આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ?

સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ વાળે છે ? આત્માના વિકાસ માટે કયું બળ તેને ગતિમાન કરે છે ? તે છે વ્યાકુળતા. તે આત્માના વિકાસ, વિસ્તાર અને બંધનોમાંથી મુક્તિ મેળવવા માટેનુ અંતર્ગત મૂળ કારણ છે. ભક્તિની ભાષામાં કહેવું હોય તો, એ જીવાત્માની ૫રમાત્મા પ્રત્યેની ઝંખના છે. વ્યાકુળતા એ ઈન્કાર ન થઈ શકે તેવી ઉચ્ચતર જીવનનાં સોપાનની ઝંખના છે, કદી ન બુઝાય તેવી તે અંતરની આગ છે. પ્રથમ તો વ્યાકુળ ભક્તના જીવનને સંકલિત કરે છે અને પછીથી તેના સમગ્ર જીવનને આલોકિત કરે છે. જેવી રીતે શરીરને ખોરાક માટે ભૂખ લાગે છે અને મનને જ્ઞાન માટેની તૃષા લાગે છે, તેવી જ રીતે આત્મા ઈશ્વર માટે અને મુક્તિ માટે ઝંખે છે.

પ્રત્યેક માનવના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તેનો આત્મા કે જે હજુ સુધી મનની ગુફામાં ઊંડેરો પડયો હોય અને અનેક જન્મોથી નિદ્રામાં પોઢી ગયો હોય છે. તે પેલા જગાડનારનો દિવ્ય સાદ સાંભળી જાગી ઊઠે છે. બહારની દુનિયાનો ઘોંઘાટ અથવા ઇન્દ્રિયોની દોડાદોડી, આ સાદને ચૂપ કરી શકતી નથી. આ સાદ સ્પષ્ટ રણકાર સાથે આવે છે ત્યારે આત્માએ તેને સાંભળવો જ પડે છે. પછી આત્મા કે જીવ ભૂતકાળ ની ટેવો અને અજ્ઞાનની દિવાલોને ભાંગી નાખવા અને મુક્તિ મેળવવા સંઘર્ષ આદરે છે. માણસના આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ ગઈ છે તે સૂચવતું એક માત્ર ચિહ્ન આ વ્યાકુળતા છે.

આપણાં સામાન્ય વ્યવહારુ જીવનમાં પણ ઇચ્છાઓ જ આપણી રોજ-બ-રોજની પ્રવૃત્તિઓને પ્રેરે છે અને પોષે છે. આપણે ભૂખ્યા થઈને ભોજન ઇચ્છીએ છીએ માટે ખાઈએ છીએ. આપણામાં જ્ઞાનની તરસ અને ઇચ્છા પેદા થાય છે એટલા માટે આપણે અધ્યયન કરીએ છીએ. આપણા બધાં કર્મોને પ્રેરનાર તે ઇચ્છાઓ કે કામનાઓ જ હોય છે. એરિસ્ટોટલનાં લખાણોમાં આ સત્યને ફિલસૂફીની સ્વીકૃતિ મળી છે. તેમનાં પુસ્તક Nicomachean Ethicsમાં તે જણાવે છે કે આપણાં કર્મોનો હેતુ હંમેશાં ઇચ્છાઓ નક્કી કરે છે, આમાં આપણી બુદ્ધિનું કાર્ય તો તે માટેનાં સાધનો નક્કી કરવાં તેટલા પૂરતું જ હોય છે અને નહિ કે કાર્યનો હેતુ. એરિસ્ટોટલનો મત છે કે ‘વિચાર પોતે કશા કામનો નથી.’ આને પછીથી અઢારમી સદીના સ્કોટલેન્ડના ફિલસૂફ હ્યુમે ખૂબ ભારપૂર્વક સમર્થન આપ્યું. તેના મતે, બુદ્ધિ તો આપણી એષણાઓની દાસી છે અને હોવી જ જોઈએ. હ્યુમના કથન ‘બુદ્ધિ તદ્દન સક્રિય છે’ તેની સાથે ભલે બધા લોકો સંમત ન થાય, પરંતુ એ હકીકતનો તો કોઈ ઈન્કાર કરી શકે નહિ કે ઇચ્છાઓ, આશા કે અભિપ્સા એ બધાં આપણા રોજિંદા જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પ્રત્યેક કાર્ય હાથ ધરવા આપણે ઇચ્છા જાગૃત કરવાની જરૂર પડે છે. એક મજૂરને પણ જો વધારાના પૈસા ન મળે તો તે વધુ કામ કરતો નથી. કોઈ વિદ્યાર્થીની ઝંખના ઈજનેર થવાની હોય તો તેને કાયદાનો અભ્યાસ કરવા પ્રેરવો બહુ મુશ્કેલ હોય છે.

