ગયા અંકમાં આપણે ‘વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો’ એ સૂત્ર વિશે ચિંતન કર્યું, હવે આગળ…
કેવળ કઠિન પરિશ્રમ કરનારને જ વિભિન્ન માનસિક તણાવ થાય છે એવું આપણે વિચારવું ન જોઈએ. એનાથી કોઈ પણ બાકાત નથી. પરંતુ આ સમસ્યાના સમાધાનના અનેક ઉપાય છે. આયુર્વિજ્ઞાનમાં એનું શાસ્ત્રીય નિદાન આ પ્રકારે કર્યું છે. ધારો કે કોઈ દબાણ, તણાવ કે થાકથી પીડિત વ્યક્તિ કે મનના તૂટી પડવાથી ઉત્પીડિત વ્યક્તિ કોઈ ડોક્ટરની સમક્ષ જાય છે ત્યારે એવું પણ બની શકે કે ડોક્ટર એનું મૂળ કારણ ઓળખી ન શકે.
એ યાદ રાખવાની આવશ્યકતા છે કે રોગી માત્ર શરીર નથી, મન પણ છે. એવું બની શકે કે ચિકિત્સક રોગીના મનની સ્થિતિના શરીર પર પડનારા પ્રભાવને મહત્ત્વ ન દઈ શકે, કારણ કે માનસિક તણાવગ્રસ્ત રોગી માથાનો દુ :ખાવો, કમરદર્દ, રક્તચાપ વગેરેની ફરિયાદ કરે છે અને ચિકિત્સક તેની શારીરિક પીડાનો જ ઉપચાર કરે છે.
જો રોગી મનોરોગના નિષ્ણાત પાસે જાય તો એને ઘણો ખર્ચ કરવો પડે છે. મેં ઘણાં માતપિતા પાસેથી સાંભળ્યું છે કે બાળકોના ઉપચારમાં એમને ઘણું ધન ખરચવું પડ્યું છે. આવી પરિસ્થિતિમાં મારી સલાહ આ છે : ‘આ બધાને ભૂલી જાઓ. પોતાના આંતરિક દિવ્યત્વમાં શ્રદ્ધા રાખો. સ્વામી વિવેકાનંદનું અનુસરણ કરો અને એમના પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે તરત જ રોગમુક્ત બની જશો.’ કેટલાક રોગીઓને આનાથી લાભ થયો છે. એના પરથી એટલું સ્પષ્ટ થાય છે કે આપણને મનોદેહ-સંકુલને ઉપયુક્ત એવા સુમેળની આવશ્યકતા છે. પરંપરાગત ‘ડોક્ટરી’ ઉપચારથી વિપરીત આધુનિક માર્ગમાં રોગીના દેહ અને માનસ બંને પર ધ્યાન દેવામાં આવે છે.
અહીં હું જ્હોન આર. હાર્વેનો એક લેખ ‘દબાણ અને દબાણ નિયંત્રણનું પરિદૃશ્ય’ની ચર્ચા કરીશ. એમાં હાર્વેએ પોતાના અનુભવોનું વર્ણન કર્યું છે. એમાંથી એકનું હું સંક્ષેપમાં વિવરણ આપીશ. એક દિવસ હાર્વેના એક ચિંતાગ્રસ્ત મિત્ર તેમની કચેરીએ આવ્યા. તેમણે પોતાના પરિવારના સ્વાસ્થ્યનું વિવરણ આપ્યું. તેમણે કહ્યું કે તેમના પરદાદા ખૂબ બળવાન હતા. આખું જીવન સ્વસ્થ રહ્યા અને ૭૮ વર્ષની ઉંમરે હૃદયના હુમલાથી મૃત્યુ પામ્યા; તેમના દાદા નીજી વેપાર કરવાવાળા સ્વાવલંબી પુરુષ હતા. એમને ૬૮ વર્ષની ઉંમરે હૃદયનો હુમલો થયો.
તેમના પિતા ૫૮ વર્ષના હતા ત્યારે પ્રાણઘાતક હૃદયનો હુમલો આવ્યો. વિવશતાનો નિસાસો નાખીને એમણે કહ્યું, ‘આ બધાના મૃત્યુ પછી મને એવું લાગે છે કે હું ૪૮ વર્ષથી વધારે નહીં જીવું.’ થોડીવાર તેઓ શાંત રહ્યા પછી સ્વસ્થ થઈને કહ્યું : ‘સારું, મિ. હાર્વે, આવું કેમ થાય છે? તેઓ ક્રમશ : અલ્પાયુમાં શા માટે મરી ગયા?’ થોડી વાર શાંત રહ્યા પછી એ મિત્રે પૂછ્યું : ‘શું હું પોતાને સુરક્ષિત રાખવા કંઈ કરી શકું ખરો?’
ઉપર્યુક્ત લેખમાં મિ. હાર્વેએ લખ્યું છે કે તેમણે પોતાના મિત્રની વાત પર ગહન વિચાર કર્યો, ઊંડાણથી અનુચિંતન કર્યું. જેવી રીતે આપણામાંથી અનેક લોકો જીવનની વિષમ પરિસ્થિતિમાં વિચલિત થઈ જાય છે તેવી જ રીતે આ સમયે આવો પ્રશ્ન કરનાર તેમનો મિત્ર હતો અને જ્હોન હાર્વે દ્વારા તેમને આપેલી સલાહ આપણા માટે પણ ઉપયોગી છે.
