે ત્યાં કાલે જમવાનું નોતરું સ્વીકાર્યું છે.’

ગણપુરુષો કહે : ‘આમ્રપાલિ, અમે આમંત્રણ આપવા જ જઈએ છીએ. તું એક લાખ કાર્ષાપણ લે, પણ આ ભોજન અમને કરાવવા દે.’

આર્યપુત્રો, કદાચ આપ મને આખી વૈશાલીનું રાજ્ય આપો તો પણ ભગવાને જમાડવાની આ તક હું જતી કરનાર નથી.’

‘આ અમ્બીએ આપણને શેહ દીધી.’ કહી બધા ગણમુખ્યો ભગવાન જ્યાં ઊતર્યા હતા તે વનમાં ગયા, ને ઉપદેશ સાંભળી બીજે દિવસે ભોજન સ્વીકારવાનું નિમંત્રણ આપ્યું.

ભગવાને કહ્યું : ‘આવતી કાલે તો આમ્રપાલિ ગણિકાને ત્યાં ભોજન લેવાનું મેં સ્વીકારી લીધું છે.’

‘આ અમ્બીએ અમને હરાવ્યા,’ ગણમુખ્યોએ હાથ પછાડી કહ્યું.

બીજે દિવસે બુદ્ધ પોતાના સાધુસંઘ સાથે આમ્રપાલિને ઘેર ભોજન લેવા ગયા. ધર્મોપદેશ સાંભળી આમ્રપાલિએ કહ્યુંઃ ‘જે બૌદ્ધ ભિક્ષુઓના મુખી ભગવાન છે, તે ભિક્ષુસંઘને મારો આ નિવાસ ને ઉપવન અર્પણ કરું છું.’

આમ્રપાલિ ભિક્ષુણી થઈ ગઈ. થેરીગાથાઓમાં એની રચેલી ગાથાઓ છે.

બુદ્ધે માત્ર વિચારની ક્રાંતિ નહોતી કરી, પણ એક સામાજિક ક્રાંતિનાં બારણાં ઉઘાડ્યાં હતાં.

Total Views: 285

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.