માણસમાં જરૂરિયાતોની આખી હારમાળા હોય છે- ભૌતિક, બૌદ્ધિક, સાંવેગિક અને સામાજિક અને તે મુજબ તેનામાં અસંખ્ય ઈચ્છાઓ હોય છે. પરંતુ પ્રત્યેક માણસની પ્રકૃતિ અને વિકાસ મુજબ પ્રત્યેકની એક કેન્દ્રસ્થ કે આગળ પડતી ઇચ્છા કે જરૂરિયાત હોય છે. એ પ્રમુખ ઇચ્છા કે જરૂરિયાત મુજબ તેનો સ્વભાવ નક્કી થાય છે. જ્યારે આ પ્રમુખ ઇચ્છાને અભિવ્યક્ત કરતાં કર્મો તે કરે છે ત્યારે જ તેને તેમાં સંતોષ મળે છે. ત્યારે જ તેનું જીવન સર્જનાત્મક અને સંવાદમય બની રહે છે. આ પ્રમુખ ઇચ્છાની અભિવ્યક્તિને રોકવામાં આવે ત્યારે સંઘર્ષો પેદા થાય છે. પરંતુ માણસની પ્રમુખ ઇચ્છા અસ્પષ્ટ કે વણ શોધાયેલ રહે છે ત્યારે તેનામાંથી જીવનરસ સુકાઈ જાય છે અને તેને જીવન અર્થહીન લાગે છે. આપણે અહીં જેની વાત કરીએ છીએ તે આધ્યાત્મિક જીવન માટે તો આ બહુ સારી વાત છે. એક સારું નૈતિક જીવન જીવવું, અમુક કર્મકાંડો કરવાં અને શાસ્ત્રોનો અભ્યાસ કરવો આ બધાથી માણસ સામાન્ય અર્થમાં ધાર્મિક કે પવિત્ર કહેવાય છે. પરંતુ તેના જીવનમાં આધ્યાત્મિક વ્યાકુળતા બહુ થોડો ભાગ ભજવતી હોય, જીવનની એષણાઓ અને તેને મેળવવાના પ્રયત્નો વધારે મોટો ભાગ ભજવતાં હોય તો તે આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ્યો છે તેમ ન કહી શકાય. જ્યારે તીવ્ર વ્યાકુળતા તેના જીવનમાં અગ્રગણ્ય ભાગ ભજવે અને બીજી બધી ઇચ્છા અને એષણાઓ ગૌણ બની જાય ત્યારે જ સાચા આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ ગણાય.