તેમણે પોતાના મિત્રને કહ્યું : ‘તમે એમ શા માટે માનો છો કે તમે ૪૮ વર્ષ પૂરાં નહીં કરી શકો? તમે નકારાત્મક વિચારથી શા માટે ઘેરાયેલા રહો છો? સકારાત્મક વૃત્તિવલણ અપનાવો. થોડો આત્મસંયમનો અભ્યાસ કરો. હું જે કહું છું એ પ્રમાણે પોતાના જીવનમાં અનુસરો તો તમે પણ પોતાના પરદાદાની ઉંમર સુધી જીવતા રહેશો.’ મિત્રે કહ્યા પ્રમાણે જ કર્યું અને એમને કહેવામાં આવ્યું તે પ્રમાણે તે દીર્ઘાયુ પણ બન્યા.
આ પ્રકારના પ્રશ્ન અનેક લોકો કરી શકે છે. આજે મોટા ભાગના લોકોની પાસે ધનની સુરક્ષા, સફળતા એવં ભૌતિક સુવિધાઓ પ્રાપ્ય છે. પરંતુ એનું મૂલ્ય ચૂકવવું પડે છે. પ્રત્યેક સાંસારિક ઉપલબ્ધિ અધિકતર માનસિક તણાવ, થાક અને અંતે પ્રાણઘાતક રોગ લઈને આવે છે અને એ મૃત્યુનું કારણ બને છે. સ્નાયુગત તણાવ મૃત્યુનું મુખ્ય કારણ બની જાય છે.
અહીં ઉલ્લેખનીય વાત એ છે કે તણાવનું નિયંત્રણ થઈ શકે છે. કેટલાક સમય પહેલાં ભારત સરકારે એક ટિકિટ બહાર પાડી હતી. એના પર ત્રણ શબ્દોનો સંદેશ હતો – ‘નકારાત્મક તણાવથી બચો’. એનું તાત્પર્ય એ છે કે તણાવને જો યોગ્ય અભિપ્રેરણા મળે તો એ હિતકર બની શકે છે. નકારાત્મક ઉપયોગથી આ ઇર્ષ્યા, ઘૃણા, સંદેહ, ક્રોધ, સ્નાયુગત તણાવ, થાક અને અન્ય રોગો ઉદ્ભવે છે.
સકારાત્મક તણાવને સ્વીકારો
આ બાબતો પરથી એ સ્પષ્ટ થાય છે કે તણાવની સકારાત્મક અને નકારાત્મક એવી બે શ્રેણીઓ છે. સકારાત્મક તણાવ આવકાર્ય છે, કારણ કે એ આપણને કાર્યને કુશળતાપૂર્વક કરવાની ઇચ્છાથી પ્રેરિત કરે છે. અન્યથા જે આપણી પાસે છે એના પર સંતોષ રાખીશું કે મુશ્કેલીથી બચવાનો પ્રયત્ન કરીશું. આપણે પડકારોને નકારી દઈએ તો માનવતા આજે પણ પાષાણયુગ જેવી જ રહેશે.
આપણને કોઈને કોઈ તણાવ તો સદા રહે જ છે. એને સકારાત્મક તણાવ બની રહેવાદો, નકારાત્મક નહીં, કારણ કે નકારાત્મક તણાવ તો અવાંછનીય પરિસ્થિતિઓ ઊભી કરે છે. એ એવી ભાવનાઓની અભિવૃદ્ધિ કરે છે કે જે દુ :ખ અને કષ્ટથી પૂર્ણ છે.
હું એક ઉદાહરણ દ્વારા નકારાત્મક તણાવને સ્પષ્ટ કરીશ. ધારો કે બે સહકર્મી એકબીજાથી આગળ વધવાની પ્રતિસ્પર્ધા કરે છે. થોડા સમય પછી એકબીજા કરતા આગળ વધી જાય છે. આ પરિસ્થિતિ સ્વભાવત : દુ :ખદ છે. પરિણામે માનસિક તણાવ આવવાનો જ. પ્રાય : સર્વથા અસહ્ય પરંતુ આ પ્રકારની પરિસ્થિતિને ગહન ચેષ્ટા કરવાની પ્રેરણા બનાવી લેવી ઉચિત રહેશે.
આ એક ખોટી ધારણા છે કે ૧૫ થી ૧૬ કલાક સુધી દરરોજ કામ કરવાથી આપણે માનસિક તણાવ અનુભવીશું. પરંતુ એવાં પણ ઉદાહરણ છે કે જ્યાં લોકોએ ૨૦ કલાક કામ કરીને પણ કોઈપણ પ્રકારની યંત્રણાનો અનુભવ કર્યો ન હતો; અલબત્ત, કાર્ય કરવા માટે વાતાવરણ તેમજ સહયોગી અનુકૂળ હતાં. જ્યાં વાતાવરણ અનુકૂળ ન હોય ત્યાં થોડાક કલાકનો પરિશ્રમ થકવી દે છે. આના પરથી આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે કાર્યજનિત થાકનો સંબંધ માનસિક અવસ્થા સાથે વધારે છે અને શારીરિક સાથે ઓછો છે.
Your Content Goes Here




