આજના યુગમાં અત્યારે વિશ્વ અને દરેક દેશના વિકાસમાં યુવાનોનો ફાળો મહત્ત્વનો બની રહે છે. યુવાનો ધારે તો વિશ્વની અને આપણા દેશની સૂરત પલટાવી શકે, એ માટે બધા યુવાનોએ જાગ્રત થવાની જરૂર છે. મારે યુવાનોને એક સંદેશ આપવો છે. આ સંદેશ થોડા પણ યુવાનો ઉપયોગમાં લેશે તો દેશ-વિશ્વને ઘણો લાભ થશે અને સ્વનો વિકાસ થશે. પણ આજના યુવાનો નાની-નાની મૂંઝવણોથી ગભરાઈ જાય છે. મારે તેમને એટલું જ કહેવાનું છે – ધર્મ કહે છે, જેને પ્રભુમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે, ‘જે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે.’
યુવાનો, તમારા માટે અમુક વસ્તુ અશકય છે એવો વિચાર કદાપિ કરશો નહીં. એવો વિચાર કરવો એ મોટી નબળાઈ છે. તમે જેવા વિચાર કરશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને નિર્બળ ધારશો તો તમે નિર્બળ બનશો, જો તમે તમારી જાતને સમર્થ માનશો તો સમર્થ બનશો. તમે તમારો વિકાસ પોતે કરો, કોઈની પણ આશા ન રાખો. ક્યારેય પાછી પાની ના કરશો. આ કામ મારું નહીં, એમ માનશો નહીં કારણ કે તમારામાં વિશાળ શક્તિઓ રહેલી છે. તમે જે ઇચ્છો તે કરી શકો એમ છો. તો શા માટે નિરાશ થવું જોઈએ? ક્યારેય પણ ભૂલ થાય તેની પરવા કરશો નહીં. ભૂલ તો દરેકથી થાય છે, ભૂલનો સ્વીકાર કરો અને ફરી વખત ભૂલ ન થાય તેનું ધ્યાન રાખશો. જીંદગી સંઘર્ષમય છે. નાની નિષ્ફળતાઓથી ગભરાશો નહીં. તમારા ધ્યેય પાછળ મંડ્યા જ રહો. સફળતા તો મળશે જ.
અશક્તિઓને ઢાંકવાનો ઉપાય ગોતશો નહીં પણ જગતને તમારી શક્તિઓનું ભાન કરાવો. મારા નવયુવાન મિત્રો, બળવાન બનો. ગણિતના અભ્યાસ કરતાં ફૂટબોલની રમત તમને બળવાન બનાવશે. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દૃઢ ઇચ્છાશક્તિ હોવાં જોઈએ. પુરુષાર્થ કરશો તો તમે ધ્યેયને પામી શકશો. સિંહની છાતીવાળા ઉદ્યમીઓને લક્ષ્મી આવી મળે છે. ભૂતકાળમાં જોવાની જરૂર નથી, વર્તમાનને નજર સમક્ષ રાખો. અપાર શક્તિ, અનંત ઉત્સાહ, અસીમ હિંમત અને ધ્યેયની જરૂર છે.
ક્યારેય નિરાશ થશો નહીં. માર્ગ ઘણો કઠિન છે. અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો કઠિન છે. છતાં હિંમત રાખો, ધ્યેયને સિદ્ધ કરો. લોકો ગમે તે કહે, તમે તમારા સિદ્ધાંતને વળગી રહો. ખાતરી રાખો, જગત તમારા ચરણે પડવાનું છે. સઘળી શક્તિઓ તમારામાં રહેલી છે. તમે જેમ ભયની નજીક રહેશો એમ ભય તમારી પાછળ-પાછળ આવશે. ભયનો સામનો કરો, ભય આપોઆપ નાસી જશે.
તમે એક વિચાર ગ્રહણ કરો. તમારી શક્તિઓનો પરિચય મેળવો. અરે ભરતવંશીઓ, સિંહની છાતીવાળા બનો. અત્યારે વિશ્વને જરૂર છે હિંમતવાળા યુવાનોની, સાચા મર્દોની, બીજું બધું તો થઈ રહેશે. પણ ખરેખર તો બળવાન, દૃઢ, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરૂર છે. જો આવા સો યુવકો મળશે તો આપણી સંસ્કૃતિની સૂરત બદલાઈ જશે. આવો, આપણે કોઈક વીરતાભર્યું કાર્ય કરી બતાવીએ. આવો, અરે ભરતવંશીઓ, સિંહ સમાન મર્દ બનીને ઊભા થાઓ. તમે ભરતવંશી છો, જે દેશમાં શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણદેવ માનવ સ્વરૂપે પધાર્યા- પ્રગટયા તે દેશનું ગૌરવ વધારો અને તમારી અને દેશની વિકાસસાધનામાં તન-મન-ધનથી સહકાર આપો. પ્રતિકૂળ પરિબળોને એક અવાજે કહી દો કે-
‘નાખો અમોને જીંદગીની આગમાં,
ફેરવીશું આગને પણ અમે બાગમાં.
સર કરીશું આખરે સૌ મોરચા,
મોતને પણ આવવા દો લાગમાં.’
Your Content Goes Here