આધ્યાત્મિક વ્યાકુળતા એટલે માત્ર કોઈ પવિત્ર ઇચ્છા કે શુભ ઇરાદો રાખવો એ નથી. આધ્યાત્મિક જીવનમાં તો વ્યાકુળતા એટલે તાલાવેલીથી પોતાના આત્માની શોધ. આ ધબકતા આવેશને જ શ્રીરામકૃષ્ણ ‘વ્યાકૂળતા’ કહેતા. એ હોય છે ઈશ્વરનાં દર્શન માટેની તીવ્ર એષણા કે આકાંક્ષા. તેનું વર્ણન કરતાં તેઓ કહે છે, ‘કોઈના કુટુંબમાં કોઈ બિમાર હોય ત્યારે તેની જે અવસ્થા થાય તેવી આ અવસ્થા હોય છે. એવી વ્યક્તિનું મન સતત અસ્વસ્થ રહે છે અને તે કેમ જલ્દી સાજો થાય તેનો જ માત્ર વિચાર કરે છે. બીજો દાખલો આપીએ તો કોઈ વ્યક્તિની નોકરી ચાલી જાય અને કામની શોધમાં તે એક કચેરીએથી બીજી કચેરીએ ધક્કા ખાય, તેવી તીવ્ર ઇચ્છા વ્યાકુળ ભક્તને ભગવાન મેળવવાની હોય છે. એક કચેરીમાં કોઈ સ્થાન ખાલી ન હોય અને તેને ‘ના’ પાડવામાં આવે, છતાં તે બીજે દિવસે પાછો ત્યાં જઈ પૂછે, હવે આજે કોઈ જગા ખાલી છે ? – તેવી હોય છે.’1‘Gospel of Sri Ramakrishna’ (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ-૧૯૭૪), પૃ. ૨૧

શ્રી શંકરાચાર્ય તથા અદ્વૈતવાદના બીજા ગુરુઓએ જ્ઞાનના માર્ગે જનાર માટે ચાર મુખ્ય ગુણો વર્ણવ્યા છે. તેમાંનો એક છે – ‘મુમુક્ષુત્વ’. તેમાં એમ કહેવાયું છે કે કોઈ માણસના વાળમાં આગ લાગી હોય ત્યારે તે જેમ દોટ મૂકતો તળાવ તરફ ધસી જાય તેવી રીતે શિષ્ય ગુરુ પાસે પહોંચી જાય છે?2જુઓ ‘વેદાંત સાર’ ૧.૩૦ તેમ છતાં મુમુક્ષુત્વ એ વ્યાકુળતાની નકારાત્મક બાજુ છે. તેના પછી તરત, બ્રહ્મને જાણવાની ‘જિજ્ઞાસા’ કે ‘વિવિદિશા’ આવવાં જોઈએ. આ બે પ્રકારની તીવ્ર વ્યાકુળતા વિના જેઓ અદ્વૈતના માર્ગને અનુસરે છે, તેમણે માત્ર પુસ્તકિયા જ્ઞાનથી જ સંતોષ માનવો પડે છે.

વ્યાકુળતાનું મહત્ત્વ

કોઈ પણ મહાન સંત કે ઋષિનું જીવન લો. તેમનો ચાવીરૂપ ગુણ અચૂકપણે એકાગ્ર થયેલી તીવ્ર , વ્યાકુળતા હોય છે. એના દ્વારા જ અધ્યાત્મનો જિજ્ઞાસુ બીજા કરતાં જુદો પડે છે. સાચી ઝંખના એ આધ્યાત્મિકતાની પરિતૃપ્તિની અગ્રદૂત હોય છે. શ્રીરામકૃષ્ણ કહે છે, ‘ઉષાના આગમન વખતે પૂર્વ તરફનું આકાશ લાલચોળ બની જાય છે. તેથી આપણને સમજાય છે કે હવે સૂર્ય ઊગશે. તેવી જ રીતે તમે ઈશ્વર માટે તડપતા હો તો તમે પાકી ખાતરી રાખજો કે તેનાં દર્શન કરવા તમારે હવે વધુ રાહ જોવી નહિ પડે.’3The Gospel પૃ.૬૪૪

અધ્યાત્મના એક અભિપ્સ અને બીજા વચ્ચેનો મહત્ત્વનો તફાવત તેમની વ્યાકુળતાની તીવ્રતાના માપ પરથી જાણવા મળે છે. વ્યાકુળતાની તીવ્રતા જેટલી વધારે, તેટલી આધ્યાત્મિક પ્રગતિ વધારે વહેલી થાય છે. પતંજલિ યોગીઓના ત્રણ પ્રકાર વર્ણવે છે : મૃદુ, મધ્યમ અને અધિમાત્ર; અને જણાવે છે કે જેમનામાં તીવ્ર ‘સંવેગ’ (વ્યાકુળતા) હોય છે તેમને માટે ધ્યેયસિદ્ધિ નજીકમાં જ હોય છે.4પતંજલિ યોગસૂત્ર ૧-૨૨, ૨૧ ‘સંવેગ’ શબ્દનો અર્થ જુદાજુદા ભાષ્યકારો જુદો જુદો કરે છે. હરિહરાનંદ અરણ્ય, સૂત્રો પરની તેમની બંગાળી નોંધમાં કહે છે, ‘જંગલમાંથી પસાર થતો કોઈ વટેમાર્ગુ જેમ સંધ્યા થતા ચિંતિત થાય છે અને વધારે ઝડપથી ચાલે છે, તે જ પ્રમાણે યોગીઓ આ આવન-જાવનવાળા જીવનમાંથી મુક્ત થવા આતુર બની જાય છે. આ આતુરતા એ જ ‘સંવેગ’ ઉપનિષદો કહે છે કે જેઓ ઝંખના સેવે તેમને જ આ આત્માની પ્રાપ્તિ થાય છે.5યમેવૈષ વૃણતે તેન લભ્ય: કઠોપનિષદ ૧.૨.૨.૩., મુંડક ૩.૨.૩ ઈસુ ખ્રિસ્ત પણ વચન આપે છે, ‘તેને શોધો અને તે તમને મળી જશે.’ ‘શોધવું’ એટલે ઝંખના દ્વારા શોધવું. વ્યાકુળતાની પાંખો વડે જ ‘એકમેવ પ્રત્યેનું ઉડ્ડયન એકમેવ’ પ્રત્યે થાય છે.

શ્રીરામકૃષ્ણના મતે તો સાધનામાં આ તીવ ઝંખના જ પૂરતી છે. જો માણસમાં તીવ્ર વ્યાકુળતા હોય તો તે કોઈ પણ માર્ગે સફળ થાય છે. તેઓ કહેતા, આ તડપન એ જ મહત્ત્વની છે. તમે ગમે તે પંથને અનુસરો તમે હિંદુ હો, મુસલમાન હો, ખ્રિસ્તી હો, શાક્ત હો, વૈષ્ણવ હો કે બાહ્યસમાજી હો મહત્ત્વની વાત આ વ્યાકુળતા છે. ઈશ્વર આપણા અંતરનો માર્ગદર્શક છે. કદાચ તમે ખોટો માર્ગ લઈ લો તો પણ કંઈ વાંધો નહીં, તમારે માત્ર ભગવાન માટે વ્યાકુળ થવું જોઈએ. તે પોતે જ તમને સાચા માર્ગ પર મૂકી આપશે.6The Gospel, પૃ. ૬૪૪

શ્રીઠાકુરનું આ વચન તેમના અનુભવ પર આધારિત છે, તેથી હવે ‘એક પથ કે યોગ બીજાથી ઉચ્ચ કક્ષાનો છે’ એવી બધી ચર્ચાઓનો અંત આવી જાય છે. એક યંત્રમાનવ (રોબોટ)ની પેઠે કામ કરવું એ પૂરતું નથી. કર્મયોગીને માટે પણ મુક્તિની તીવ્ર ઇચ્છા કે ભગવાન માટે ઝંખના હોવી જોઈએ. તેમ ન હોય તો તેનાં સત્કર્મો તેને થોડું પુણ્ય કમાવી આપશે અથવા તો હિન્દુ શાસ્ત્રોમાં વર્ણવેલ કોઈક ‘સ્વર્ગ’માં લઈ જશે. પરંતુ હૃદયમાં ભડભડ બળતી તીવ્ર વ્યાકુળતા સાથે તે કર્મ કરે અને તેનાં અનેક કર્મો વચ્ચે પણ તેનું હૃદય ઈશ્વરને ઝંખતું રહે, ‘જેમ ફસાયેલી માછલી પાણીને ઝંખે’ (તુકારામ) તો તે, કોઈ પોપટની પેઠે કોઈ મંત્રનો જાપ ક૨વામાં પોતાનો બધો સમય ગાળતો હોય તેનાથી વધુ ઝડપી આધ્યાત્મિક પ્રગતિ કરે છે. ઈશ્વર માટેની તીવ્ર ઝંખના વિના કોઈ ધ્યાન કે જપ કરે તો તે એક કર્મ થયું ગણાય અને કોઈ માણસ મજૂરીનું કામ કરતો હોય તેનાથી તે જરાય વધુ ઉન્નત નથી. કર્મો, ધ્યાન કે જપ એ આધ્યાત્મિક તપ તો જ બને જો તેનો સંબંધ આત્મા સાથે હોય. માત્ર શરીર અને મનથી કંઈ કરવું એ માત્ર સાદું કર્મ છે અને તે જીવનના અભાન પ્રવાહની જ એક જ ગતિ બની રહે છે. તેને આધ્યાત્મિક તપ બનાવવા આપણો જીવાત્મા કે આત્માએ, અગ્ર ભાગે આવી અને તેનો કબજો લઈ લેવો જોઈએ. આત્માના પ્રાગટ્યની એક માત્ર નિશાની એ ભગવાન માટેની વ્યાકુળતા છે. આપણામાં આધ્યાત્મિક શક્તિની જાગૃતિની પણ એક માત્ર નિશાની એ સાચી ઝંખના છે. સમાજ સેવા કે ધ્યાન એ આવી ઝંખનાયુક્ત થાય ત્યારે જ તેને યોગ કે આધ્યાત્મિક તપ કહેવાય.

વ્યાકુળતાના કાર્યો

આધ્યાત્મિક જીવનમાં અભિપ્સા શું ભાગ ભજવે છે? અભિપ્સા કઈ રીતે મન પર કાર્ય કરી આપણી આધ્યાત્મિક પ્રગતિમાં સહાયક થાય છે ?

પહેલી વાત એ કે સાધનાનું તે પ્રેરક બળ બને છે. કેટલાંક વર્ષો પહેલાં ‘વિન્ટેજ’ ગાડી પણ રસ્તાની અધવચ્ચે ખોટકાઈ જતી આપણે જોઈ છે, તેમાં બેઠેલી વ્યક્તિઓએ તેને ધક્કા મારી આગળ કરવી પડતી. પછી ગાડી આશાસ્પદ અવાજ સાથે પાછી ઉપડતી અને પાછી થોડે દૂર થઈ બંધ પડી જતી ! સાચી વ્યાકુળતા વિના આધ્યાત્મિક સાધનાની આવી જ દશા હોય છે.

આધ્યાત્મિક જીવનમાં માત્ર ‘ધક્કા માર્યા’ થી ચાલતું નથી. તેમાં ખેંચાણ પણ હોવું જોઈએ. ભગવાન પ્રત્યેની – ઝંખના જ શરી૨મનના તમસને જીતી લે છે અને આત્માને પ્રભુ પ્રત્યે દોરે છે. તીવ્ર વ્યાકુળતા એ લાંબી ટ્રેનને ખેંચતા બળવાન એન્જિન જેવી છે.

બીજી વાત એ કે વ્યાકુળતા જ માસિક શક્તિઓને વધુ ઉચ્ચ દિશા આપે છે. સામાન્યતઃ આપણું સમગ્ર જીવન અચેતનતામાં વીતતું હોય છે. આપણાં કર્મો અને વિચારો સ્વયં સંચાલિત અને ઉત્તેજનાના જવાબમાં થતી પ્રતિક્રિયા હોય છે, તેથી તેઓ યાંત્રિક, ગતાનુગતિક અને જૂની પ્રકૃતિ તરફ જવાનાં વલણ જેવાં હોય છે. વાસ્તવમાં તો દરેક વ્યક્તિ જીવનના વિશાળ અભાન વહેણમાંનું એક નાનકડું વમળ હોય છે. માણસ જ્યારે ધ્યાન કરવા પ્રયત્ન કરે ત્યારે આ ધ્યાન પોતે પણ આ વમળનો એક ભાગ જ બની જાય છે. વળી, આપણા વિચારોના માત્ર સક્રિય એવા સાક્ષી બની રહેવું અને ‘પસંદગી વિનાની સભાનતા’ આચરવી કે જેને આજના કેટલાક આધુનિક આધ્યાત્મિક ગુરુઓ પ્રબોધે છે, તે પણ પૂરતું નથી, કેમકે આ કહેવાતો ‘સાક્ષીભાવ’ એ પણ પેલા જીવનનાં વમળનો એક ભાગ જ હોય છે. એક માત્ર તીવ્ર વ્યાકુળતા જ અજ્ઞાનનાં વમળને ભાંગી નાખી, અચેતનતાના પ્રવાહમાંથી આત્માનો ઉદ્ધાર કરે છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ઈશ્વરની ભક્તિ, સંતો પ્રત્યે ભક્તિ, એકાગ્રતા, ધ્યાન અને નિઃસ્વાર્થ કાર્ય આ બધાં ‘માયા’ના પાશમાંથી છૂટવાના રસ્તા છે; પરંતુ સૌ પ્રથમ તો મુક્તિ માટેની તીવ્ર ઝંખના હોવી જોઈએ.’7Complete Works of Swami Vivekananda (પ્રકાશક : અદ્વૈત આશ્રમ, કલકત્તા ૧૯૭૨) ગ્રંથ ૫, પૃ. ૯૨

વ્યાકુળતા ત્રીજું કાર્ય એ કરે છે કે તે અનાસક્ત બનવાનું સરળ બનાવે છે. આપણે અગાઉ જોયું8જુઓ સપ્ટેમ્બર ૧૯૭૯ માસના ‘પ્રબુદ્ધ ભારત’નો તંત્રી લેખ. કે અનાસક્તિ એટલે ઇચ્છાઓથી અનાસક્ત થવું. તે મેળવવાનો એક માર્ગ, વિવેકની મદદથી તેનું વારંવા૨ આચરણ કરવા પ્રયાસ કરવો તે છે. પરંતુ તેનાથી પણ સરળ માર્ગ છે ઈશ્વર પ્રત્યેની તીવ્ર ઝંખના. શ્રીરામકૃષ્ણ કહે છે કે જ્યારે કોઈ માણસ પૂર્વ તરફ ગતિ કરે છે ત્યારે તે પશ્ચિમથી દૂર જતો હોય છે. તેવી જ રીતે તીવ્ર વ્યાકુળતા દ્વારા જ્યારે આત્મા ભગવાન પ્રત્યે ગતિ કરે છે ત્યારે તેની આસક્તિ પોતે જ ખરી પડે છે. અને વ્યાકુળતાનું એક બીજું કામ ઇચ્છાનાં વેરવિખેર બળને એકત્રિત કરવાનું છે. જીવનમાં સૌ વૃત્તિઓને એકત્રિત કરતું એક કેન્દ્રબિંદુ હોવું જોઈએ. તો જ શક્તિનો સંગ્રહ અને તેનો સર્જનાત્મક હેતુઓ માટે ઉપયોગ શક્ય બને છે. કોઈ વ્યક્તિનાં કામ, અભ્યાસ, સામાજિક સંબંધો અને આધ્યાત્મિક સાધના વચ્ચે પરસ્પરનો સુમેળ ન હોય તો તે કોઈ પણ ક્ષેત્રમાં સર્જનાત્મક શ્રેષ્ઠતા પ્રાપ્ત નહિ કરી શકે. આધ્યાત્મિક જીવન સમગ્ર વ્યક્તિત્વને સામેલ કરે છે અને એનો યોગ્ય સમન્વય ન થાય તો વ્યક્તિ તીવ્ર આધ્યાત્મિક પ્રયાસ કરી શકતી નથી. માત્ર ઉચ્ચ પ્રકારની વ્યાકુળતા જ જીવનની શક્તિઓને એક સર્વસામાન્ય બિંદુએ કેન્દ્રિત કરે છે અને વ્યક્તિત્વમાં પૂર્ણતા લાવે છે.

વ્યાકુળતાનું એક વધુ કાર્ય એ છે કે, તે સમયનો બચાવ કરે છે. માણસ ઘ્યાન અને જપમાં કેટલી વધુ સમય ગાળે છે એ આધ્યાત્મિક જીવન માટે બહુ મહત્ત્વનું નથી, પરંતુ જે તીવ્રતાથી તે આ બધું કરે છે તેનું મહત્ત્વ છે. વ્યાકુળતાની તીવતા જેટલી વધારે તેટલી પ્રગતિ ઝડપી. સ્વામી અભેદાનંદે એક વખત કહ્યું હતું કે તેણે આ જીવનમાં જ દસ જીવનના અનુભવો પ્રાપ્ત કર્યા છે.

એક દિવસ શ્રીરામકૃષ્ણ, તેમના ભક્તો સાથે પોતાના ખંડમાં બેઠા હતા, ત્યાં ભાવ-સમાધિમાં ચાલ્યા ગયા. ભક્તોમાં બલરામ બસુના પિતા પણ હતા, તેઓ શ્રીઠાકુરના મહાન ગૃહસ્થ-ભક્તોમાંના એક હતા. પછી શું બન્યું તે શ્રી મ. એ આ પ્રમાણે નોંધ્યું છે ‘એકાદ અંશ ચેતનામાં નીચે આવતાં, શ્રી ઠાકુરે બલરામના પિતાને પૂછ્યું, ‘શું તમે બલરામના પિતા છો ?’ બધા મૌનમાં સ્થિર હતા. બલરામના પિતા શાંતિથી માળા ફેરવતા હતા. ઠાકુરે (મ. અને બીજાને) કહ્યું, ‘આ લોકો કેટલાય જપ કરે છે અને અનેક પવિત્ર ધાર્મોમાં યાત્રા કરે છે. પરંતુ છતાં તેઓ આવા જ કેમ રહે છે ? શા માટે તેઓ પ્રગતિ કરતા નથી ? તેમને માટે તો જાણે વરસના અઢાર મહિના હોય છે ! કેમ તેઓ કશાનો સાક્ષાત્કાર કરતા નથી ? એટલા માટે કે તેમનામાં પ્રભુ મેળવવાની ઝંખના હોતી નથી.’9The Gospel પૃ. ૨૪૯

વળી આધ્યત્મિક વ્યાકુળતા એક વધુ મહત્વનું કાર્ય પણ કરે છે; તે કુંડલિનીને ઊર્ધ્વ ઉઠાવે છે. શ્રીમા શારદાદેવીએ કહ્યું છે તેમ જપ અને ધ્યાન તો માત્ર વિઘ્નો દૂર કરે છે, પરંતુ તીવ ઝંખના વડે જ સૂતેલી આધ્યાત્મિક શક્તિ જાગૃત થાય છે.10સ્વામી તપસ્યાનંદ અને સ્વામી નિખિલાનંદ કૃત ‘Sri Sarda Devi’ (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ ૧૯૬૯) પૃ. ૩૩૨ આ બાબતમાં એક પ્રખ્યાત વિજ્ઞાન કહે છે, ‘આ (ઉત્તમ અવસ્થા) માત્ર પુસ્તકોના વાચનથી પ્રાપ્ત થતી નથી. સાધકે ઈશ્વરને મુક્તિ માટે આર્તભાવે અને વ્યાકુળતાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ, કેમ કે કુંડલિની સૌ પ્રથમ જાગે છે, આવી પ્રભુ માટેની વ્યાકુળતાથી. આવી વ્યાકુળતા, આત્માની સાચી ક્ષુધા, આવો પોકાર અને તે પણ લાગણીઓના ઊભરા દ્વારા કૃત્રિમ અને ઉત્તેજિત કરીને થયેલો ન હોવો જોઈએ. તેને પદ્ધતિસરની નૈતિક પવિત્રતાથી પ્રાર્થના, ધ્યાન અને અન્ય આધ્યાત્મિક ક્રિયાઓ દ્વારા વધુ તીવ્ર બનાવવી જો ઈએ.11સ્વામી યતીશ્વરાનંદ, The Adventures in Religious life (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૬૨) પૃ. ૨૪૨.

(ક્રમશઃ)

  • 1
    ‘Gospel of Sri Ramakrishna’ (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ-૧૯૭૪), પૃ. ૨૧
  • 2
    જુઓ ‘વેદાંત સાર’ ૧.૩૦
  • 3
    The Gospel પૃ.૬૪૪
  • 4
    પતંજલિ યોગસૂત્ર ૧-૨૨, ૨૧ ‘સંવેગ’ શબ્દનો અર્થ જુદાજુદા ભાષ્યકારો જુદો જુદો કરે છે. હરિહરાનંદ અરણ્ય, સૂત્રો પરની તેમની બંગાળી નોંધમાં કહે છે, ‘જંગલમાંથી પસાર થતો કોઈ વટેમાર્ગુ જેમ સંધ્યા થતા ચિંતિત થાય છે અને વધારે ઝડપથી ચાલે છે, તે જ પ્રમાણે યોગીઓ આ આવન-જાવનવાળા જીવનમાંથી મુક્ત થવા આતુર બની જાય છે. આ આતુરતા એ જ ‘સંવેગ’
  • 5
    યમેવૈષ વૃણતે તેન લભ્ય: કઠોપનિષદ ૧.૨.૨.૩., મુંડક ૩.૨.૩
  • 6
    The Gospel, પૃ. ૬૪૪
  • 7
    Complete Works of Swami Vivekananda (પ્રકાશક : અદ્વૈત આશ્રમ, કલકત્તા ૧૯૭૨) ગ્રંથ ૫, પૃ. ૯૨
  • 8
    જુઓ સપ્ટેમ્બર ૧૯૭૯ માસના ‘પ્રબુદ્ધ ભારત’નો તંત્રી લેખ.
  • 9
    The Gospel પૃ. ૨૪૯
  • 10
    સ્વામી તપસ્યાનંદ અને સ્વામી નિખિલાનંદ કૃત ‘Sri Sarda Devi’ (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ ૧૯૬૯) પૃ. ૩૩૨
  • 11
    સ્વામી યતીશ્વરાનંદ, The Adventures in Religious life (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૬૨) પૃ. ૨૪૨.
Total Views: 177

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


  • 1
    ‘Gospel of Sri Ramakrishna’ (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ-૧૯૭૪), પૃ. ૨૧
  • 2
    જુઓ ‘વેદાંત સાર’ ૧.૩૦
  • 3
    The Gospel પૃ.૬૪૪
  • 4
    પતંજલિ યોગસૂત્ર ૧-૨૨, ૨૧ ‘સંવેગ’ શબ્દનો અર્થ જુદાજુદા ભાષ્યકારો જુદો જુદો કરે છે. હરિહરાનંદ અરણ્ય, સૂત્રો પરની તેમની બંગાળી નોંધમાં કહે છે, ‘જંગલમાંથી પસાર થતો કોઈ વટેમાર્ગુ જેમ સંધ્યા થતા ચિંતિત થાય છે અને વધારે ઝડપથી ચાલે છે, તે જ પ્રમાણે યોગીઓ આ આવન-જાવનવાળા જીવનમાંથી મુક્ત થવા આતુર બની જાય છે. આ આતુરતા એ જ ‘સંવેગ’
  • 5
    યમેવૈષ વૃણતે તેન લભ્ય: કઠોપનિષદ ૧.૨.૨.૩., મુંડક ૩.૨.૩
  • 6
    The Gospel, પૃ. ૬૪૪
  • 7
    Complete Works of Swami Vivekananda (પ્રકાશક : અદ્વૈત આશ્રમ, કલકત્તા ૧૯૭૨) ગ્રંથ ૫, પૃ. ૯૨
  • 8
    જુઓ સપ્ટેમ્બર ૧૯૭૯ માસના ‘પ્રબુદ્ધ ભારત’નો તંત્રી લેખ.
  • 9
    The Gospel પૃ. ૨૪૯
  • 10
    સ્વામી તપસ્યાનંદ અને સ્વામી નિખિલાનંદ કૃત ‘Sri Sarda Devi’ (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ ૧૯૬૯) પૃ. ૩૩૨
  • 11
    સ્વામી યતીશ્વરાનંદ, The Adventures in Religious life (શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૬૨) પૃ. ૨૪૨.